અનાદિ મુક્તરાજ જયંતિભગત રામજીભગત બગીચા
જામવંથલી, હાલ- જામનગર
પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની કૃપાથી જયંતીભગતને મહારાજની પરિપૂર્ણ ભગવાનપણાની જામવંથલીમાં જ ઓળખાણ થઈ હતી. મહારાજે તેમને સ્વયં દિક્ષામંત્ર આપી કંઠી બાંધી વિશેષ પાવન કર્યા હતા. જયંતીભગતને જામનગર તેમજ જૂનાગઢ મંદિરે અનેકવાર મહારાજના દર્શન તેમજ સેવા અર્થે જવાનું થતું. મહારાજ અતિ કૃપા કરી તેમને ખૂબ વહાલ કરતા અને ચરણસેવાનો લાભ આપતા.
એકવાર જયંતિભગત અને જાદવભગત બંને મહારાજના દર્શન કરવા જૂનાગઢ ગયા. ત્યારે મહારાજ ઊભા થઈ આવ્યા અને બોલ્યા કે, આવો આવો થાપા મારતા મારતા જાદવભગતને લઈ ગયા અને મહારાજ પાછા આવ્યા અને જયંતિભગતને થાપા મારતા મારતા વ્હાલ કરતા કરતા રૂમમાં લઈ ગયા અને મહારાજે પાછું કહ્યું કે, ‘આવો આવો ભક્તો' પછી બંનેને એક એક પગ દાબવા માટે આપ્યો અને સેવાઓ કરી. પછી મહારાજે કહ્યું કે, શું પ્રયોજન છે. ભગતે જવાબ આપ્યો કે, બહાર જવું છે એટલે આશિર્વાદ લેવા આવ્યા છીએ. મહારાજે જાદવભગતને ગંજીયું આપ્યું પછી જયંતિભગતને મહારાજે કહ્યું કે, ‘‘માંગો ભગત તમારે શું જોઈએ છે ?'' ભગત માગવામાં શરમાયા એટલે પછી જયંતિભગતને મનમાં સંકલ્પ થયો કે,- ‘‘આ પ્રસાદીનું ગંજીયું મને મળે તો સારું...'' એમ સંકલ્પ થયો ત્યાં તો મહારાજે સંકલ્પ જાણી લઈ એમને પણ ગંજીયું આપ્યું. આ રીતે મહારાજ તો અંતર્યામી રૂપે રહી ભક્તોના સંકલ્પ જાણી લઈ તે પ્રમાણે દર્શન, પરચા, પ્રસાદીની વસ્તુ આપતા.
જયંતિભગતે મહારાજની રજા લેતી વખતે મહારાજના ચરણમાં દસ રૂપિયા આપ્યા અને મહારાજે ગોળ ભૂંગળીવાળીને માથા પર ફેરવી સેવા સ્વીકારી. આ રીતે જયંતિભગત ઉપર મહારાજ રાજી થયા. પછી મહારાજ સાકરના ગાંગડા કાઢવા માંડ્યા. મહારાજે પહેલાં સાકરનો ડબ્બો ખખડાવ્યો અને મહારાજે ખોલીને મોટો ગાંગડો આપ્યો અને મહારાજ બોલ્યા કે, આ લે આ મોટો ગાંગડો છે. વળી પાછો બીજીવાર હાથ નાખ્યો ત્યારે મહારાજ બોલ્યા કે, આલે તે આ તો બીજો મોટો આવ્યો ગાંગડો. આ રીતે મહારાજ નાનકડાં ભક્તો અને છોકરાઓને ગુલાબ, સાકર આપી રમુજ કરાવીને આશિર્વાદ આપતા.
જયંતીભગતના બાપુજી રામજીભગતના ખેતરમાં એકવાર મહારાજ ન્હાવા આવ્યા ત્યારે કૂવામાં પાણી ન્હોતું ત્યારે રામજીભગત બોલ્યા કે, ‘‘કૂવામાં તો મહારાજ અત્યારે પાણી નથી.'' ત્યારે મહારાજ કૂવા પાસે ગયા અને મહારાજે કહ્યું કે, ‘‘આના કૂવામાં બરોબર વચ્ચે સેન્ટરમાં દાર કરાવજો પાણી થાશે.''
પછી ભગતે દારવાળાને બોલાવ્યા અને રામજીભગતે કહ્યું કે, આ કૂવામાં સેન્ટરમાં દાર કરવાનો છે. પછી દારવાળા ભાઈએ કહ્યું કે, ‘‘આ કૂવામાં પાણી નહીં થાય મારે વર્ષોનો અનુભવ છે. આમાં કાળમીઢ પથ્થર છે, એટલે પાણી નહીં થાય. ત્યારે રામજીભગતે કહ્યું કે,- ‘‘મને શાસ્ત્રીજી મહારાજે કહ્યું છે કે, ‘‘દાર અહીં કરાવો પાણી થાશે'' અને કહ્યું કે, તમે તમારું કામ કરો ભગવાનનું કામ ભગવાન કરશે... પછી સાયડો નંખાવ્યો દાર કર્યો. રાતના સાડા બાર વાગ્યે દારવાળાનો ફોન આવ્યો કે, અહીં આવો બહું પાણી થયું છે. પછી એકદમ પ્રેશરથી પાણી આવ્યું અને કૂવો પાણીથી આખો ભરાઈ ગયો. આ રીતે મહારાજે રામજીભગતના ખેતરના કૂવામાં અખૂટ જળ આપ્યા. હજુ હાલની તકે એ કૂવામાં પાણી ખૂટતું જ નથી અને દુષ્કાળ હોય કે મોળું વર્ષ હોય તો પણ જ કૂવો પાણીથી ભરેલો હોય છે.
જયંતિ ભગતના સસરા હેમંતલાલ હીરાલાલ નાનાણી પહેલા રામ ભગવાનનાં ઉપાસક હતા. એમણે મહારાજના ભક્તો દ્વારા ભગવાનપણાની ઘણી વાત સત્સંગમાં સાંભળી હતી. માટે તેમને એકવાર એવો સંકલ્પ થયો કે, જો મહારાજ મને રામ રૂપે દર્શન આપે તો હું તમને ભગવાન માનું. ત્યાં તો મહારાજે એમને મૂર્તિમાન રામરૂપે દર્શન આપ્યા. ફરી હેમંતલાલ ભગતને એવો મનમાં થોડો સંશય હોવાથી સંકલ્પ થયો કે, હવે જો કૃષ્ણરૂપે દર્શન આપે તો હું મહારાજને અવતારી પુરુષોત્તમનારાયણ પ્રગટ ભગવાન માનું. ત્યાં તો મહારાજે તેમને કૃષ્ણરૂપે દર્શન આપી પોતાની પરિપૂર્ણ ઓળખાણ કરાવી. આ રીતે જયંતિભગતના સસરાને ભગવાનપણાંનો નિશ્ચય કરાવ્યો.
મહારાજની કૃપાથી હાલમાં જયંતીભગત તેમજ તેમનો પરિવાર ખૂબ જ સુખી છે અને ધર્મમય જીવન જીવી સેવા-ભક્તિ દ્વારા પ્રગટ ભગવાનને ખૂબ જ રાજી કરે છે.