અનાદિ મુક્તરાજ રામજીભગત કેશવજીભગત રાઠોડ
ચાવડા, હાલ- રાજકોટ
મારી ઉંમર નાની હતી ત્યારે મારા બાપુજી ભેગો હું જામનગર મંદિરે મહારાજનાં દર્શને આવેલો અને ત્યારે મને મહારાજે કંઠી બાંધી હતી. મારા બાપુજી મહારાજના દર્શન કરવા જતા ત્યારે મહારાજને પૂછતા, મહારાજ આ વર્ષ કેવું જાશે ? એટલે જો વરસ માઠું જવાનું હોય તો મહારાજ કહે, જોઈતું વાવજો એટલે આપણે સમજવું કે ઓણ વરસ નબળું જાશે અને સારું વરસ જવાનું હોય તો મહારાજ કહે, કાંઈ વાંધો નહીં સારું વાવજો એટલે આ વરસ સારું જાશે.
મારી સાત મહિનાની ઉંમર ત્યારે હું ધાવતો નહીં ત્યારે મારા બાપુજી મહારાજ પાસે મને તેડી ગયા અને મહારાજને કહે, આને કાંઈ થયું છે એ ધાવતો નથી. ત્યારે મહારાજે પોતાના પગનો અંગૂઠો મારા મોઢામાં નાખ્યો ને હું તે અંગૂઠો ચૂસવા લાગ્યો ને મહારાજ કહે, જોઇ લ્યો આ બરાબર ચૂસે છે એને કાંઈ નથી. હવે આને કોઈ મૂઠ-ચોટ નહીં લાગે અને ક્યારેય કાંઈ નહીં થાય.
એકવાર મારા બાને આંખમાં જામર થયો હતો ત્યારે મારા બાપુજી એને જામનગર લઈ ગયા. જામનગર જઈને મંદિરે દર્શન કરવા ગયા. ત્યારે મહારાજ કહે, ભગત શું પધાર્યા ? ત્યાં મારા બાપુજી કહે, ઘરનાને ઝામર વા થયો છે, દવાખાને જવું છે. ત્યારે મહારાજ ચાલીમાં ગયા ને થોડીવાર ઊભા રહ્યા મારા બાએ મહારાજના દર્શન કર્યાં ને ત્યાં તો ઝામરવા મટી ગયો. તે દિવસથી ક્યારેય કાંઈ થયું નથી. અમારા બંને દિકરાનાં જન્મ મહારાજનાં આશીર્વાદથી જ થયા છે. મહારાજે જ કંઠી બાંધી છે અને નામ પણ મહારાજે જ પાડ્યું છે.
હું દુબઈ ગયો ત્યારે મહારાજના આશીર્વાદથી મને કોઈ છેતરી ગયું નથી મહારાજે રક્ષા કરી છે તથા હું અભણ એટલે જયંતિભગત કવિ તથા શાંતિલાલ વાઢેર મારા વતી મહારાજને પત્રમાં જય સ્વામિનારાયણ લખતા અને મહારાજ આશીર્વાદ આપતા. મારા બાપુજીના કહેવાથી અમે જૂનાગઢ મહારાજ પાસે ગયા. અમારા ઘરમાં ધૂણવાનું ચાલું થયું એટલે મહારાજને કહ્યું ત્યારે મહારાજ કહે, જાઓ કાળવાચોકથી ફૂલનો હાર લઈ આવો. એ તમારા કાકા છે અને એને પાણી પીવું છે તેથી પિતૃકાર્ય તો કરવું જ પડશે.
મારા કાકાને સાપ કરડ્યો હતો તેમાં તે ગુજરી ગયા હતા. એને પ૦ વર્ષ થયા તેનો ઉદ્ધાર કરવા મહારાજે હાર મંગાવ્યો અને અમે મહારાજને આમંત્રણ આપ્યું તમે આવજો. એટલે મહારાજે પ્રસાદીનું પાણી આપ્યું ફૂલનો હાર આપ્યો. મહારાજ કહે, તમારા કાકા પિતૃ આવે એટલે પાણીમાં આ પ્રસાદીનું પાણી નાંખજો અને તેમાં આ ગુલાબની પાંખડી નાંખજો અને પાણી પાજો. તમારે પિતૃ આવે એને બાંધવા નહીં.
પિતૃકાર્ય કરતી વખતે બીજા કોઈ નહીં આવે પણ આ તમારા કાકા આવશે અને અમારી હાજરી ત્યાં હશે. પછી પિતૃકાર્યમાં કાકા પિતૃ આવ્યા. અમે તેમને પાણી પાયું તો જે હાંડો ભર્યો હતો તે બધું પાણી પી ગયા. એક ટીપુંય પાણી નીચે ન ઢોળાવા દીધું. આમ મહારાજની કૃપાથી અમારા પિતૃનો ઉદ્ધાર થયો.
અમારા કલ્પેશની ઉંમર પાંચ-છ મહિનાની હતી ત્યારે અમે ગામડે ગયા હતા. અમારા મોટા ભાઈ નારણભાઈના છોકરાના વહુનું આણું તેડવા આવ્યાં હતા ત્યારે આ કલ્પેશને કોઈએ કંઇક કરી નાખ્યું એટલે રાડારાડ કરી મૂકી. તેને દવાખાને લઈ ગયા પણ કંઈ ફરક ન પડ્યો. પછી અમે ગામના અમારા સંબંધી દયાબેનને વાત કરી એટલે દયાબેન કહે, તમે મહારાજને ટપાલ લખી જાણ કરો. તે અમે અહીંથી જ્યાં જૂનાગઢ માટે ટપાલ નાખી ત્યાં તો કલ્પેશનું રોવાનું બંધ થયું. પછી મહારાજની ટપાલ આવી સાથે રક્ષામંત્ર મોકલીને કહ્યું કે, આ રક્ષામંત્ર ચાંદીની ડોડીમાં માદળિયામાં નાખજો ને બાંધજો તેથી કલ્પેશને કાંઈ નહીં થાય.
આમ પ્રગટ ભગવાનની કૃપાથી અમે સુખિયા છીએ. મહારાજની સેવા-ભક્તિ કરીએ છીએ. મહારાજે અમારી ઘણી રક્ષા કરી છે, દુઃખ ટાળી સુખિયા કર્યાં છે.