પરચા ૧૦૯

અનાદિ મુક્તરાજ ભવાનભગત સવજીભગત કાચા

જામવંથલી

પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ તો દયાના સાગર છે, શરણાગત ભક્ત પર રાજી થઈને પોતામાં જોડી બધી વૃત્તિઓને પોતાના સ્વરૂપમાં લીન કરી દે છે. એવા શરણાગત મુક્ત આત્મા શ્રી ભવાનભાઈ સવજીભાઈ કાચા જામવંથલીમાં રામ મંદિર ચોરા પાસે રહેતા હતા. જેમનું અડધું અંગ ખોટું થઈ ગયું હતું. શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ પ્રગટ ભગવાન પધરામણી કરવા હરિભક્તો સાથે નીકળ્યા હતા. તે સમયે ભવાનબાપાએ પોતાના ઘેર પધરામણી કરવા ભગવાનને પ્રાર્થના કરી. પ્રગટ ભગવાન અને ભક્તો રાજી થઈ તેમને ઘેર પધાર્યા. બાપાએ પોતાના અહોભાગ્ય માની પ્રગટ પ્રભુના પૂજન, આરતી કર્યા. બીમાર હતા એટલે મહારાજે રાજી થઈ વચન આપ્યું જે ભગતને અમો પરમધામમાં તેડવા આવશું. એવું વચન આપી મહારાજ એક રૂપિયાનો સિક્કો આપી બોલ્યા કે, આ લક્ષ્મીજી સાચવજો.

ભવાનબાપા એ રૂપિયાના રોજ દર્શન કરે અને મહારાજને યાદ કરે, અહોભાગ્ય માનવા લાગ્યા જે કેવી દયા કરી વ્હાલાએ કેવી દયા કરી. એવા સાચા શુદ્ધ ભાવથી ભજન કરનારા, સત્ય પ્રગટ ભગવાનને જાણનારા હતા. તેમને કેશવજીભગત બગીચાવાળા સાથે અટલ મેળાપ હતો. તેમના દ્વારા તેમના સત્સંગથી તેમનામાં એકનિષ્ઠા અને પ્રગટને વિશે પતિવ્રતાની ભક્તિના બીજ રોપાયેલા હતા. તેઓ પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજમાં દૃઢ નિશ્ચયવાળા હતા. જ્યારે તેમનો દેહ મૂકવાનો સમય આવ્યો, શ્વાસ રુંધાવા લાગ્યો ત્યારે થોડા જ સમયમાં અવાચક થઈ ગયા. ત્રણ દિવસથી અન્ન છોડી દીધું હતું. તેમની સેવામાં રોકાયેલા એક સોની ભાઈને કહ્યું કે, તારીખડું કેલેન્ડર લાવો. એટલે બાપાએ ત્રણ પાના ફેરવી અને સોનીભાઈને બીજ બતાવી અને ઇશારો કર્યો કે, મહારાજ મને આ દિવસે પરમધામમાં લઈ જવા આવશે, દર્શન દઈને પ્રગટ ભગવાન કહી ગયા છે કે, તૈયાર થઈ જજો.

પછી આખો દિવસ શ્વાસ વધતો ગયો. સાંજે ખૂબ જ વધવા લાગ્યો એટલે કેશવજીભગતને બોલાવ્યા, તેમની પાસે બેઠા. શાંતિલાલભગત મહારાજના પુસ્તકમાંથી કથા સંભળાવતા હતા. કથા શરૂ થઈને બાપાનો શ્વાસ બેસવા લાગ્યો. વચ્ચે ઘરના સભ્યો પાણી

પાતા હતા અને એકાદશીના પુણ્ય-ફળ આપતા હતા. કથા પૂરી થઈ એટલે કેશવજીબાપા ભવાનબાપાના કાનમાં મોટા અવાજે બોલ્યા કે, પ્રગટ ભગવાન તેડવા આવ્યા છે. મહારાજ ભેળા પરમધામમાં જાવ. એમ બોલી પ્રગટ ભગવાન શાસ્ત્રીજી મહારાજની જય બોલાવી. એ જ ક્ષણે પ્રગટ ભગવાનની ચિત્ર પ્રતિમા ચિન્હવાળી મૂર્તિમાં પ્રકાશ થયો અને ભવાનબાપા પ્રગટ ભગવાનની મૂર્તિ જોઈ રહ્યા. હાથ જોડી પગે લાગ્યા અને સહુ ભક્તો તરફ હાથ જોડ્યા અને કેશવભગત બગીચાવાળાને છેલ્લે પગે લાગી પરમધામે સિધાવ્યા.

આવો અદ્ભૂત પ્રતાપ પ્રગટ ભગવાને જામવંથલીમાં બતાવ્યો હતો. આવો દિવ્ય પ્રતાપ મહારાજે ખૂબ જ વાપર્યો છે. પોતાનું ભગવાનપણું છલકતું મૂક્યું છે. દેહ મૂકવા સમયે અનેક મુક્તો-ભક્તોને મહારાજ ધામમાં તેડવા પધાર્યા છે.