અનાદિ મુક્તરાજ મધુભગત ધનજીભગત બાબરીયા
કુંકાવાવ
મારા કાકા લખમણભાઇની જૂનાગઢ ખેતીવાડી વિભાગમાં નોકરી હતી એટલે એ અમને જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં મહારાજના દર્શને લઈ જતાં. એ મારા કાકા લખમણભાઈ ધામમાં ગયા ત્યારે મહારાજ સ્વયં લેવા આવ્યા હતા ત્યારે હું અને મારો નાનોભાઈ દિનેશ અમે બંને અબુધાબી હતા. મહારાજે અમને બંને ભાઈઓને દર્શન આપ્યા- મહારાજની છડીવાળી મૂર્તિરૂપે આવીને કાકાને ધામમાં તેડી ગયા એટલે મારા ભાઇએ એ પ્રમાણે નાહી લીધું ને હું અઠવાડિયે સમાચાર મળ્યા પછી નાહ્યો. એમ અમારી ઉંમર નાની પણ અમે અઠવાડિયે આઠ દિવસ થાય ન થાય ને કુંકાવાવથી જૂનાગઢ મહારાજના દર્શને જતા. ક્યારેક કુંકાવાવ સ્મૃતિ મંદિરે કાચ હટાવીને મહારાજને નવડાવીએ એટલે ખૂબ બળ આવી જતું.
મહારાજે કુંકાવાવ તેમના જન્મસ્થાન મંદિરે સૌ ભક્તોને દર્શન માટે પધરાવવા છડીવાળી મૂર્તિ મોકલી હતી. તે મૂર્તિને મંદિરમાં બેસાડવા આમ ઓટલો કરીએ ને આમ ઓટલો કરીએ તેવી ચર્ચા અમે કરતા હતા ત્યાં બંસીભાઈ સવજીભાઈ અને નગીનભાઈ કહે આપણે મહારાજને જ પૂછીએ એટલે બંસીભાઈ કહે મધુ તું અને સવજીભાઈ જાવ મહારાજને પૂછી આવો એટલે હું અને સવજીભાઈ મહારાજને પૂછવા જૂનાગઢ ગયા. મહારાજને કહ્યું ત્યાં મહારાજ બોલ્યા ઊભો રહે આમ ઓટલો કરીને એ આમ સિંહાસન કરાય. પણ આજ પછી મને પૂછવા આવતા નહીં એ મૂર્તિને જ પૂછજો એ જવાબ આપશે એટલે અમને જ્યારે જ્યારે કાંઈ જરૂર પડે કાંઇ કામ હોય ત્યારે એ પ્રસાદીની છડીવાળી મૂર્તિ પાસે પ્રાર્થના-સંકલ્પ કરીએ એટલે તરત સિદ્ધ થઈ જાય, અમારા કામો થઈ જાય.
એકવાર અમે ચાલીને જૂનાગઢ ત્રણ જણા પહાગચ્યા હતા. હું, કાનજીભાઈ અને ગોવિંદબાપા અમે ત્રણ પહાગચ્યા સાડા નવ વાગ્યા હશે. મહારાજને દંડવત્-પ્રણામ કર્યા. મને મહારાજ કહે, ઓલી થેલી લાવ. મેં ખીંટી પરથી થેલી લીધી. મહારાજને આપી. મહારાજ કહે, આ સીતાફળ એક ભગત ગિરનારમાંથી લાવ્યા છે. મહારાજે એકમાંથી બે ફાડા કર્યા ને અમને એક એક આપ્યું અને મહારાજે અડધું ખાધું. એ સિતાફળ ખાધુ ને અમારો બધો થાક ઉતરી ગયો.
મહારાજ કહે, આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે ને તમે આટલું ચાલીને આવ્યા તો તમને આશિર્વાદ આપી દઉં છું, પણ હવે પછી ચાલીને આવતા નહીં. હું ત્યાં કુંકાવાવ સ્મૃતિ મંદિરમાં મૂર્તિમાં અખંડ બિરાજમાન છું, આમ મહારાજ સ્વમુખે બોલ્યા હતા. મહારાજની આજ્ઞા હતી ભક્તો આવે દર્શને તો એમને સારી રીતે જમાડવા એટલે આપણે શ્રદ્ધા અને સ્થિતિ મુજબ જમાડતા.
એકવાર અમે દુબઈ જવા હું કાંદિવલી મંદિરમાં રાત્રો સૂતો હતો. આંખ મિંચીને માળા કરતો હતો ત્યારે રાત્રો દસ વાગ્યે મહારાજ આવ્યા, આવીને કર્યો ઘા એટલે નકરું પાણી દેખાયું પછી એક ટાપુ દેખાયો. પછી પ્રકાશ દેખાયો, પછી ત્રણ માળનું બિલ્ડિંગ દેખાયું એની પાછળ મેદાન હતું એ દેખાયું અને ત્રણ ફુગ્ગા આમ ઉડ્યા, બીજા ત્રણ ફુગ્ગા આમ ઉડ્યા. પછી એ છ એ ફુગ્ગા અહીંયા ભેગા થઈ ગયા અને મને થયું લે મહારાજના દર્શન કરી લઉં. ત્યાં મહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી મંદિરમાં ભક્તો સૂતા હતાં મેં વાત કરી આમ મહારાજના દર્શન થયા તે અમારું અઠવાડિયામાં દુબઈ જવાનું થઈ ગયું. ત્યારે અમે ઇન્ટરવ્યૂ આપવા ગયા તો અમે સાત જણા પાસ થયા પણ જવાનું ચાર જણાનું જ થયું. અઠવાડિયામાં તો અમે અબુધાબી દાસાલેન્ડ પહાગચી ગયા. ત્યાં અમને અરબી લેવા માટે આવ્યો ત્યારે એક પછી એકને ચેક કરી મોકલતો હતો ને આપણાં બધાને એક પછી એક મૂકી દીધા. હું એકલો મુંઝાયો. મેં કહ્યું, ભાઈ મારી સાથે બધા છે મને એની સાથે મોકલાવ. ત્યારે મને કહે તારા માટે અલગ રૂમ રાખી છે. જે મહારાજે દર્શન આપ્યાં હતાં એ પ્રમાણે બધું દેખાતું ગયું અને ત્રણ માળનાં બિલ્ડિંગમાં વચ્ચે સરસ મજાની રૂમમાં મને ઉતારો આપ્યો.
જ્યારે હું અને સવજીભાઈ મહારાજને મૂર્તિ કેમ કઈ બાજુ બેસાડવી એમ પૂછવા આવ્યા હતા ત્યારે સવજીભાઈ કહે તું મહારાજને કહેજે મને ચિન્હોના દર્શન કરાવે. એટલે મેં કહ્યું, હા. અમે મહારાજ પાસે બેઠા હતા ત્યારે મહારાજને કહ્યું, આ ભગતને ચિન્હોના દર્શન કરાવો ને ! મહારાજ કહે, હા લે. આમ કહી હાથમાં હાથ ફેરવી બોલતા જાય. આ સ્વસ્તિક, શંખ, ચક્ર, ધનુષ એમ દર્શન કરાવતા જાય ત્યારે મહારાજ બોલ્યા દેખાય તો જ હા પાડજે. આમ હાથમાં દર્શન કરાવ્યા પછી ચરણમાં રહેલા ચિન્હોને ઉપસાવી ઉપસાવીને દર્શન કરાવ્યા. યજ્ઞ, ગૌપદ, અષ્ટકોણ, ઉર્ધ્વરેખા, સૂર્ય અને અંકુશ. આમ મહારાજે રાજી થઇ દર્શન કરાવ્યા હતા.
એકવાર જન્મ સ્થાનનું મંદિર બનાવવું હતું ત્યારે હું મહારાજ પાસે ગયો હતો.
મહારાજ કહે, અહીં સભામંડપમાં સળિયા છે એવા સળિયા વપરાય. જા જોઈ આવ. હું ઊભો થઈ જોઈ આવ્યો ને વળી મહારાજ પાસે બેસી ગયો. ત્યારે મહારાજ કહે, આવા સળિયા આપણે વાપર્યા હોય તો ભવિષ્યમાં તોડવાવાળા તોડે ને તો એમ કહે બનાવવાવાળા બનાવી ગયાં છે હો. આમ મહારાજે થોડો આનંદ કરાવ્યો.
જ્યારે કુંકાવાવમાં બ્રહ્મપેલેસ મંદિર બનાવવું હતું ત્યારે હું વિદ્યાનગર રહેતો હતો ત્યાં આંખ બંધ કરું ને વડતાલ બાજુ ખૂણામાં મંદિર દેખાય. આમ મને ૧પ દિવસ સુધી દર્શન થયા હતા. મેં વિનુભાઈને કહ્યું આપણે મંદિરનું ડ્રોઇંગ બનાવવું છે. તો સોમપુરા શોધીએ પછી હું વડોદરા ગયો. વાત્રક નદીના કાંઠે જૈનમંદિર બનતું હતું ત્યાં પૂછ્યું. તો ચોકીદાર હતો બીજું કોઈ ન હતું. એ લોકો પાલિતાણા ગયા હતા એટલે મેં એમના ફોન નંબર લઈ ફોન કર્યો એટલે રવિવારે આવવાની વાત કરી. એ રવિવારે આવ્યા ને મને દર્શન થતાં બંધ થયા એટલે હું કુંકાવાવ આવતો રહ્યો ને રવિવારે સોમપુરા આવ્યા ત્યારે હું એક પાટ પડી હતી તેના પર સૂતો હતો અને મહારાજે દર્શન આપ્યાં. જ્યાં મંદિર બનાવવું હતું ત્યાં સોનાની લગડીઓનો વરસાદ થયો. ત્યારે બપોરે બે વાગ્યા હતા. સોમપુરા કુંકાવાવ આવ્યા એને જમાડ્યા પછી મેં એમને દર્શનની વાત કરી મને આવા દર્શન થયા.
આપણે કાંઈ ન જાણીએ. ભગવાનની લીલા ભગવાન જાણે. મહારાજની કૃપાથી કુંકાવાવ બ્રહ્મપેલેસ મંદિરના ટ્રસ્ટનો રજીસ્ટ્રેશન નંબર આવી ગયો પછી બ્રહ્મપેલેસ મંદિરના બધા કામ ચાલુ થયા. મહારાજે બ્રહ્મપેલેસ મંદિરના ખાતમુહૂર્તથી મૂર્તિ પ્રતિષ્ઠા સુધીના દરેક કાર્યોમાં હાજરી પુરાવી છે. અમે મહારાજ પાસે જઇને પ્રાર્થના કરીએ એટલે કામ પાર પડી જાય. ઘણાં કામ પાર પાડ્યા અને પડતા જ જાય છે, ભગવાનનું કામ ભગવાન કરે છે, આપણે ભક્તો ભક્તોનું કામ કરતા રહેવું એમ મહારાજ ભેગા જ છે.
પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂર્ણ કૃપાથી યથાશક્તિ તન-મન-ધનથી કુંકાવાવ ધામને આંગણે મહારાજના સંકલ્પથી નિર્માણ થયેલ બ્રહ્મપેલેસ મંદિરમાં યથાશક્તિ તન-મન-ધનથી જે સેવાનો લાભ મને અને મારા પરિવારને મળ્યો છે તેથી અમે ખૂબ જ ધન્યભાગી થયા છીએ.