અનાદિ મુક્તરાજ દયાળજીભગત લાલજીભગત મનાણી
જામવંથલી, હાલ- પૂના
મારા બાપુજી લાલજીબાપા કડિયાકામ કરતા. એમાં ઘણાં મજૂરવર્ગ સ્વામિનારાયણ ધર્મ પાળતાં. અમારો મૂળ ધર્મ રામજી મંદિર ચોરાનો હતો. એટલે બાપા રામ મંદિરે આવતાં-જતાં અને રામ મંદિરનું થોડું ઘણું જે કંઈ થાય એ કામ કરતાં અને એનાં જે પૂજારી હતાં એ વર્ષ દરમિયાનનું ધાન દેવાનું થતું હોય તે બોલાવીને આપી દેતાં અને કારીગરો સ્વામિનારાયણ સંપ્રદાયમાં એટલે બાપાને સહેજે સત્સંગનો યોગ થાય.
એક વખત જામનગર કડિયા કામ કરવાનું થયું અને એ વખતે મહારાજ જામનગર સ્વામિનારાયણ મંદિરમાં હતાં. એટલે આ કારીગર વર્ગ ત્યાં જાય એટલે એનાં ભેગાં લાલજીબાપા પણ જતા અને કારીગર વર્ગ મહારાજ માટે કંઇકને કંઇક લઈ જતાં એટલે બાપા પણ હાર લઈ જતાં. પછી મહારાજ પાસે કંઠી બંધાવી. એમણે બાંધી પછી ઘરમાં બધાને કંઠી બંધાવી. તેથી કુટુંબમાં એવું થયું કે, તે બે બાપ કર્યા. થોડો સમય ચાલ્યું પછી કુટુંબમાં વિરોધ થયો કે, અમારો ધર્મ રાખ કાં એ ધર્મ રાખ અને એ (સ્વામિનારાયણ ધર્મ) રાખવો હોય તો અમારી જોડે તારે વ્યવહાર નહીં. એટલે લાલજીબાપાએ અને આખા ઘરે પછી કંઠી તોડી નાખી. ભગવાન પ્રત્યેનું જે કંઈ હતું કે, ત્યાં પૂરું થઈ ગયું. એ પછી બાપા કુદરતી માંદા પડ્યા. ઘરમાં કમાનાર એ એક જ વ્યક્તિ અને ઘરમાં અમે નાનાં ભણતા હતાં અને હું હજી કામ શીખતો હતો. પૈસા બધું દવામાં જતું રહ્યું, કંઈ બચ્યું નહીં પછી ઉછીના પૈસા લઇ બાપાને સાજા કર્યાં. પછી થયું કે, આ મહારાજની કંઠી તોડી નાખી એનો અપરાધ લાગ્યો અને એનું આ પરિણામ છે પણ હવે શું કરવું ? પછી હું (દયાળજી) થોડું ઘણું કામ શીખતો. પછી હું પૂના આવ્યો. ત્યાં મારે મિત્રતાના નામે ઓધવજીભગત સાથે સંબંધ. બીજા કોઈ સાથે સંબંધ નહોતો. મિત્રતાના સંબંધે અમે ભેગાં કામ કરતાં.
એકવાર ઓધવજીભગતે મને કહ્યું કે, દયાળજી અહીં પૂનામાં અમારા મહારાજનું ભક્તમંડળ કાયમ ધૂન-ભજન, સત્સંગ કરે છે, તો તું પણ એમાં આવ. મેં કહ્યું કે, મને શરમ લાગે. તો કહે, આવતો ખરો, તારે ક્યાં કંઈ દેવું-લેવું છે. એમ કરતાં હું કથામાં જતો પણ છેલ્લે બેસતો. મેં શિવપુરાણ, રામાયણ, ભાગવત પહેલા વાંચ્યું હતું. શરૂઆત રામાયણથી કરી હતી તો એમાં આવ્યું હતું કે, નગુરુ ન રહેવું. ભાગવતમાં પણ આ વાત આવી હતી કે,
નગુરાનો કોઈ હાથ નથી પકડતું. તેનો મોક્ષ પણ થતો નથી. પછી મેં ઓધવજીને કહ્યું કે, મારે ગુરુ કરવા છે. તો ઓધવજી મને કહે આપડે છે જ શાસ્ત્રીજી મહારાજ. મેં કહ્યું, મારે એમની પાસે કંઠી નથી બંધાવવી. સમર્થ ગુરુ હોવા જોઇએ. તો મને કહે, આમના જેવો કોઈ સમર્થ નથી. એટલે હું ખૂબ ચિંતામાં કંઠી બંધાવવી કે નહીં. કેમ કે ઘરે તો લાલજીબાપાએ કંઠી તોડાવી નાખી હતી. તો પછી રોજ વિચાર આવે. ત્યાં એકવાર સપનામાં મહારાજના દર્શન થયાં અને આખા સંતમંડળ સહિત (કોઠારી સ્વામી, આત્મસ્વામી, દેવસ્વામી, હેમંતભગત) બધાં જ દેખાયા. અને હું પગે લાગ્યો અને મહારાજને બેસવા માટે મેં ખમીસ પહેર્યું તે કાઢીને પાથર્યું. પછી મહારાજે મારા માથા પર હાથ ફેરવ્યો. ત્યાં સ્વપ્ન પૂરું થઈ ગયું.
મેં ઓધવજીને સવારે વાત કરી અને ત્યારે વેલજી ભગતે મને પૂછ્યું કે, તમને મહારાજનાં દર્શન થયાં ? મને થયું મેં કોઇને કહ્યું નથી આમને કે ખબર ? ત્યારે એ સમય એવો હતો કે કોઇકનો જ દિવસ મહારાજના દર્શન વિનાનો વાંઝ્યો જતો. એ સમયે મહારાજનું એટલું હાજરોહાજર પણું હતું. મને પાક્કું થયું કે મહારાજનાં દર્શન થયાં એટલે હવે કંઠી ત્યાં મહારાજ પાસે જ બંધાવવાની છે. પછી જૂનાગઢ આવીને પૂછ્યું કે, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજનો રૂમ ક્યો ? ત્યાં જૂનું બાલમુકુંદભવન હતું ત્યાં હું ગયો અને પગે લાગ્યો. સાંજનો સમય હતો. પછી હું મહારાજ પાસે બેઠો. મહારાજ પાસે કંઠી બંધાવી. મહારાજ કહે, હવે તો હું તારો ગુરુ થયો તો ગુરુદક્ષિણા દેવી જોઇશે. એ વખતે ખિસ્સામાં રૂ.ર૦ નીકળ્યા એ મેં મહારાજને ધર્યા. પછી હું ઘરે આવ્યો. તો ઘરે બધાં કહેવા લાગ્યા કે, આ કંઠીને બધું શું છે ? તો મેં કહ્યું કે, હવે આ બાબતે કોઇએ માથાકૂટ ન કરવી. અને મારી સાથે વ્યવહાર ઠીક પડે તો રાખવો અને ના પડે તો નહીં. તે દિવસથી આજ સુધી કોઇએ આંગળી ન ચીંધી.
એકવાર જૂનાગઢ હું મહારાજને મળવા ગયો ત્યારે મહારાજે પૂછ્યું, કામકાજ કેવું ચાલે છે ? તો કહ્યું કે, ઠીક ચાલે છે. તો મહારાજ કહે, એક કામ કરો બધા એક એક પાવલી સેવા મારી કાઢો. એ પછી એક વખત પૂના મહારાજનો પત્ર આવ્યો કે, પાવલી કાઢો છો તો એક ગીઝર મારા માટે મોકલાવો તો સારું. કોઈએ ગીઝર જોયું નહોતું. મહારાજે પત્રમાં બધું દિવા જેવું લખીને મોકલ્યું હતું કે, અહીં મળે આ દુકાને મળે છે. પછી ગીઝર લાવ્યા ને જૂનાગઢ મોકલાવ્યું. મહારાજનો આશીર્વાદ પત્ર આવ્યો કે, ગીઝરથી રોજ ગરમ પાણીએ નાહીએ છીએ ને આશીર્વાદ આપીએ છીએ. રૂ.૩૦૦નું ગીઝર હતું.
બીજી વખત હું જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયો ત્યારે છડીવાળી મૂર્તિ મહારાજે
આપી કહ્યું કે, આ મૂર્તિનો જેવડો મોટો બ્લોક થાય એવડો કરવાનો છે. આમ મહારાજે આજ્ઞા કરી પણ ત્યારે અમારી પરિસ્થિતિ એવી નબળી હતી કે મનમાં વિચાર આવ્યો કે, ખર્ચો કેમ કરીશું ? ત્યારે અંતર્યામી મહારાજે મને એમ કહ્યું કે, મૂર્તિના બ્લોકનો બધો જ ખર્ચો હું તને આપીશ, પણ તારે આ કાર્યને સારી રીતે પાર પાડવાનું છે. પણ મેં મહારાજને કહ્યું, મહારાજ તમારે પૈસા આપવાની જરૂર નથી. તમે બસ આશીર્વાદ આપો કે, આ કાર્ય નિર્વિધ્ન સારી રીતે પાર પડી જાય. પછી હું પૂના ગયો ત્યાં મોહનભગત દુબઈથી આવ્યા હતાં, તેમના ઘરે જઈ મેં બધી વાત કરી એટલે તરત મોહનભગતે મને રૂ.ર૦૦૦ આપ્યાં અને તે મેં મૂર્તિના બ્લોક બનાવનારને શરૂઆતમાં આપ્યાં. બ્લોક બનાવનારે કામ શરૂ કર્યું.
મહારાજની એવી ભલામણ હતી કે, મૂર્તિનું કામ સારું થવું જોઇએ. હું રૂપાળો અને તેજસ્વી છું માટે ક્યાંય કોઈ જગ્યાએ કાળાશ કે પડછાયો પણ ન રહેવો જોઇએ તેનું ધ્યાન રાખવું. એટલે એ પ્રમાણે મૂર્તિ બ્લોક બનાવનારે કામ શરૂ કર્યું. કામ પૂર્ણ થયું એટલે તે લઈ હું જૂનાગઢ મહારાજને બતાવવા ગયો. એ જોઈ મહારાજે કહ્યું, કામ સારું છે માટે હવે કામ આગળ વધારો.
પછી છડીવાળી મૂર્તિનું બ્લોકનંું કામ પરિપૂર્ણ થયાં બાદ મૂર્તિમાં કોઈ પણ પ્રકારની ઇજા ન થાય તે માટે તેને સારી રીતે પેકિંગ માટે મારી પાસે કોઈ વસ્તુ ન હોવાથી હું વેલજીભગતને ત્યાં ગયો. ત્યાંથી એક સાડી લઇને મૂર્તિને ચારે બાજુ સારી રીતે વીંટીને પેક કરી જૂનાગઢ લઈ ગયો. મહારાજે પોતાના સ્વહસ્તે એ સાડીનું પેકિંગ ખોલી ધ્યાનથી પોતાના સ્વરૂપને નિહાળી ખૂબ રાજી થયા અને મૂર્તિ પર રહેલી એ સાડી મને આપીને એમ કહ્યું કે, કોઈ સાજું-માંદુ થાય તો એને આ પ્રસાદીની સાડી ઓઢાડીશ એટલે એનો રોગ દૂર થઈ જશે. મેં એ સાડી વેલજીભગતને આપીને કહ્યું કે, ભગત આ સાડી મને મહારાજે પરત આપીને આ વચન આપ્યું છે પણ મેં સાડી તમારી પાસેથી લીધી હતી માટે તમને જેમ અનુકૂળ હોય તે કહો. વેલજીભગતે પછી એ સાડી પ્રસાદીરૂપે પોતાની પાસે રાખી લીધી.
એકવાર જૂનાગઢ રાત્રો હું મહારાજનું શરીર દાબી સેવા કરી રહ્યો હતો ત્યારે મહારાજે કહ્યું, દયાળજી જીવનમાં પૈસા તો મળી રહેશે પણ આ પ્રગટ ભગવાનની સેવા મળશે ?
મહારાજે ત્યારે મને સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં થયેલો એક શેખજીનો પ્રસંગ સંભળાવ્યો. એ શેખજી ભગવાનનાં સારા ભક્ત હતાં. તેમની પણ એવી ઈચ્છા હતી
કે, મારે પણ બધે સત્સંગ કરાવવો છે. તેથી શ્રીજી મહારાજે તેમને એક છડી આપી જેમાં કોઈ પણ જીવાત્માને સમાધિ કરાવવાની અને સમાધિમાંથી જગાડવાનું અદ્ભૂત ઐશ્વર્ય હતું. પછી તો એ છડી લઈ શેખજી ગામે ગામ ફરતા અને ભગવાનની વાતો કરી સત્સંગ કરાવી છડી અડાડી કેટલાંય જીવાત્માને સમાધિ કરાવતાં જેથી બહુ મોટો સમાજ ધીમે ધીમે શેખજી તરફ આકર્ષાવા લાગ્યો. શેખજીને વિશેષ માન-સન્માન મળવાથી તેમને એવું અભિમાન આવ્યું કે, હું જ સહજાનંદ સ્વામી છું અને મારી આ છડીના પ્રતાપે બધું થઈ રહ્યું છે.
થોડા સમય બાદ શ્રીજી મહારાજને આ વાતની જાણ થઈ જેથી એમણે વિચાર્યું કે, શેખજીને કોઈ પણ પ્રકારે હવે અટકાવવાં પડશે. એટલે શ્રીજી મહારાજ શેખજી જે ગામમાં હતા તે ગામમાં ગયાં. ઘણાં સંતો, પાર્ષદો, હરિભક્તો શ્રીજી મહારાજની સાથે હતાં. શ્રીજી મહારાજે શેખજી પાસે જઈ કહ્યું, શેખજી અમારી પ્રસાદીની ઐશ્વર્યવાળી છડીનાં પ્રતાપે તમે ઘણાંને સમાધિ કરાવી. શું અમને પણ સમાધિ કરાવી શકો ? શેખજીએ કહ્યું, હા મહારાજ હું તમને પણ આ છડીના ઐશ્વર્યથી સમાધિ કરાવી શકું. એમ કહી જ્યાં છડી શ્રીજી મહારાજને અડાડી એટલે તરત જ શ્રીજી મહારાજે છડીનું બધું જ ઐશ્વર્ય ખગચી લીધું પછી તો છડી માત્ર છડી જ રહી ગઈ.
શેખજીએ જોયું મહારાજને સમાધિ ન થઈ તેથી છડીનું ઐશ્વર્ય હવે રહ્યું નથી. તેથી ગભરાઈને શ્રીજી મહારાજના પગ પકડીને ખૂબ જ રડવા લાગ્યાં અને પોતાની ભૂલ સ્વીકારતા કહેવા લાગ્યા કે, મહારાજ હું ભાન ભૂલ્યો મને અભિમાન પણ આવ્યું અને હું ભગવાન થઈ પૂજાવા ગયો એ મારી ભૂલનો સ્વીકાર કરું છું. તમે પરમકૃપાળુ છો માટે મને ક્ષમા કરો.
આ સાંભળી શ્રીજી મહારાજે શેખજીને કહ્યું, સાંભળો તમને હવે સત્સંગનો ખપ હોય તો જ આ સત્સંગમાં રહીને અમારી સેવા-પૂજા-ભક્તિ કરજો. અમે પરમકૃપાળુ છીએ માટે જ તમારી ભૂલોને ક્ષમા કરી અંતે તમને ધામમાં પણ તેડી જઇશું.
આ ચરિત્ર સંભળાવીને મહારાજે મને કહ્યું કે, દયાળજી અમે કૃપા કરીને કોઇને ઐશ્વર્ય આપ્યું હોય પણ જો એ મુક્ત મારા આપેલા ઐશ્વર્યનો દૂરઉપયોગ કરે, અભિમાન કરે કે, ભગવાન થઇને પૂજાવા જાય તો પછી અમે કુરાજી થઇને ઐશ્વર્ય પાછું ખગચી લઇએ છીએ. માટે સમજણથી જીવનમાં આવી ભૂલ કોઇએ પણ ક્યારેય ન કરવી જોઇએ.
બીજી એક આજ્ઞા મહારાજે ગળામાં કંઠીમાં પહેરી શકાય તેવી નાની મૂર્તિ બનાવવાની
કરી અને એમ કહ્યું કે, નાની મૂર્તિમાં પણ મારી બધી જ ડિગ્રીઓ આવી જાય તેવી રીતે મૂર્તિ બનાવવાની છે. આ વાત સાંભળી મેં મહારાજને કહ્યું, મહારાજ આટલી નાની મૂર્તિ બનાવવાની અને તેમાં તમારી બધી ડિગ્રીઓ સમાવવી એ ઘણું અઘરું કામ છે. મૂર્તિમાં ડિગ્રીઓ ઓછી કરી નાખીએ તો થોડું તમારાં સ્વરૂપનું દર્શન થાય અને થોડું મોટું દેખાય તો સારું રહે. તો મહારાજ કહે, દયાળજી ઘણી મહેનતે આ ડિગ્રીઓ મેં મેળવી છે. ઘણાં લોકોને તો એક ડિગ્રી મેળવતાં મેળવતાં આખી જિંદગી ચાલી જાય છે. માટે ડિગ્રી તો એક પણ ઓછી કરવાની જ નથી. એમ કહી મહારાજે લંડનનાં મ્યુઝિયમમાં રહેલ ચોખામાં કોઈ કારીગરે શ્રીમદ્ ભાગવત ગીતાનો શ્લોક કંડાર્યો છે. તેની વાત કરતાં એમ કહ્યું કે, કારીગર ધારે તો બધું જ કરી શકે. માટે તમે મેં કહ્યું એ પ્રમાણે મૂર્તિ બનાવડાવજો. ક્યારેક કોઈ વિદ્વાન વ્યક્તિ એવી નાની મૂર્તિને જોશે તો બિલોરી કાચ લઈને પણ મૂર્તિને નિહાળશે તો મારી મૂર્તિ સહિત તેને ડિગ્રીનાં દર્શનનો લાભ મળશે.
અમે એકવાર દુબઈમાં પૂનમનાં દિવસે દરિયાકાંઠે નાહવા ગયા. ત્યાં તો કાયમ ઘણાં લોકો ન્હાતા હોય પછી પૂનમનો દિવસ હોવાથી દરિયામાં પાણી ઉતરતું હતું એનો અમને ખ્યાલ ન રહ્યો. અમે બંને જણાં લાકડાના ત્રાપા પર બેસીને ન્હાતા હતાં. પાણી ખગચાવાનાં કારણે એ લાકડાનો ત્રાપો મારાથી છટકી ગયો પણ અમને તરતાં આવડતું હોવાથી દરિયાકિનારે રહેલી એક પથ્થરની પાળ પકડીને બચી ગયાં. આ રીતે મહારાજે કાળમાંથી અમારી રક્ષા કરી.
ત્યારબાદ થોડાં દિવસ પછી હું સાઇડ પર કામ કરતો હતો. ત્યાં પાણી ભરવાની એક મોટી નાલી મને લમણામાં બહુ જોરથી વાગવાથી મારાથી તરત જ નીચે બેસાઈ ગયું. એક ભાઇએ આવી મને પૂછ્યું કે શું થયું ? મેં કહ્યું કે, આ નાલી થોડી વાગી ગઈ છે પણ સારું થઈ જશે. પછી કામ પરથી હું બપોરે જમવાના સમયે ઘરે ગયો ને જમતી વખતે મારું મોઢું ખુલે નહિ માટે મેં મોઢામાં આયોડેક્તસ લગાવી અને માંડ માંડ સહેજ આંગળી રાખીને દૂધ- કેળાં જમતો. પછી ધીમે ધીમે થોડાં દિવસમાં મટી ગયું પછી ઘણાં સમય પછી હું જૂનાગઢ દર્શન કરવા ગયો. ત્યારે મહારાજની ચરણસેવા કરતો હતો તો મહારાજ બોલ્યા દયાળજી ઘણાં સમયથી મને લમણામાં બહું દુઃખે છે. મેં કહ્યું, મહારાજ તમે ભગવાન છો તો તમને કેમ દુઃખે ? ત્યારે મહારાજે કહ્યું કે, તું યાદ કર. તો તરત જ મને જે નાલીનો લમણામાં મોટો ઘા વાગ્યો હતો તે યાદ આવી ગયો. ત્યારે મને એમ થયું કે, કેવો જબરો એ ઘા હશે જે
મહારાજે ઝીલી લીધો અને મને થોડી જ ઇજામાંથી ઉગારી લીધો અને મારાથી આઠ દિવસ સુધી ખવાયું-પીવાયું ન હોવા છતાં પણ હું બચી ગયો. આ રીતે મહારાજે મારી રક્ષા કરી નવું જીવન આપ્યું હતું.
એકવાર અમે દુબઈ જતાં હતાં. પ્લેનમાં બેઠાં અને એક કલાકમાં તો પ્લેનમાં એવી જાહેરાત થઈ કે, પ્લેનમાં આગ લાગવાની સંભાવના હોવાથી બધા પોતપોતાના ભગવાનને યાદ કરી લે. આ સાંભળતા જ મને ખૂબ જ ડર લાગ્યો અને એવો વિચાર થવા લાગ્યો કે, અત્યારે આપણે પૃથ્વી પર નથી અને અધવચ્ચે આવી રીતે જો આ વિમાનમાં આગ લાગવાથી મૃત્યુ આવશે તો તો ભૂત થવાશે. એમ વિચારી હૃદયથી મહારાજનું સ્મરણ કરી પ્રાર્થના કરી કે, હે ! મહારાજ અમારું રક્ષણ કરજો અને સાથે આ પ્લેનમાં રહેલા બધાં મુસાફરોનું પણ રક્ષણ કરજો. આંખો બંધ કરી મહારાજની મૂર્તિનું સ્મરણ કરી સતત મહારાજને પ્રાર્થના કરી ત્યાં તો થોડીવારમાં જ પ્લેનમાં ફરી એનાઉન્સ થયું કે, હવે આપણે સૌ ખતરાથી બહાર છીએ. પછી તો શાંતિથી અમે દુબઈ પહાગચ્યા અને પહાગચીને તરત મહારાજને જૂનાગઢ પત્ર લખ્યો કે, મહારાજ આવી રીતે વિમાનમાં દુર્ઘટના ઘટવાની હોવાથી અમારી સાથે પ્લેનમાં રહેલા મુસાફરોનું પણ રક્ષણ થયું.
સમય જતાં જૂનાગઢ ફરી દર્શન કરવા જવાનું થયું ત્યારે મહારાજે કહ્યુંં કે, દયાળજી તમે છડીવાળી મૂર્તિનંુ કાર્ય ખૂબ જ સરસ કર્યું હવે કથા વાંચતી મારી વ્યાસપીઠ રૂપ મારી મૂર્તિના બ્લોકનું કાર્ય પણ તમારે કરવાનું છે તે કાર્ય પણ મહારાજનાં આશીર્વાદ અને કૃપાથી કરીને મહારાજને અર્પણ કર્યું. ત્યારે મહારાજે રાજી થઈ એવાં આશિર્વાદ આપ્યા કે, જાવ તમે મારી બંને મૂર્તિનાં બ્લોકનું કાર્ય કર્યું તેથી તમારે ત્યાં બે દિકરાનો જન્મ થશે અને સમય જતાં મહારાજનાં આશિર્વાદથી મારે ત્યાં બે સુપુત્રોનો જન્મ પણ થયો.
જૂનાગઢ જ્યારે પણ મહારાજનાં દર્શન કરવા જવાનું થતું ત્યારે મહારાજ રાજી થઇને કંઇકને કંઇક પ્રસાદીની વસ્તુ આપતાં. જે બધી જ પ્રસાદીની વસ્તુ ખૂબ જ સાચવી હું મારી પેટીમાં રાખતો. મને ઘણીવાર મહારાજનાં સ્વપ્નમાં પણ દર્શન થતાં. મહારાજ પત્રો દ્વારા આશિર્વાદ આપી સંભાળ રાખતા.
જૂનાગઢ એકવાર મહારાજે મને સામેથી કહ્યું કે, કાલે સવારે તારે મને નવડાવીને પૂજા કરવાની છે માટે મને નવડાવવા માટે સાબુ, તેલ, અત્તર આ બધી જ વસ્તુની ખરીદી કરી
આવ. પછી મહારાજની આજ્ઞા મુજબ હું બજારમાંથી એ વસ્તુની ખરીદી કરવા બજારમાં ગયો અને મેં મહારાજ માટે હાર પણ બનાવડાવ્યો પણ ઉતાવળમાં એ હારનું પડીકું હું દુકાન બહાર બાંકડા પર ભૂલી ગયો. મંદિરે મહારાજના રૂમમાં પહાગચી બધી જ વસ્તુ મહારાજ પાસે મૂકી ત્યાં મહારાજે પૂછ્યું કે, આમાં હાર ક્યાં છે ? ત્યાં મને યાદ આવ્યું કે, મહારાજ હાર તો હું દુકાન બહાર બાંકડે ભૂલી આવ્યો છું. મહારાજ કહે ત્યાં પાછા જાવ. હાર ત્યાં રાહ જુએ છે. હું મદિર બહાર નીકળ્યો પણ મને હારવાળાની દુકાનનો રસ્તાનો ખ્યાલ ન હોવાથી હું ચિંતામાં હતો. ત્યાં તો અચાનક એક રિક્ષાવાળાએ આવી પૂછ્યું, ક્યાં જવું છે ? મેં એને કહ્યું કે, હું એક હારવાળાની દુકાન શોધી રહ્યો છું. તો એણે મને કહ્યું કે, થોડા દૂર ઘણી દુકાનો છે. તમે રિક્ષામાં બેસી જાવ અને એ રિક્ષાવાળો મને એ જ હારવાળાની દુકાન પાસે લઈ ગયો. દુકાનવાળો મને જોઈ કહે અરે ભાઈ તમે હાર ભૂલી ગયાં હું ક્યારનો તમારી રાહ જોતો હતો. પછી તે હાર લઈ હું મંદિરે પાછો આવ્યો.
રિક્ષાવાળાને મેં પૂછ્યું - ભાઈ મારે કેટલા રૂપિયા આપવાના ? તો રિક્ષાવાળાએ મારી પાસેથી એક પણ રૂપિયો ના લીધો અને મારી સામે જોઇ હસીને જતો રહ્યો. પછી હું મંદિરે ગયો ત્યાં વેલજીભગત મળ્યાં એમણે મને કહ્યુ કે, મહારાજ માટે લીલા નારિયેળ પણ બજારમાંથી લઈ આવીએ. તો મેં કહ્યું કે, મહારાજનાં રૂમના એક ખૂણામાં નાળિયેર તો ઘણાં પડ્યાં છે. પણ છતાં તમારી ઈચ્છા છે તો ચાલો બજારમાં. પછી મહારાજ માટે લીલા નાળિયેર સાથે તરબૂચ અને દ્રાક્ષ પણ લીધી. આ બધું લઈ અમે મહારાજ પાસે ગયાં. મહારાજને અર્પણ કર્યું એટલે મહારાજે હેમંતભગતને બોલાવી એ નાળિયેરમાંથી પાણી કઢાવી અમે બધાએ પીધું પછી તરબૂચ સુધાર્યું. એ પણ પ્રથમ મહારાજ થોડું જમ્યાં અને અમને પણ પ્રસાદી આપી પછી દ્રાક્ષ લઈ અને જૂના બાલમુકુંદ ભવનની બહાર જ્યાં એક મોટો લાકડાનો પલંગ રહેતો ત્યાં અમે બધાં જઈ બેઠાં અને દ્રાક્ષ જમતા હતાં. એટલે તરત જ મહારાજે કહ્યું કે, જમવામાં થોડી ઝડપ રાખો એટલે તરત જ હેમંતભગતે મહારાજને પૂછ્યું કે, કેમ મહારાજ ઝડપ રાખીએ ? તો મહારાજ કહે, અત્યારે આપણે આ જાહેરમાં જમીએ છીએ. અહીંથી કોઈ પણ નીકળે તો આપણે એને આવકારો આપીને સાથે જમાડવા પડે. બીજા નંબરે એ ભગવાનનાં દર્શન કરવા મંદિરમાં આવ્યો હોય અને ભગવાન માટે કાંઇ પણ ન લાવ્યો હોય અને કાંઈ ભગવાનનું કે મંદિરનું જમે તો ઋણ ચડે અને ભગવાનનું ઋણ ઘણું ભારે. આમ મહારાજ સમજાવતાં હતાં.
ત્યાં તો અચાનક જ એક ભગત ત્યાં આવ્યા. મહારાજને પગે લાગ્યા કે, મહારાજે આવકાર આપી કહ્યું કે, લ્યો આ ઠાકોરજીની પ્રસાદી જમો. પછી મહારાજે પૂછ્યું કે, શું પધાર્યા ? કોઈ કામકાજ ? તો એ ભગતે મહારાજને કહ્યું કે, મહારાજ થોડાં દિવસ પહેલાં મોટરસાયકલ પરથી હું પડી ગયો હતો, શરીરમાં ખૂબ દુઃખાવો રહે છે. તમે આશિર્વાદ આપો તો કંઇક સારું થાય. એટલે તરત મહારાજે એ ભગતને કહ્યું કે, તમે ભાઈઓમાં વ્યવહાર સંભાળો છો તેમાં તમારાથી વ્યવહારમાં ખોટું કાર્ય થયું છે તે પાપે કરીને તમારે આ દુઃખ આવ્યું છે. એ દુઃખનું નિવારણ તો એ જ છે કે, તમે જેટલું ખોટું કર્યું છે તેનાથી ત્રણ ગણું તમે ભગવાનની સેવાનાં અર્થ નાણું વાપરો તો જ તમારું આ દુઃખ દૂર થાય. પછી તો એ ભગતે રૂ.૧૧ મહારાજને ચરણે ધર્યા ને પોતાની ભૂલની ક્ષમા માંગી આશિર્વાદ લઈ મંદિરમાં દર્શનાર્થે ગયાં. આવી રીતે જ અમારી નજર સામે મહારાજે જે વાત કરી તે અમે પ્રત્યક્ષ નિહાળી.
ઘણાં સમય પછી જ્યારે નવા બાલમુકુંદ ભવનનું કામ શરૂ થયું ત્યારે હું ને મારા મિત્ર ઓધવજીભગત સેવા કરવા માટે રોકાયા હતાં. ત્યારે અમે એવું વિચાર્યું હતું કે, બે જણાં કામે આવ્યા છીએ તો બેમાંથી એક જણાંએ પગાર લેવો. પછી એક મહિનો કામ પૂરું કરી જ્યારે ઘેર જવાનો સમય થયો ત્યારે મહારાજે ઓધવજીભગતને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, બાપનું કામ હોય ત્યાં દિકરો પગાર માંગે ? તો ઓધવજીભગતે કહ્યું કે, ના મહારાજ ના માંગે. પછી મહારાજે કહ્યું કે, કોઠારી સ્વયંપ્રકાશસ્વામી પગાર આપે તો પણ પગાર લેશો નહીં. પછી મહારાજે સમજાવતાં કહ્યું કે, કોઈનાં બધા દિવસ એક સરખાં રહેતાં નથી. પૈસા ઉછીના લઇને પણ ઘર ચલાવજો. પણ મારા કામકાજનાં પૈસા લેશો નહીં એટલે અમે મહારાજની આજ્ઞા માની એક પણ રૂપિયો લીધા વગર ઘરે ગયાં ત્યાં તો અમને મહારાજના આશિર્વાદથી એવું મોટું કામ મળી ગયું કે એમાં અમે ત્રણ મહિના કામકાજ કર્યું તો મહારાજે ૧ર મહિનાના રોટલાની કમાણી આપી દીધી.
મારે દુબઈ જવાનું થયું ત્યારે મહારાજે મને કહ્યું કે, તે ઉપર એક મારું ભગવું વસ્ત્ર કેમ નથી પહેર્યું ? મહારાજે મને કહ્યું કે, મેં તમને મારા સાધુ બનાવ્યા છે માટે પતિ-પત્ની બંનેએ એક એક ભગવું વસ્ત્ર જરૂર પહેરવું એ મારું રક્ષાકવચ છે. મોટાં કાળ અને ભય થકી રક્ષણ કરનાર છે અને મારી પંચધાતુની લાલજીમહારાજની મૂર્તિ ઘરે વસાવીને પૂજા પણ કરવી, આ અમારી આજ્ઞા છે.
જ્યારે ફુલવાડી મંદિરનું કાર્ય શરૂ કર્યું હતું અને મૂર્તિનું પણ કાર્ય કરવાનું હતું ત્યારે પૈસાની ખૂબ જ જરૂર હોવાથી હું, કરશનબાપા, હીરાબાપા, કેશવજી હરિ, ગોહેલ ભગત બધા ભેગા મળી જૂનાગઢ મહારાજને મળવા ગયાં. મહારાજનાં રૂમમાં દર્શન કરી બધી જ વિગતવાર વાત કરી ત્યારે મહારાજે કહ્યું, મેં દુબઈ મોકલેલાં ભક્તો પાસે પૈસા નથી એ વાત ખોટી. મેં પૈસા આપેલાં છે અને હું જોઉં છું પણ હાલમાં ફુલવાડીને સેવાની જરૂર છે તો ઘણાં ભક્તોએ સેવા કરવાની જગ્યાએ વંથલી રાજકોટ પ્લોટ લેવાનાં શરૂ કરી દીધાં છે એ પણ જોઉં છું માટે તમે બધાં મળી ફુલવાડી મંદિર અને મૂર્તિ માટે ભક્તોને સેવા માટે ભલામણ કરો. મારી પાસે જૂનાગઢ રૂપિયા છે નહીં માટે હું કંઈ આપી શકીશ નહીં. એમ મહારાજે કહ્યું. પછી અમે બધાં ભક્તોને મહારાજે કહેલી વાત સમજાવી. પછી ઘણાં ભક્તોએ મહારાજની આજ્ઞા પાળી ફરી સેવાનો લાભ લઈ મહારાજને વિશેષ રાજી કર્યાં.
તે દિવસથી જીવનમાં એક એવો નિયમ લઈ લીધો કે, ભગવાનની સેવામાં ક્યારેય પણ ખોટું ચલાવી લેવું નહીં એમાં મહારાજ રાજી નથી. મંદિરમાં ક્યારેય પણ આપણાંથી કોઇને દુઃખ લાગે કે કોઇનું દિલ દુભાય તેવાં વાણી-વર્તન ન રાખવા. જેટલી થાય એટલી નિઃસ્વાર્થ સેવા કરવી અને સેવા ન થાય તો ત્યાંથી હટી જવુ પણ ભગવાન અને તેમના સંતો-મુક્તો ક્યારેય કુરાજી થાય તેવું ક્યારેય આપણાં જીવનમાં ન થવું જોઇએ. એ મહારાજની આજ્ઞાનું, સેવાનું અને ઉપાસનાનું અમે કાયમ અનુસંધાન રાખ્યું છે. આમ અમારું ભાગવત કુટુંબ, મારા બંને દીકરા અને પરિવારના સૌ મહારાજની વિશેષ સેવા-ભક્તિ દ્વારા ધર્મમય જીવન વ્યતિત કરીને પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણને રાજી કરી ધન્યભાગી થયા છીએ.
હાલમાં કુંકાવાવ તિર્થની આ પવિત્ર ભૂમિ પર મહારાજનાં સંકલ્પનાં આ બ્રહ્મપેલેસ મંદિરમાં મહારાજની કૃપા અને ઈચ્છાથી વર્ષો સુધી મહારાજની સેવાનું જે અમને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે. તેથી અમે ધન્ય ધન્ય થયાં છીએ. સેવા અને ભક્તિ કરી મહારાજની સાથે ભક્તોને પણ રાજી રાખી અમારાં જીવાત્માનું મોક્ષ માર્ગ સુગમ કરી રહ્યાં છીએ.