પરચા ૨૯

અનાદિ મુક્તરાજ ધનજીભગત ભીમજીભગત હાલાઈ

દહીંસરા-કચ્છ

મહારાજના પ્રથમ દર્શન મને ઇ.સ. ૧૯૮૧માં જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં દ્વિશતાબ્દી મહોત્સવમાં થયા હતા. ત્યારે મારી સાથે મારો દીકરો દિનેશ પણ હતો. અમે ભૂજથી જૂનાગઢ મંદિરે પહાગચ્યા એટલે અમે મહારાજના રૂમે દર્શન કરવા ગયા. તરત જ મહારાજે કહ્યું કે, આવી ગયાં. પછી મહારાજે હેમંતભગતને કહ્યું કે, ધનજીભગત સવારથી બસમાં બેઠા છે. માટે પાણી પણ પીધું નથી. તેમને પાણી પાઓ. આ વાત મહારાજ જાણી ગયા. તે પ્રથમ પરચો.

બીજા દિવસે મહારાજ રૂમમાં ફરતી ખુરશીમાં બેઠા હતા અને દિનેશને ખોળામાં લઈ મહારાજ બોલ્યા કે, સામે ગિરનાર દેખાય છે ત્યાં તું ગયો હોત તો હું તને મળત ? થોડીવાર પછી મેં કહ્યું, મહારાજ છોકરાને ગિરનાર પર જવું છે. તો મહારાજે કહ્યું કે, ત્યાં નથી જવું. એમ કરીને દિનેશની છાતીમાં તેમનાં દિવ્યચરણ કમળ આપતાં બોલ્યા કે, આ રહ્યો તારો દત્તાત્રોય. ત્યાર બાદ મહારાજ ખુશી સમાચાર પૂછીને ઢોલિયા પર બિરાજમાન થયા અને મને સાથળમાં રહેલાં લક્ષ્મીજી અને ખાંપાના ચિન્હના દર્શન કરાવતાં બોલ્યા કે, અહીં સાથળ પર મસ્તક નમાવો જુઓ કે, ચિન્હ દેખાય છે ? મેં કહ્યું, ના મહારાજ નથી દેખાતાં. પછી મહારાજે તેમના હાથથી જ લક્ષ્મીજીનું મુખ, ચોટલો તેમજ ખાંપાના એમ વિગતે પૂર્ણ દર્શન કરાવ્યા.

બીજા દિવસે સવારે મહારાજ તેમનાં દરરોજના નિત્ય નિયમ મુજબ સ્વામિનારાણ મંદિરે દર્શન કરવા ગયા. અમે પણ સાથે હતાં. તો મેં જોયું કે, ત્યાં પાંચ સ્ત્રીભક્તો ઊભા હતાં. મહારાજને મંદિરે આવતાં જોઈ તેઓ મંદિર પરિસરમાં દંડવત્ કરવા લાગ્યા અને મહારાજ રીતસર તે સ્ત્રીભક્તો પર તેમનાં દિવ્યચરણ કમળના છાપ આપીને મંદિરમાં પ્રવેશ્યા. તે મેં પ્રત્યક્ષ જોતા તો મને સંશય થયો કે, આવું હોવું ન જોઇએ. પણ પછી તો મહારાજની કૃપાથી બીજી જ ક્ષણે મને શુભ સંકલ્પ થયો કે, આવા દિવ્ય લીલા ચરિત્ર કરવાં ભગવાન સિવાય બીજું કોઈ સમર્થ નથી.

પછી એ જ દિવસે રાત્રો મહારાજ તેમના રૂમમાં શાસ્ત્રનું લેખન કરતા હતા. અમે બાલમુકુંદ ભવનની છત પર સૂતા હતાં અને દિનેશને મેં જાગતો જોયો. મેં પૂછ્યું કે, કેમ ઊંઘ

નથી આવતી મચ્છર કરડે છે ? તો કહે ના મને કાંઈ નથી થતું. તો મેં કહ્યું, કેમ સૂતો નથી ? તો દિનેશ મને કહે કે, બાપુ એક વાત કહું કે, મહારાજ શાસ્ત્ર લખતાં હતાં, તે વખતે તેમનાં રૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો અને મને તેમના ચરણમાં ચિત્ર (ચિન્હોનાં) દર્શન થયા. એ દર્શન મને ન થયાં પણ દિનેશને થયાં. પછી અમે સૂઈ ગયા.

બીજા દિવસે ૧૧ વાગ્યાનો સમય હેમંતભગત મહારાજને થાળ લઈને જમાડવા માટે રૂમમાં ગયા. અડધો દરવાજો ખુલ્લો હતો. ત્યાં જ મેં મહારાજને જીભ લાંબી કરીને કોણીથી હાથ સુધી ચાટીને દાળભાત જમતાં હતા તે દૃશ્ય જોયું તે જોઈને ફરી મને સંશય થયો કે, મહારાજ ભગવાન જ હશે કેમ ? તે પછી મને ફરી શ્રીજી મહારાજના વખતો પ્રસંગ યાદ આવતાં થયંું કે, આ લીલા પ્રત્યક્ષ ભગવાન વિના શક્ય નથી. ત્યારથી મને પૂર્ણ નિશ્ચય થયો કે, મને મળ્યાં તે પ્રત્યક્ષ પ્રગટ ભગવાન જ છે.

પ્રગટભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની કૃપાથી આજે અમારો પરિવાર ખૂબ સુખી છે. મારો દિકરો દિનેશ વર્ષોથી આફ્રિકા રહે છે અને અમે સૌ ધર્મમય પવિત્રપણે જીવન વ્યતિત કરી સેવા-ભક્તિનો લાભ લઈએ છીએ. શાસ્ત્રીજી મહારાજ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીના કાર્યોમાં યથાશક્તિ સેવાનો લાભ લઈ એમને વિશેષ રાજી કરી ધન્યતાનો અનુભવ કરીએ છીએ.