અનાદિ મુક્તરાજ વિજયભગત ચુનીલાલભગત સોલંકી
રાજકોટ, હાલ- અમદાવાદ
મારી ઉંમર આશરે ૧પ વર્ષની હતી ત્યારે હું રાજકોટમાં બેડિનાકા વિસ્તારમાં રહેતો હતો. ત્યાં સાંખ્યયોગી દોલતબાનું બાઈઓનું સ્વામિનારાયણ મંદિર આવેલ છે. ત્યાં કથા-પારાયણ વાંચવા પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ આવેલા ત્યારે મેં તેમના પહેલી વખત દર્શન કરેલા. શું તેમનું મુખારવિંદનું તેજ હતું. કોઈ સંતોના મુખારવિંદ પર આટલું તેજ મેં હજુ સુધી ૬ર વર્ષમાં જોયું નથી તેવું અલૌકિક તેજ હતું. મારા દાદી કસ્તુરબેન સાથે હું પણ ભૂપેન્દ્રરોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરે આરતીનાં દર્શન કરવા કાયમ જતો. પછી તો વર્ષોનાં વ્હાણા વાઈ ગયા.
સમય જતાં ઈ.સ.૧૯૮૬માં મારી નોકરી જાણીતા મીડિયા ગ્રૂપમાં અમદાવાદમાં થતા મારા પરિવાર સાથે હું અમદાવાદ આવ્યો. ત્યારે હું સમભાવ મીડિયામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે મારી ફરજ બજાવતો હતો. ઇ.સ. ર૦૦પમાં કોઈની ઈર્ષ્યાનો ભોગ બનવાનો મારો વારો આવ્યો એટલે મેનેજમેન્ટે મને નોકરીમાંથી છૂટો કર્યો. પછી હું ઇ.સ. ર૦૦૭માં અમદાવાદ સંદેશ પ્રેસમાં જોડાયો, સંદેશ પ્રેસમાં મારી ફરજનો સમય બપોરે ૪ થી રાત્રો ૧ર વાગ્યા સુધીનો હતો. સવારે પાર્ટટાઈમ હું અમદાવાદની કર્ણાવતી કલબમાં ગુજરાતી ટાઈપિંગનું કામ કરતો હતો ત્યાં એક દિવસ મે ઇ.સ. ર૦૦૮ના ગાળામાં રાજકોટ રહેતા મારા સાઢુભાઈ સુરેશભાઈ કાચા અને શ્રી કાંતિભગત (જીરાગઢવાળા) અને બીજા બે ત્રણ હરિભક્તો કર્ણાવતી કલબ પર ઓચિંતા આવ્યા અને મને કહ્યું કે, આ ફુલસ્કેપ સાઈઝમાં હાથથી લખેલા લક્ષ્મીનારાયણ સંહિતાના આશરે દસેક ચોપડા મને બતાવી કહ્યું કે, આ તમારે ૧પ થી ર૦ દિવસમાં ટાઈપ કરી આપી બુકના ફોર્મેટમાં સેટિંગ અને લે-આઉટ કરવાના છે અને અમારે ગુરુપૂર્ણિમાના દિવસે લક્ષ્મીનારાયણ સંહિતાનું વિમોચન કરવાનું છે. મેં કાંતિભગતને કહ્યું, ભગત હું તો સામાન્ય માણસ છું, મારી પાસે કોમ્પ્યુટર પણ નથી તે હું ૧પ દિવસમાં કેવી રીતે આ કામ પૂર્ણ કરી શકું. તેમણે મને કહ્યું, આ ચોપડા હાથમાં પકડો એટલે પછી મહારાજ બધી સગવડ કરી આપશે.
મને મહારાજની પ્રેરણા થઈ એટલે મેં મારા મિત્ર એવા કોમ્પ્યુટર એન્જિનિયર સંજયભાઈને મેં વાત કરી એટલે તેમણે મને એક કોમ્પ્યુટરની હપ્તેથી સગવડ કરી આપી અને
પછી મારે ઘેર રાત્રીના બે-ત્રણ વાગ્યા સુધી જાગીને મેં કામ તો શરું કરી દીધું. મને વિચાર આવ્યો આવી રીતે થોડો થોડો સમયમાં કામ કરવાથી ગુરુ પૂર્ણિમા સુધીમાં પ્રિન્ટિંગ સાથેનું કામ નહીં થઈ શકે. જો મને સંદેશ પ્રેસમાં ૧પ દિવસની રજા મળી શકે તો જ આ શક્ય છે. મેં મારા ઈન્ચાર્જને ૧પ દિવસની છુટ્ટી અંગે વાત કરી તેમણે મને છુટ્ટીની ના પાડી. મેં મનમાં વિચાર્યું કે, મહારાજના કામ માટે ખોટું બોલી છુટ્ટી લેવી પડશે તો જ કામ થઈ શકશે. ભલે ભગવાનના કામ અંગે ખોટું બોલવું પડે તો બોલીશ. એમ નિશ્ચય કરી બીજા દિવસે હું હાથ પર હાડવૈદ્યનો પાટો બાંધી સંદેશ પ્રેસ પર ગયો અને ઈન્ચાર્જને વાત કરી કે મને એક્તિસડેન્ટ થવાથી હાથ પર વાગ્યું છે માટે ૧પ-ર૦ દિવસમાં હાથ સાજો થશે. તેમ ખોટું બોલી રજા લેવી પડી.
પછી હું સવારે વહેલા પ વાગ્યે ઊઠી લક્ષ્મીનારાયણ સંહિતા ટાઈપિંગનું કામ શરૂ કરી દેતો. પછી આમ કામ આગળ વધતું જતું હતું. ટાઈપિંગના ૬૧૭ પેઈજનું પ્રુફરીડિંગ કરવું પડે એટલે મેં કાંતિભગતને વાત કરી જો બહાર વાંચવા માટે આપીશું તો ૧પ દિવસ બીજા નીકળી જશે. તેમણે મને કહ્યું કે, તમે કામ કરતા જાવ અમે રાજકોટથી અમદાવાદ આવીને બે દિવસમાં વાંચી નાખીશું. ત્યારે હું ઈલોરા એપાર્ટમેન્ટના હાઉસીંગના ૧૦/૧૦ના રૂમમાં હું અને મારું કોમ્પ્યુટરનું ટેબલ, મારા ધર્મપત્ની અને બે સંતાનો અને રાજકોટથી આવેલા આશરે પાંચથી છ હરિભક્તો એમ ૧૦ થી ૧ર જણા કેવી રીતે સમાઈ જતા તેની કલ્પના કરવી મુશ્કેલ છે. તેમાં રાજકોટથી હરિભક્તો આવેલા તેમને જમાડવા માટે મારા ધર્મપત્ની રેખાબેને રવાનો શિરો બનાવ્યો તે પણ એટલા ઉત્સાહમાં હતા કે, એકવાર શિરામાં સાકર નાખવાનું જ ભૂલી ગયા બધાં હરિભક્તોએ જમી લીધું તે સાંજે ગયા પછી મને કહે હું તો શિરામાં સાકર નાખતા જ ભૂલી ગઈ હતી. મેં પણ કહ્યું કે, શિરામાં સાકર તો હતી જ મોળો તો હતો જ નહીં. આમ મહારાજની કૃપા હોય તો મોળો શિરો પણ મીઠો થઈ જાય.
હું લક્ષ્મીનારાયણ સંહિતાનું કામ કરી દરરોજ રાત્રો દોઢ - બે વાગ્યે સૂતો હતો. આ કામ દરમ્યાન મને અને મારા ધર્મપત્નીને વહેલી સવારે ચાર-પાંચ વાગ્યાના સુમારે મહારાજની અલૌકિક જે જૂનાગઢના બાલમુકુંદ ભવનમાં સુખશૈયાવાળી સૂતેલી મૂર્તિ છે તે જ મૂર્તિ અને તેજ સૂતેલા મહારાજ મારા ઈલોરાવાળા મકાનના પલંગ પર સુતેલા હોવાના અલૌકીક દર્શન થયા. મેં આ અંગે કાંતિભગતને વાત કરી તેમણે મને કહ્યું, તમારા અહોભાગ્ય કે તમે લક્ષ્મીનારાયણ સંહિતાનું કામ કરો છો માટે તમોને મહારાજે દર્શન આપ્યા અને હવે તમે
મહારાજના શરણાગત ભક્ત થયા છો.
બીજો પરચો ત્યારે મળ્યો જ્યારે આ બુકનું ૬૧૭ પેઈજનું ટાઈપીંગનું કામ પૂર્ણ થયું. હવે લક્ષ્મીનારાયણ સંહિતાની બુકનાં ફોર્મેટમાં પ્રિન્ટિંગ કરાવવાનું હતું. અનેક જગ્યાએ ભાવ કઢાવ્યા બધાનાં ભાવ ખૂબ જ ઊંચા આવતા હતા. તે મુદ્રા ઓફસેટવાળા મૃગેશભાઈ પાસે હું અને કાંતિભગત ગયા. ત્યાં મહારાજે ચમત્કાર બતાવ્યો મૃગેશભાઈએ લક્ષ્મીનારાયણ સંહિતા ૧૦૦૦ નંગ બુક ટુ-કલર પ્રિન્ટિંગ રૂ.પાંચ લાખ જેવા વ્યાજબી ભાવમાં કરી આપ્યું અને ગુરૂપૂર્ણિમા પહેલા રાજકોટ બુક પહાગચાડી દીધી અને બુકનું વિમોચન થયું ત્યારે મેં એક મહારાજની મૂર્તિ પણ લીધી. એ લાલજી મહારાજની મૂર્તિ આજે પણ મારા મંદિરમાં શોભાયમાન અને હાજરાહજૂર છે.
ઇ.સ. ર૦૧૯ના દિવાળીના દિવસે નિત્યક્રમ મુજબ મહારાજને થાળ જમાડી હું બપોરનું ભોજન કરી સૂતો હતો ત્યારે બપોરે આશરે ૧-૩૦ વાગ્યાનો સમયે સ્વપ્નમાં મને મહારાજે મારા ખભા પર બે-ચાર વખત થાપલી મારી કહ્યું કે, ઉઠ તને ખબર નથી દિવાળીના દિવસે મને લીલી ચોળીનું શાક ધરાવવાનું હોય. મને ખૂબ ભૂખ લાગી છે. બાદમાં મારી ઊંઘ ઉડી ગઈ અને મેં મારા ધર્મપત્ની રેખાબેનને સ્વપ્ન વિશે જાણ કરી તે મને કહે, મહારાજનો આદેશ છે તે તો માનવો પડે. ત્યારે બપોરે બે વાગ્યે હું શાક માર્કેટમાં લીલી ચોળી શોધવા ગયો અને એક જગ્યાએ મળી પણ ગઈ. ઘેર લાવી તેનું શાક બનાવી ગરમા ગરમ રોટલી અને લીલીચોળીનું શાક મહારાજને જમાડ્યું.
માર્ચ-ર૦ર૦માં મારે નોકરીમાંથી રિટાયર્ડ થયા પછી મહારાજના શિષ્ય કૃષ્ણપ્રકાશ સ્વામી (જૂનાગઢ- બાલમુકુંદ ભવન)વાળા એ મારો હાથ પકડતા આજે પણ મહારાજની અમિદૃષ્ટિથી મારે કામ શોધવા જવું પડતું નથી. મહારાજના વચનામૃત-પરાવાણી, અભિનંદન ગ્રંથ તેમજ મહારાજના હરિક્તોના પરચાની બુકના ટાઈપિંગનું કામ મળવાથી મારા જીવનની ગાડી ચાલ્યે રાખે છે.
૧૯, જાન્યુઆરી ર૦ર૧ના રોજ મને અને મારા ફેમિલીના અન્ય ત્રણ સભ્યોને કોરોના થતાં મારે હોસ્પિટલાઈઝ થવાની જરૂર પડી. સદ્ભાગ્યે ૧૦૮ એમ્બ્યુલન્સવાળાએ મને પૂછ્યું, દાદા તમારે કઈ હોસ્પિટલમાં જવાની ઈચ્છા છે ? તો મેં તેમને કહ્યું કે, મારી સોલા સિવિલ હોસ્પિટલમાં ઓળખાણ હોવાથી મને ત્યાં દાખલ કરવામાં આવે પણ
મહારાજની ઈચ્છા કંઈક અલગ જ હશે. ૧૦૮ એમ્બ્યુલન્સવાળાએ મને કહ્યું કે, દાદા તમને એસજીવીપી છારોડી સ્વામિનારાયણ ગુરુકુલ હોસ્પિટલમાં લઈ જઈએ છીએ જ્યાં તમને કોઈ પણ જાતનો ખર્ચ નહીં આવે. આમ મને ત્યાં એડમિટ કરવામાં આવ્યો. તે હોસ્પિટલમાં સામાન્ય રીતે એક દિવસનો ખર્ચ રૂ.ર૩૦૦૦ ચાર્જ થતો હોય છે પણ મહારાજની કૃપાથી એક પણ પૈસાનો ચાર્જ ચૂકવ્યા વગર માત્ર ૬ દિવસમાં મને સાજો કરી ઘેર મોકલી આપ્યો. સૂડીનો ઘા સોઈથી ટળી ગયો તે આનું નામ.
મારા ધર્મપત્ની રેખાબેનને જ્યારે ઇ.સ. ર૦૧૪માં સિવીયર બ્રેઈન સ્ટોક આવતા મહારાજની કૃપાથી ત્રણ દિવસે ભાનમાં આવેલ હતા અને આઠેક વર્ષથી તેમના શરીરમાં નાની મોટી ઘણી હૃદયના વાલ્વની બીમારી પણ હતી મને અમદાવાદ સિવીલના ડૉક્ટરે કહ્યું હતું કે, આમને ‘કાચના વાસણની માફક રાખવા' ગમે ત્યારે ફૂટી શકે તેમને તેમની રીતે જીવવા દેવાના. કેમ કે આવો એટેક ફરી પણ આવી શકે. માટે હૃદયના વાલ્વ બદલવાની તેમણે ના પાડી હતી.
હાલમાં મહારાજે આપેલા મને છેલ્લા પરચાની વાત કરું તો ફરી ૧૯, જાન્યુઆરી-ર૦ર૩ના રાત્રો ૧ર-૦૦ કલાકે ફરી મારા ધર્મપત્નીને સિવીયર બ્રેઈન સ્ટોક આવતા તે બિલકુલ ભાનમાં ન હતા. અમે એમ્બ્યુલન્સ બોલાવી ઘર પાસે આવેલ સોલા સિવીલ હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરોએ તેમની રીતે બનતી બધી કોશિશ કરી. હવે મારાથી ધીરજ રહેતી ન હતી. તે મેં જૂનાગઢ કે.પી.સ્વામીને મારા ધર્મપત્ની રેખાબેનનો ફોટો મોકલી જાણ કરતા તેમણે મને એકાદ કલાકમાં જાણ કરી કે, વિજયભાઈ આ વખતે તેમની બચવાની શક્યતા ઓછી છે અને જો બચશે તો તેમને વધુ તકલીફ પડશે માટે મહારાજ તેમને પરમધામમાં તેડી જાય તેવી આપણે પ્રાર્થના કરીએ. કે.પી. સ્વામીએ મને કહ્યું કે, તા.ર૧-૧-ર૦ર૩ની વહેલી સવારે ૪-૦૦ વાગ્યે કાલ માયા...વાળો મંત્ર ૧૧ વાર બોલી તેમને મહારાજનું પ્રસાદીનું જળ પીવડાવજો એટલે તેમનો તરત જ મોક્ષ થઈ જશે અને મહારાજ તેમને જરૂર પરમધામમાં તેડી જશે. મેં તેમને વહેલી સવારે ૪-૩૦ કલાકે મંત્ર બોલી જળ આપ્યું ત્યાર બાદ પ-૩૦ કલાકે મારા ધર્મપત્નીએ માત્ર એક વાર આંખ ખોલી હતી ત્યાર બાદ આંખ બંધ કરી દીધી અને બપોરે ર-૧૦ કલાકે તેમને ડૉક્ટરે મૃત્યુ પામેલ જાહેર કર્યા.
મને જાન્યુઆરી-ર૦રરમાં એક્તિસડેન્ટ થયેલ હતો. તેમાંથી સાજા થતા લગભગ ૯ મહિના થયા હતા. તે દરમિયાન ત્યારે હું સાવ ભાંગી પડ્યો હતો પણ મારી ધર્મપત્નીની મેં
૭ વર્ષ સેવા કરી તેના બદલા રૂપે મારું એક્તિસડેન્ટ થયું ત્યારે તેણે મારી સેવા કરી મારું સેવાનું ઋણ ચૂકવી વિદાય લઈ લીધી... મારા ધર્મપત્ની મારા જીવનમાં ૩૬ વર્ષ રહ્યા પણ તેમની કોઈ ડિમાન્ડ નહીં. કેવું નિરામય અને નિર્મોહી જીવન જીવી ગયા તે મારા પ્રગટ ભગવાન જાણે છે.
મહારાજની પૂર્ણ કૃપાથી અમારા પરિવારમાં સૌ સાથે મળી ધર્મમય પવિત્ર જીવન જીવી પ્રગટ ભગવાનની સેવા-ભક્તિ કરીએ છીએ. જ્યારે પણ જીવનમાં નાના-મોટા દુઃખ કે આપત્તી આવે એટલે તરત મહારાજને હૃદયથી યાદ કરી પ્રાર્થના કરીએ એટલે તરત મહારાજ અમને એ દુઃખમાંથી મુક્ત કરી સુખી કરે છે. આ રીતે પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ અખંડ અમારી ભેગા છે અને કાયમ ભેગા જ રહે, પરિવારમાં સુખ-શાંતિ અને સેવા-ભક્તિના સદ્ગુણો રહે એ જ પ્રાર્થના સાથે જય અનાદિ શ્રીકૃષ્ણનારાયણ.