અનાદિ મુક્તરાજ મોહનભગત ડાહ્યાભગત મારવી
જીરાગઢ
પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ સ્વયં શ્રીહરિ જ્યારે જામનગરમાં બિરાજતા હતા આ સમયે જીરાગઢ ગામના ભક્ત શ્રી મોહનભાઈ ડાહ્યાભાઈ મારવી પહેલા સત્સંગમાં ન હતા. શરણાગતિ દિક્ષા લેવા માટે ગુરુધારણ કરવા માટે જામનગર સ્વામિનારાયણ મંદિરે આવ્યા હતા. મહારાજે કંઠી પહેરાવી તેમને પોતાના શિષ્ય બનાવ્યા હતા.
આ સમયે મહારાજને ધોતિયા ઓઢાડવા માટે ધોતિયું ખભે મૂકવા જતા હતા ત્યારે મહારાજ અનાદિ શ્રીકૃષ્ણનારાયણના સ્વરૂપમાં સૂર્ય સૂર્ય જેવો પ્રકાશ સ્વરૂપમાંથી પ્રગટ થયો. તેથી મોહનભગત તો અંજાઈ ગયા અને મહારાજને ભક્તો સર્વ દેખાતા બંધ થઈ ગયા. ત્યારે કેશવજીભગત બગીચાવાળા સાથે હતા. પછી ભગવાને બ્રહ્મતેજ પોતાના સ્વરૂપમાં પાછું સમાવી લીધું. ત્યારે મોહનભગત ભગવાનને ખભે ધોતિયું મૂકવા જાય અને સરી પડતું હતું. સાત-આઠ વખત મહારાજને ખભે મૂક્યું બધી વખત ધોતિયું લસરી મહારાજના શરીરથી નીચે પડી જતું હતું. ત્યારે દિવ્ય સ્વરૂપમાં ભગવાનના દર્શન થતા હતા. કેશવભગત કહે, ભગત મહારાજને ધોતિયું ઓઢાડો, ઓઢાડો. પછી ધોતિયું ઓઢાડ્યું.
એવો એક પરચો- રાજકોટમાં મોહનભગત મારવી કેવડાવાડી શેરી નં.૧માં રહેતા હતા. ત્યારે રાજકોટ સ્વામિનારાયણ મંદિરથી અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ભગવાનને પોતાને ઘેર પધરામણી-પગલાં કરાવવા માટે ઘોડાગાડીમાં બેસાડી લઈ આવ્યા હતા. ત્યારે કેશવજીભગત બગીચા અને દેવરાજભગત બગીચા તથા ડાહ્યાભગત બગીચા તથા અમરમા, મૂળીબેન, ઉજીબેન, પુષ્પાબેન સાથે હતા. સ્ત્રી ભક્તો ઓરડીથી દૂર ઊભા રહી દર્શન કરતા હતા. બગીચા પરિવાર તથા મોહનભગતે મહારાજની પૂજા કરી આરતી ઉતારી, પ્રસાદ જમાડ્યા પછી રાજી થતા એવા શ્વેતાયન વ્યાસ મંદ મંદ હસતા હતા કરમાં માળા ફેરવતા હતા.
ત્યારે એકાએક મહારાજ મોહનભગતને કહે, મોહનભગત દર્શન કરવા છે ને ? ભોળાભગત મોહનભગત કહે, હા મહારાજ દર્શન તો કરવા જ હોય ને ! ત્યારે પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ, શ્વાસ લેતા જાય અને શરીર વધારતા જાય એમ એવડું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે દસ ફૂટ બાય બાર ફૂટના ઓરડામાં વિરાટ સ્વરૂપ ધારણ કરી સર્વને દર્શન આપ્યા. ત્યારે મોહનભગત, કેશવભગત, દેવરાજભગત, ડાહ્યાભગત સર્વે
ભક્તો દિવાલ સાથે ભીંસાવા લાગ્યા ત્યારે મોહનભગત બહુ ભીંસથી દબાવા લાગ્યા એટલે જોશથી બોલ્યા અરે મહારાજ, બસ કરો, બસ કરો. હું તો મરી જઈશ. બધા ભક્તો કહે, મહારાજ હવે બસ કરો, બસ કરો. અમે ચેપાઈ જઈશું- ત્યારે પ્રગટ ભગવાન કહે, કહેતા હતા ને દર્શન કરવા છે.
પછી પ્રગટ પ્રભુજી શ્વેતાયન વ્યાસજી બોલ્યા કે, અમે સ્વરૂપ ધારણ કરીએ તો આ બ્રહ્માંડમાં પણ ન સમાઈએ અને તેજ પ્રગટ કરીએ તો સૂર્ય પણ ઝાંખો થઈ જાય અને દેવતાઓ પણ અમને દેખી ન શ કે, પણ તમારા જેવા નાના થઈને તમોને દર્શન સેવાનું સુખ આપવા માટે આ વખતે આવ્યા છીએ.
એક વખતે તે મોહનભગત માલવી, કેશવભગત બગીચાગાળાને કહેતા હતા કે, ભગવાન તો મળ્યા છે પણ રૂપિયા આપે તો ભજન થાય. એમ વાતો કરતા. કારણ કે એમને ગરીબી ખૂબ જ હતી. કામકાજ ચાલે ન ચાલે. તે કડિયાભગત મુંઝવણમાં ખૂબ રહેતા હતા. બે વરસ પછી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ રાજકોટ પધાર્યા ત્યારે દર્શન કરવા માટે મોહનભગત મહારાજ પાસે મંદિરે ગયા. દંડવત્ પ્રણામ કરી બેઠા. ત્યાં મહારાજ કહે, ભગત આ પેટી ખોલો પરંતુ ભગતે વિચાર્યું જે મહારાજ તો કહે આપણે એમ મહારાજની પેટી થોડી ખોલાય ? એમ વિચારી હાથ જોડી બેસી રહ્યા. વળી મહારાજે તેમને કહ્યું, ભગત પેટી ખોલો, પેટી ખોલો. આજ્ઞા પાળવા હિંમત કરી પેટી ખોલી તો રૂપિયા ૧૦૦ની નોટોના બંડલોથી ભરેલી જોઈ. ભક્તને પોતાનો સંકલ્પ યાદ આવ્યો. પણ જ્યાં નોટોના બંડલથી ભરેલી પેટી સામે જોયું જુએ ત્યાં મનમાં અનેક ઘાટ થવા લાગ્યા કે, મહારાજની સેવા આપણે કરવાની હોય, કાંઈ મહારાજના પૈસા લેવાય થોડા ! એમ વિચારી પેટી સામું જુએ ને મોઢું ફેરવી નાખે. પ્રગટ ભગવાન સામું જોવા જાય તો મહારાજ હસતા હતા. ભક્ત તો ખરેખર સાણસામાં આવી ગયા. આમ પણ ન જોવાય અને પેટી સામું પણ ન જોવાય. હવે તો બંધ કરવાનું કહે જલદી તો બંધ કરાય. થોડીવાર પછી ભગવાન પણ મંદ મંદ હસતા હતા અને મોહનભગતને કહે, તમારો સંકલ્પ હતો તે જોઈ એટલા લઈ લ્યો. ભગતને મુંઝાયેલા જોઈ મહારાજ કહે, તો હવે પેટી બંધ કરી દો. ફરી મહારાજ કહે, પેટી ખોલો ખોલો. ફરી પેટી ખોલી તો પુસ્તકો ભરેલા હતા. મોહનભગત કહેતા, ભગવાન પ્રગટ મળ્યા, એમની સેવા મળી, કૃપા, રાજીપો મળ્યો એટલે જીવનમાં બધું મળી ગયું.