અનાદિ મુક્તરાજ હેમરાજભગત રામજીભગત રાઠોડ
ભીમકટા, હાલ- સૂરત
મારી ઉંમર ૧ર વર્ષની હતી ત્યારે અમે પ્રસંગોપાત ભીમકટા ગયા હતાં. ત્યાં મારા માસા ભગવાનજીભગત રાઠોડ જીરાગઢવાળા ભેગાં થયા ત્યારે તેમને દુબઈમાં સત્સંગથી પ્રગટ ભગવાનને ઓળખી લીધા હતા. તેથી મને ભાણેજ સમજીને અને મારું પરમ કલ્યાણ કરવા માટે ભગવાનજી ભગતે મને જૂનાગઢમાં બિરાજતા પ્રગટ ભગવાનનો મેળાપ કરાવવા કહ્યું કે, હેમરાજ હાલ મારી સાથે જૂનાગઢ. મેં ના પાડી તો ફરી કહ્યું, અત્યારે સાક્ષાત્ ભગવાન જૂનાગઢમાં સંતરૂપે બિરાજે છે. દર્શન કરવા તું મારી સાથે હાલ, છતાં મેં ના પાડી. કેમ કે અમે રામાનંદી શ્રી રામનું ભજન કરનારા હતા. એટલે મેં ના પાડી. તેમ મારી ઉંમર નાની એટલે વિશેષ કાંઈ જ્ઞાન હતું નહીં. ભગવાનજી ભગતે ત્રીજીવાર કહ્યું, હાલ જૂનાગઢ તારું ટિકિટ ભાડું હું આપીશ. ત્યારે મેં કહ્યું, મારા બાને પૂછો એ કહે તો હું આવીશ. મારી બાને ભગતે પૂછ્યું તો મારા બાએ ના પાડી. તેથી ભગતે કહ્યું, હેમરાજની તમે ચિંતા ના કરો તેનો આવવા-જવાનો ખર્ચ હું આપીશ. ત્યારે મારી બા કહે, તમે હેમરાજને જૂનાગઢ લઈ જાઓ પછી એને સૂરત ઘરે પાછો મૂકી જાઓ તો ભલે આવે. ભગવાનજી ભગતે કહ્યું, ભલે હેમરાજને હું સૂરત મૂકતો જઈશ પછી હું મુંબઈ જઈશ.
એમ નક્કી કરી અમે બીજા દિવસે જૂનાગઢ આવ્યા. જૂનાગઢ ૧૧ વાગે પહાગચ્યા. હેમંતભગત પાસેથી ઉતારા લીધા. અમે ચારે ભગવાનજીભગત, તેનો દિકરો, રમેશ અને હું એમ ચાર જણા જૂનાગઢ આવ્યા. ઉતારામાં નાહી પરવારી અમે મહારાજ પાસે ગયા. ભગવાનજીભગતે ફુલનો હાર તથા સાકર લીધેલી તે અમે મહારાજ પાસે મૂકીને હું પગે લાગ્યો ત્યાં મહારાજ બોલ્યા, કા નહોતું આવવું ને તો પણ શું કામ આવ્યો. હું વિચારવા લાગ્યો કે આ વાત માસા અને મારા સિવાય કોઈને ખબર નથી અને આ મહારાજે કેમ જાણી લીધી. મેં મહારાજ સામે જોયું તો મહારાજના મુખારવિંદનું તેજ અતિ ઘણું હતું. જેથી મને મનમાં તો થયું, આ સાધુ મહારાજ છે તો મોટા. એટલે હું હાથ જોડીને બેઠો રહ્યો. ભગવાનજીભગતે દંડવત્ કર્યાં, પછી રમેશભગતે દંડવત્ કર્યાં, મેં મહારાજને સાત દંડવત્ કર્યાં. મહારાજ કહે, બસ રાખો ભગત. એટલે અમે નીચે મહારાજની પાસે હાથ જોડીને બેઠા. મહારાજ મારા ખભા પર હાથ રાખી બોલ્યા, શું નામ છે તારું. મેં કહ્યું, હેમરાજ.
મહારાજ કહે તું શું કરશ, મેં કહ્યું, પાંચમું ભણું છું. મહારાજ કહે, પાંચમું ભણશ તો કે આ આપણાં દેશનું નામ શું ? મેં કહ્યું, ભારત અને મહારાજ કહે તારા જેવા લાખો વિદ્યાર્થીઓ ભારતમાં ભણે છે પણ બધાયને નોકરીઓ મળતી નથી. આમ મહારાજ મર્મમાં બોલ્યા. પછી મહારાજ બોલ્યા આ ભગત કરે ને એમ કામ કરવું એટલે હું એમ સમજ્યો કે ભગત કડિયા કામ કરે એ આપણે કરવું.
આમ આટલી વાતો થઈ પછી ભગવાનજીભગતે ઊભા થઈ મહારાજને હાર પહેરાવ્યો, સાકર મૂકી, નારિયેળ ત્રોફા મહારાજને અર્પણ કર્યાં. આમ અમે મહારાજના દર્શન કર્યાં. અમે ત્રણ દિવસ રોકાયા. તે મહારાજ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં અમે મહારાજની પાછળ જતાં, મહારાજ પ્રદક્ષિણા ફરતા તો અમે તેની પાછળ પ્રદક્ષિણા ફરતા. આમ ત્રણ દિવસ મહારાજ ભેગા રહ્યાં. તે મને વિચાર આવ્યો કે, ભગવાનજીભગત કહે છે ભગવાત સંતરૂપે આજ વિચરે છે અને પ્રત્યક્ષ સાક્ષાત્ છે. તે એમ થયું કે આપણે આ જન્મ મળ્યો તો સંતની સેવા કરવી જોઈએ. આમ જ્યાં મેં વિચાર કર્યો ત્યાં જ મહારાજ બોલ્યા, લ્યો ભગત તમારે પગ દાબવા છે એમ કહીને મહારાજે ચરણ લાંબા કર્યા. એમ મને અર્ધો પોણો કલાક સુધી ચરણસેવા મળી. પછી મહારાજ કહે, હવે જમવાનો ટાઈમ થયો જમી લ્યોને પાછા ચાર વાગે આવજો. અમે જમવા ગયા. તે આમ ત્રણ દિવસ સુધી મહારાજના દર્શન-સત્સંગનો લાભ મળ્યો. અમારે ત્રણ દિવસ પૂરા થયા. બીજા દિવસે ઘરે જવાનું તે ભગવાનજી ભગત કહે, આપણે કાલે નીકળશું તો ચાલો મહારાજ પાસેથી રજા લઈ આવીએ. એમ અમે ત્રણે મહારાજ પાસે ગયા.
ભગવાનજી ભગતે બે હાથ જોડી પ્રાર્થના કરી કે, મહારાજ અમને ત્રણ દિવસ થયા, આ હેમરાજને મારે સૂરત મૂકવા જવાનો છે અને ત્યારપછી હું મુંબઈ જઈશ અને ત્યાં બે દિવસ પછી અબુધાબી જવાની ટિકિટ છે. એટલે પ્રભુ અમે આપની રજા લેવા આવ્યા છીએ. આમ કહી ભગતે હાથ જોડ્યા. ત્યાં મહારાજ બે મિનિટ સુધી મૌન રહ્યાં આંખો મીંચી થોડીવારે આંખ ખોલીને કહે, ભગત આવતીકાલે મહાશિવરાત્રી છે. મેળા ભરાય અને બસો પણ ભટકાય. એમ કરો તમે કાલે નહીં પણ પરમ દિવસે જજો. આમ મહારાજ બોલ્યા. એટલે ભગવાનજીભગત કહે મા-બાપ તમે જેમ કહો તેમ. ભલે અમે રોકાઈ જઈએ. આમ હાથ જોડીને અમે નીચે આવ્યા.
અમને આમ મહારાજ પાસે રહેવાનો એક દિવસનો વધારે લાભ મળ્યો અને બીજા
દિવસે ફરી મહારાજ પાસે રજા લેવા ગયા. દંડવત્ પ્રણામ કરી રજા લીધી અને અમે બસસ્ટેન્ડ જવા રિક્ષા કરી બસ સ્ટેન્ડ આવ્યા. ભગવાનજી ભગતે અમને એક બાજુ બેસાડ્યા અને બસની પૂછપરછ કરવા ગયા સૂરત જવાની બસ ક્યારે મળશે ? તે ટી.સી. કહે બસનો ટાઈમ થઈ ગયો છે. હમણાં એક નંબર ઉપર લાગશે. એ બસ કાલે અહીંથી ઉપડી તે એનો આગળ એક્તિસડન્ટ થયો છે. તમે બેસો હમણાં લાગશે. આ એક્તિસડન્ટની વાત સાંભળી મહારાજ જે બોલ્યા હતા કે, કાલે મેળો ભરાય અને બસોય ભટકાય. એ યાદ આવી ગયું. જો અમે કાલે નીકળ્યા હોત તો આ બસમાં ભટકાયા હોત. આમ મહારાજે અમારી રક્ષા કરી.
ભગવાનજીભગતે રસ્તામાં ભગવાનની ઘણી વાતો કરી. ભગત કહે, આપણે ભગવાન કહે એમજ કરવું જેથી આપણી સર્વપ્રકારે રક્ષા થાય. ભગવાનજી ભગત મને સૂરત ઘરે મૂકી ગયા અને ભગત મુંબઈ જવા નીકળી ગયા. મેં મારી બાને કહ્યું, મારે હવે ભણવું નથી, મારે કડિયાકામ કરવું છે. બસ એક જ વાત હવે મારે ભણવું નથી. મારા બાએ સંબંધીઓને વાત કરી હેમરાજ ભણવાની ના પાડે છે. મેં મારા મામાને કહ્યું, મામા મને હવે ભણવું નથી મને કડિયાકામ શીખવાડો. આમ હું કડિયાકામ શીખવા ગયો. બાંધકામ, પ્લાસ્ટરના કામ કરવા લાગ્યો અને મારા બાપુજી સાઉદીયાથી આવ્યા તેને ખબર પડી તેણે ફરી મને ભણવા મોકલ્યો પણ પરિણામ નાપાસનું આવ્યું. એટલે આમ આઠ-દશ વર્ષ નીકળી ગયા. એ દરમ્યાન મને કોઈ ભગતનો યોગ ન મળ્યો જેથી મહારાજની ભક્તિ જોઈએ એવી ન થઈ તે દશ વર્ષ બાદ આ મારા માસા મુંબઈથી સૂરત રહેવા આવ્યા. તે મહારાજ ધામમાં ગયા ત્યારે એના ઘરે ર૪ અવતારની મૂર્તિના કાચ તૂટી ગયો હતો અને અમે આ સૂરતમાં કુંવરજીભગત, ભાઈલાલભગત, કાનજીભગત અને ચોથો હું એમ અમે ચાર-પાંચ જણા સત્સંગ કરતા. ત્યારે મહિને બે મહિને શાંતિલાલભગત બગીચા સત્સંગ કરવા આવતા એના સત્સંગે કરીને મને આ મહારાજ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ છે એમ સાક્ષાત પરનારાયણની ઓળખાણ થઈ ગઇ.
એક વખત ભગવાનજી ભગતના ઘરે દેવરાજકાકા આવ્યા હતા અને અમે રાત્રો ૧ર વાગ્યા સુધી સત્સંગ કર્યો અને અમે લાલજી મહારાજને પોઢાડ્યા હતા તેની બાજુમાં હનુમાનજીને બેસાડ્યા હતા તે રાત્રો હનુમાનજીને મહારાજની બાજુમાંથી થોડા દૂર બેસાડ્યા તો રાત્રો બે વાગ્યે હનુમાનજી સાક્ષાત પ્રગટ થયા અને લાલજી મહારાજને ખોળામાં લઈ ચરણસેવા કરવા લાગ્યા તે દેવરાજકાકાને એ હનુમાનજીના એવાં તેજસ્વી દર્શન થયા કે
આખા રૂમમાં પ્રકાશ પથરાઈ ગયો. પછી દેવરાજકાકા હનુમાનજીની માફી માગી કહે, ભગવાન મારી કાંઈ ભૂલ થઈ છે. હનુમાનજી કહે, ના અમે તો અમારા ભગવાનની સેવા કરવા આવ્યા છીએ અને જ્યાં જ્યાં લાલજીમહારાજ છે ત્યાં અમે મહારાજની સેવા કરવા જઈએ છીએ, દર્શન કરીએ છીએ. આમ કહી હનુમાનજી અદૃશ્ય થઈ ગયા.
આમ પૂર્વનો જીવ પુન્યશાળી હોય અને તેને ભગવાન પામવાની ઈચ્છા હોય તેવા જીવાત્માઓને ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે તેના મુક્ત પુરુષો દ્વારા એ જીવનો કાંઈક કારણ ઊભું થઈને ભેટો થાય છે. ત્યારે એ મુક્ત પુરુષની કૃપા અને સંકલ્પથી આ જીવ ભગવાનનો શરણાગત થાય છે. શરણાગતિ થાય પછી ભક્તિ કરતાં કરતાં એ જીવાત્મા ભગવાનનો ભક્ત થાય છે. જેટલા આશીર્વાદમાં ધ્યેય એટલા શરણાગતિમાં બલીદાન એવો જીવાત્મા ભગવાનના ખોળે બેસી ભગવાનના ધામને પામે છે. ભગવાન દયાળું છે, કૃપાળું છે. પોતાના મુક્તો-ભક્તોને આ સંસારમાં રહ્યા થકા આ લોકની રીત અપનાવીને મુમુક્ષોને ભગવાનની ઓળખાણ કરાવે છે.
સંત પુરુષોમાં જેને જેને હેત થાય તે તે મુમુક્ષોનો આ જન્મ છેલ્લો જન્મ થઈ જાય છે. આમ આ જગતમાં જ્યાં જે કાંઈ થાય છે, થઈ રહ્યું છે તે ભગવાનની ઈચ્છાએ જીવાત્માના કર્મ પ્રમાણે અને સંકલ્પ પ્રમાણે તે તે પ્રાપ્ત થાય છે. તે સર્વે સત્ય જ છે. પરંતુ જ્યારે ભગવાન જેવા છે એવા સમજાઈ જાય છે, ઓળખાઈ જાય છે ત્યારે એને આ જગત આ માયા મિથ્યા જણાય છે અને ભગવાનની ભક્તિ-સેવા-ઉપાસનાથી ભગવાનના ધામમાં જાય છે.