પરચા ૧૦૮

અનાદિ મુક્તરાજ ઓધવજીભગત ગોવિંદભગત મુંગરા

ચાવડા

અમો બધા કુટુંબ પરિવાર સાથે ચાવડા ગામે રહેતા હતા અને ખેતીકામ કરી ગુજરાન ચલાવતા હતા અને અભ્યાસ કરતા હતા. અમો પરિવારમાં ચાર ભાઈઓ, બા-બાપુજી અને એક બેન છે. અમોને કોઈ સત્સંગ ન હતો પણ ગુણભાવી હતા. ગામમાં સ્વામિનારાયણ મંદિર છે. અમારા ગામમાં કડિયા હરિભક્ત પરંતુ પટેલ કે દરબારોને સત્સંગ નહીં. અમારા ઘર સામે કડિયા હંસરાજ કાનજીભાઈ રાઠોડના નવા મકાન બનેલ અને તેઓ તેના જૂના મકાનેથી અમારી સામે રહેવા આવેલ તેથી પાડોશીના નાતે આવરો-જાવરાનો સંબંધ બંધાયો અને તેઓ પણ પાંચ ભાઈઓ હતા. તેઓ ચુસ્ત સ્વામિનારાયણ તેથી નિત્ય પૂજા-પાઠ કરતા અને ગામમાં મંદિરે દર્શન કરવા જતા. તેથી તેઓની સાથે અમો ક્યારેક મંદિરે જતા અને તેઓને સૂતક હોય ત્યારે તેમની પૂજા કરવાનો મને લાભ મળતો. ત્યારે મારી ઉંમર આશરે ૧પ વર્ષની, પ્રથમ વખત પૂજા કરી ત્યારે ખૂબ આશ્ચર્ય થયેલ કે, કેવો લાભ કે વહેલા ઊઠી સ્નાનાદિક ક્રિયા કરી સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરવાનો અમૂલ્ય અવસર મળે છે અને તેવું સમજી મારી ભગવાન પ્રત્યે ભાવ અને ભક્તિ ઉદય થઈ. તેથી ગામમાં હરિમંદિરે દર્શન કરવા જવા લાગેલ. આમ ધીમે ધીમે સ્વામિનારાયણ ભગવાન અને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અનન્ય નિષ્ઠા થતી ગયેલ અને પ્રથમ વખત ઇ.સ. ૧૯૭૮માં જૂનાગઢ ગયેલ અને શાસ્ત્રીજી મહારાજના દર્શન કરી મહારાજના હાથે કંઠી બાંધીને મહારાજે મને સત્સંગી કર્યો.

ત્યારબાદ વર્ષમાં એકાદ-બે વાર જૂનાગઢ મહારાજના દર્શન કરવા જવાનું થતું ત્યારે મહારાજની સેવા કરવાનો લાભ મળતો. અમો ચાર મિત્રો ઇ.સ.૧૯૮૦માં સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં સેવામાં જ્યાં અમારા ગામ ચાવડાથી જામવંથલી રેલવે સ્ટેશનથી ટ્રેન દ્વારા રાજકોટ ગયેલ અને ત્યાંથી ટ્રેન બદલીને જૂનાગઢ જતી ટ્રેનમાં બપોરે ૧૧ કલાકે બેઠેલા અને અમો ચારેય પાસે ટિકિટ ન હતી અને ટ્રેન ચાલુ થઈને અને ટી.સી. આવ્યા. મારી સાથેના ત્રણેય મિત્રો ઉપર સૂઈ ગયેલા અને ભક્તિનગર રેલવે સ્ટેશને ઉતારીને મેજિસ્ટ્રેટ જે ડબામાં બેઠા હતા તે ડબામાં ચડાવેલ અને તે દરમ્યાન ટ્રેન ચાલુ થતાં આ ત્રણેય જણાં આઉટસાઈડ પ્લેટફોર્મમાં ઉતરી ગયેલા અને હું જ્યારે જૂનાગઢ રેલવે સ્ટેશન બહાર નીકળેલા તો મારા ત્રણેય મિત્રો બહાર મારી રાહ જોતા ઊભા હતા અને ત્યાંથી અમો ચારેય

મિત્રો જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે ગયેલા. પછી મહારાજના દર્શન, દંડવત્ કર્યા ત્યારે મહારાજે કહ્યું કે, ટી.સી.એ બહુ હેરાન કર્યાં એમને ? તેમ કહી આશીર્વાદ આપ્યા અને સમૈયાની સેવામાં જોડાઈ જવા કહ્યું અમે સમૈયાનો ખૂબ સરસ લાભ લીધો અને મહારાજનો રાજીપો મેળવ્યો.

હું જૂનાગઢ મહારાજના જ્યારે દર્શને જતો ત્યારે ખૂબ જ અહોભાવ થતો અને મહારાજ પણ અતિ રાજી થઈને સેવાનો લાભ આપતા. મહારાજના અપાર પરચા છે. મહારાજનો મોટો પરચો એ કે મારા જેવાં ઘણાં બધા અબુધ, અજ્ઞાની, ગમાર, વ્યસની બધી રીતે પૂરા જેવાને પણ પોતાના આશ્રિત બનાવી સત્સંગી કર્યા અને સુખી કર્યા. જો મહારાજે ન સ્વીકાર્યા હોત તો આજ અમારો કોઈ અતોપતો ન હોત.

અમારે ગામડે ચાવડા ખેતીવાડી હોય તેથી ગાય-ભગસ રાખતા પરંતુ અમારા ફળિયામાં ગાય-ભગસ દોહવા ન દે. તેથી ગાય માટે હેડ કરવી પડે અને દોહતી વખતે ખૂબ જ તોફાન કરે. તેથી હું જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયો ત્યારે મહારાજને વાત કરી તો મહારાજે પ્રસાદીનું જળ અને ગુલાબની પાંખડી આપેલ અને કહેલ કે, પાણી બધું ગાય પર છાંટી દેજો અને પાંખડી બધી જમાડી દેજો, સારું થઈ જશે. તેમ કરવાથી ગાય એકદમ શાંત થઈ ગઈ અને પછી તો ગાયને દોહતી વખતે નાગઝણું વાળવાની પણ જરૂર ન રહેતી આવી ડાહી થઈ ગયેલ.

એકવાર હું અને મારો મિત્ર શાંતિલાલ હંસરાજ રાઠોડ અમો બંને મહારાજના દર્શન કરવા જુનાગઢ ગયા ત્યારે મહારાજ બપોરે આરામમાં હતા અને અમો બંને મહારાજના એક એક પગ દબાવતા હતા અને મહારાજે આંખો બંધ કરી હતી. થોડીવાર પછી આંખો ખોલી તો અમોએ કહેલ કે, મહારાજ ઊંઘ આવી ગઈ હતી ? તો મહારાજ કહે કે, અમે તમારા ગામ ગયા હતા. તો અમોએ કહ્યું કે, અમારા ઘરે ગયા'તા. તો કહે કે, ના તમો નિયમ-ધર્મમાં રહેતા નથી માટે ન ગયા અને કહ્યું કે- આ પૃથ્વી ઉપર અનંત અવગતિયા જીવો ભટકે છે. તમારા ગામની આથમણી બાજુ એક ભઈડિયો કૂવો છે તેમાં ધન ઘણું છે, પણ એ આશુરી છે તેમ જણાવેલ. તેથી અમોએ ચાવડા આવી વડીલોને કહેલ કે, મહારાજે આમ કહ્યું છે. તો વડીલોએ કહેલ કે તે સાચું છે. લુંટારુઓ પાછળ રાજાનું સૈન્ય પડેલ અને તે લુંટારુઓએ લુંટેલ ધન કૂવામાં નાખીને ભાગી ગયેલ હતા.

એકવાર મારા પિતાશ્રી અને હંસરાજબાપા રાઠોડ બંને જૂનાગઢ મહારાજના દર્શન કરવા ઉનાળામાં ગયેલ અને અમોએ ઉનાળુ મગફળી કાઢવાની તૈયારી કરી હતી. તેથી બીજે

દિવસે મારા પિતાશ્રી મહારાજ પાસે રજા લેવા ગયા ત્યારે મહારાજ કહે, બે-ત્રણ દિવસ રોકાવ સત્સંગનો લાભ લો. તેથી મારા પિતાશ્રી કહે કે, ચોમાસુ નજીક છે અને ઉનાળુ મગફળી કાઢે છે. તેથી જવું પડે તેમ છે તો મહારાજ કહે કે, વરસાદ થશે તો તમે હાથ આડા દેશો ને ? પછી મારા પિતાશ્રી બે દિવસ રોકાઈ ગયા અને જૂનાગઢથી ચાવડા બે-ત્રણ દિવસ બાદ આવેલા ત્યારે ખબર પડી કે અહીં ચાવડા વાડીએ મગફળીના પાથરા પડેલ હતા અને વીજળી સાથે વરસાદ આવેલો જેથી વાડીના ઝાડવા તથા મકાનના નળિયા ઉડી ગયેલા, પરંતુ મગફળીના પાથરાઓને ઉની આંચ આવી નથી. આમ મહારાજે રક્ષા કરેલ.

હું ઇ.સ.૧૯૮પમાં ટી.વાય.બીકોમ.માં અભ્યાસ કરતો હતો અને મહારાજને પત્ર લખી પરીક્ષામાં પાસ થઈ જવાય તેવા આશીર્વાદ માંગેલા અને મહારાજે વળતા પત્રમાં આશીર્વાદ લખી આપેલો. મારું બી.કોમ.ના છેલ્લા વર્ષનું ત્રીજું પેપર અંગ્રેજીનું હતું અને હું પરીક્ષા રૂમમાં મારો નંબર છેલ્લી બગચ પર હતો અને પરીક્ષા ચાલુ થયાના થોડા જ સમયમાં યુનિવર્સિટીનું ચેકિંગ આવેલું અને તેથી જોઈને લખી શકાય તેમ ન હતું અને તૈયારી કરી ન હતી. તેથી આ પેપરમાં પાસ થવાય તેવું ન હતું પરંતુ પરચો એ થયેલ કે ચેકિંગ ટુકડીના એક સાહેબ મારી પાસે આવીને મને લખતો જોઈને કહે, તું ખોટું લખે છે તને નથી આવડતું. હું લખાવું તેમ લખ.પછી તો બાકીનું મટિરિયલ મારી પાસે હતું તેમાંથી જોઈને લખી લીધેલ તે કશું બોલેલ નહીં અને એકાદ કલાક પછી ચેકિંગ જતું રહ્યું અને પરીક્ષા પૂરી થઈ ત્યારે આજુબાજુના વિદ્યાર્થી કહે કે, સાહેબ તમને લખાવતા હતા તે તમારા સગા હતા. મેં કહ્યું કે, ના ના. હું ઓળખતો પણ નથી. પરંતુ મહારાજે લેખિતમાં પાસ થવાના આશીર્વાદ આપેલા તેથી તે પૂર્ણ કરવા સાહેબને પ્રેરણા આપી અને હું બી.કોમ. પાસ થઈ ગયો.

બી.કોમ.માં પાસ થયા પછી જૂનાગઢ મહારાજ પાસે દર્શને ગયેલ અને મહારાજને કહેલ કે, મારે પોલીસમાં જવું છે તો મહારાજ કહે, પોલીસમાં ન જવાય. તમે વકીલ થાવ. તેમ કહી આશીર્વાદ આપેલ.

મારા મોટાભાઈને દુબઈ જવાનું થતું ન હતું તેથી તે મહારાજને રૂબરૂ દર્શને ગયેલા ત્યારે વાત કરેલી ત્યારે મહારાજે કહેલું કે, તેમનું નસીબ નબળું છે માટે અમે ભગવાનને પ્રાર્થના-માળા કરીએ છીએ. વહેલું તેમનું દુબઈ જવાનું થાય તેમ કહેલું તેથી ૧૦-૧પ દિવસમાં દુબઈ જતા રહેલા.

હું અને મારા મિત્ર રૂપસિંહ જાડેજા બંને મહારાજના દર્શન કરવા જૂનાગઢ ગયેલા. ત્યારે મહારાજનો જૂનો ઉતારો ‘ભંડારને મેડે' તે પાડીને નવું બાંધકામ થતું હતું તેથી મહારાજ ગુણાતીત સભામંડપ પાછળ એક રૂમમાં રહેતા હતા. અમો બંને સવારે દસેક વાગ્યે રૂમમાં દર્શન કરવા ગયા ત્યારે મહારાજ ખુરશી પર બેઠા હતા અને અમો બંને મિત્રો સાષ્ટાંગ દંડવત્ કરતા હતા. તે દરમ્યાન ઉપરના શર્ટના ખીસ્સામાંથી છૂટા પૈસા મહારાજના પગ પાસે પડ્યા તો મહારાજ રાજી થયા ને તે પૈસાને પગ અડાડીને કહે કે, આને પટારામાં રાખી દેજો તેથી લક્ષ્મી ક્યારેય ખુટશે નહીં, તેવા આશીર્વાદ આપેલ અને એ છૂટા પૈસા પૈકીના એક પાંચ પૈસા આજે પણ મારી પૂજામાં છે.

મારા મોટાભાઈને એક દિકરી હતી પણ દીકરો ન હોવાથી ઘરમાં ચિંતા હતી. તેથી મહારાજને વાત કરેલી તો મહારાજે માળા ફેરવતા કહેલું કે, ભગવાનને પ્રાર્થના કરી છે. મુક્તરાજનો જન્મ થશે અને પુત્રનો જન્મ થયેલો અને મહારાજે જ નામકરણ પાડેલ તેનું નામ બાલકૃષ્ણ છે.

આમ મહારાજનો મારા ઉપર ખૂબજ રાજીપો હતો અને તેમના આશીર્વાદથી જ આ અમૂલ્ય સત્સંગ તથા નિર્વાસનિક જીવન મળેલું છે. મહારાજની મારા ઉપર અપાર કૃપા રહેલી છે અને તેથી જ કાદવમાંથી કમળ ખીલે તેમ મને ખીલવેલ છે કેમ કે અમે જે ગામમાં રહેતા હતા તે ગામમાં પટેલોમાં કોઈને સત્સંગ ન હતો. ગામમાં વ્યસનનું દૂષણ વધારે અને કોઈ સારા માણસનું માર્ગદર્શન મળે તેવું પણ ન હતું અને આવા સંજોગોમાં મહારાજની કૃપા દૃષ્ટિ પડી અને તેમના આશીર્વાદથી સારા સત્સંગી થઈ નિર્વાસનીક જીવનથી નિયમ-ધર્મમાં રહીને અમે જીવન ધન્ય બનાવેલ છે.