પરચા ૧૩૪

અનાદિ મુક્તરાજ કિશોરભગત પરષોત્તમભગત ગોહેલ

મોરબી, હાલ- અમદાવાદ

મહારાજની હયાતીમાં દુબઈમાં શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તો કથાવાર્તા દ્વારા અનેક જીવોને પ્રગટ ભગવાનની પરિપૂર્ણ ઓળખાણ આપતા. એ સમયે કિશોરભગત પણ દુબઈ ભક્તો સાથે રહી ધૂન-ભજન, સેવા-પૂજાનો લાભ લેતા, પરંતુ એક સમય એવો આવ્યો કે કિશોરભગતને શરીરમાં કોઈ એવો અસાધ્ય રોગ થયો જેના કારણે તેમને ખૂબ જ પીડા થવા લાગી. જેથી રહેવા-જમવાની પણ ખૂબ જ તકલીફ વધવા લાગી ત્યારે ત્યાંના ભક્તોને પણ કિશોરભગતની ખૂબ ચિંતા હોવાથી મહારાજને પત્ર લખી તેમનું દુઃખ દૂર કરવા પ્રાર્થના કરી ત્યારે મહારાજે જૂનાગઢથી સ્વયં પત્ર લખી કિશોરભગતને આશિર્વાદ આપતા લખ્યું કે, તમને શ્વાસની તકલીફ છે તે પ્રસાદી ગુલાબ પાંખડી ખાવાથી, પ્રસાદી જળ પીવાથી તુરંત મટી જશે. ભક્તિ કરજો મુંઝાશો નહીં. દમનો રોગ પણ મટી જાશે.

ચામાં આદુ-રસ પીવી અથવા આદુની કટકી ક્યારેક ક્યારેક ચાવતી રહેવી. છાતી પર બામ ચોળો તેમજ સહેજ ગરમ જળ પીવા મળે તો ઘુંટડો બે ઘુંટડા પીવું. ખાટું ના ખાતા એટલે તમને કફ, શરદી, શ્વાસ બધું મટી જશે અને નવું જીવન મળશે. તમે ભગવાન અને સંતને રાજી કરજો, તેમની આજ્ઞામાં રહેજો તેમજ ત્યાં રહેલા મોટા મુક્ત પુરુષો પાસેથી ઉપદેશ લેવો. હવે સમજ્યાં ત્યારથી સવાર. સેવા, ભક્તિ કરજો સુખી રહેશો.

આમ મહારાજે કુંજ પક્ષીની પેઠે જૂનાગઢ બેઠાં બેઠાં પણ કિશોરભગતની દુબઈ પણ રક્ષા કરી અને નવું જીવન આપ્યું. દુબઈના મોટાં ભક્તોમાં વશરામભગતે તેમજ અન્ય નાના-મોટાં ભક્તોએ પણ બીમારીના એ અતિ મુશ્કેલીના સમયમાં કિશોરભગતની ખૂબ સેવા કરી છે. આજે પણ કિશોરભગત મહારાજની કૃપા અને ભક્તોની સેવાને ભૂલી શક્યા નથી અને હાલમાં મહારાજનું વિશેષ ભજન કરી કથાવાર્તા દ્વારા પણ કોઈ એવા મુમુક્ષુ જીવ હોય તો તેમને ભગવાનની ઓળખાણ આપે છે અને મહારાજમાં જોડે છે. તેમજ તેમને પણ મહારાજની વિશેષ સેવા-ભક્તિ કરવાનું બળ આપે છે. આમ મહારાજે તેમને આપેલું નવું જીવન જેમ બને તેમ ભગવાન અને ભક્તો લેખે લાગે એવા તેમના શુભ પ્રયત્ન છે.