પરચા ૧૦૩

અનાદિ મુક્તરાજ વસંતભગત પરષોત્તમભગત રાઠોડ

મોટી કુંકાવાવ, હાલ- સૂરત

અનંત કોટિ બ્રહ્માંડના અધિપતિ એવા અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પ્રભુની અપાર કૃપા આપણાં ઉપર છે. ભક્તોને પોતાના દિવ્ય સુખ આપીને આનંદ આપે છે. આ પ્રગટ પ્રભુનાં કૃપાપાત્ર હોવાથી અમે અમારું ધન્ય ભાગ્ય માનીએ છીએ.

જ્યારે અમે કુંકાવાવમાં રહેતા હતા ત્યારે સૌરાષ્ટ્રમાં એકવાર ઉપરા ઉપર ત્રણ વર્ષ દુષ્કાળના કારણે કૂવા, ડંકી, બોરમાં પાણી ખૂટી ગયા તે સમયે ઘનશ્યામનગરમાં અમારા ઘર પાસે પંચાયતમાં સરકાર તરફથી બોર કરવાનું મંજૂર થયેલ. તે બોરિંગ ૩પ૦ ફૂટ ઊંડું ગયું છતાં એક ટીપું પણ પાણી ન આવ્યું. અમોએ કુંકાવાવ બસ સ્ટેન્ડ પાસે રાષ્ટ્રીય સ્મૃતિ ભવનમાં મહારાજની મૂર્તિ પધરાવેલ છે ત્યાં જઈને પ્રાર્થના કરીને સંકલ્પ કર્યો કે, હે મહારાજ જો અમારા બોરમાં પાણી આપો તો તમે કહેશો તે પ્રમાણે અમે કરીશું. મહારાજની રજા મેળવી સરકારી બોરિંગ કરાવાવાળા પાસે સમય ન હતો, છતાં તે લોકોએ ફરી અમને પ્રાઈવેટ બોર કરવાની હા પાડી. અમારો પ્રાઈવેટ બોર ૩૬ ફૂટ જતાની સાથે પાણીનો ફૂવારો ૧૦ ફૂટ ઊંચે છૂટ્યો. મહારાજનો આ ચમત્કાર જોવા આખું ગામ, આગેવાન માણસો, સરપંચ, તાલુકા પંચાયતના કર્મચારીઓ આવી આવીને જોવા લાગ્યા. આ લોકો પાણીના પૈસા આપવાની વાતો કરવા લાગ્યા. બોરિંગ ૧૧૦ ફૂટ સુધી કરવાનું હતું. બોરિંગનું કામ ચાલુ હતું ત્યારે એક ગાગર ભરીને અમે જૂનાગઢ મહારાજને સ્નાન કરાવવા માટે લઈ ગયા મહારાજને અમે કંઈ વાત કરીએ તે પહેલાં જ સામેથી મહારાજ બોલ્યા, પાણી વેચાય નહીં, મુંગા, પશુ-પક્ષી, ગરીબ માણસો જેને રહેવા ઘર નથી, જેને કોઈની લાગવગ નથી તેણે કોણ પાણી ભરવા દે ? માટે જરૂરીયાત હોય તે સૌને પાણી સેવામાં આપજો. પછી અમે તે પાણી આખા પ્લોટ વિસ્તારને મળે તે હેતુથી પંચાયતની પાણીની ટાંકીમાં ચઢાવીને ઘેર ઘેર તે પાણી મહારાજના કહેવા પ્રમાણે કોઈ પણ પૈસા લીધા વગર આપેલ છે. આપણા સર્વમાં વાસ કરતા અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુનો આ પ્રગટ પરચો છે, જે જગજાહેર છે.

સૂરતમાં શ્રીહરિ શરણાગતિમંડળ દ્વારા પ્રભુકૃપાથી શ્રીકૃષ્ણનારાયણ મંદિર નિર્માણ થયેલ છે. આ મંદિર સંત તુકારામ સોસાયટી, વિ.ર, પાલનપુર જકાતનાકા પાસે રાંદેરમાં આવેલ છે. ત્યાં પ્રગટ ભગવાન શ્રીશ્વેતાયન વ્યાસ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ

અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનની મૂર્તિઓ પધરાવવામાં આવી છે. ભક્તોને ભજન-ભક્તિ, કથા-વાર્તા, સેવા-પૂજાના લાભ પ્રાપ્ત થાય છે. પ્રગટ ભગવાનની જન્મજયંતિ, ગુરૂપૂર્ણિમા, પૂણ્યતિથિ અને બીજા ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે. અનેક લોકો દર્શને આવે છે. મૂર્તિ પાસે માનતાઓ માને છે, ભગવાન ભક્તોના દુઃખ દૂર કરે છે અને પોતાનું પ્રગટપણું જણાવે છે.

એકવાર હું અને મારા પત્ની ઉધનાથી ચાલતા અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયા હતા. અમે પ્રગટ ભગવાનની મૂર્તિને ફુલનો હાર ચઢાવ્યો હતો તે હાર વધીને મોટો થયો હતો. વધેલા હાર સાથે મૂર્તિનાં દર્શન ભક્તો કરતાં હતા આમ ઘણાં ભક્તોના ઘેર મૂર્તિને ચઢાવેલ હાર વધ્યાના પરચા વરાછા રોડ, કતારગામ, મુંબઈ, પૂના, અશ્વિનીકુમાર, રાંદેરરોડ ખાતેથી જાણવામાં આવેલ છે હતા, પરંતુ મંદિરમાં મૂર્તિને ચઢાવેલ હાર વધ્યાનો આ પહેલો પરચો અમારા અનુભવમાં આવ્યો. તેમજ ફુલવાડી મંદિરે પણ આરતી સમયે હાર વધ્યો અને હાજર ભક્ત સમુદાયે તેના દર્શનનો લાભ લીધો હતો. આમ અમારા રાઠોડ પરિવાર ઉપર ભગવાનનો ખૂબ રાજીપો છે જેનો અમને આનંદ છે.

પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની કૃપાથી મારો જન્મ મોટી કુંકાવાવ જેવા મહાન તિર્થમાં થયો તેમજ નાનપણથી મહારાજની પરિપૂર્ણ ઓળખાણ થઈ અને ખૂબ ભગવાનનાં દર્શન સેવાનો મને લાભ મળ્યો ઉપરાંત મહારાજના આશિર્વાદથી ખૂબ સુખી થયા જેથી કુંકાવાવ, ફુલવાડી, જૂનાગઢ અને સૂરત દરેક ધામોમાં મંદિરોના કાર્યમાં ઘણી સેવાનો લાભ લઈ મહારાજની વિશેષ સેવા ભક્તિ કરી હું અને મારો પરિવાર ખરેખર ધન્યતા અનુભવીએ છીએ.

આ મનુષ્ય જન્મમાં પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ, શ્રી શ્વેતાયન વ્યાસ પ્રભુ, શ્રી અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પ્રભુ આપણને મળ્યા, ઓળખાયા તે આપણાં અહોભાગ્ય છે, જે ભગવાનના દર્શન માટે ઋષિમુનિઓ હજારો, લાખો વર્ષો તપશ્ચર્યા કરે છે, યજ્ઞો કરે છે, દાન-પુણ્ય કરે છે છતાં સ્વપ્નમાંયે તેમને દર્શન થતા નથી. આપણાં અહોભાગ્ય કે આપણને પ્રગટ ભગવાનના દર્શન થયા, સેવાના લાભ મળ્યા માટે પ્રભુને સેવી લેવા, રાજી કરી લેવા અને મોક્ષ મેળવી લેવો.