અનાદિ મુક્તરાજ નારણભગત થાલાભગત સાયના
આંધ્રપ્રદેશ (આલુર)
આંધ્રપ્રદેશના આલુર ગામમાં તેલુગુ ભાષા બોલાય પણ ત્યાંના રહેવાસીઓને આ પ્રગટ ભગવાનનો યોગ થાય તે તો પ્રગટ ભગવાનની કૃપા વડે જ થાય. કારણ કે આખા બ્રહ્માંડમાં રહેલા અનંત જીવોના ભક્તપતિ ભગવાન છે. જીવ જો ગુણગ્રાહી થાય તો જીવમાંથી મુમુક્ષુ અને મુમુક્ષુમાંથી ભગવાનનો ભક્ત થઈ જાય છે.
નારણભગત-આલુર,ગંગારામભગત-આલુર,મલૈયાભગત-આલુર આ ભક્તોને દુબઈમાં વશરામભગતનો યોગ થયો. કંપની સાથે આ બધા ભક્તો કામકાજ કરતા. વશરામભગત ફોરમેન હતા તેથી આ ભકતો તેમની આજ્ઞામાં રહેતા. કામકાજ કરીને પાછા રૂમે આવતા અને જમી-પરવારીને બધા ભક્તો વશરામભગત પાસે કથા-વાર્તા સાંભળવા આવતા. વેલજીભગત પ્રગટની કથા-વાર્તા, પરચાઓની વાતો, ભગવાન કેને મળે, ક્યારે મળે, કેમ મળે ? આ બધી જ્ઞાનની વાતો કહેતા. ભોળા ભક્તો પણ વિશ્વાસ જબરો તેથી ભક્તિનું બળ વધતું ગયું. રોજ કથાવાર્તાઓ થતી. વશરામભગતે ભક્તોની બધી જ અંદર-બહારની અશુદ્ધિઓ કઢાવી નાખી. શરીરે શુદ્ધ થયા પછી દુબઈ ભક્તોની સભામાં આવતા જતા અને વશરામભગતની સેવા કરતા. પ્રગટની વાતો-કથા કરતા. ભગત કહે, જીવને આ ભગવાનનો ગુણ આવે તો જીવ ગુણી થાય, જીવ ગુણી થાય તો સત્સંગનો કેફ વધે, ભક્તિનું બળ વધે. ભક્તિના બળ વધતા સેવાની ભાવના થાય. સેવા પણ ભગવાનની આજ્ઞા મુજબની તકે જે સેવા મળે તે તક સાધી લેવી. આ ગુરૂના વચનો અને ભગવાનના વચનો સમાન જાણી તેઓ દુબઈમાં રહેલા મોટા ભક્તોની આજ્ઞામાં રહેતા. દુબઈમાં ઘેર ઘેર મહાસભાઓ ઉત્સવો થતા અને પ્રભુજીની આજ્ઞા મુજબ ફુલવાડીને સેવતા.
વશરામભગતે આ ભક્તોને પાત્રવાળા જાણી મહારાજના મંત્ર, દિક્ષા, શરણાગતિ આપી છે અને આ બધા ભક્તો ગામડાંના પણ અધિક ભક્તિ કરવાવાળા અને આ જ્ઞાને સીર સાટે સેવા કરવાવાળા મોટાની ગણતરીમાં આવી શકે તેવા ભક્તો હતા. કંપનીમાં રહી મહિનાના મળેલા પગારોની લક્ષ્મીજીની દ્રવ્ય સેવાઓ તેમણે ફુલવાડીમાં કરી છે. તેમજ ફુલવાડી સભા-સમૈયામાં આવીને પ્રભુજીના દર્શન કરેલા છે.
નારણભગત, ગંગારામભગત જ્યારે વશરામભગત ભેળા કંપનીમાં હતા ત્યારે
જુનાગઢ પ્રત્યક્ષ પ્રભુ બિરાજમાન હતા. મહારાજના પ્રસાદીપત્રો વશરામભગત ઉપર આવતા, આશીર્વાદ આપતા. વશરામભગતે મહારાજને જુનાગઢ પત્ર લખી જણાવ્યું કે, આપની કૃપાદૃષ્ટિ વડે તેલુગુ નવા ભક્તો થયા છે, તમારું ભજન કરે છે, તમોને સેવા મોકલી છે. મહારાજે વળતો પ્રસાદીપત્ર નારણભગત, ગંગારામભગત પર લખીને આશીર્વાદ આપ્યા છે કે, આંધ્રપ્રદેશવાળા નારણભગતની ચઢતી કળા હો. આમ પ્રગટ ભગવાનની અમીદૃષ્ટિથી પોતાના હૃદય સિંહાસનમાં આ ભક્તોનું સ્થાન રહ્યું છે.
નારણભગતે પછી તો દેશમાં આવી આલુર ગામના ઘણા માણસોને પ્રગટ ભગવાનની ઓળખાણ આપી છે. પૂ.શાંતિલાલભગત બગીચા તેમજ તેમના શિષ્યમંડળે મળી આંધ્રપ્રદેશમાં મંદિર બનાવી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે અને હાલમાં નારણભગત મંદિરના મહંત સમાન, પુજારીપણે, દાસભાવે ભગવાનની સેવા, કથા વાર્તા, આરતી, ધૂન કરે છે. ધન્ય છે આ ભક્તોને...