અનાદિ મુક્તરાજ રતિલાલભગત હંસરાજભગત રાઠોડ
ચાવડા, હાલ- રાજકોટ
પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પરાત્પર પરમધામાધિપતિ પરનારાયણ અનંત કોટી મુક્તોથી સેવાયેલા સદાસાકાર દ્વિભુજ દિવ્યમૂર્તિ પુરુષોત્તમનારાયણ, અનંત ઐશ્વર્ય, સર્વ સામર્થી સહિત, નિજ મુક્તો સહિત આ લોકમાં પધાર્યા. સૌરાષ્ટ્ર પ્રદેશની પરમ પવિત્ર દિવ્ય ભૂમિ મહાતિર્થધામ કુમકુમવાપી નગરીમાં માતા કંભરાલક્ષ્મી અને પિતા ગોપાલકૃષ્ણને ઘેર સંવત-૧૯૬૧ના તા.ર૧-૧૦-૧૯૦પ, આસો વદી અષ્ટમીને શનિવારે સૂર્યોદય પહેલાં સુપ્રભાતે પ્રગટ થયા (બાલકૃષ્ણ મહારાજની જય). નીજ ધામથી જે સત્ય સંકલ્પો ધારીને આવેલા કાર્યો પૂરા કરવા પ્રગટ ભગવાન સંતરૂપે પૃથ્વી પર વિચર્યા. બ્રહ્મવિદ્યા પ્રકાશ, શાસ્ત્ર ગ્રંથો લેખન, ભાગવત ધર્મ સ્થાપન, મંદિરો, મૂર્તિ પ્રતિષ્ઠાનો, દિવ્ય ચિન્હોએ યુક્ત ચરણાર્વિદો, પટ્મૂર્તિઓ, લાલજીમહારાજની ધાતુની મૂર્તિઓ, શ્રીહરિ શરણાગતિ મંડળની સ્થાપના, આચાર્યોની સ્થાપના અને સંત દિક્ષાઓ આપી પરમ મોક્ષનો અવિરત માર્ગ ચાલુ કર્યો. વિશ્વ કલ્યાણને માટે મહારાજ પૃથ્વી પર વિચર્યાને મહાન ભગીરથ કાર્યો કર્યાં. આ શ્રીહરિ શરણાગતિ મંડળ વિશ્વના આત્યંતિક કલ્યાણ કરવા માટે ધામમાંથી ભેળું લાવ્યા છે.
મહારાજે કુંકાવાવ પીપળાના ઝાડ પર ચડીને જોયું જે મારા મુક્તો કઈ દિશામાં છે. તો ઉત્તર દિશા સામું જોઈ તલનો ખોબો ભરીને ઉડાડ્યો તે મુક્તોની ખાણો નીકળી પડી. જામવંથલી, ચાવડા પછી સોરઠ દેશ, સૌરાષ્ટ્ર દેશ, કચ્છ-અંજાર બધે છૂટાછવાયા મુક્તો પ્રગટ થયા. પૂર્વની પ્રીતિ, રતી, સ્નેહભક્તિને વશ થઈ નિજભક્તોના મનોરથ પૂરવા ભક્તોને લાડ લડાવવા પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ આ લોકમાં વિચરે છે. તે ભગવાનને ઓળખી પ્રગટ સ્વરૂપમાં દૃઢ ઉપાસના, નિશ્ચય, અતિ દૃઢ નિષ્ઠાવાળા ભક્તોને મહારાજ પોતાનું ભાગવત કુટુંબ ગણીને તેમને ઘેર પધારતા રહેતા અને સર્વ રીતે પોતાની મૂર્તિનું દિવ્ય અલૌકીક સુખ આપતા.
એવા ભાગવત કુટુંબ પ્રગટના પ્યારા હંસરાજભગત, પિતા કાનજીબાપા રાઠોડ, તેઓ જામનગર જિલ્લાના જામવંથલી પાસે ચાવડા ગામના રહીશ અને ખેતીનું કામ કરતા. પ્રગટ ભગવાનને ઓળખી અચળ નિષ્ઠા અને નિષ્કામ ભાવથી પ્રગટ ભગવાનનું
ભજન કરતા. હંસરાજબાપાના પિતા કાનજીબાપાને માતા માગઘીબેન તેમના બે ભાઈ ટપુલાલભગત અને બીજા દેવજીભગત અને હંસરાજબાપાના ધર્મપત્ની આણંદીબેન હતા. ટપુલાલભગતના ધર્મપત્ની વેલીબેન. દેવજીભગતના ધર્મપત્ની જીવતીબેન હતા. હંસરાજબાપાને સંતાનમાં પાંચ પુત્રો અને બે પુત્રીઓ હતી. તેમાં મોટા પુત્ર મુક્તરાજ શ્રી રતીલાલભગત, અમરશીભગત, નારણભગત, મનસુખભગત, રમેશભગત અને પુત્રી ગૌરીબેન, મંજુલાબેન તથા રતિલાલભગતના ધર્મપત્ની લીલાવંતીબેન હતા. અમરશીભગતના રમાબેન. નારણભગતના લલિતાબેન. મનસુખભગતના રસીલાબેન, રમેશભગતના જ્યોત્સનાબેન. આમ નાના-મોટા બધા જ એક નિષ્ઠાથી પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની દૃઢ ઉપાસના ભક્તિ કરતા. મનુષ્યરૂપ ભગવાનને ઓળખી, નિસંશય, નિષ્કામભાવે ભગવાનને સેવતા અને રાજી કરવા ભક્તિ કરતા તેથી મહારાજે હંસરાજભગત, કાનજીબાપાના ઘરને ભાગવત કુટુંબ ગણાવ્યું હતું. અમુક કુટુંબોને મહારાજે સ્વમુખે ભાગવત કુટુંબ તરીકે કહ્યા હતા. અનાદિ મહામુક્તરાજ રતિલાલભગત હંસરાજભગત ચાવડાવાળાનો પરિચય...
અનાદિ મહામુક્તરાજ રતિલાલ ભગતનો જન્મ તા.૧૬-૮-૧૯પ૦, શ્રાવણ સુદ-પૂનમને શનિવારે થયો હતો. બાલ્યાવસ્થાથી જ શાંત, સરલ સ્વભાવ, ભગવાનના મંદિરે જવું. ધૂન-ભજન-કિર્તન કરવા. કથાઓ સાંભળવી, શીખવીને કરવી. આવી રૂચી બાળપણથી જ હતી. પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા ત્યારે મહારાજ પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ જામનગર મંદિરે વિરાજતા હતા. તે સમયે તેમના પિતાશ્રી હંસરાજભગત અને કાકા ટપુલાલભગત ભેળા જામનગર ગયા. મંદિરે નિજ નિવાસસ્થાને મહારાજના દર્શન થતા તે દિવ્ય મૂર્તિને અંતરમાં ધારી લીધી. મહારાજે પોતાના ખોળામાં બેસાડી ખૂબ વહાલ કર્યું. શરણાગતિ દિક્ષામંત્ર આપી કંઠી બાંધી. વાસામાં રાજીપાના થાપા માર્યા. શિર પર હાથ મેલી ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. ઘણા રાજીપા સાથે મંદ મંદ હસતા બોલ્યા કે તમારી વહેલી જરૂર હતી. પછી તો મહારાજના આશીર્વાદ, રાજીપાની છત્રછાયા કાયમને માટે ભક્તને મળી ગઈ. તેથી દિવસે દિવસે કર્થા-વાર્તા અને ભક્તિનો રંગ આનંદ એટલો બધો વધ્યો કે જાણે જીવન પરિવર્તન પામી ભગવાનમય બની ગયું. પ્રગટ ભગવાનનો પ્રતાપ જણાવા લાગ્યો. પ્રગટ ભક્તિ આનંદ કેફને મહારાજે એટલું બધું આપી દીધું ને નિર્ભયપદમાં પહાગચાડી આનંદ મહાસાગરમાં ગરકાવ કરી દીધા. પ્રગટના કેફે આઠે પહોર સુખ સુખને સુખ. કાયમ મંદિરે
જવું, કથા કાયમ વાંચવી. પૂજાપાઠ કાયમ કરવા, કાયમ મંજીરા વગાડી ધૂન-ભજન-કિર્તન કરતા. કિર્તન બોલે, કથા કરે ને બધા વડીલ ભક્તો માતાઓ ખૂબ રાજી થતા.
એક વખત મંદિરેથી ઘરે આવતા રસ્તામાં હનુમાનજીનું મંદિર ત્યાં દરબારના છોકરાવ બેઠેલા તેમાં એક છોકરો ભગત પાસે મંજીરા જોઈને કહે, એ ભગતના દીકરા અહીં આવ. બહું મોટો ભગતડો થઈ ગયો છે. જે મંજીરા ગળામાં નાખીને ફરે છે તો લાવ મંજીરા. એમ કહી મંજીરા જબરજસ્તીથી આંચકી લીધા. પછી રતિલાલભગતને મનમાં એમ થયું જે આવા લુચ્ચા લફંગાને ભગવાને કાંઈક સજા કરવી જોઈએ. અંતરાત્મામાં દુઃખ થયું તે ભગવાને જોયું. બસ ભગત ત્યાંથી ઘરે આવતા રહ્યા તે દરબાર શેરડીનો ચિચોડો ચાલતો હતો ત્યાં મજૂરી કરવા ગયેલો તે શેરડી ચિચોડામાં નાખતો હતો તે શેરડી ભેળો તેને જે હાથે મંજીરા પડાવી લીધા હતા તે હાથ ચિચોડામાં આવી ગયો ને હાથ ખભેથી કપાવવો પડ્યો ને દુઃખી થઈ ગયો. પછી તો દરબારોનો જે ત્રાસ થતો તેને સમાવવા મહારાજે ચાવડામાં પધારી એક અસાધ્ય રોગ દરબારનું જડબું ખસી જતું તેને મહારાજે હાથ ફેરવીને મટાડી દીધું તે ચમત્કાર પરચો આખા ગામે જોયો ત્યારથી ત્રાસ બંધ થયો ને ભજન-ભક્તિનું સુખ વધારે થયું.
એક વખત રતિલાલભગત તેની વાડીએ જતા રસ્તામાં પટેલનું ગાડું જતું હતું તેમાં બેસી નાહીધોઈને પૂજા પાઠ કરેલા તેથી તિલક-ચાંદલો જોઈ, છોકરડો જોઈ અસુરબુદ્ધિનો પટેલ ઠેકડી મશ્કરીના વચન બોલવા લાગ્યો. આમ સત્સંગનું ને ભગવાનનું ઘસાતું કોઈ બોલે તે ભક્તથી સહન થતું નહીં. તેમના મનમાં સંકલ્પ થઈ ગયો કે આવા અપરાધીને જરૂર દંડ થવો જોઈએ અને થોડા દિવસમાં તેનો છોકરો મરી ગયો. આમ પ્રગટ ભગવાનની પ્રેરણા, રાજીપાથી મહારાજે રતિલાલભગતને સંકલ્પ સિદ્ધી આપી દીધી હતી.
એક વખત મહારાજ ચાવડા પધાર્યા. ત્યારે રતિલાલભગતને ઘેર ગાય, ભગસ દૂધ આપતી તેથી રતિલાલભગતે માતા-પિતાને કાકાને વાત કરી કે આપણે ઘેર આટલંુ બધું દૂધ થાય છે ને મહારાજ પધાર્યા છે તો મહારાજને દૂધથી સ્નાન કરાવીએ એ વાત બધાને ગમી. સૌ કહે આજે રાત્રો પ્રોગ્રામ ગોઠવી દો. તુરત જ મહારાજને વાત કરી મહારાજે પણ દયા કરીને સ્વીકારી. પછી ઘર, કુટુંબ, ભાઈઓ, બાઈઓ તમામે મળી મહારાજને દૂધનો અભિષેક કરી નવડાવી એ દૂધનો દૂધપાક બનાવી બધા પ્રસાદી જમ્યા. ભગવાન ભેળો રહેવાનો, સુખ માણવાનો અલભ્ય લાભ એક દિવ્ય વાતાવરણને ધામનું સુખ પ્રભુએ આપ્યું.
મહારાજ ઘણી વખત ખેતર-વાડીએ પધારતા ત્યાં પણ મગફળીના ઓરા, ચણાના ઓરા, ઘઉં-બાજરીના પોક, શેરડી વિગેરે જે સમયે થતા ત્યારે મહારાજને જમાડતા ને ભગવાન બાઈઓ, ભાઈઓ તમામની સેવા અંગિકાર કરતા. મૂર્તિના દિવ્ય સુખ આપતા. આ રીતે સ્નેહી ભક્તોને દિવ્યાનંદમાં તરબોળ કરી આનંદ-સુખના વરસાદ વરસાવતા હતા. આમ એક ઘરમાં તમામ નાના-મોટા ભાઈ-બાઈ, બાળકો તમામની એક ઋચિ, એક ઉપાસ્ય ઈષ્ટદેવ, એક પ્રગટ ભગવાનની સેવાભક્તિ, ઘર જ ધામ તૂલ્ય તેથી ભગવાન અતિશય રાજી થતા હતા ને તેથી ચાવડાના હંસરાજબાપા કાનજીબાપાના કુટુંબને મહારાજે ભાગવત કુટુંબ ગણાવ્યું હતું.
મહારાજ સંવત ર૦ર૧માં કાર્તિક વદ-૮ના જામવંથલી પધાર્યા હતા ને સાત દિવસ ગામના મંદિરની મેડી પર રહ્યા હતા. મંદિરમાં ભક્તોને કથા-વાર્તા-દર્શન આનંદ સુખ આપતા અને વિચરતા હતા. પધરામણીઓ થતી હતી. ભક્તોના ખેતર, વાડીએ પણ જતા હતા. દરરોજ બપોરે મંદિરે ઠાકોરજી જાગે પછી નાના બાળકો, યુવાન ભક્તમંડળી સાથે ઝાંઝ-કિર્તનને રાસ રમતા, આનંદ કિલ્લોલ કરતા. દરરોજ ફુલવાડીએ જતા.
એકવાર ફુલવાડી પહાગચ્યા ત્યારે રતિલાલ ભગત કિર્તન-ધૂન ગવડાવતા હતા કે, તલાવડીને તીર જઈ આવ્યા, ખાંપો સાથળ ચિન્હ લાવ્યા, એ કડી બોલ્યા ત્યારે મહારાજે ધૂન બંધ કરાવીને ફુલવાડીમાં બધા ભક્તોને બોલાવી સાથળમાં ખાંપાના ચિન્હના દર્શન કરાવ્યા પછી આંબલીની નીચે સભા કરી બેઠાં હતા. ભક્તો રાસ રમી પ્રગટ ભગવાનને રાજી કરતા, આનંદ કરતા. પછી મહારાજે કહ્યું, હવે બધા બેસો એક વાત કરવી છે. ભગવાન જ્યારે વાત કરતા તે ભણેલા-અભણેલા નાના-મોટા બધાને સમજાય જાય. પરંતુ ગૂઢ રહસ્ય ભરેલી અલૌકિક વાત મહારાજે બધાને કહી કે, આ આંબલીના પત્તા કેટલા છે ? ભક્તોએ કહ્યું, મહારાજ એ તો ગણાય નહીં. અસંખ્ય પાંદડાઓ છે ત્યારે મહારાજ એવું બોલ્યા કે, જેટલા આંબલીના પત્તા છે તેટલા યુગના પુણ્ય તમારા ભેળાં થયા છે. ત્યારે તમોને બધાને મારા દર્શન થાય છે. મારી સાથે તમો રમી શકો છો. પ્રગટ ભગવાનની સેવા મળે છે. ત્યારે તમોને બધાને મારા દર્શન થાય છે. તમને મલ્યા એ ભગવાન બહું મોટા છે. આમ પોતાના પરાત્પર પર સ્વરૂપની વાતો કરીને બધાને પોતાની મૂર્તિના દિવ્ય ચિન્હોના દર્શન કરાવ્યા ને બધાને પોતાના હાથે પ્રસાદી આપી ને રાજી કરી દીધા.
એકવાર જૂનાગઢ મહારાજના દર્શને ગયા હતા. દંડવત્ત પ્રણામ કરી બેઠા. મહારાજ
કહે, બજારે જઈ આવો. હાર, સાકર પ્રસાદી, ન્હાવાના સાબુ, એક શાહીનો ખડિયો ને કોરા કાગળ લેતા આવો. તુરત જ બજારે જઈ બધી વસ્તુ લાવ્યાને મહારાજને આપી ત્યાં આરતીનો સમય થયો. સાંજે બધા આરતીમાં ગયા, સભા ચેષ્ટા બોલાઈ જાય ત્યાં સુધી મહારાજ સભા મંડપમાં હતા. પછી ઘરે આવ્યાને સેવાના સુખ આપ્યા. રહસ્યભરી વાતો કરી. મહારાજ કહે, હવે સૂઈ જાવ. સવારે નાહીધોઈને આવજો પછી સવારમાં મહારાજના દર્શન કરવા ગયા. મહારાજ લખતા હતા અને રતિલાલભગત, ટપુલાલભગત, હંસરાજબાપા વગેરે મહારાજની સેવા કરતા હતા.
મહારાજ જ્યાં બેસી લખતા તે જગ્યાએ સામે મોટી બારી હતી. ત્યાંથી ગિરનાર પર્વત ચોખ્ખો દેખાય. ત્યારે રતિલાલભગતને મહારાજે કહ્યું કે, આ સામે શું દેખાય છે ? રતિલાલભગત કહે, મહારાજ સામે તો ગિરનાર પર્વત દેખાય છે. વળી મહારાજે કહ્યું, તેની આજુબાજુમાં લીલીચાદર જેવું શું દેખાય છે ? ત્યારે રતિલાલભગતે કહ્યું, મહારાજ એ તો બધા મોટા વૃક્ષો દેખાય છે. ત્યારે મહારાજે રહસ્યભરી વાત કરી કે, આ ગિરનાર પર્વત જેવા તમારી ઘરે ચિંતામણી કે પારસમણિના ઢગલા હોય ને જેટલા વૃક્ષો છે જેટલા તમારી ઘરે કલ્પવૃક્ષો હોય તો પણ તેને મૂકી ને આ પ્રગટ ભગવાનનો યોગ કરી લેજો ને યોગ મળ્યો છે તે કાયમ સાચવજો. બધા ભક્તોએ કહ્યું, મહારાજ એવા આશીર્વાદ આપો કે તમારો યોગ, સંબંધ, નિશ્ચય, ઉપાસના જીવનપર્યંત દૃઢ રહે અને અંતે ધામમાં પણ તમારી મૂર્તિના સુખમાં રાખજો. મહારાજે ત્રણેયને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા ને ઘણા રાજી થયા.
મહારાજ જામવંથલીમાં સવારે, ઘરે વાડીએ કે ખેતરે પધરામણીએ જતા અને બપોર પછી દરવાજે વાજિંત્ર મંડળી સાથે ફુલવાડી જતા. તેમાં એક દિવસ ભક્તમંડળી, મંદિરના ચોકમાં મહારાજની રાહ જોઈને ઊભી હતી અને મહારાજ મેડી પરથી ઉતરી ચોકમાં પધાર્યા. ત્યાં ભક્તોએ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની જયના બદલે શ્રીકૃષ્ણવલ્લભાચાર્ય દેવની જય બોલાવી. તરત જ મહારાજ ભક્તો સામે દૃષ્ટિ કરી બોલ્યા કે, અમને દેવ જેવા ક્યાં કહો છો, એમ મર્મ બોલ્યા ને ભક્તો પણ એ મર્મને સમજી ગયા. આમ ભગવાન ભક્તોને સુખ-આનંદ આપતા, જોડે રમતા, લીલાઓ કરતા. ભક્તોને ગાન કરવા બધા જ ચરિત્રો ભગવાન કરતા.
રતિલાલભગતની ઉંમર ૧૮ વર્ષની થઈ ત્યારે મહારાજ કહે, ખેતીકામ કરતા કડિયાકામ કરવા જાવ તો સુખી થશો. તેથી રતિલાલભગતના કાકા ટપુલાલભગત તથા
દેવજીભગત પૂના કડિયાકામ કરતા તેના ભેળા કડિયાકામ શીખવા ગયા. ત્યાં પણ પ્રગટ ભગવાનના મુક્તો રહેતા હતા. વેલજીભગત, મોહનભગત, કુંવરજીભગત તથા બીજા મોહનભગત, તેઓ મળી પ્રગટ ભગવાનની ભક્તિ કરતા ને પ્રગટના ગુણગાન ગાતા. દયાળજીભગત અને ઓધવજીભગત પણ ત્યાં કામકાજ કરતા. તેમાં રતિલાલભગત પૂના ભક્તો ભેળા સત્સંગમાં જોડાયા. એક જ ગુરુ, એક જ ઈષ્ટદેવ, એક જ ભજન, એક જ ઋચી તેથી સત્સંગનું બળ વિશેષ વધ્યું. તે વખતે તા.૩૦-૧૧-૧૯૬૮નો મહારાજનો પ્રસાદીપત્ર જૂનાગઢથી આવ્યો ને મહારાજે ઉપદેશ લખેલો કે, સેવક રતિલાલ હંસરાજ. દિવ્ય દૃષ્ટિથી જોવું. ધામના મુક્તપણે વર્તવું અને બ્રહ્મરૂપે સમાગમ કરવો. મોહન, વેલજી, મોહન, કુંવરજી વગેરે બ્રહ્મનિષ્ઠ ભક્તથી જ્ઞાન શીખવું અને ભગવાનમાં હેત વધારવું અને ધામમાં જવાય તથા સાથે રહેવાય તેવા રંગે રંગાઈ જવું, ભજન કરવું, એજ કૃ.વ.આ.ના. જય સ્વામિનારાયણ.
પછી તો પૂનામાં ખૂબ સત્સંગ વધ્યો. મહારાજનો રાજીપો પણ એવો મલ્યો કે મહારાજ ખૂબ રાજી રાજી થયા, અમે કામ શીખવા લાગ્યા. નાની-મોટી મહારાજની સેવા થવા લાગી. તેથી સેવાભક્તિનું ખૂબ બળ વધ્યું.
સંવત ર૦ર૪માં વૈશાખ સુદ-૯, ૧૦, અગીયારસે મહારાજ મુંબઈ મહાશતાબ્દી પાટોત્સવમાં કથા વાંચવા માટે પધાર્યા હતા. મહારાજે શેષનારાયણ શોભિત વ્યાસપીઠે શિક્ષાપત્રીની કથા વાંચી હતી. ત્યારે પૂનાથી ભક્તો મહારાજના દર્શને આવ્યા હતા. તેમાં રતિલાલભગત પણ સાથે હતા.
મુંબઈના આઝાદ મેદાનની વિશાળ જગ્યામાં સભામંડપની શોભા પરમધામ તૂલ્ય શોભતી હતી. શેષનારાયણની ફેણો વડે સુંદર વ્યાસપીઠની શોભા બહુ જ સુંદર હતી અને અંદર વ્યાસપીઠે વિરાજમાન પરાત્પર પરનારાયણ પ્રગટ ભગવાનના દિવ્ય તેજોમય દર્શન, સભાજનોને, શ્રોતાઓને થતા હતા. મહામેદની એટલી બધી ભીડ હતી. આવું દિવ્ય વાતાવરણ આવા દર્શન કરવા તો દેશ-દેશના સંતો, મહંતો, વિદ્વાનો, ધનપતિઓ, સત્સંગી હરિભક્તો ભાઈઓ-બેનો. અરે આ સભામાં તો દેશો-દેશથી, વિદેશથી તો ઠીક પરંતુ દેવલોક, ઈશ્વરલોક, અવતાર લોક, છેક બ્રહ્મલોકથી પણ મુક્તો સહિત બધાં આ અલૌકિક દિવ્ય દર્શને પધાર્યા હશે એવું ભવ્ય, દિવ્ય ચારેતરફ આનંદ સુખ સુખ અને સુખમાં બધા ગરકાવ હતા. મહારાજે તો અમને કહી દીધું હતું કે, તમારે તો ગુલાબનો એક સારો હાર
લઈ જ્યાં સભામંડપમાં અમારી એન્ટ્રી થાય ત્યાં ઊભું રહેવું. બાકી વ્યાસપીઠે પહાગચ્યા પછી ત્યાં તમારો વારો નહીં આવે. તેથી રોજ ગુલાબનો હાર, સભામંડપના ગેટમાં જ મહારાજને પહેરાવી દેતા પછી હારના ઢગલા થઈ જતા. છતાં આપણે પહેરાવેલો હાર મહારાજ કથા પૂરી થાય ત્યાં સુધી પહેરતા. આ પાટોત્સવ કથા સભાનું વર્ણન થઈ શકે તેવું નથી.
એક જ્યોતિષ વિદ્વાન વ્યાસપીઠના સામે બેઠો હતો તેથી તેમણે મહારાજના ચરણોમાં ચિન્હો જોયા ને કથા પૂર્ણ થયા બાદ મહારાજના ઉતારે પહાગચ્યો. ત્યાં અમો બધા ભક્તો, બે-ચાર બેઠા હતા અને મહારાજ સાથે રમુજ વાર્તા કરતા હતા. ત્યાં વિદ્વાન બ્રાહ્મણ આવીને બેસી ગયો અને મહારાજને કહેવા લાગ્યો કે, આપ વિદ્વાન કહાં સે આયા હૈ ? મહારાજ કહે, આપ કો ક્યા કામ હૈ ? તો બોલા હમકુ આપ કા ચરણો કા દર્શન કરના હૈ, તુરત મહારાજે બંને ચરણાર્વિદ તેના ખોળામાં મેલ્યા. આ વિદ્વાન બ્રાહ્મણ જ્યોતિષ ભણેલો. મહારાજના ચરણાર્વિદને ઉપાડી મસ્તકે ચડાવ્યા. છાતીએ લગાવ્યા ને એટલો બધો ભાવવિભોર બની બોલ્યો કે, વિષ્ણો, વિષ્ણો મહાવિષ્ણો, ભગવતો, ભગવતો. તમે ભગવાન છો, તમારા ચરણમાં દિવ્ય ચિન્હો છે. મહારાજે મંદ હાસ્ય કર્યું અને બોલ્યા કે, સારું થયું તમે કીધું અમને તો ખબર જ ન હતી. પછી એ વિદ્વાને મહારાજને દંડવત્ત-પ્રણામ કર્યા ને દિક્ષા લીધી. પછી સંસ્કૃતમાં મહારાજ સાથે વાત કરીને અત્યંત રાજી થયા. આવા વિદ્વાન બ્રાહ્મણો, સંતો, ફિલોસોફરો ઘણા આવેલા હતા. પરસંપ્રદાયના નેતાઓ ઘણા હતા. બધા ભગવાનના દર્શન, રાજીપો, આશીર્વાદ મેળવી રાજી થયા હતા, આવા ભવ્ય ને દિવ્ય પ્રસંગની કેસેટો, ફિલ્મો લેવાઈ હતી પણ ઈર્ષ્યાળુઓએ મહારાજની કથાના પ્રસંગો કાપી નાખ્યા હતા.
બીજો એક મુંબઈનો પ્રસંગ ઃ સંવત ર૦રપમાં મહારાજે મુંબઈમાં સ્વામિનારાયણ મંદિરે સત્સંગી જીવનની કથા અને પુરુષોત્તમ માસની કથા વાંચી હતી. તે વખતે પણ પૂનાથી ૩-૪ ભક્તો મુંબઈ ગયા હતા. ત્યારે વેલજીભગતે રૂ.૮૦૦માં ટેપરેકર્ડ લીધું હતું. મહારાજની કથા સાંભળવા માટે તે ટેપરેકર્ડ લઈ મુંબઈ ગયેલાં, મહારાજના દર્શન કર્યાં. મહારાજ સભામાં પધાર્યા કથા ચાલુ થઈ. કથા ઉતારવા ટેપ ચાલુ રાખ્યું. સવારની કથા ભરાઈ-ઉતરી, કથા પૂરી થઈ મહારાજ પાસે ગયા. મહારાજે ઠપકો આપ્યો કે, અહીં શું કામ આવ્યા ? હું પૂના આવવાનો જ હતો. અહીં ખાવા, પીવા, રહેવાની જગ્યા નથી માટે તમો જાવ હું ત્યાં આવીશ. પછી ભક્તો કહે, બપોરની કથા સાંભળી ચાલ્યા જાશું.ને વળી બપોરની કથા ઉતારવા ટેપ રેકર્ડ રાખ્યું. મહારાજ કહે, એક બસ, છતાં રાખ્યું તો કથા ઉતરી
જ નહીં. પછી રાતની ગાડીમાં પૂના ગયા. આમ મહારાજ પૃથ્વી પર વિચરી અનેક મંદિરોમાં પાટોત્સવો કર્યા, કથા-પારાયણો, જાહેરસભાઓ કરી બધાને મંત્રમુગ્ધ કરતા હતા.
એક પ્રસંગ એવો બન્યો કે રતિલાલભગતને પૂનાથી દેશમાં લગ્ન કરવા માટે આવવાનું થયું ત્યારે રતિલાલભગતને સંકલ્પ હતો જે લગ્ન પહેલાં જૂનાગઢ મહારાજના દર્શન કરી પછી દેશમાં જવું તે પહેલા સીધા પૂનાથી જૂનાગઢ પહાગચ્યા. તેમના કાકા દેવજીભગત સાથે હતા. નાહીધોઈ મહારાજના દર્શને ગયા. દંડવત્ત પ્રણામ કર્યા પગે લાગી મહારાજની સેવા કરવા લાગ્યા. મહારાજ મને કહે, શું ઉનાળો ગાળવા દેશમાં આવ્યા. મંદ મંદ હસતા હસતા આમ બોલ્યા. મેં કહ્યું, મહારાજ લગ્ન કરવા છે માટે દેશમાં આવ્યા છીએ, પરંતુ મને સંકલ્પ થયો કે આ લગ્નનું શૂટ મહારાજને પહેરાવી પ્રસાદીનું કરી પછી મારે પહેરવું. મહારાજ કહે, સારું. આપણે રાત્રો સભામાંથી આવી ત્યારે લાવજે અને મારા વાસામાં અડાડી દેજે એટલે એ પ્રસાદીનું થઈ જશે, પરંતુ મારો સંકલ્પ શુદ્ધ જે મહારાજને પહેરાવવું છે પણ કંઈ કીધું નહીં. મેં કહ્યું, હા મહારાજ સાંજે લઈ આવીશ પછી સભા ચેષ્ટા પૂરી કરી. મહારાજના ભવને આવ્યા, લગ્ન માટે કરાવેલ શૂટ, ઘડીયાળ, મોજા, રૂમાલ વગેરે લાવ્યા. મહારાજના રૂમમાં ગયા. દેવજીભગત સાથે હતા તેમને મહારાજ કહે, જાવ તમો કોઠારીસ્વામીની સેવા કરો તેથી દેવજીભગત બહાર પાટ ઉપર કોઠારીની સેવા કરવા ગયા. મહારાજ કહે, હવે દરવાજો બંધ કરી દે. પછી દરવાજો બંધ કરી મહારાજ મને કહે, હવે તારે જેમ કરવું હોય તેમ કર. પછી તો મેં મારા હાથથી મહારાજને શૂટ પહેરાવ્યો, ઘડીયાળ પહેરાવી, મોજા પહેરાવ્યા, શૂટ થોડો ટૂંકો થયો પણ મહારાજે લીલા કરી કે, પહેલા પંખો ચાલુ કર, સાહેબને ગરમી થાય છે. મહારાજ ખુરશી પર બેઠા છે, પંખો ચાલુ કર્યો ને કહે, શું ઊભો છે ? સાહેબને સલામ કર. પછી દંડવત્ત કરી ભેટ્યાને ખૂબ જ રાજીપો વરસાવ્યો અને દિવ્ય મૂર્તિના દિવ્ય સુખ આપ્યા. પછી મહારાજ કહે, આ બધું યાદ રાખજે, સંભારજે ધ્યાન આ મૂર્તિનું કરજે. મેં કહ્યું, હા મહારાજ.
પછી તો શૂટ કાઢી મહારાજને ધોતી પહેરાવીને અમે બેઠા. મેં કહ્યું, મહારાજ એક અરજ છે. મહારાજ કહે, બોલ શું છે ? મેં કહ્યું, શંકર ભગવાને દિક્ષા ભગવાનની લીધી હતી ને પાર્વતીજીએ દિક્ષા નો'તી લીધી તો લગ્ન થઈ ગયા છતાં શંકરે પાર્વતીજીને સ્વીકાર્યા ન હતા ને થાળ પણ જમતા નહીં તો મારે લગ્ન કરવા જવું છે પણ એણે તમારી દિક્ષા તો નથી લીધી. દર્શન પણ નથી કર્યા તો મારે કેમ કરવું ? આ સાંભળી મહારાજ રાજી થયા કે આ
જ્ઞાન ક્યાંથી શીખ્યો. તુરત જ પોતાના ગળામાં પહેરેલી કંઠી કાઢીને આપી. એક ડબલીમાં પ્રસાદીનું કંકુ આપ્યું અને એક હાર આપ્યો પછી બોલ્યા કે, આ હાર તું લગ્ન કરવા જા ત્યારે પહેરી રાખજે અને લગ્ન કરી ઘરે આવો ત્યારે આ કંકુનો ચાંદલો કરી શરણાગતિ મંત્ર બોલી અમારી કંઠી પહેરાવી દેજે. જેથી મારી દિક્ષા એને મળી ગઈ. હું દર્શન આપી જઈશ તેથી આત્મનિવેદીપણું સ્વીકારાય ગયું. બોલ હવે કાંઈ વાંધો છે ? મેં કહ્યું, ના મહારાજ. મારો સંકલ્પ તમે પૂરો કર્યો. મહારાજ રાજી થયા આશીર્વાદ આપ્યા ને આનંદનો પાર ન રહ્યો. આમ મહારાજ આત્મનિવેદી,સર્વસ્વનિવેદી ભક્તોના સંકલ્પો પૂરતા. મનોરથો પૂરા કરતા.
પછી સુપ્રભાતે મહારાજ જાગ્યા. શોચવિધિ કરી, દાતણ કરતા'તા. રતિલાલભગતને કરેલ દાતણ આપી દીધું પછી ન્હાવા પધાર્યા, મને કહે આજે તારે મને જેમ સ્નાન કરાવવું હોય તેમ કરાવ. પછી મેં જળમાં કેસર, અત્તર નાખી સુગંધી જળ વડે, સુગંધી સાબુ વડે મહારાજને અંગ ચોળી ખૂબ વહાલ કરી નવડાવ્યા. મહારાજ મને કહે, ગંગા ચાલી જાય છે, જળ પી લે. પછી દિવ્યમૂર્તિના દર્શન સુખ પ્રસાદ લીધા, પછી મહારાજ કહે, ટુવાલ લઈ શરીર લૂછી નાખ ને પછી ધોતી પણ તારે જ પહેરાવવાની છે. આમ વસ્ત્ર અલંકારો, હાર લાવી, મહારાજની પૂજા, આરતી કરી, દંડવત્ત, પ્રણામ કરી, પગે લાગી સેવા કરવા લાગ્યા. મહારાજ ત્યારે બોલ્યા કે, આ બધી લીલાના દર્શન કાયમ યાદ કરી આ દિવ્ય મૂર્તિનું ધ્યાન કરજો પછી તો મહારાજે એવી કૃપા કરી, સૂર્યનું અજવાળું આવ્યું ને મહારાજે લખવાનું બંધ કરી પોતાની મૂર્તિના, નખશિખા પર્યંત દર્શન કરાવ્યા. પ્રથમ પગ તળા ઉજળા પ્રકાશમાન બતાવી. મહારાજ બોલે જુઓ અંગૂઠા આંગળી વચ્ચેથી નિસરીને આવી વહાલા, પાનીની બે કોરે જોતા ભક્તને મનભાવી વહાલા. બંને પગના ચિન્હો, ગોપદ ઉપસતું ચિન્હ, આંગળી ફેરવો એટલે ખબર પડે. એમ બધા ચિન્હોના દર્શન કરાવ્યા. આંગળી અંગૂઠામાં ચક્ર ને શંખના દર્શન કરાવ્યા. ત્રણ ત્રણ ઘૂંટીના દર્શન, મહારાજના નખનું તેજ જુઓ તો ચંદ્ર પણ ઝાંખો થઈ જાય. વળી મહારાજ બોલ્યા કે – વાલા તારી નખની અરૂણતા જોઈ શશીકળા ક્ષીણ છે રે લોલ.
આમ પાની, પીંડી, ગોઠણ, સાથળ, લીંગમાં કાળો તલ, નિતંબ, કમર, પેટ, ઉદર, છાતીમાં શ્રીવત્સનું ચિન્હ, વાંસો, હાથ-કરમકમલના ચિન્હો, ડોક ઉપડતી. મહારાજનું ચળકતું ઉજળું કોટી કામદેવને લજ્જા પમાડે એવું તેજસ્વી મુખારવિંદ, તલના પુષ્ય સમાન નાસીકા, કર્ણ, શિરકેશ... શીખા સુધીના સમગ્ર શરીરના તીલો ચિન્હોના દર્શન કરાવી કહે
કે, અમારા આ રૂપના દર્શન કાયમ માટે સંભારજો. આ દિવ્ય એકરસ ચૈતન્ય આનંદઘનમૂર્તિ છે. આમાં ત્યાગ ભાગનો કોઈ મર્મ નથી. માટે નખશીખ પર્યંત મારી મૂર્તિનું ધ્યાન કરજો. બસ તે દિવસથી સાંજે સૂતી વખતે ને સવારે ઉઠતી વખતે પ્રત્યક્ષ દર્શન કરેલા તેનું ધ્યાન સ્મરણ... સિવાય બીજે ક્યાંય સુખ મનાતું જ નથી. આવા દિવ્ય સુખ પ્રગટ ભગવાને આપેલા છે.
મહારાજની કૃપાથી ધામધૂમે લગ્ન થયા. જૂનાગઢ જઇ ઉતારા કર્યા. તે વખતે છગનભગત વેકેશન હોવાથી જૂનાગઢ સેવામાં હતા. એક માસ દર વર્ષે રોકાતા. મહારાજના દર્શન કરી, સેવા કરતા. તે દિવસે મંદિરમાં યજ્ઞ હતો. જૂનાગઢ મંદિરના ઉતરાદી દરવાજે ૧ર વાગે મહારાજના હસ્તક યજ્ઞમાં બીડું હોમવાનું હતું. તેથી મહારાજ ચાલીને જતા હતા ત્યાં મંદિરના ચોકમાં બધા નર-નારી, હરિભક્તો, ભાઈ-બેનો દર્શન કરતા હતા. તેમાં કેટલીક બાઈઓ મહારાજના દર્શન કરવા માટે ભક્તોની ભીડમાં ઈરાદાપૂર્વક પડી મહારાજના ચરણાર્વિદના દર્શન કરતી, તે મહારાજને ગમ્યું ન હોય કે આ સમાજની વચ્ચે જબરજસ્તી કરી દર્શન કરે છે. તે બીડું હોમીને આવી ગયા. અમો મહારાજ ચાર વાગે સેવા કરવા ગયા ને સેવા કરતા મહારાજને વાત કરી કે, મહારાજ અમો બંને દર્શને આવ્યા છીએ તો તમારી ભક્તાણીને દર્શન આપો. ત્યારે મહારાજ કહે, ભક્તોની પરીક્ષા કરવા લીલા કરી કે અને મહારાજ એવું બોલ્યા કે, આ કુંભારણુંએ અમારું નાક કપાવી નાખ્યું. બીડું હોમવા ગયા ને જબરજસ્તીથી દર્શન કરવા કેવી હરકત કરી તે જોયું ને ! તેથી મેં કહ્યું ઃ મહારાજ તમારો મહિમા સમજે છે માટે પગે લાગવા આવી. એમ બોલ્યોને મહારાજ એટલા બધા ગુસ્સે થઈ મને કહ્યું કે તમો અહીં બે મહિને, ચાર મહિને દોડ્યા આવો છો તો તમારું અહીં શું દાટ્યંુ છે ? દર્શન કરી લીધા હવે જાવ. ઘરનાને દર્શન નહીં થાય. આ દર્શન ને આવા ગુસ્સાભર્યા મહારાજના અમૃત વચન તો કોઈ દિવસ ન ભૂલાય. એવી પરીક્ષા મહારાજે કરી. મેં મહારાજને ધીમા સ્વરે બીતા બીતા કહ્યું કે, મહારાજ તમે તો ભક્તવત્સલ ભગવાન છો, ભક્તપતિ છો, અમારા સ્વામિ છો. તેથી અમો અહીં થોડેક દૂરથી દર્શન કરવા આવ્યા છીએ પણ તમો પરમધામથી અહીં પધાર્યા છો તે પધારવાનું મુખ્ય કારણ શું છે ? મહારાજ મંદ મંદ હસીને કહે કે, અમે ભક્તોને લાડ લડાવવા, મનોરથો પૂરા કરવા આવ્યા છીએ. પણ જાવ અત્યારે દર્શન નહીં થાય. આમ ધણીનો ધણી કોણ ? મનમાં જરા નિરાશા થઈ.
છગનભગત મને કહે, ચાલો આપણે મંદિરની સામેની વાડીમાં ફરી આવીએ, અમો
ત્રણેય વાડીએ ગયા ને પ્રેમવશ પાતળિયો, તુરત જ દિશાએ જવાનું બહાનું કરી અમારી પાછળ વાડીએ આવ્યા ને કોઈને માલુમ ન પડે એ રીતે મહારાજે દર્શન સુખ આપી દીધા. હું અને છગનભગત ફોટા પાડવામાં રહ્યા, પરંતુ મહારાજના વાડીમાં દર્શન થયા. તેથી થયું કે ભારે થઈ મહારાજ અહીં પધાર્યા અને ભક્તાણીને તો મંદિરે મોકલી દીધી, સારું હવે તો ભગવાનની ઈચ્છામાં સુખ ને ભગવાનની ઈચ્છામાં દુઃખ. આમ ધારી અમો પણ વાડીએથી મહારાજના નિવાસસ્થાને ગયા. ત્યાં મહારાજ એક કેરી મને આપી કહે, આ તારી ઘરવાળીને ખવડાવી દેજે, તું ખાતો નહીં. આમાંથી જે મુક્ત આવશે તેના હાથે મોટું કાર્ય થશે. મને પણ બહું આનંદ થયો ને જેને દર્શન આપ્યા તેને પણ આનંદનો પાર ન હતો. ને બંને મળ્યા. ત્યાં આનંદ-સુખમાં ગરકારવ થઈ મહારાજની ભક્તો પ્રત્યેની જે કરૂણા દૃષ્ટિ જોઈ પ્રગટને મનોમન લાખ લાખ વંદન કરી રાજી થયા. (મહારાજે કહ્યું ઃ મોટું કામ કરશે. તે જ્યારે ફુલવાડી મંદિર મહારાજનું સત્તયુગનું પહેલું મંદિર તેના ખાતમુહૂર્ત વખતે ઘણાં ઘણાં નામ હતા. પરંતુ તે નવિનકુમાર રતિલાલના હાથે ખાતમુહૂર્ત થયું ત્યારે તે વાત યાદ આવી.)
પછી તો મહારાજ રાજી થયા. બહાર પાટ પર બેસી ફોટા પાડ્યા. બાલમુકુંદ સ્વામીની મૂર્તિ લાવ્યા. કોઠારી સ્વામી વચ્ચે મહારાજ બાજુમાં મને બેસાડ્યો ને બોલ્યા કે, આ આપણી ગુરૂ પરંપરા આવી ગઈ. છગનભગત ફોટા પાડતા હતા. પછી મહારાજ ઊભા થઈ ત્યાં પાટ પાસે દાદરા બાજુ ચાલતા, માળા ફેરવતા બાજુમાં હું અને છગનભગત ચાલતા હતા ત્યારે મેં મહારાજને વાત કરી કે, મહારાજ આ અક્ષર પુરૂષોત્તમનંુ કઈ રીતે છે. મહારાજ કહે , તમારે એટલું જ સમજવાનું કે હું અક્ષર ને મહારાજ પુરૂષોત્તમ. અક્ષર પુરૂષોત્તમમાં બસ બીજું કાંઈ સમજવાની જરૂર નથી. આ મોટામાં મોટા ભગવાન કોઈને મળ્યા નથી એ તમારા ભેળા હાલે ચાલે ને વાતો કરે છે ને ત્યારે મહારાજ ઉઘાડા શરીરે માળા ફેરવતા હતા ને મને કહે, તું અહીં હાથ જોડી બાજુમાં ઊભો રહે. પછી ફોટાવાળાને કહે, લ્યો આ ફોટો પાડી લ્યો. તે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા છે. પછી એક બાજુ છગનભગત એક બાજુ રતિલાલભગત વચ્ચે મહારાજ એમ પણ ફોટા પાડેલા છે પરંતુ તે બ્લેક એન્ડ વ્હાઈટ છે.
એક વખત આફ્રિકાથી આવેલા કેશવજીભાઈ લક્ષ્મણભાઈ કાચા એ જામવંથલીમાં પોતાને ઘેર મહારાજ હસ્તક નારાયણબલી કરાવેલ. તેના મોટા ફળીયામાં સત્સંગ સભા હતી. રાસમંડળીઓ થતી હતી. એક દિવસ રાત્રો ચાવડાની રાસમંડળી ઢાલ-તલવાર લઈને પ્રગટ ભગવાનની સન્મુખ, ઢાલ-તલવારનો રાસ રમ્યા હતા. દરબારો, પટેલો અને કડિયા
બધાનો રાસ જોઈ મહારાજ ખૂબ પ્રસન્ન થયા ને આશીર્વાદ આપ્યા કે, તમે જ્યાં જશો ત્યાં તમારો વિજય થશે.
એક વખત દિલ્હીમાં ગુજરાતમાંથી ૧૮ રાસમંડળીઓ રમવા ગઈ હતી. તે ૧૮માંથી ચાવડાની રાસમંડળીનો પ્રથમ નંબર આવ્યોને સારું એવું સરકાર તરફથી ઈનામ-એવોર્ડ મળ્યા હતાં. આ પ્રગટનો રાજીપો, પ્રગટનો પ્રતાપ.
એક વખત મહારાજ ચાવડા પધાર્યા હતા, ત્યારે લીલાવંતીબેને સાડીઓ દરવાજેથી ઓરડા સુધી, ફળિયામાં પાથરી. મહારાજ તે પર ચાલીને આવ્યા હતા. લીલાવંતીબેન એક વખત એવું બોલ્યા હતા કે, મહારાજે મારી સાડીઓ પ્રસાદીની કરી તેથી સાડી વધતી રહી છે પણ ખૂટી નથી ને આનંદ-સુખ વધતા રહ્યા છે પણ ઓછા થયા નથી. મહારાજ પધાર્યા તે વખતે બાપુ સ્વામીના ગુરૂ વાસુદેવપ્રસાદ સ્વામી સાથે હતા. સંતો સહિત મહારાજ પધાર્યા હતા. ઘરે હિંડોળે મહારાજ સાથે વાસુદેવપ્રસાદ સ્વામી વિરાજમાન હતા. ઘરના બધાએ મળી મહારાજની પૂજા કરી, આરતી ઉતારી, દંડવત્ત પ્રણામ કરી પગે લાગી ચરણોમાં ભેટ ધરી. ઘરમાં ફળીમાં બધે પ્રસાદીનું જળ છાંટ્યું. મહારાજ બેઠા સેવા કરી ને બપોરે લાંબી ઓસરીમાં જમવા બેઠા. પાટલા, આસનિયા, ઢીંચણિયા ગોઠવી દીધા. ભગવાનને અને સંતોને થાળીઓ પીરસી, ભક્તો બધા ભાવથી જમાડે છે. અનંતધામના ધામી ભગવાન પ્રેમથી જમે છે. ભગવાન અને સંતો જમ્યા પછી મહારાજના થાળની પ્રસાદી ઘરના બધા જમ્યા પછી આરામ કરવા મંદિરે ગયા. જાગ્યા પછી ભક્તોને ઘેર પધરામણીએ ગયા પછી સાંજે મંદિરે આરતી, કથા, ધૂન, ભજન કરી, વાળું-પાણી કરી બધા સંતો પોઢી ગયા. પછી મહારાજને ઘેર તેડી લાવ્યા. એક રૂમમાં ગાદી-તકિયા નખાવી મહારાજ વિરાજમાન થયા. પછી સૌ સેવા કરવા લાગ્યા. કોઈ પગ દાબે, કોઈ હાથ દાબે, કોઈ માથું દાબે, કોઈ વાંસો દાબે. આમ બધા સેવા કરતા હતા. ત્યારે મહારાજ બોલ્યા, આ ભગવાન, આ જ તમને સાગપાઈ ગયા છે. પછી ઢોલિયા પર સૂતાને રાજી થઈ બોલ્યા કે, હું ના ન કહું ત્યાં સુધી દાબવાનું બંધ કરતા નહીં પછી તો બધા બેસી સેવા કરતા રહ્યા. મહારાજ વહેલી સવારે જાગ્યા ને બોલ્યા કે હજુ બધા દાબો છો ? હું તો ઘણી સૃષ્ટિમાં ફરી આવ્યો. પછી મહારાજ અપાર કૃપા કરીને બોલ્યા કે, આજે મારે તમને જેવી છે તેવી વાત કરવી છે. હું પરમધામથી આવ્યો છું. મારું નામ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ છે.
પછી ચિન્હોના દર્શન કરાવી કહ્યું કે, હું પરબ્રહ્મ પરપુરુષોત્તમ નારાયણ છું. તમો કોઈ
જગતના જીવ નથી, તમો બધા મારા અનાદિ મુક્તો છો. માટે તમોને આ યોગ થયો છે. આમ પરપણાની ખૂબ વાતો કરી અને વળી બોલ્યા કે તમારી બધાની પ્રીતિ, ભક્તિ, સેવાથી હું ખૂબ જ પ્રસન્ન છું, રાજી છું. તમારા બધાના ઘર-કુટુંબની એક રૂચી ને સાચો ભાવ છે માટે આ તમારું ભાગવત કુટુંબ છે. આમ પ્રગટ ભગવાને અપાર આશીર્વાદ, રાજીપો, આનંદરસ અતિશય વરસાવ્યો. બધાને મૂર્તિના સુખે સુખીયા કરી દીધા.
એક વખત મહારાજ ચાવડા વિરાજતા હતા ત્યારે મંદિરેથી વહેલી સવારે દિશાએ જવા નીકળ્યા ને રસ્તામાં હંસરાજબાપાનું ઘર આવે. તેમણે વાડીએથી ઘઉંના ગાડા ભરાઈને આવેલા તે રાત્રીના ખૂલા કરી ફળીમાં મૂકેલા હતા ને દરવાજો ખુલ્લો હતો ને મહારાજ સીધા ઘરે પધાર્યાને ઘઉંના ગાડા ભરેલા હતા તે ગાડા પર હાથ ફેરવીને બોલ્યા કે, અખૂટ રહો. તમારે કદી ઘઉં ખૂટશે નહીં. આમ આશીર્વાદ આપ્યા. સૌ પગે લાગી દંડવત્ત, પ્રણામ કર્યા ને અત્યંત રાજીપો વરસાવતા થકા, દર્શન દેતા પાછા મંદિરે પધાર્યા. બપોર પછી ચા-પાણી કરી ન્હાવા વાડીએ પધાર્યા. આ વાડીમાં બધે ફર્યાં. વાડીમાં ફરતાં ફરતાં જ્યાં રીંગણી, મરચી વાવેલી ત્યાં ગયા. રતિલાલભગત કહે, મહારાજ આ રીંગણી, મરચીના ક્યારામાં ચાલો. જેથી પ્રસાદીના થાય ને સારા ઉતરે એવા આશીર્વાદ આપો. રીંગણા ખૂબ આવશે તો રીંગણા, મરચા જૂનાગઢ પહાગચાડીશ. પછી તો રીંગણા, મરચાનો મબલખ પાક થયોને જૂનાગઢ પહાગચાડ્યા.
જોકે ભક્તોએ ભગવાન ઓળખાયા ત્યારથી જ ભાઈઓ, બેનોને એવી ટેક હતી કે જે કાંઈ વસ્તુ પહેલી થાય, ખેતરમાં મગફળીના ઓળા કે ચણાના ઓળા તેના સરસ કૂણા બીયા કાઢીને પ્રથમ મહારાજને મોકલતા. ઘઉંનો પોક થાય અથવા બાજરીનો પોક થાય તો પાડીને પ્રથમ જૂનાગઢ પહાગચાડતા. ઘી-દૂધ, અથાણા પણ સારા સારા મહારાજને ભાવતા. તે જૂનાગઢ પહાગચાડીને પછી જ ઘરમાં ઉપયોગમાં લેવાતા. આમ સર્વસ્વનિવેદીપણું કાયમ નિભાવી ભગવાનને રાજી કરતા.
અમારા કાકાનો દીકરો રપ વર્ષનો તે થોડો મંદબુદ્ધિનો હતો. તે ગદબમાં પાણી વાળતો હતો. રતિલાલભગત કહે, મહારાજ આ પોપટભાઈને આશીર્વાદ આપો તો કાંઈક સારો થાય. પછી મહારાજ તેની પાસે ગયા, પોપટ પગે લાગ્યો. મહારાજ કહે, પોપટ લગ્ન કરવા છે, તો કહે ના મહારાજ. પછી મહારાજે કહ્યું કે, આ પોપટને કોઈ પ્રકારની વાસના નથી અને આજે એનું કર્મ પૂરું થાય છે. તેથી તેને અમે ધામમાં તેડી જઈશું. આમ મહારાજે આશીર્વાદ આપ્યાને અંતે પોપટને ધામમાં લઈ ગયા.
એક પ્રસંગ તેવો જ. હંસરાજબાપાના પિતાશ્રી કાનજીબાપા બીમાર હતા ત્યાં મહારાજ દર્શન દેવા ગયા. કાનજીબાપા બે હાથ જોડી પગે લાગ્યા. મહારાજ કહે, કાનજીભગત, માળા ફેરવો છો, મંદિરે જાવ છો, પૂજા-પાઠ કરો છો ? બાપા કહે, ના મહારાજ, કંઈ જ કરતો નથી. શરીર અશક્ત છે તેથી કાંઈ થઈ શકતું નથી.
પરમકૃપાળુ પરમાત્મા શ્રીકૃષ્ણવલ્લભાચાચાર્યજી મહારાજ, બાપા પર અતિશય કરૂણા દૃષ્ટિ કરીને બોલ્યા કે, બાપા માળા ન કરે તોય કાંય નહીં, મંદિરે ન જઈ શકો તો કાંય નહીં, પૂજા-પાઠ ન કરો તોય કાંય નહીં. અમે તમને ધામમાં તેડી જઈશું અને મહારાજના રાજીપાની દૃષ્ટિ બાપા પર પડી. છેલ્લી અવસ્થાએ બાપાના અંતકરણ, વિચારો બદલાઈ ગયા ને મહારાજની મૂર્તિ જોઈ દર્શન કર્યા. પછી હંસરાજબાપાને કહે, આ દેવજી તેનો નાના દીકરાનો ફોટો સામે હતો તે ઉતારી લ્યોને મહારાજની છબી ત્યાં પધરાવી દો, મને દર્શન થયા કરે. આમ પ્રગટ ભગવાનનાં દર્શન માત્ર કરી બાપાના બધા જ પ્રકારના મમત્વ છૂટી ગયા ને પ્રત્યક્ષ ભજન કરવા લાગ્યા અને મહારાજે આપેલું બિરૂદ તે વહેલી સવારમાં બધા ઘરનાઓ બાપાને પાણી પાતા હતા ત્યાં બાપાના ભાઈ ધરમશીબાપા બાઈઓને કહે કે, તમે અહીંથી આઘા જાવ. જૂનાગઢવાળા મહારાજ આવ્યા છે. આમ ધરમશીબાપાને દર્શન દઈને મહારાજ કાનજીબાપાને ધામમાં તેડી ગયા. આમ મહારાજનો રાજીપો બધા પર ખૂબ જ હતો કારણ કે કાનજીબાપાનો પરિવાર માજીથી લઈને મહારાજની હાજરી હતી ત્યાં સુધી બધાને મહારાજના દર્શન, મહારાજની કંઠી, દિક્ષાને મહારાજની મૂર્તિના સુખ-આનંદ બધાને મળ્યા છે. નાના-મોટા બધાને એક જ ઋચિ હોવાથી, મહારાજ રાજી હતા. એટલે જ હંસરાજ કાનજીબાપાના કુટુંબને મહારાજે ભાગવત કુટુંબ ગણાવ્યું છે.
ઇ.સ.૧૯૭૦ની સાલમાં મહારાજ જામવંથલી મંદિરે મૂર્તિ-પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા હતા. સાત દિવસ કથા-સમૈયાની તૈયારીઓ કરી હતી. અનિરૂદ્ધસ્વામીની આજ્ઞાથી વંથલીના હરિભક્ત મેપાલાલભાઈ એ જે મૂર્તિ-પ્રતિષ્ઠા કરવાની હતી તે તેમણે બનાવડાવી આપી હતી. તે વખતે મોટા મોટા ધનપતિઓ પણ તે પ્રસંગે પધાર્યા હતા. રાજકોટ, જામનગરના સોની ભક્તો પણ મહારાજની કથા સાંભળવા આવ્યા હતા. કથા પ્રસંગે મહારાજ પોતાનું પ્રગટપણું પ્રભુપણું કહેતા હતા. તે સમયે વરસાદ આવવાથી બધા ઊભા થવા લાગ્યા. મહારાજ કહે, બેઠા રહો. વરસાદ નહીં આવે. મહારાજે વરસાદને સીમાડા તરફ વળાવી દીધો. સીમાડા બહાર ચોતરફ વરસાદ વરસ્યો. પરંતુ જામવંથલી ગામમાં વરસાદ ન આવ્યો
અને સાત દિવસની રસોઈના યજમાન પણ મહારાજે કરી દીધા. વિશેષ તો યજ્ઞના મુખ્ય યજમાન તરીકે અનિરૂદ્ધસ્વામીએ મેપાલાલને કહેલું કે, તમે મૂર્તિ બનાવડાવી તેથી પ્રથમ પાટલો તમારો ને તેમાં પૂનાથી પધારેલા ડાયાભાઈ મકવાણા વિગેરે ભાઈઓ કહે, પાટલાનો ચડાવો કરીએ તો મંદિરને આવક થાય. મેપાભાઈ કહે, મને સ્વામીએ વચન આપ્યું છે માટે મકવાણા બ્રધર્સ ચડાવો કરીને જ યજ્ઞમાં ન બેસી શકે. બંને પોતપોતાની વાતમાં અડગ રહ્યા. પછી મહારાજને બોલાવી મિટિંગ કરી. મહારાજે મેપાભાઈને સમજાવ્યા છતાં ન માન્યા તે ન જ માન્યા ને કહે, હું મારી મૂર્તિ તો પધરાવવા જ નહીં દઉં. સમૈયો મૂર્તિ વિના પૂરો કેમ થાય ? પછી તો બધા ઝાંખા પડી ગયા. અનિરૂદ્ધસ્વામી રડે છતાં કોઈ કોઈનું માને નહીં. આફ્રિકાથી આવેલા કેશવજીભાઈ ઉતાવળા થાય. પછી છેવટે મહારાજે કહ્યું, મેપાભાઈ તમે જે મૂર્તિ બનાવી છે તે તમો લઈ જજો. સવારે એવી જ મૂર્તિ હું પધરાવી દઈશ. આ પોતાનું ઐશ્વર્ય ભગવાનપણું બતાવીને કહ્યું, ત્યાં તો બધાને એમ થયું કે શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ છે. તેથી ભગવાનનું કાર્ય બગડવા નહીં દે. આમ જ્યાં જ્યાં, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મહારાજે પોતાનું પ્રભુપણું બતાવ્યું જ છે.
રાજકોટ મંદિરનો પણ એવો એક પ્રસંગ છે. ત્યાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવતા પહેલા પ્રસંગ બન્યો હતો. ત્યાંના ઘણા હરિભક્તો જૂના મંદિરેથી નવા મંદિરે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવવાની ના પાડતા હતા. તે વખતે ત્યાંનાં સત્સંગી ભકતોને મહારાજ કહે, તમે સૂતા હશો ને ઘનશ્યામ મહારાજ આકાશ માર્ગે ઊડીને આવીને બેસી જશે ત્યારે તમે શું કરશો ? એવો જ પ્રસંગ કાશીનો. કાશીના પંડિતો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પધરાવવા દેતા ન હતા. ત્યારે પણ મહારાજે ભગવાનપણાનું ઐશ્વર્ય બધાને બતાવી મૂર્તિ પધરાવી હતી. આમ આ અનંત ઐશ્વર્યવાળા ભગવાનનું ભગવાનપણું બધે છલકાતું દેખાય છે. એવા ઘણાં પ્રસંગો છે. પછી તો મહારાજે જામવંથલી સ્વામિનારાયણ મંદિરમાં પોતાના હાથે સ્વયં શ્રીહરિની મૂર્તિ પ્રતિષ્ઠા કરી, મંત્રોચ્ચાર કરતા હતા ત્યાં બેલ્જિયમનો જાડો કાચ ધડાકા સાથે તૂટી ગયો હતો. તે પરચો હજારો ભક્તોએ જોયો ને પ્રગટ ભગવાનનો સર્વત્ર જયજયકાર થયો.
પછીે મહારાજે સાત દિવસ કથા વાંચી, ત્યારે તે સમયે આફ્રિકાથી આવેલા કેશવજી લખમણ કાચાના નવા મકાનમાં મહારાજનો ઉતારો હતો, તે વખતે ગેટ પર સિક્યોરિટી તરીકે પોલીસના ડ્રેસમાં છગનભગત માસ્તર ફરજ બજાવતા હતા. દરરોજ સાંજે શ્રીહરિ
શરણાગતિ મંડળના ભક્તો દસ થી બાર હરિભક્તો કાયમ મહારાજની સેવા કરતા, કથા-વાર્તા કરતા. મહારાજ પ્રશ્ન-જવાબ એકબીજાને કરાવે ને આનંદ સુખ આપતા. એક દિવસ મહારાજ ઢોલિયા પર સૂતા હતા. તેમાં પૂનાથી આવેલા ભક્તો ભેળો એક અજાણી વ્યક્તિ આવી ગઈ. પૂના ભેળા રહેતા તેથી છગનભગતે આવવા દીધા તે મહારાજ સૂતા હતા તે પાછળ બેસી ગયા. મહારાજે સૂતા સૂતા પાછળ હાથ કરી કહે, આ ભાઈ કોણ છે ? તે ઉડીને મહારાજ સામે આવ્યો. મહારાજ કહે, તમે ચાલ્યા જાવ. તે કહે, કેમ મહારાજ. ત્યારે મહારાજ કહે તમે પાત્ર નથી. તેથી તે ભાઈ ગયા તે ગયા જ, પાછા ન આવે. પછી મહારાજ કહે, સભાચેષ્ટા બોલો. પછી પ્રથમ શ્રીહરિને ચરણે શિશ નમાવું નૌતમ લીલા રે. એ આખી ચેષ્ટા બોલ્યા. પરંતુ જે લીલા ચિષ્ટામાં બોલવામાં આવે તેમ મહારાજ લીલા કરે, હસે બોલે. હાથ લાંબા કરી આશીર્વાદ આપે, ભક્તોને ભેટે. આવી બધી લીલાઓ મહારાજે કરી બધાને આનંદ આનંદ કરાવી દીધો ને મહારાજ બોલ્યા કે, આ અમારી સર્વે લીલાઓ સંભારી અમારી મૂર્તિનું ધ્યાન કરજો. પછી તો ઓરા આવો તે પદમાં ચિન્હો, પગલાના દર્શન કરાવ્યા. છેલ્લે વંદુના પદ બોલ્યા પછી મહારાજ કહે, પ્રેમાનંદ સ્વામીને ભગવાનની જેવી સ્મૃતિ હતી તેવી તમો આ પ્રત્યક્ષ મૂર્તિની રાખજો ને પછી રે શ્યામ સાચું નાણું એ પદ બોલ્યા. પછી મહારાજ કહે, સાચું તે નાણું અમે જ છીએ.
પછી મહારાજ કહે, તમો બધા પૂનાથી આવો છો તે પ્રશ્ન-ઉત્તર કરો તો ખબર પડે. પછી ભક્તોએ મહારાજને પ્રશ્ન પૂછ્યા. તે બધા સમજાય તેવી રીતે મહારાજે ઉત્તર દીધા. બધાને આનંદ પમાડતા રમૂજ કરતા, લીલાઓ કરતા દર્શન આપતા થકા મહારાજ પોતાના શયનખંડમાં પધાર્યા.
ચાવડાના ભક્તો ટપુલાલભગત અને રતિલાલભગત મહારાજને કહે, મહારાજ કાલે અમારી વાડીએ પધારો. મહારાજ રાજી થઈ કહે, ભલે અમો પધારીશું. શ્રાવણ માસ દરમિયાન હરિયાળી ધરતી, મોલ બધો ગાલે આવ્યો થકો ગલગલિયા કરે. આ રમણીય વાતાવરણમાં પરમધામાધિપતિ પરમાત્મા દિવ્ય મૂર્તિ જ્યારે પધારે ત્યારે તેનું વર્ણન કોણ કરી શકે ? આ દિવ્ય વાતાવરણમાં ભગવાનના સ્નેહી ભક્તોનું એક અવર્ણનીય મિલન, રાસ, પૂજન થાય તેને પૃથ્વી પર કોઈ રોકી શકતું નથી.
મહારાજને વંથલીથી સીધા સ્ટેશનના રસ્તે થઈ વાડીએ જવાનું છે. રતિલાલભગત ગાડું ચલાવે છે. ગાડું ચાલ્યું જાય છે. ત્યાં પાછળ અમુક ભક્તોને ખબર પડી તેથી પાછળ
ચાલતા આવે. મહારાજ કહે, એ ઓલા પાછળ જે આવે તેને ના પાડી દે. પછી તેને ના પાડવાથી પાછા વયા ગયા. પછી સ્ટેશનની બાજુના ખેતરમાં રણછોડ મૂળજી મનાણી વગેરે ભક્તો કામ કરતાં ત્યાં મહારાજે ગાડું ઊભું રખાવી દર્શન દેવા પધાર્યા ને પછી વંથલી મંદિરે આવ્યા. સવારે મંદિરમાં અસંખ્ય હરિભક્તોની સભામાં મહારાજ બોલ્યા કે, પ્રગટ ભગવાન અને પ્રગટના મળેલા વિશ્વમાં ક્યાંય છૂપા રહેતા નથી. તે વખતે મહારાજે અપાર કૃપા કરી સભામાં બધાને પોતાના કરકમળમાં અને ચરણકમળમાં ચિન્હોના દર્શન કરાવ્યા હતા અને બધાને રાજી કર્યા ને બોલ્યા કે, ચિન્હ-ચરિત્રને ચેષ્ટા વડે ભગવાન ઓળખાય છે.
ઇ.સ. ૧૯૭૪ની સાલમાં શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તોએ મળી મહા તિર્થધામ મોટી કુંકાવાવમાં સ્મૃતિ ભવનનું કામ ભગવાનજીભગત હસ્તક પૂરું કરાવ્યું. ઇ.સ.૧૯૭પમાં મહારાજની આરસની બેઠી મૂર્તિ પધરાવી. ૭૧મી જન્મજયંતી મહામહોત્સવ કુંકાવાવમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. મહારાજ ખૂબ રાજી થયા હતા. ભક્તો આનંદ સુખમાં ગરકાવ હતા. પછી મહારાજના દર્શને જૂનાગઢ ગયા. ભંડારને મેડે શ્રીહરિ શરણાગતિ મંડળની સભા વચ્ચે મહારાજ ઊભા રહ્યા. મંડળ પર અત્યંત રાજીપો વરસાવ્યો. ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા તે વખતે ફોટા પણ પાડ્યા હતા. ત્યારે મહારાજે બધાને ઉપદેશાત્મક વચનો કહ્યા હતા કે, દેશ-વિદેશ ગમે ત્યાં જાવ પરંતુ આ મારા લાલ ચાંદલામાં કોઈ દિવસ કાળપ આવવા દેતા નહીં. તે દિવસે કોઈને કાંઈ ખબર પડી નહીં. પરંતુ બધાને આરબ કન્ટ્રીમાં જવાનું થયું ત્યારે મહારાજના વચનોનો મર્મ સમજાયો.
એક બીજી વાત ચાર માવતરની કરી ત્યારે બોલ્યા કે, એક જન્મ દેનારા માવતર, બીજા પાળી-પોષીને મોટા કરે તે માવતર, ત્રીજા વિદ્યા ભણાવીને જ્ઞાન આપે તે માવતર, અને જે મોક્ષ આપનારા તે ચોથા નંબરના માવતર અમે છીએ. આ ચારેય પ્રકારના માવતરની જીવનપર્યંત સાર-સંભાળ રાખી રાજી રાખવા ને બોલ્યા જે અમારા ગરીબડા ભક્તોએ મારું કામ કર્યું પણ મારે તેને શું આપવું તે મહારાજે નક્કી કરી લીધું ને પડખાનો દેશ ખોલી દીધો. તે દુબઈ, મસ્કત, અબુધાબી, સાઉદી અરેબિયા, મનામા, બહેરીન, દોહાકતાર વિગેરે દેશોમાં ભક્તોને વિદેશમાં આવકાર મળવા લાગ્યા. જે ભક્તોને ત્યાં જવું હોય તેને મહારાજના આશીર્વાદથી પાસપોર્ટ, વિઝા મળી જતા ને વિદેશ પહાગચી જતા. પછી મહારાજ અમૃતવાણી કેસેટમાં બોલે છે કે, દેવોને અમૃત પાવા માટે ૩૬ કરોડ દૈત્યને પણ પાવું પડ્યું તેમ મારા ભક્તોને પૈસાવાળા કરવા આ બધું કરવું પડ્યું ને સુદામાની વાત કરી કહે છે
કે, શ્રીકૃષ્ણ ભગવાને સુદામાના તાંદુલના ફાકડા ખાધાં તેમાં ઘર, મકાન રૂપરંગ સાયબી બધું જ બદલાઈ ગયું. તેમ મારા આ ર૦૦-૪૦૦ સુદામડાના ફાકડા મેં ખાધા તેમાં તેમના પણ ભાગ્ય બદલાઈ ગયા. પ્રસાદીપત્રમાં મહારાજ લખે છે કે નિસ્તેજ નારીઓને સ્વર્ગની રાજકુંવરી જેવી શોભાડી. વાંદરા જેવા છોકરાવને જય-વિજયથી મોટી પદવીઓ આપી, ગાર માટીના મકાનમાંથી બંગલા બનાવી દીધા. કેવા કામળા કેવા ધાબળા કેવા કપડાં. પહેલા તો કાંઈ પહેરવાનો વેત નહોતો. આમ ઘણું ઘણું મહારાજે ભક્તોને લખ્યું છે ને સુખીયા કર્યા છે. ત્યાર પછી મૂર્તિ કુંકાવાવ પધરાવ્યા પછી ભક્તોને સંત દિક્ષા આપી.
એકવાર રાજકોટમાં મહારાજ કહે, અમને કોઈ ઓળખે કે ન ઓળખે દર્શન કરવા આવે કે ન આવે પરંતુ ડેરામાં બેઠાં બેઠાં અમે થાળ જમીએ છીએ. ત્યાં ડેરામાં ઠાકોરજીને થાળ જમાડવા ટંકોરી વાગી. પછી મહારાજ જમવા પધાર્યા. કથા પૂરી થયા પછી રાજકોટ શહેરમાં નગરયાત્રા ફરવા મહારાજ તથા સંતો માટે ચાર ઘોડાની બગી મંગાવી. સંતોને મહારાજ બગીમાં વિરાજમાન થયા. ભકતોએ ફૂલોના હાર પહેરાવી ફૂલોની વૃષ્ટિ કરી. બાકી બધા સંતો ભક્તો, બાઈઓ, ભાઈઓ તમામ ધૂન-ભજન, વાજિંત્ર સાથે વાજતે ગાજતે અસંખ્ય જનો નગરયાત્રામાં જોડાયા. યાત્રા મંદિરેથી શરૂ થઈ. સંતો સાથે મહારાજ બગીમાં બેઠા છે. કિર્તન ગાવા શરૂ થવાના છે, વાજિંત્ર મંડળીઓ તૈયાર છે તે વખતે મનજીબાપા ખોલિયા હાજર હતા. તેઓએ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના જયજયકાર સાથે પ્રગટ ભગવાનના કિર્તનો બોલવા શરૂ કર્યા. હજુ તો એક કડી બોલ્યા, મહારાજની જય બોલ્યા ત્યાં બગીમાં બેઠેલા સંતોને અકળામણ થવા લાગી. તેથી બીજા સંતો મોટે સાદેથી બોલ્યા કે, અત્યારે તો જેની જય ને જેના કિર્તન ગાવા ઘટે તેના ગાવ. આ બગીમાં મહારાજની પાસે બેઠા બેઠા બોલે ને મહારાજ સાંભળી નીચું જોઈ મંદ મંદ હસે ને મહારાજને જોઈ મહારાજના ભક્તો રાજી થાય. એ દૃશ્ય દર્શન અલૌકિક હતા. આમ પ્રગટ ભગવાન ભક્તો માટે અનેક પ્રકારે લીલાઓ કરતા, રથ ચાલુ થયો. મનજીબાપા કહે, બોલો બોલો છોકરાવ પ્રગટના કિર્તન બોલો. ત્યાં બાઈઓ-ભાઈઓની અસંખ્ય મેદની ભેળી થઈ. મહારાજને રસ્તામાં ફૂલ-ચોખાથી વધાવીને પગે લાગે ને પેલા ભેળા બેઠેલા સંતોથી ન ઉઠાય કે ન જવાય. મહારાજ કહે, તમે બધા ભેગા બોલો ને સમાજ ભેગા ભળતા શીખો. આમ ભગવાનની લીલા-કળા અપરંપાર કે કોઈ પાર ન પામી શકે.
સમય જતાં મહારાજના રાજીપાથી બધા વિદેશ જવા લાગ્યા. પહેલો પગાર
ભગવાનને અર્પણ કરતા અને ભગવાનને રાજી કરતા. મહારાજ સર્વની નજર રાખતા, રક્ષા કરતા. ભક્તો કથા-વાર્તા, જન્મજયંતિના મહોત્સવ કરતા અને ભગવાનને રાજી કરતા. ઇ.સ.૧૯૭૬ની સાલમાં અમો રતિલાલ તથા અમરશી દેશરાજ બંને ભાઈઓ દુબઈ ગયા. બે મહિના કામ કર્યું. ત્યાં મહારાજની ટપાલ આવી કે, અમારા ચરણાર્વિદનો બ્લોક બનાવવો છે. રૂપિયા ૪ થી પ હજારનો ખર્ચ થશે. મહારાજની આજ્ઞાનો પત્ર વાંચી તુરત જ પાંચ હજારનો ડ્રાફટ હંસરાજબાપાને મોકલી કહ્યું કે, આ પૈસા તરત જ જૂનાગઢ મહારાજને પહાગચાડી દેજો. બસ હંસરાજબાપાને બગકમાંથી પૈસા મળ્યા કે તરત જ જૂનાગઢ મહારાજને દેવા ગયા. કંઈક તલ, ચણા ને ગાય દુઝતી હતી તો દૂધની બરણી ભરતા ગયા. મહારાજના દર્શન-દંડવત્ત કરી પગે લાગી બેઠા. મહારાજ કહે, ઓચિંતા. તો કહે, ચરણાર્વિદના બ્લોકના પૈસા દેવા આવ્યો છું. મહારાજ ખૂબ રાજી રાજી થઈ ગયા ને હંસરાજબાપાને કહે, તમે સેવા કરી તો મારે તમને કંઈક આપવું પણ સવારે અત્યારે નહીં. હંસરાજબાપાને વિચાર આવે કે મહારાજ શું આપવાના હશે ? બસ સવારે નાહીધોઈને ગયા તો મહારાજે પહેલી વખત મુંબઈ બનેલી લાલજી મહારાજની મૂર્તિ લાવ્યા. મહારાજે સ્વયં નવડાવ્યા, વાઘા પહેરાવ્યા ને પૂજા-આરતી કરી કહ્યું કે, આ મૂર્તિ તમને આપવી છે. તમારે ઘરમાં જ્યારે કાંઈ પણ કામ પાડે, કાંઈ જરૂર પડે ત્યારે આ મૂર્તિને પગે લાગી પ્રાર્થના કરજો. આ મૂર્તિ તમારા બધા જ સંકલ્પો પૂરા કરશે. આની સેવા-પૂજા કરજો.
દુબઈમાં મહારાજે કમાણી આપી. તેથી મહારાજની સેવા થઈ, ફુલવાડીની સેવા થઈ. દુબઈથી મહારાજે રતિલાલભક્ત ને અમરશીભક્ત બંને ભાઈઓને ઈરાક મોકલ્યા. ત્યાં કામધંધામાં, પૈસા ઈન્ડિયા મોકલવામાં મુશ્કેલી હતી તે સમયે મહારાજે શ્રીહરિ શરણાગતિ મંડળના નામનો રાધારમણદેવનો લેખ લખાવી સવારથી મંદિરમાં ઠાકોરજી જાગે ને રાત્રો પોઢે ત્યાં સુધીની કાયમી સેવા ને તેના ફળ-પુણ્ય શ્રીહરિ શરણાગતિ મંડળના ભકતોને મળતા રહે. મહારાજે ઈરાક પત્ર લખ્યો. જે આ રીતે અમે નિરધાર્યું છે ને પાંચ હજારની સેવામાં તમને સામેલ કરશું માટે દિવાળી પહેલાં મોકલી દેજો. ત્યાંથી ઈરાકથી પૈસા જાય એમ ન હતા એટલે દુબઈ વિશ્વાસુ ભક્તોને રતિલાલભગતે પત્ર લખી કહ્યું કે, તમો પાંચની સેવા જૂનાગઢ મોકલી દેશો. અમો તમોને આપી દેશું. એ રીતે પણ મહારાજ રાજી થઈને આશીર્વાદ આપ્યાના પ્રસાદી પત્રો છે. પછી તો દુબઈ-ઈરાકથી દેશમાં આવતા રહ્યા અને મહારાજે પાછા બહેરીન મોકલ્યા. રતિલાલભગતે મહારાજને લખ્યું કે, દુબઈમાં ભક્તો ઘણા હતા, ભજન-
ભક્તિનું, કથા-વાર્તાનું સુખ સારું હતું. મહારાજે રતિલાલભગત આદિકને જણાવ્યું કે, તા.રર-૮-૧૯૮૦નો પ્રસાદીપત્ર છે કે ભગવાનની અકળ લીલા છે. દુબઈની ભૂમિ જગાડી હવે બહેરીનથી ઉપડ્યું વિમાન રિયાધમાં ઉતરી આખું સળગી ગયું. બધા સળગી ગયા અને તમનો ભગવાને ભજન કરવા અને કમાવા રક્ષામાં રાખ્યા છે. જૂનાગઢ રાજીપાના આશીર્વાદના અસંખ્ય પત્રો મહારાજે લખેલા છે. વિદેશથી જૂનાગઢ દર્શને જતા ત્યાં મહારાજને જમાડતા, રમાડતા, નવડાવતા, આરતી ઉતારતા, પ્રસાદ જમતા એવા ઘણાં ઘણાં દિવ્ય ફોટાઓ ભક્તો ભેગા છે. મહારાજ પણ ભેગા મળી રમૂજ કરી આનંદ પમાડતા.
જામવંથલી ફુલવાડી મંદિરનું કામ જ્યારે ચાલું હતું ત્યારે બહેરીનથી સેવાનું લિસ્ટ બનાવી બધે મોકલ્યું. તે પ્રમાણે બધી સેવાઓ પૂરી થઈ. એક, બે, ત્રણ ત્રણ રાઉન્ડથી સેવાઓ ભક્તોએ પૂરી કરી. મંદિરનું કામ પુરજોશમાં ચાલતું તેથી અમો જૂનાગઢ દર્શન કરવા ગયેલા. મહારાજને દંડવત્ત કરતા હતા. મહારાજ પૂજા કરતા હતા તે અમારા સામું જોઈને મહારાજ કહે, રતિલાલ તમો ભાઈએ મળી એક ફુલવાડીનું શિખર કરાવી દેવાનું છે. મેં કહ્યું, હા મહારાજ અમો એક શિખરની સેવા કરીશું પછી હંસરાજબાપા દર્શને ગયા તેમને પણ મહારાજે કહ્યું, હંસરાજભગત તમારે એક શિખરની સેવા કરવાની છે. હંસરાજબાપા કહે, મહારાજ બધું તમારું જ છે. તમો જેમ કહેશો તેમ કરશું. પછી હંસરાજબાપા કહે, બહેરીનથી રતિલાલનો પત્ર હતો તેમને જણાવ્યું હતું કે મહારાજની આજ્ઞા છે કે, એક શિખરની સેવા કરવાની છે, તો આપણું જે પ૦ વીઘાનું ખેતર છે તે વહગચી મહારાજને પૈસા આપી દો. એ વાત મહારાજને હંસરાજબાપાએ કરી. તો મહારાજ કહે, હંસરાજભગત ખેતર ન વહગચાય. ખેતરને વેચી છોકરાવને ચોરે બેસાડશો ? ખેતર છે તે રત્ન છે, તેને વેચવું નથી. હું કમાણી આપીશ. તેમાંથી આપજો મહારાજની સલાહ માની જેમ જેમ અમે પૈસા કમાયા તેમ તેમ ફુલવાડી ટ્રસ્ટી મંડળને મોકલતા ગયા અને શિખરની સેવા વિશે મહારાજ પ્રસાદીપત્ર નં.૪પ૩માં મહારાજ લખે છે. ૧. શિખર હંસરાજ ચાવડાવાળા, ર. શિખર લુહાર કરશનભાઈ, ૩. મોટો ઘૂમટ હેમંતભગત જૂનાગઢવાળા આમ ઘણું ચોખવટથી લખ્યું ને કેસેટમાં પણ ઘણું ચોણવટથી બોલે છે તો આ રીતે હંસરાજબાપાને તેમના ઘરકુટુંબ પરિવારે મહારાજની નાની મોટી આજ્ઞા-શિર સાટે પાળી છે, સેવાઓ કરે છે ને કરતા આવ્યા છે. તેથી હંસરાજબાપાના કુટુંબને મહારાજે ભાગવત કુટુંબ ગણાવ્યું છે. તે પ્રમાણે પ્રસાદીપત્રોમાં મળી રહે છે.
તા.ર૦-પ-૧૯૮પ પત્ર નં.૪રપ. રતિલાલભગત પર લખેલા પ્રસાદીપત્રમાં ખૂબ આશીર્વાદ તથા અત્યંત રાજીપો મહારાજે વરસાવ્યો છે. ભક્તિ કરો, ગુણગાન કરો, કથા-વાર્તા કરો, દેશમાં બધા સુખી છે. પ્રસાદી ગુલાબ પાંખડી ખાજો. અપાર કૃપા છે, સુખી છો. કંપની રોકે ત્યાં સુધી રોકાજો, કમાવો વાપરો, માવતરને રાજી કરો. બધા સારાવાના હો. તમારું ઘર નાણા, દાણા ભક્તિમાં બધા કરતા ચડિયાતું છે, પરિવાર સુખી છે. અક્ષરધામનો દિવ્ય આનંદ અનુભવો છો, ધન્ય છે તમારા મા-બાપને, કુટુંબને, બાળ-બચ્ચાઓને ધન્ય છે, સુખી રહો, ભગવાન રક્ષા કરે છે. આશીર્વાદ. કાંઈ જોઈતું નથી, હેત માગઘુ નાણું છે તે દેવું. સેવાઓ તો ઘણી થઈ, થાશે. આત્મા દિલ સાક્ષી પરમાત્મા હેત એ પાંચની મૂર્તિ હૃદયાકાશમાં બેઠી છે તેમ વર્તવું. વિશ્વભરને કાંઈ જોઈતું નથી. કાલાઘેલા બાળકોને વરસતા હૃદયે આશીર્વાદ. અમરશીને આંતર શત્રુ નહીં નડે, મુક્તપણે વર્તવું, વિશ્વંભરને કાંઈ જોઈતું નથી. ભક્તોનું, ભગવાનનું એક જ છે માટે સત્સંગ વધારવો. દિવ્ય ભાવ વધ્યો જ છે. તન, મન, ધન ભાવના વડે વિશેષ ગુણો, સદ્ગુણો વડે ભગવાન રાજી જ છે. એ જ. કૃ.વ.આ.સ્વા.ના મંદિર ભંડારને મેડે, જૂનાગઢ.
દેશ-વિદેશમાં ભજન-ભક્તિ, કથા-વાર્તા, મહારાજની કૃપા દૃષ્ટિથી ખૂબ થતા. ધર્મ, નિયમ દેશમાં રહી રાખતા. ઘણાં ભક્તો દુબઈ જેવા મલીન દેશમાં રહી ધર્મ-નિયમમાં અડગપણે રહ્યા છે. એટલે તો મહારાજે કહ્યું કે, તમો બધા કેવા બ્રાહ્મણોના જેવા ધર્મ પાળો છો. જોઈને બધા રાજી થાય છે. પ્રગટના ભક્તો જ્યાં વસે ત્યાં વરસાદ ન થતા હોય પણ થાય. કથા-વાર્તા તો કાયમ કરતા પરંતુ એક વખત બહેરીનમાં રતિલાલભગત કથા કરતા હતા ને મહારાજના પ્રત્યક્ષ સ્વરૂપ નિરૂપણ સર્વોપરી ઉપાસના નિશ્ચય ભક્તિની વાર્તા ચાલું હતી તે સમયે હરિલાલ વેલજી ખોલિયા ભક્તએ એ કથાની કેસેટ રેકોર્ડ ઉતારી લીધી અને જૂનાગઢ ગયા ત્યારે સાથે લઈ ગયા અને મહારાજને કેસેટ સંભળાવી કે જુઓ મહારાજ અમો કાયમ ધૂન-ભજન, કથા-વાર્તા કરીએ છીએ તે મહારાજે પૂરેપૂરી સાંભળી ખૂબ રાજી થયા અને રતિલાલભગતને રાજીપા આશીર્વાદનો પ્રસાદી પત્ર નં.૩૦૦, ૧ર-પ-૧૯૮૧ના પત્રમાં લખ્યું કે. હરિલાલ વેલજીના રેકર્ડમાં રતિલાલ હંસરાજનો પ્રગટ નિશ્ચય ઉપદેશ પૂરો સાંભળ્યો. ભગવાનના રાજીપાનો પત્ર હિરજી પેથા પરનો પૂરો વાંચ્યો. પ્રગટના ઉપાસકોમાં પ્રગટ વસ્યા છે. જેઓને વ્યાસો જેવા સિદ્ધાંતો બોલતા આવડે છે, ધન્ય છે, શાંતિ વધે છે, આનંદ થાય છે. તેવા ટેપરેકોર્ડ ઉતારવા બધે મોકલવા આજ્ઞા કરી છે. એજ પત્ર-૩૦૧માં
તેમજ અમૃતવાણીમાં પણ મહારાજે આશીર્વાદ મોકલ્યા હતા કે, હવે તમો દેવોની સભામાં જશો તોય વિજયી થશો. આમ ભક્તોના પ્રમાણો મહારાજે આપ્યા છે. મહારાજ તો ન્યાયના આચાર્ય હતા. તેથી જેના જે રૂપ હતા તે મહારાજે પ્રસાદીપત્રોમાં સ્પષ્ટ લખ્યા છે.
બસ આ જ મહારાજના અંતરના અઢળક અપાર આશીર્વાદથી કુંજવૃત્તિથી સેવી મહારાજે તૈયાર કરેલા આ પ્રગટ ભગવાનના પ્રતાપથી રતિલાલ ભક્ત કથા-પારાયણો કરે છે. ભગવાન ભેગા રહીને કરાવે છે. તા.ર૦-પ-૧૯૮૧નો પ્રસાદીપત્ર રતિલાલભગત પર લખેલો કે, વહાલા પ્યારા એકાંતિક ભક્તો રતિલાલ તમારું ટેપરેકોર્ડ પૂરું સાંભળ્યું. નિશ્ચય, ઉપાસના, ઉપદેશ બધું ઉત્તમ પ્રસન્નતા મેળવે તેવું છે. પત્ર પણ વાંચ્યો, ચોપાઈઓ સહિત ગ્રંથમાં ઉતારી લીધેલ છે. આનંદનો પાર નથી.
અમે ઇ.સ.૧૯૭પમાં કુંકાવાવ ધામમાં મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે જાહેરસભામાં પ્રવચન કર્યું ત્યારે પણ જૂનાગઢ ગયા અને મહારાજ રાજી થઈ આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે, આવું બોલતા બધાને આવડવું જોઈએ.
એક વખત જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા હતા. જ્યારે જ્યારે જૂનાગઢ મહારાજના દર્શને જઈએ ત્યારે મહારાજ પોતાના આસનેથી ઊભા થઈ સામા આવે ને ભક્તોને ભેટી ખૂબ જ પ્રેમભાવ જણાવતાં ને ભક્તોને રાજી કરતા. મહારાજને દંડવત્ત, પ્રણામ કરી પગે લાગી બેઠા. બધાના ખબરઅંતર પૂછ્યા, બધાના સમાચાર આપ્યા. મહારાજને ફ્રુટ, સફરજન અર્પણ કરી ફૂલના હાર પહેરાવી પૂજા કરી, આરતી કરી, સેવા કરવા લાગ્યા. રતિલાલભગત સેવા કરતા હતા ત્યાં હેમંતભગત આવ્યા તે વખતે મહારાજને એક પુસ્તક વિદેશ પોસ્ટ દ્વારા મોકલવાનું હતું. તો મહારાજ કહે, હેમંત તું અને રતિલાલ બંને જઈ આ પુસ્તક પોસ્ટમાં રજીસ્ટર્ડ કરી આવો. સાથે ઇગ્લીશમાં એડ્રેસ લખી આપ્યું ને કહ્યું કે, પોસ્ટમાંથી લિફાફો કવર લઈ ઉપર આ એડ્રેસ કરી રજીસ્ટર્ડ કરી નાખજો. પછી તો અમે બંને જણા જૂનાગઢ મંદિરેથી પોસ્ટમાં ગયા પુસ્તક પ્રમાણે પોસ્ટમાંથી કવર આપ્યું પરંતુ મહારાજે લખેલું ઇગ્લીશમાં એડ્રેસ તેમાં કાંઈ સુઝ પડે નહીં. તેથી હેમંતભગતે પોસ્ટના સાહેબને કહ્યું કે, આ એડ્રેસ કવર પર લખી આપો ને એડ્રેસ જોઈ ત્યાંના બધા સાહેબે કહ્યું, આમાં અમને કાંઈ શબ્દ સમજાતો નથી. જો કાંઈક લખવામાં ફેરફાર થાય તો પુસ્તક અટવાઈ જશે, પહાગચશે નહીં. માટે ઊંચા ભણતરવાળા પાસે એડ્રેસ કરાવી આવો, ત્યારે હેમંતભગતે મને કહ્યું કે, આ મેડિકલવાળા ડૉક્ટરો વધારે ભણેલા હોય તે કરી દેશે. તમે મારી સાથે
ચાલો. પછી પોસ્ટઓફિસેથી મંદિર સુધી જેટલા મેડિકલ સ્ટોર હતા તે બધાને બતાવ્યું. પરંતુ મહારાજે લખેલ કોઈ ઉકેલી શક્યું નહીં. છેવટે અમો બંને જણા મંદિરે મહારાજ પાસે ગયા ને મહારાજને કહ્યું કે, આ કવરમાં કોઈએ એડ્રેસ કરી ન આપ્યું. તેથી પાછા તમારી પાસે આવ્યા છીએ. મહારાજ કહે, રતિલાલ તને પણ ન આવડ્યું ? મેં કહ્યું, ના મહારાજ. પછી મહારાજ કહે, હેમંત તનેય ન આવડ્યું ? તો તે કહે, ના મહારાજ. પછી તો મહારાજની લીલા મહારાજ સમજે. અમને બંનેને કહે અહીં આવીને બેસો ને લાવો કવર. મહારાજે તો કવર પર એડ્રેસ કરી આપ્યું ને એક સુંદર વાત કરવા લાગ્યા. જે ભગવાન સ્વામિનારાયણે તેના સંતો મુક્તાનંદ સ્વામીને પૂછ્યું જે આ તુંબડી ફૂટી જાય તો તમને સાજી કરતા આવડે કે નહીં ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, ના મહારાજ. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે, તમે તમારી મોટપને જાણતા નથી. તમારા કાંડામાં એવું બળ છે કે તમે સંકલ્પ કરો તો જીવ બ્રહ્મલોકમાં પહાગચે પણ વચમાં ક્યાંય રોકાઈ નહીં. પરંતુ તમે તમારી મોટપને જાણતા નથી. એ દૃષ્ટાંત આપીને મહારાજ બોલ્યા કે, હું પરમધામથી પરબ્રહ્મ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ અહીં તમારા ભેળો તમારા જેવો થઈને રહું છું. તમને મારો સાક્ષાત્ યોગ છે. માટે તમે ધારો તે થાય. કારણ કે આ પ્રત્યક્ષ પરપુરુષોત્તમનો તમારે સાક્ષાત સંબંધ છે. આમ પરમ રહસ્યભરી મહારાજ વાત કરતા હતા. ત્યાં પોસ્ટમેન મહારાજને ટપાલ દેવા આવ્યોને મહારાજને પગે લાગ્યો. મહારાજે પ્રસાદી આપીને એડ્રેસ કરેલ લિફાફો પણ તેને આપી કહ્યું કે, આ પુસ્તકને આજે જ રવાના કરી દેજો. પછી હેમંતભગત કહેવા લાગ્યા કે- મહારાજે પોતાનું પરસ્વરૂપ આપણને સમજાવવા આ લીલા કરી. સંબંધનો મહિમા સમજાવી આપણું સ્વરૂપ પણ મહારાજે સમજાવ્યું. ત્યારે અમો રાજી રાજી થયા.
બપોરે જમી મહારાજે પ્રસાદી આપી. મહારાજ આરામ કરતા પોઢી ગયાં. આરામ કરી જાગ્યા પછી બહાર પાટ પર વિરાજમાન થયા, ત્યાં એક પીળી ચોટલીવાળા જોગી સ્વામી કાયમ ઠાકોરજી જાગ્યા પછી મહારાજ માટે લીલો મેવો કાં સૂકો મેવો લઈ મહારાજને જમાડવા આવતા. તે હું અને મહારાજ તથા બીજા ભક્તો પણ બેઠા હતા ત્યાં જોગીસ્વામી આવ્યા. મહારાજને પગે લાગી થાળમાં લાવેલ ફ્રુટ મહારાજને જમાડી અમને પ્રસાદી આપી. મહારાજ, સ્વામીને કહે જોગીરાજ બેસો. પછી બેઠા ને જોગીસ્વામી વાત કરવા લાગ્યા કે, જ્યાં ભગવાન રહેતા હોય ત્યાં મોટા પુરુષ રહેતા હોય. તે સ્થાનને બ્રહ્મલોક કહેવાય આમ વાત કરતા જાય, હસતા જાય ને મહારાજ પણ મંદ મંદ હસીને કહે. જુઓને જોગીસ્વામી આ
બ્રહ્મલોકમાં પણ કોઈ આવા લીટા કરી જાય છે દિવાલ પર. ચોકના લીટા કરેલા મહારાજે દેખાડ્યા ને આમ મર્મ કહ્યો. આ અમે રહીએ છીએ તે બ્રહ્મલોકમાં જ રહીએ છીએ. કારણ કે અમે સ્વયં બ્રહ્મલોકના વતની છીએ. પછી તો તે જોગીસ્વામી ખૂબ હસ્યા ને તેઓ પોતે નિર્મળ હોય, હૃદય શાંત સ્વભાવને સાધુગુણે યુક્ત હતા. તેઓ મહારાજ- રાધારમણદેવ, ઘનશ્યામ મહારાજના દર્શને જતા. ત્યારે પણ કાયમ પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના ગળામાં હાર પહેરાવતા ને નાના નાના બાળકો મંદિર પર મહારાજ પધારે ત્યારે દંડવત્ત કરતા, હરિભક્તો પગે લાગતા તે જોઈને જોગીસ્વામી બહું જ રાજી થતા. ઘણાને ઘણું બધું ન ગમતું પરંતુ જોગીસ્વામીને મહારાજની દરેક ક્રિયા ગમતી હતી.
ત્યાર બાદ પાટ પરથી ઊભા થઈ મહારાજ રૂમમાં પોતાના આસને પધાર્યા. કલમ ચાલુ - લખતાં, કામકાજ થકા પણ ભક્તોને સેવા આપતા. ત્યારે એક પ્રસંગ એવો બન્યો કે મહારાજની હું રતિલાલ સેવા કરતો હતો. બાજુમાં નળીયાવાળું મકાન ને ત્યાં બારી હતી. તેથી બધું દેખાય ત્યાં એક બિલાડો આવ્યો. મહારાજે તેને જય સ્વામિનારાયણ કહ્યાં. મને એમ થયું કે, મહારાજે કોને જય સ્વામિનારાયણ કહ્યા ? તુરત જ મહારાજ મને કહે, આ બિલાડો એ સ્વર્ગનો રાજા ઈન્દ્ર છે.
આમ કોઇને કોઇ રૂપે બધા દેવો કાયમ મહારાજના દર્શને આવતા અને હાથ જોડીને વિનંતી કરતા કે, મહારાજ અમને કંઈક સેવા આપો. ત્યારે મહારાજ અમને કહેતા, તમે જે સેવા કરો છો, આ પ્રગટ ભગવાનનો આનંદ લો છો તે તેમને મળતો નથી, પણ પ્રાર્થના કાયમ કરે છે. ક્યારેક તેના જેવું કામ પડે તો સેવા આપીએ નહીંતર દર્શન કરી ચાલ્યા જાય.
એક વખત ચાવડા અમારી વાડીએ મહારાજ પધારેલા ને મગફળીની ગુણો ખડકીને ટપુલાલભગત તથા ઘરના બધાએ મળીને મહારાજ માટે સ્ટેજ બનાવ્યો તેના પર ગાદલા નાખી ગુણોના ટપા કરી સુંદર ઊંચો સ્ટેજ તૈયાર કરી મહારાજને પધરાવ્યા હતા. સાથે સંતો વિરાજમાન હતા. નીચે ભક્તો, ભાઈઓ, બેનો બેઠા હતા. મહારાજ પોતાની અમૃતવાણીનો લાભ આપતા હતા. ત્યાં સામેથી એક મોટો સાપ ચાલ્યો આવે બધા ઊભા થવા લાગ્યા. મહારાજ કહે, કોઈ ઊભા થતા નહીં તેને અહીં આવવા દો. પછી તો તે સાપ વીંટાઈ, ઊંચો થઈ મહારાજની સામે બેસી ગયો. મહારાજ કહે, એક બાલટી પાણી લાવો. પછી કૂવામાંથી એક બાલટી પાણી સીંચી લાવ્યા ને મહારાજ નીચે ઉતરી પોતાના હાથે તે સાપને એ બાલટીમાં પાણી પાઈ દીધું. તુરત તે સાપ ત્યાંથી પાછો ચાલ્યો ગયો, ત્યારે ભક્તોએ
પૂછ્યું, આ નાગદેવતા કોણ હતા ? મહારાજે કહ્યું, આ નાગદેવતા ખુદ શેષનારાયણ હતા ને ઘણાં સમયથી અમારી પ્રસાદી ઈચ્છતા હતા. તે મોકો મળ્યે તે શેષનારાયણને આ અમારી પ્રસાદીનો લાભ મળી ગયો. આમ આ પ્રગટ પરબ્રહ્મ પરનારાયણના દર્શન કરવા દેવતાઓ, દેવો, ઈશ્વરો પધારતા.
ફુલવાડીમાં મહારાજે પોતાની મૂર્તિમાંથી અવતારો પ્રગટ કર્યાં ને પાછા પોતાની મૂર્તિમાં લીન કર્યા આવા દર્શન ઘણાં ભક્તોને થયા. એમ છગનભગતના મુખે સાંભળેલું. તેમજ કુંકાવાવના સરપંચ લક્ષ્મણભગતને પણ તોરી રામપર કથા કરવા મહારાજ પધાર્યા ત્યારે લક્ષ્મણભગતને પણ આ રીતે ર૪ અવતારને મહારાજે પોતાનામાં લીન કર્યા અને પ્રગટ કર્યા એવા દર્શન આપ્યા હતા. તે ભગવાનજીભગતના મુખેથી સાંભળ્યું હતું. તો આમ દેવો, ઈશ્વરો, અવતારો, મુક્તો બધા જ આ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા આવતા અને મહારાજ પૃથ્વી પર વિચરતા, ભક્તોના મનોરથો પૂરા કરી દર્શન, પરચા આપતા. દુઃખીયાના દુઃખ મટાડતા, દિવ્ય ચરિત્રો, મનુષ્ય લીલાઓ કરતા થકા સહુને આનંદ પમાડતા.
એક વખત પૂનાથી સીધા જૂનાગઢ મહારાજના દર્શને જવાનું છે એમ રતિલાલભગતે સભામાં બધા ભક્તોને કહ્યું. તો બધા પ્રગટ ભગવાનના ભક્તિ કરનારા સ્નેહી ભક્તોએ અનેક પ્રકારની ભેટ, સેવા તેમજ બધા જ પ્રકારના મેવા લઈ પૂનાથી મારી સાથે મોકલ્યા. આ બધી વસ્તુઓ સાથે ત્યાં દસ મુક્તો ત્યારે હતા તે દસ મુક્તો અને દસ મુકતાણીઓના ફોટા પણ મોકલ્યા હતા, સીધા જૂનાગઢ ગયા ત્યારે એક નવા ભગત જગજીવનભાઈ મહારાજના દર્શન કરવા મારી સાથે આવ્યા હતા તેમને રામના રૂપમાં મહારાજના દર્શન કરવા હતા. તેથી બંને જૂનાગઢ પહાગચ્યા. નાહીધોઈ, ચા-પાણી, નાસ્તો કરી મહારાજના દર્શન કરવા મહારાજના નિવાસે ગયા. દર્શન, દંડવત્ત, પ્રણામ કરી પગે લાગી બેઠા. મહારાજ કહે, હું ક્યારનો તમારી રાહ જોઉં છું કે, મારા માટે કંઈક સારું સારું લઈ આવશે.
આમ ભક્તોના સાચા હૃદયભાવથી ભગવાન ખૂબ રાજી થયા. પછી એક એક ભક્ત અને ભક્તાણીના નામ લઈને મહારાજને સેવા-ભેટ અર્પણ કરી. મહારાજે પ્રેમથી બધી જ સ્વીકારી. મહારાજે કહ્યું, હવે બીજું કાંઈ મોકલ્યું નથી. મેં કહ્યું, મહારાજ ભક્તો અને ભક્તાણીઓના ફોટા મોકલ્યા છે તે મહારાજને આપ્યા. પ્રથમ ભક્તોના ફોટા જોઈ એક એક ભક્તના નામ લઈ મહારાજને ઓળખાવ્યા. પછી ભક્તાણીઓના ફોટા આપ્યા તે જોઈ
મહારાજ હસતા, રાજી થઈ બોલ્યા કે મારી કાબરું કેવી બેઠી છે. પછી તે પણ એક એકના નામ દઈ મહારાજને ઓળખાવ્યા. મહારાજે હાથ ફેરવી રાજીપો વરસાવતા બોલ્યા કે આ ભક્તો, ભક્તાણીને હવે કાયમ ભેગા રાખીશું. જોકે મહારાજ બધા ભક્તોને ઓળખતા હતા છતાં આપણને યાદ રહે. પ્રગટ મૂર્તિનું સ્મરણ રહે તે માટે પ્રત્યક્ષ ભગવાન આવી ન્યારી ન્યારી લીલાઓ કરી ભક્તોને આનંદ પમાડતા હતા.
મહારાજના દર્શન કરી, સેવા કરી બહાર નીકળ્યા ત્યારે જગજીવનભગત કહે, મને તો મહારાજે કાંઈ કહ્યું નહીં. રામ રૂપે દર્શન કરાવ્યા નહીં. મારું કામ થશે કે કેમ ? તમે મહારાજને કહો મને રામરૂપે દર્શન આપે. મેં કહ્યું, ધીરજ રાખો. અંતર્યામી ભગવાન બધું જાણે છે. સ્વતંત્ર મૂર્તિ છે તે તમારાય સંકલ્પ પૂરા કરશે. પછી તો સવારમાં ઊઠી મહારાજના દર્શન કરવા ગયા, મહારાજ પૂજામાં બેઠા હતા. દંડવત્ત, પ્રણામ કર્યા. મહારાજની આરતી ઉતારી, તૈયાર થયા. ત્યાં રાધારમણ દેવની આરતીની ઝાલર વાગી. મહારાજ કહે, ચાલો દર્શન કરી આવીએ. ઝરમર વરસાદ ચાલુ હતો. મહારાજ મને કહે, આ છત્રી લઈ લે મને વરસાદના છાંટા ના પડે તેમ લઈ મારી ભેળો ભેળો ચાલજે. મેં કહ્યું, મહારાજ બહું સારું. પછી બધા સંતો સૌ સૌના નિવાસસ્થાનેથી આરતીમાં જતાં હતા તેથી હું છત્રી પકડી ને મહારાજથી જરા લાંબે ચાલતો કે બીજા સાધુને, કોઈ વિચાર ન થાય. ત્યારે મહારાજ કહે, આઘો ચાલે છે કોઈ બીક લાગે છે. એકદમ મારી નજીક ચાલ. આમ નજીક ચાલતા મંદિરે પહાગચ્યા. મહારાજે બધા ડેરામાં દર્શન આપ્યા. પછી વચ્ચે શ્રીજી મહારાજની સૂતેલી મૂર્તિ છે. ભેળા બ્રહ્મચારી ભક્ત છે ત્યાં સામે મહારાજ દંડવત્ત, પ્રણામ કરતા હતા તે દર્શન કર્યાં. છ દંડવત્ત મહારાજે કર્યા પણ એ દર્શન અદ્ભૂત ન ભૂલાય શકે એવા હતા. પછી ત્યાંથી નીકળી પ્રદક્ષિણામાં હનુમાનજી, ગણપતિના ડેરા પાસે બાઈભક્તોને દર્શન દઈ સીધા સભામંડપમાં દર્શન કરી સ્વસ્થાને પધાર્યા. ચા-પાણી કર્યા, અમને પ્રસાદ આપ્યા. પછી મહારાજે ઢાળિયા પાસે બેસી લખવાનું શરૂ કર્યું, પરંતુ જગજીવનભગતને વિચારો વધવા મંડ્યા કે હું પૂનાથી આવ્યો પરંતુ મારા કોઈ સંકલ્પ પ્રમાણે દર્શન થયા નહીં. પછી અમો બંને મહારાજને દંડવત્ત કરી સેવા કરવા લાગ્યા ત્યારે મહારાજ લખવાનું બંધ કરી કહે, જગજીવનભાઈ તમારે રામના દર્શન કરવા છે ? જગજીવનભાઈ કહે, હા મહારાજ. પછી મહારાજે જમણા હાથની હથેળી દેખાડી કહ્યું કે, જો આ તારો રામ. હવે હથેળીમાં જગજીવનભાઈને રામના દર્શન થતા જ કહે બસ મહારાજ. મારા સંકલ્પો પૂરા થયાં. આ બધા ભક્તો કહે છે કે, ભગવાન છો તો
તમો ખરેખર પરમાત્મા છો. મારો જન્મ તમારા દર્શન કરી સફળ થયો. બસ મને શરણાગતિ આપી મંત્ર, કંઠી બાંધી શરણમાં લો. મહારાજે મંત્ર આપી કંઠી બાંધી. જગજીવનભગતના આનંદનો પાર ન રહ્યો. રાજી રાજી થયા ને જીવનપર્યંત ભગવાનની ભક્તિ કરી. કુટુંબ બાલબચ્ચાઓને પ્રગટ ભગવાન ઓળખાવી ભક્તિ કરાવી. આમ શરણે આવેલા બધાને મહારાજ રાજી કરતા અને આનંદ પમાડતા.
એક વખત મહારાજને જામવંથલીથી ચાવડા મંદિરે આરતી ઉતારવા માટે વાજતે-ગાજતે, ગાડા શણગારી, ગાડામાં ઉંચા સિંહાસન ગોઠવી મહારાજને પધરાવી, ગામમાં શોભાયાત્રા કરી હતી. ઘણા ભક્તો હતા. વંથલીથી પણ ઘણા ભક્તો સાથે આવ્યા હતા. વાજિંત્રો સાથે ધૂન મંડળી કિર્તન, ભજન કરતા હતા. મહારાજ ગાડામાં ઉંચા સ્થાને વિરાજ્યા હતા. ત્યારે નાનાભાઈ અમરશીભગત વિંઝણો લઈ મહારાજની બાજુમાં ઊભા ઊભા પવન નાખતા હતા. ત્યારે મહારાજ બોલ્યા કે, અમરશી વિંઝણો બંધ કરી દે. કારણ કે હમણાં વિંઝણો તૂટી જાશે કા તારો હાથ તૂટી જશે છતાં અમરશીભગત વિંઝણાથી પવન નાખતાં જ રહ્યા. ત્યાં ધડાકાભેર વિંઝણાના બે કટકા થઈ ગયા અને અમરશીભગતના હાથની મહારાજે રક્ષા કરી. પછી ચાવડા મંદિરે જઈ મૂર્તિની આરતી ઉતારી બધા ભક્તોને મહારાજે દર્શન આપ્યા. દૂધ, ચા-પાણી કરી પાછા જામવંથલી પધાર્યાં હતા. રાત્રો વાળું જામવંથલી જઈ કર્યા. આમ મહારાજ ભક્તોની રક્ષા કરી વિધ્નો ટાળી નાખતા જે થવાનું હોય તે બીજે ઠેકાણે મોકલી ભક્તોની રક્ષા કરતા. ધન્ય છે શરણાગતિના નાથને ધન્ય છે.
અમે બહેરીનથી છૂટીમાં આવ્યા અને મહારાજના દર્શન કરવા ગયા હતા. ટપુલાલભગત, રતિલાલભગત, અમરશીભગત અને ચોથા રતિલાલ જાવિયા હતા. મહારાજને દંડવત્ત પ્રણામ કરી બેઠા. ત્યાં દેવસ્વામી મહારાજ માટે તાસળી ભરી ચા લઈ આવ્યા. ચારેબાજુ ભક્તો બેઠા છે. વચ્ચે મહારાજ બેઠા છે. મહારાજે ચા પીવાની શરૂ કરી. અડધી તાસળી ચા પીધી ને અડધી ચારેય ભક્તોને પ્રસાદી આપવા માટે બાકી રાખી. મહારાજે ભક્તોને કહ્યું, તમો ચારેય ભક્ત છો પહેલો ઘૂંટડો કોણ લેશે ? પછી ભક્તો કહે, મહારાજ તમો કહો તે પહેલાં. પછી મહારાજે કહ્યું, ટપુલાલભગત બધાથી મોટા છે. માટે પહેલો ઘૂંટડો ટપુલાલભગતને આપો. પછી ક્રમવાર બધા ભક્તોને મહારાજે પ્રસાદીનો ચા પીવડાવ્યો ને રમુજ કરી આનંદ પમાડ્યા. પછી મહારાજની આરતી ઉતારવાની તૈયારી કરી. ફૂલહાર, પૂજા કરી, આરતી બોલવાની શરૂઆત કરી ત્યાં મહારાજ કહે, તમે ઉભા
રહો. આ નવિન અને છોકરાવ છે તે બોલશે. ત્યારે જય સદ્ગુરુને બદલે જય અંતરર્યામી આરતી બોલીને મહારાજની આરતી ઉતારી. પછી મહારાજ કહે, આ પુસ્તકમાં આરતી, ધૂન, સ્તુતિ, દંડવત્ત, શ્લોકો છે. એ પ્રમાણે ભક્તો બોલે છે. પછી સાંજના આરતી મંદિરે થઈ તેથી દર્શને પધાર્યા. મહારાજ દરરોજ નિયમ મુજબ દર્શન, દંડવત્ત, પ્રદક્ષિણા કરી સામે સભામંડપમાં ગાદી તકિયે વિરાજમાન થઈ માળા ફેરવતા લટકા કરતા પગ ઉપર પગ ચડાવીને તકિયે ઓઠિંગણ દઈ બેસતા, ક્યારેક પલાંઠીવાળી બેસતા, શિર પર હાથ મુકતા આવા આવા લટકા કરતા. તે દર્શન લટકા પણ ભૂલાઈ એવા નહોતા. ભક્તોને ધ્યાનમાં સહેલાઈથી દર્શન, સ્મરણ થાય એવા લટકા ચાલતા, બોલતા, મંદ મંદ હસતા. અમે સાંજે ઉતારે મહારાજની સેવા કરવા લાગ્યા. અમે ચાર ભક્તો અને હેમંતભગત ભેગા. મહારાજનો વાંસો દબાવી સેવા કરતા હતા ત્યારે મહારાજ બોલ્યા કે, તમે ચારેય ભક્તો એક એક કરોડના ને એક બાજુ મંદિર ને બીજો મારો હેમંત. આમ મર્મ રહસ્ય વાત કરતા ભક્તોને યાદ કર્યા હતા. પછી મહારાજ કહે, ચાલો હવે સૂઈ જઈએ. આપણે તો સૂતા ભેળી સવાર અને અમરશીભગત તો સંસારી રહ્યા એટલે કોઈ જગાડે પણ ખરા, પછી તો અમરશીભગત સાથે એટલી બધી રમૂજભરી વાતો કરી કે બધાને બહું જ હસાવ્યા. ભગવાને અરસપરસ એકમેકપણાનો ભાવ બતાવ્યો બધા ખૂબ રાજી થયા.
પછી એક વખત નવિનને ગઢડા ભણવા મોકલવો હતો, ગઢડા પુરાણી સ્વામી પાસે હરિકૃષ્ણ બાલકૃષ્ણને મોકલ્યા હતા તેથી છગનભગતને વાત કરી કે તમે ભેગા ચાલો. આપણે નવિનને ગઢડા મૂકી જૂનાગઢ મહારાજના દર્શન કરતા આવશું. છગનભગત કહે, તમે એમ કરો આપણે સીધા જૂનાગઢ પહેલા જઈએ ને ત્યાં મહારાજને કહીશું કે નવિનને અહીં ભણવા માટે રાખવો છે. મહારાજ ના પાડે તો પછી ગઢડા જઈએ. આ વાત મને પણ ગમી. તેથી સીધા જૂનાગઢ ગયા અને મહારાજના દર્શન કરી બેઠા પછી મહારાજને વાત કરી તો મહારાજ કહે, કોઠારી સ્વામીને પૂછો તે હા પાડે તો મને કોઈ વાંધો નથી, કારણ કે તેના ભેળું રહેવાનું છે ને તેને સાચવવાનો છે. તેથી કોઠારી સ્વામીને પૂછ્યું તો કોઠારી સ્વામી કહે, દેવસ્વામીને પૂછો, કારણ કે તેને ખવડાવવા, પીવડાવવાનું ધ્યાન રાખવું તે તેની જવાબદારી છે. તે હા પાડે તો ભલે અહીં રહે. પછી તો દેવસ્વામીને પૂછ્યું. તે પહેલેથી જ આપણે કોઠારીસ્વામી, દેવસ્વામી વિગેરે સંતોને ખૂબ હેત હતું તેથી રાજી થઈ કહે ભલે નવિનભગત અહીં રહે. અહીં અમારેય ભગતની જરૂર છે, તેથી મહારાજને કહ્યું, સંતો
રાજી છે ને નવિનને રાખવા હા કહી છે. પછી મહારાજ કહે સારું થયું ત્યાં મૂક્યા હોત ને જો રહેત તો આપણો ના રહેત. આમ મર્મવાણી બોલ્યા. પછી તો નવિન છેલ્લે મહારાજ સાથે ત્રણ વર્ષ રહ્યો. તેને ભગવાનના દર્શન સેવાનો અલભ્ય લાભ મળ્યો. પ્રગટનો અઢળક રાજીપો તેમને પ્રાપ્ત થયો. ભગત તરીકે મંદિરે ત્યાં મહારાજની, સંતોની, ભક્તોની સેવા કરતા. ભગવાન ભક્તો ભેળા ફોટા પડાવતા, આરતી સેવાના ભક્તો ભેગા લાભ મળતા અને છેવટે મહારાજને સ્વધામ પધારવું હતું ત્યારે નવિનભગતને બીજા ગોખરવાળાના મુન્નાભગત ને એક નરોત્તમ વગેરે છોકરાવ બાલમુકંદ ભવનના ટેરેસ પર સૂતા હતા ત્યાં મહારાજ ટેરેસ પર જઈ આ છોકરાવ પર એક એક માળા અડાડી હતી ને છેવટના આશીર્વાદ છોકરાવને આપ્યા હતા.
અમો એક વખત બહેરીનથી જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયેલા. ત્યારે બાલમુકુંદ ભવનનું કામ ચાલુ હોવાથી મહારાજ બીજા મકાનમાં રહેતા હતા. ત્યાં ગાર લીપેલી ભૂમિ પર મહારાજ બેઠા હતા. અમો ભક્તો મહારાજની સેવા કરતા હતા ત્યારે મહારાજ બોલ્યા કે, જો રતિલાલ આપણાં બધા કામો હવે પૂરા થયા ને મારું મંડળ જેમ મોલ ગાભે આવ્યો હોય ને ગલગલિયા કરતો હોય તેમ મારું શરણાગતિ મંડળ ગલગલિયા કરે છે. મારે વગર સરબત પીધે નખથી શીખા પર્યંત ટાઢું થઈ ગયું છે, હવે કાંઈ બાકી નથી. આમ ગંભીરતાપૂર્વક બોલે ને વળી રમૂજ કરે. ચારેય ભક્તો સેવા કરતા હતા ને મહારાજ રમૂજ કરતા કરતા કહે, રામ બોલો ભાઈ રામ. એ બધા હસ્યા. પરંતુ જરા પણ મહારાજનો સંકેત કે મર્મભરી વાણી પર કોઈ વિચાર ના આવ્યો ન સમજી શક્યા. સેવામાં, સુખમાં, રમુજમાં અલમસ્તાઈમાં કાંઈ સૂઝ્યું નહીં. પરંતુ જ્યારે બહેરીન પહાગચ્યા ને ર-૩ મહિનામાં અચાનક સમાચાર મળ્યા ત્યારે આ મહારાજની વાણીનો મર્મ સમજાયો. શ્રીહરિ શરણાગતિ મંડળ માથે દુઃખનું આભ તૂટી પડ્યું. કોણ કોને સાંત્વના આપે. પરંતુ મહારાજે બળ ખૂબ આપ્યું. દર્શન એવા આપ્યા કે જાણે મહારાજ ગયા જ નથી, હાજર જ છે. એમ દેશ-પરદેશમાં બધાની નજર રાખી રક્ષણ કર્યું છે. તે સમયે જે ભક્તોએ દેશમાં આવવા વિચાર્યું તેમને એકદમ સહેલાઈથી, તુરત પાસપોર્ટ, વીઝા, ટિકિટ તૈયાર થઈ, મહારાજે ઈન્ડિયા આવવા માટે માર્ગ મોકળો કરી દીધો. મારા અનુભવ પ્રમાણે હું પ્લેનમાં બેઠો તે બહેરીનથી રાજકોટ અને રાજકોટથી જૂનાગઢ પહાગચ્યો ત્યાં સુધી અખંડ મહારાજના દર્શન થયા હતા અને કથા-પારાયણ વખતે જૂનાગઢ મંદિરનો વ્યવહાર શ્રીહરિ શરણાગતિ મંડળે
સંભાળ્યો હતો. મહારાજ પ્રત્યક્ષ છે એમ આનંદ ભગવાને આપ્યો હતો. બસ, મહારાજને ઓળખ્યા ત્યાંથી આજ દિવસ સુધી પ્રગટ ભગવાનના આશીર્વાદ રૂપી છત્ર છાયામાં રહી હંમેશા દિવસો વિતાવીએ છીએ. શરીર શક્તિ પ્રમાણે સેવા, ભજન કરીએ છીએ.
પ્રગટ ભગવાન જ્યારે પૃથ્વી પર પધારે છે ત્યારે પોતાના સ્નેહી ભક્તોના સર્વે મનોરથો પૂરા કરી ભરપૂર લાડ લડાવે છે. પોતાના દર્શન માત્રથી અસંખ્ય જીવોના કલ્યાણ કરે છે અને વચન પૂરા કરવા મહારાજે ભક્તોના મનવાંછિત સંકલ્પો બધા જ પૂરા કર્યાં છે. જેવી જેની યોગ્યતા, જેવી જેની સમજણ તે પ્રમાણે બધાને પોતાની મૂર્તિના સુખ આપ્યા છે. કોઈ ભક્તો ભગવાનને કોટ-પાટલૂન પહેરાવી લ્હાવો લેતા, કોઈ અલ્ફી પહેરાવી, પગમાં મોજા પહેરાવી લાભ લેતા, દર્શન કરતા, આરતી ઉતારતા. સોડમાં સૂવડાવતા. તે બધા ભક્તોના જે તે વખતના મહારાજ સાથે ફોટા છે. નવિનને જૂનાગઢ મૂકવા ગયા ત્યારે છગનભગત સાથે હતા. મહારાજ હેમંતભગતને કહે, તમો ભક્તો ભેળા રહેજો. પ્રગટ ભગવાનને વાઘા પહેરાવવાના છે. તેથી અમો ત્રણેય મળી મહારાજને વાઘા ધરાવ્યા. શિર પર ટોપી ધરાવી મહારાજે બંને બાજુ ભક્તોને પોતાની બગલમાં લઈ પલંગ પર ખૂબ ભક્તોને હેત-પ્રેમ વડે રાજી કર્યા તે ફોટા ભક્તોએ વારાફરતી પાડેલા છે. પછી તો મહારાજે કૃપા કરી દિવ્ય ફોટા પણ પાડ્યા. મહારાજ કહે, આજે જેટલા ફોટા પાડવા હોય તેટલા પાડી લો. પરંતુ કેમેરામાં રોલ ખલાસ થઈ ગયો. બીજો રોલ હતો નહીં. તેથી થોડા ફોટા પાડ્યા પછી મહારાજ કહે, આ મારા સૂવાના પલંગમાં ગાદલા, રજાઈને ઝાટકી નાખો. રાત્રો કંઈક કરડે છે પછી તો મહારાજનો પલંગ ખંખેરી ગાદલા ફેરવવા લાગ્યા ત્યાં માંકડ પથારીમાંથી નીકળ્યા તેથી મહારાજ કહે, આ સેવક ભેળા જ રહે છે. પરંતુ અહીં લોહી પીનારા સેવક છે. પછી પલંગ ઝાપટી સાફ કરી, માંકડ કાઢી, દવાનો છંટકાવ કરી પલંગ તૈયાર કરી દીધો.
આમ ભગવાન આપણા જેવા થઈ આપણી ભેગા રહ્યા પણ ભગવાને ભક્તોને સુખ આપવામાં કોઈ કચાશ રાખી નહતી. મહારાજની સેવા કરતા, આરતી ઉતારતા, સ્નાન કરાવતા, હાર પહેરાવતા, દિવ્ય દર્શન સુખ આપતા, કોઈ વાતની કમી મહારાજે રાખી નથી. તે પણ બધા ભક્તો સાથે મહારાજના ફોટા છે. તેમજ મહારાજ વિચરણ દરમિયાન ગામડે, ખેતરે, સીમ શેઢે વાડીએ ફરતા ત્યાં પણ પોતાના ભક્તોને, દર્શન સુખ આપતા. ચાવડા રતિલાલ ભગતના ઘરે મહારાજ તેમના માતુશ્રી આણંદીબેનના હાથના બાજરાના રોટલો અને દહીં જમી ગયા. આણંદીબાએ પણ મહારાજની સર્વે રીતે સેવાઓ કરી છે.
ભગવાનનો પરિપૂર્ણ રાજીપો મેળવ્યો છે ને તેઓ રહ્યાં ત્યાં સુધી મહારાજે તેમના બધાજ સંકલ્પો પૂરા કર્યા છે.
મહારાજના સંકલ્પો હતા કે, જે કુંકાવાવની જનતાની આંખ ઉઘાડવી છે. જન્મભૂમિમાં જાગૃતી લાવવી છે. એક વખત હું જૂનાગઢ મહારાજના દર્શને ગયો. મહારાજ કહે, રતિલાલ એક મહિનો તું અહીં રોકાઈ જા. મેં કહ્યું, હા મહારાજ, પણ મનમાં વિચાર આવ્યો કે કામ ક્યાં કરવું ? મહારાજ કહે, તે બાબત ચિંતા કરીશ નહીં, કામ હું ગોતી દઈશ પછી બોલ્યા કે ભગવાનજીભગત જેતપુર મંદિરે કામ કરે છે. તેના ભેળાં રહેવાનું ને ત્યાં કામ કરવાનું ને તારે અને ભગવાનજીભગતને કુંકાવાવ જવાનું છે ત્યાંના સરપંચ લક્ષ્મણભાઈને મળવાનું છે હું તમને કહું તેટલી જ વાત તમારે કરવાની. નહીં તો સરપંચ બહું જ બાહોશ છે પછી તો મહારાજે અમને કહ્યું તે પ્રમાણે જ બધી વાત કરી. પ્રથમ વખત ભગવાનજીભગતને રતિલાલભગતને મહારાજે કહ્યા પ્રમાણે ચાર-પાંચ વાર કુંકાવાવ ગયાને ત્યાંના કામકાજ કરવા નક્કી થયેલ તે ભગવાનજીભગતે રાષ્ટ્રીયભવનનું કામ કર્યું અને મૂર્તિ માટે રતિલાલભગત પૂનાથી આવી સરપંચ ભેળા રાજકોટ જઈ શિલ્પી પાસે સ્ટેચ્યુ કરાવવા આપ્યું હતું, પરંતુ મહારાજને તે શિલ્પી યોગ્ય નહીં હોવાથી તેના ભાઈ પાસે મૂર્તિ બનાવવા વિષે વાત કરી ને તે છગનભગત અને રતિલાલભગતે તે ત્રિાભૂવનભાઈ શિલ્પીને ત્યાં મૂર્તિ બનાવવા આપી. રાતો રાત મહારાજ પાસે સૂથીના પૈસા લેવા ગયા. પછી આગળ મૂર્તિનું કાર્ય રાજકોટ જઈ શરૂ કરાવ્યું અને સમય જતાં મહારાજની કૃપાથી એ કાર્ય નિર્વિધ્ન પૂર્ણ પણ થયું.
આ રીતે બધા શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તોની સેવા વડે તે કાર્ય પૂર્ણ થયું ને મહારાજની આજ્ઞા પ્રમાણે ધામધૂમ કુંકાવાવમાં જયજયકાર થઈ ગયો. પ્રગટ ભગવાન રાજી થયા. તો તે પ્રથમ મહારાજના સંકલ્પનું રાષ્ટ્રીયભવન મંદિરનો લાભ પહેલેથી છેલ્લે સુધી મળ્યો. પછી ફુલવાડી જામવંથલીમાં શિખરબંધ મંદિરમાં પ્રથમથી છેલ્લે કળશ, ધ્વજા અને મૂર્તિ પ્રતિષ્ઠા સુધી તમામ મંદિરની સેવાનો લાભ પ્રભુએ આપ્યો, અપાવ્યો. છેવટે કળશ, ધ્વજ, સમૈયામાં મહારાજની પ્રેરણાથી કથા કરવાનો પ્રથમ અવસર મળ્યો. કુંકાવાવ તીર્થધામમાં બ્રહ્મપેલેસ મંદિર માટે મહારાજે આજ્ઞા કરેલી તે પણ પ્રથમથી ભૂમિપૂજનથી કળશ, ધ્વજ અને મૂર્તિ પ્રતિષ્ઠા સુધીની સેવા પણ મહારાજની પ્રેરણાથી મળી ને ત્યાં પણ કથા વાંચવાનો અવસર મળ્યો. વચ્ચે વચ્ચે સમૈયા પ્રસંગે પણ કથા વાંચવા માટે અલભ્ય લાભ મળ્યો છે, સેવા મળી છે. તે મંદિરોના પથ્થર લેવા, આરસ-મારબલ લેવા. સિંહાસન
માટે જવા આવવાની સેવા, ઉતારા માટે લોખંડ, લાદી લેવા જવાની સેવા, ભક્તો ભેળા રાજસ્થાન, મકરાણા, ભાવનગર શિહોર, મોરબી વિગેરે જવાની સેવા. હેમંતભગત ભેગા મહારાજના આભૂષણો, વસ્ત્રો, મુગટ બનાવવા માટે જવા આવવાની સેવા તેવી જ રીતે કુંકાવાવ બ્રહ્મપેલેસ મંદિર પાયાથી લઈ ભક્તો ભેગા પથ્થર, પાટો રાજસ્થાનની તેમજ કલશ બનાવવા ઓર્ડર આપવા જવા આવવાની સેવા. મથુરા મૂર્તિ માટે જવા આવવાની સેવા અને મહારાજની કૃપાથી નાની-મોટી સેવા પ્રભુએ રાજી થઈ તેમના ભક્તોને આપી છે. આ મહારાજના સંકલ્પના ત્રણેય મંદિર કુંકાવાવ રાષ્ટ્રીયભવન, ફુલવાડી પરમધામ, કુંકાવાવ બ્રહ્મપેલેસની ભરપૂર સેવા મહારાજે આપી અપારકૃપા કરી તેમના ભેળા ભેળવી દીધા. આપના જેવા ને અપનાવી ઉંચી સ્થિતિ, ઉત્તમ સુખમાં મૂકી દીધા ને હજી પણ શરીર શક્તિ પ્રમાણે જે સેવા બની આવે તે દેહપર્યંત કરી ભગવાનની સેવામાં રહેવું છે.
એક વખત અમે જૂનાગઢ દર્શને ગયા હતા. સવારમાં મહારાજ નાહી-ધોઈની પૂજામાં બેઠા હતા ત્યારે મહારાજને દંડવત્ત, પ્રણામ કરી પગે લાગી પ્રદક્ષિણા કરી બેઠા. મહારાજ તિલક કરતા હતા ત્યારે વાત કરી કે, ભાલમાં તિલક કરતી વખતે ‘જ મહાવિષ્ણવે નમઃ' બોલી તિલક કરો, છાતીમાં તિલક કરો ત્યારે ‘જ વૈષ્ણવે નમઃ' બોલો, ખભા નીચે તિલક કરો ત્યારે ‘જ અનાદિ શ્રીકૃષ્ણનારાયણાય નમઃ', બંને હાથમાં તિલક કરો ત્યારે ‘જ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજને નમઃ અને શ્રી શ્વેતાયન વ્યાસાય નમઃ આમ બોલીને તિલક કરવા અને દંડવત્ત કરતી વખતે શ્લોક, આરતી, સ્તુતિ, ધૂન્ય, મંગલાચરણ આ બધું આ નિત્ય નિયમ પુસ્તકમાં લખેલું છે તે પ્રમાણે બોલવા. આમ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી. પ્રગટ ભગવાનનું ધ્યાન-સ્મરણ કરવું. આમ થોડી પ્રત્યક્ષ ઉપદેશની વાત કરીને વળી બોલ્યા કે, આ બધું પાક્કું હોય તેમા સાંબેલા મારવા ન પડે, કાચું હોય તો સાંબેલાથી ધરબવું પડે કે પોકળ ન રહે. તમો તો પાકા ધાબા છો, ભગવાન ઓળખાયા છે માટે ભજન કરજો, સેવા કરજો.
એકવાર ગુરુપૂર્ણિમાએ જૂનાગઢ ગયેલા સાંજે પહાગચ્યા ને સવારે ગુરુપૂજન હોવાથી મહારાજની સાંજે સેવા કરતા હતા. ત્યારે મહારાજે કહ્યું કે, સવારે વહેલા ઉઠી અમારું પૂજન તમો પહેલા કરી લેજો. પછી તો મોટા મોટા સોની મહાજન બધા આવશે તે તમારો વારો આવવા નહીં દે. માટે તમો મારું પૂજન વેલા કરી લેજો. ગુરુપૂર્ણિમા હોવાથી પૂજાની સામગ્રી લેતા આવ્યા હતા. પછી સવારમાં મહારાજને સ્નાન કરાવી પ્રસાદીનું જળ પીધા
પછી મહારાજ પૂજામાં બેઠા તે દર્શન દંડવત્ત પ્રણામ કરી મહારાજ ચા-નાસ્તો કરી પરવારી બેઠા. મહારાજ કહે, તમો જલ્દીથી પૂજા કરી લો નહીં તો હમણાં મોટા ડાઘા આવશે. પછી મહારાજને ગુલાબના હાર ધરાવી હાથે-પગે બાજુબંધ પહેરાવી, કંકુના ચાંદલા કરી ચરણોમાં ચાંદલા કરી. મહારાજની આરતી ઉતારી, દંડવત્ત કરી, પગે લાગ્યા. પછી મહારાજના ચરણોમાં શક્તિ પ્રમાણે ભેટ ધરી. મહારાજે રાજી થઈ આશીર્વાદ આપ્યા. આ રીતે મહારાજ પોતાના સ્નેહી ગરીબડાં ભક્તોને બોલાવી શીખવાડી પોતાની મૂર્તિના આનંદ-સુખને સેવા આપતા. પછી મહારાજે પોતાનો દાંત આપી કહ્યું, આને જીવની જેમ સાચવજે. ભગવાનની આ અંગભૂત વસ્તુ બધાને નથી મળતી. કેશ, નખ ને દાંત. આ અંગભૂત વસ્તુને સાચવવી અને કાયમ માટે પૂજા કરવી. આ ઉપદેશ મહારાજે આપ્યો હતો.
એક વખત મહારાજ વાત કરતા હતા કે, તમોએ કુંકાવાવ, રાષ્ટ્રીયભવન બાંધી મને પધરાવી દીધો. વિશ્વમાં મારી ખ્યાતી વધારી અને હવે ફુલવાડી મંદિર બનાવો છો તો ભગવાન તમોને ધામમાં બંગલા રહેવા આપશે. બગીચાઓમાં ફરવા જવું હોય તો એક એક હાથી અને બીજા ધામોમાં ફરવા જવું હોય તો એક એક ગરુડ આપશે. આમ પ્રત્યક્ષ ભગવાને અંતરના આશીર્વાદ ભક્તોને આપ્યા છે. જૂનાગઢ મંદિરમાં રાધા-રમણ દેવ, ઘનશ્યામ મહારાજને કાયમી સેવા જે મહારાજ સવારે જાગે અને સાંજે પોઢે ત્યાં સુધી તમામ ખર્ચના દાતા શ્રીહરિ શરણાગતિ મંડળને કરી લેખ લખાવ્યા ને કાયમી મંદિરની ભગવાનની સેવાના પુણ્ય મંડળને મળતા રહે એવું જબરજસ્ત કામ મહારાજે મંડળ માટે કર્યું છે.
એક વખત રતિલાલ ભગત, ભગવાનજીભગત મહારાજની સેવા કરતા હતા. મહારાજ કહે, હવે બધી જ સેવાની આઈટમ પૂરી થઈ છે. બધા ભક્તોની લખાવેલી સેવા આવી ગઈ છે. લેખ કોતરવાના ચાલુ છે. મારે એ બધું પુણ્ય ફળ શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તોને જ દેવું છે. તેથી દૂર દૂર બધાને જાણ કરી હતી, તે પૂર્ણ થયું. મહારાજ કહે, બોલ ભગવાનજી તારે કઈ સેવા જોઈએ છે. શનયાની સેવા જોઈએ છે. ભગવાનજીભગત તુરત જ બોલ્યા કે, હા, મહારાજ. મને પલંગ બનાવી દો. જેથી તમો કાયમ મારી પર પોઢો, પછી મને કહ્યું, રતિલાલ તારે કઈ સેવા જોઈએ છે. મેં કહ્યું, મહારાજ મને તો મોજડી બનાવી કાયમ ચરણમાં રાખજો અને ચરણસેવા આપજો. આમ પ્રત્યક્ષ ભગવાન કેટલા રાજી હશે કારણ કે ક્ષણિક સેવામાં તો અહીં કાયમી પુણ્યફળ મળતું રહે અને ધામમાં પણ કાયમ ચરણસેવામાં રહેવાનો લ્હાવો મળે. પ્રગટ ભગવાન જેને મળે તેને માંગી મોજ મળે. પછી
તો સેવા કરતા હતા. હું ચરણ દાબતો હતો ને ભગવાનજીભગત પાછળ વાંસો દાબતા હતા અને માથા પર હાથ ફેરવતા કહે, મહારાજ ચોટલી બહું મોટી થઈ ગઈ છે. મહારાજ કહે, જોઈતી હોય તો કાપી લે. તુરત જ કાતર લઈ ચોટલી લઈ લીધી. પછી બંને ભક્તોને મળ્યા, ભેટ્યા ને કહે, જાવ હવે સૂઈ જાઓ.
આ રીતે મહારાજે સ્નેહી ભક્તોને ખૂબ સુખ-આનંદ આપ્યા છે. ઘણા ઘણા અવતાર- પૃથ્વી પર આવ્યા છે. પરંતુ આ વખતની પ્રગટ ભગવાનની લીલા અને એમનું જે સર્વોપરી કાર્ય તો જૂદું જ જણાય છે. કારણ કે, મારા અનુભવની વાત નજરે જોયેલ વાત કે જે સંપ્રદાયમાં નાનાથી મોટા હોય અન્ય સંપ્રદાયના વડા જે હોય તે સર્વે મહારાજના દર્શન કરવા આવતા અને પોતાના મુંઝવતા પ્રશ્નો પ્રગટ ભગવાનને કહેતા. તેને મહારાજ રાજી થઈ બધી જ ગૂંચવણનો ઉકેલ કરી આપતા. પછી સાધારણ હરિભક્ત હોય, ઉદ્યોગપતિ, મોટા હરિભક્ત હોય, નાના સાધુ હોય કે મોટા સાધુ હોય. વિદ્વાન હોય કે પંડિત હોય, મહંત હોય કે પ્રમુખ હોય, કોઠારી હોય કે પૂજારી હોય, સંસારી હોય કે ત્યાગી હોય, બાળક હોય કે વૃદ્ધ હોય જેવી જેની મુંઝવણ દુઃખ હોય તે સર્વના બધા ઉપદ્રવો મટાડી સર્વને શાંતિ અને સુખ આપતા અને સર્વ રાજી થકા આશીર્વાદ લઈ જતા. આ બધું અનુભવ્યું છે, નજરે જોયું છે. બાકી તો આ વિશ્વંભર ભગવાને વિશ્વકલ્યાણ કરવા માટે કાર્ય કર્યું છે. એ પ્રત્યક્ષ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ઓળખાયા. જેને ઓળખ્યા તેને શ્રીહરિ એ બધું જ આપ્યું છે, કાંઈ લીધું નથી. જેઓ પ્રગટ સેવા ભક્તિ, ઉપાસના દૃઢ કરશે તેને પ્રગટ ભગવાન જરૂર પરમધામ લઈ જાશે માટે સૌએ પ્રત્યક્ષ અનાદિ શ્રીકૃષ્ણનારાયણને ભજી લેવા, સેવી લેવા.
એકવાર ચાવડાવાળા રતિલાલ હંસરાજભાઈ રાઠોડના પત્ની લીલાવંતીબેનને પેટમાં અસહ્ય દુઃખાવો થતા રતિલાલભગત રાજકોટ ડૉક્ટરને બતાવવા ગયા. તેના મામાને ઘેર જઈ વાત કરી. તો તેમના મામી લીલાવંતીબેનને લઈ ડૉ.દસ્તુરસાહેબના દવાખાને બતાવવા ગયા તો ત્યાં એક્તસ-રે, સોનોગ્રાફી રિપોર્ટ કરી જોયું તો લીલાવંતીબેનને એપેન્ડિક્તસની તકલીફ છે એમ ખબર પડતા ડૉ.દસ્તુરસાહેબ કહે, આનું તાત્કાલીક ઓપરેશન કરવું પડશે. આજે નહીં કરો તો ગમે ત્યારે ઓપરેશન કરાવવું જ પડશે. તેથી રતિલાલભગતના મામી ઓપરેશન કરવાની તારીખ નક્કી કરી આવ્યા ને તેમને ૩ દિવસનો સમય હતો. તો પછી રતિલાલભગત કહે, ઓપરેશનને વાર છે તો ચાલો જૂનાગઢ મહારાજના દર્શન કરી આવીએ, મહારાજ કહેશે તેમ કરશું. તેથી બંને જણા જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા
ઉતારા કર્યા અને મહારાજના દર્શન કરવા ગયા. મહારાજ કહે, કેમ ઓચિંતા આવવાનું થયું ? રતિલાલભગતે મહારાજને વાત કરી કે તમારા ભક્તાણી લીલાવંતીબેનને એપેન્ડિક્તસનો દુઃખાવો થતા રાજકોટમાં ડૉ.દસ્તુરને બતાવ્યું તો ડૉક્ટરે ૩ દિવસ પછી ઓપરેશન કરવાનું કહ્યું છે. કરુણાના સાગર શરણાગત વત્સલ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ કહે, ડૉક્ટરનું કામ ઓપરેશન કરવાનું છે તે કહે પરંતુ ઓપરેશન ન કરાવાય. એક તો ખર્ચ થાય અને માણસ અડધું કહેવાય. અમો ડૉક્ટર છીએ ભક્તોના દુઃખ મટાડવા માટે જ બેઠા છીએ. એમ કહી ઊભા થઈ માટલીમાંથી જળ લઈ પ્રસાદીનું કરીને ગુલાબ પાંખડી આપીને કહે, રાધારમણદેવ પોઢી જાય પછી હનુમાન, ગણપતિની જાળી પાસે ઊભા રહેવાનું કહેજે. તો તે ત્યાં ઊભા હતા ને મહારાજ પ્રદક્ષિણા ફરવા જતા ત્યાં દર્શન આપી પેટ પર હાથ ફેરવી કહે જાવ મટી ગયું. તો મહારાજના આશીર્વાદ પ્રસાદીથી આજે ૪પ વર્ષ થયા છતાં કોઈ દિવસ તે દુઃખાવો થયો નથી.
આવી જ રીતે ચાવડાવાળા કાકા ટપુલાલ કાનજીભાઈ રાઠોડ દુબઈ કામ માટે સન્લી કંપનીમાં કામ કરતા હતા ત્યાં ભક્ત સમુદાય પણ ઘણો હતો. અમો રતિલાલ, અમરશી, દેવજીભાઈ વિગેરે પણ દુબઈમાં અલગ કંપનીમાં કામ કરતા હતા. તેમાં છ મહિના પછી ટપુલાલભગતને અચાનક પેટમાં દુઃખાવો થતા ત્યાં દુબઈ ડૉક્ટરને બતાવ્યું. તેમના રિપોર્ટમાં પણ એપેન્ડિક્તસ આવ્યું અને ડૉક્ટરે ઓપરેશનની તારીખ પણ આપી દીધી. ૧પ દિવસ પછી હોસ્પિટલમાં દાખલ થવાનું હતું. તે ડૉક્ટરી રિપોર્ટ કંપનીની ઓફિસમાં બતાવ્યા. તેથી કંપનીએ એક મહિનો આરામ કરવા માટે રજા ચાલુ પગારે આપી. આ વાતની ખબર રતિલાલભગતને પડી તેથી સન્લી કંપનીમાં બંને ભાઈઓ મળવા ગયા. પરંતુ ટપુલાલભગત ચિંતામાં હતા કે મહારાજે કમાવા મોકલ્યાને આ દુઃખ આવ્યું. મેં કહ્યું, મહારાજે કમાવા મોકલ્યા છે ને દુઃખ પણ ટાળશે. તુરત જ મહારાજને ટપાલ લખી કે ટપુલાલભગતને આ તકલીફ થઈ છે ને ઓપરેશન ૧પ દિવસ પછી કરાવવાનું છે તો અઠવાડિયામાં તો મહારાજના પ્રસાદીપત્ર આશીર્વાદ, ગુલાબપાંખડી આવી ગઈ અને કહે, ઓપરેશન કરાવતા નહીં. ભગવાન તમારું બધું દુઃખ મટાડશે. આથી ટપુલાલભગતની ચિંતા ટળી ગઈ અને આનંદમાં આવી ગયા અને કંપનીની એક મહિનાની રજામાં એક મહિનો બહાર કામ કર્યું તે બહાર ડબલ પગાર જેટલા પૈસા મળ્યા. એક મહિનાનો કંપનીનો પગાર, ભગવાને દુઃખ મટાડ્યું, ને ત્રણ ગણી કમાણી અપાવી ને ડૉક્ટરને બતાવવા ગયા તો તે પણ વિચારમાં પડી ગયો
કે આ તમારી એપેન્ડિક્તસ ગાયબ થઈ ગઈ. હવે ઓપરેશનની જરૂર નથી. આમ ભગવાન દેશ-વિદેશમાં ભક્તોના દુઃખ મટાડી પરચાઓ આપતા.
એક વખત મહારાજ ચાવડા પધાર્યા હતા અને હંસરાજ વશરામભગતની વાડીએ ગયા હતા ત્યાં વાડીમાં પધરામણી કરી પછી ઝુંપડી હતી ત્યાં વિરાજમાન થયા ને ઘરના બધા મળી દર્શન કર્યા. હિરજીબાપા ભેગા હતા. પછી હંસરાજભગતની વાડીની બાજુમાં એક પટેલની વાડી હતી. તેમાના કૂવામાં એક બાઈએ આત્મહત્યા કરી હતી તેથી તેનો જીવાત્મા પ્રેતયોની પામીને ભટકતો હતો. રસ્તે જતા ઘણાંને દેખાય તે ક્યારેક કૂવામાં પડવાનો અવાજ થાય. આમ અવારનવાર થતાં બધા બીતા હતા તેથી ભક્તોએ મહારાજને કહ્યું કે, મહારાજ આ કૂવામાં બાઈના મરી જવાથી અવારનવાર દેખાય છે. મહારાજ કહે, ચાલો તેને બદ્રિકાશ્રમ મોકલી દઈએ. ત્યાં જઈ પ્રસાદીનું જળ કૂવામાં અને આજુબાજુ છાંટ્યું ને મહારાજ કહે, જાવ હવે નહીં દેખાય. તે દિવસથી હજી સુધી ક્યાંય પણ દેખાતી નથી. એ પ્રેતઆત્માનો મહારાજે ઉદ્ધાર કર્યો.
જામવંથલીના કાંતિલાલ નાનજી પરમાર તેમને એક પગે થોડી ખોટ હોવાથી ઘોડી લઈને ચાલતા. તેઓ વંથલીમાં ભણતા ને ખેતીવાડી કરતા. તેમાં એક વખત બળદ ચરાવતા સીમમાં બેઠા હતા, બેઠા બેઠા જમીનમાં કાંઈક ચિત્ર બનાવતા હતા. પરંતુ તે જગ્યાએ ચૂડેલ રહેતી હરતી-ફરતી હતી. ચૂડેલ કાંતિલાલભગતના શરીરમાં પ્રવેશી ગઈ. તેથી તેમને બોલવાનું કરવાનું બધું અંદર રહી ચૂડેલ કરાવે. તેથી કાંતિભગતને ઘરે લઈ આવ્યા. ડૉક્ટરને બોલાવ્યા, ભૂવા બોલાવ્યા અને કાંતિલાલભગતમાં બેઠેલી ચૂડેલ બધા જ જવાબ આપવા લાગી. ને ભૂવા બધા ભાગી ગયા ને કાંતિભગતની બાને કહે, મારે આને દીકરો કરવો છે. પછી તો તેમના બનેવી રામજીભગતને બીજા ભક્તો મળી જૂનાગઢ મહારાજ પાસે ગઈ ગયા. ત્યારે મહારાજ કે વંથલીમાંથી તો બધી ચૂડેલોનો ઉદ્ધાર કર્યો છે તું એક ક્યાં હતી ? પછી ચૂડેલ મહારાજને કરગરવા લાગી કે મહારાજ મારો ઉદ્ધાર કરો પછી મહારાજે પ્રસાદીનું જળની અંજલી છાંટી કહે, જા બદ્રિકાશ્રમમાં ત્યાં તપ કરી પ્રસાદ જમજે, તારો ઉદ્ધાર થશે. આમ કાંતિલાલભગતને વળગેલી ચૂડેલનો ઉદ્ધાર કર્યો. તે કાંતિભગતે ફુલવાડીમાં ખૂબ સારી એવી સેવા આપી છે.
એવી જ રીતે ધૂળકોટનાં રવજીભગતના પિતા ગોપાલજી બાપા ખેતરે કામ કરતા હતા ને તલાવડે પાણી ભરવા ગયા ત્યાં હાજતે ગયા ને અશુદ્ધિમાં તેમનામાં ચૂડેલ પ્રવેશી
ગઈ. પાણીનું માટલું લઈ ચાલતા થયા તો પાણીમાં બેસી ગઈ. ખૂબ જ વજન ભાર જણાવા લાગ્યો. માંડ મહામહેનતે પોતાના ખેતરે પહાગચ્યા. પરસેવે રેબઝેબને સાથે મોઢાનો તાવ આવ્યો. રવજીભગતના માતાજી કહે, તમને શું થયું તો ચૂડેલની ભાષા બાપા બોલવા લાગ્યા ને ધુણવા લાગ્યા તેથી માજી ગભરાઈ ગયા, ગાડું જોડી ઘરે લાવ્યા. ત્યાંથી સીધા ચાવડા ગવરીબેનના બાપુ દેશરાજ કાનજીભાઈ રહેતા હતા ત્યાં લાવ્યા ને કહે, તમો આને જૂનાગઢ મહારાજ પાસે લઈ જાવ. તુરત જ સવારની ટ્રેનમાં રાજકોટથી જૂનાગઢ બપોરે પહાગચી ગયા. મહારાજ પાસે સૂવાડ્યા. મહારાજે પ્રસાદીના જળની અંજલી છાંટી તેથી ચૂડેલ રડવા લાગીને બોલી કે મારો ઉદ્ધાર કરો પછી મહારાજે તેને પણ બદ્રિકાશ્રમ મોકલી આપી. મહારાજ બોલ્યા કે, આ બહું જોરદાર હતી, અહીં લાવ્યા તે સારું કર્યું. પછી તો આખો પરિવાર નાના-મોટા બધા જ મહારાજની શરણાગતિ લઈ ભક્ત બની જઈ ભજન કરે છે. આ પરચો મહારાજે ધૂળકોટ ગામના ભક્તોને બતાવ્યો.
એક વખત મહારાજ વંથલી વિરાજતા હતા. ત્યારે લાખાણીનાં ભક્તો મહારાજને ગાડા જોડી તેડવા આવ્યા તો મહારાજ તેમના ગાડામાં બેસી લાખાણી ગયા. ત્યાર પછી ચાવડાના ભક્તો મહારાજને તેડવા આવ્યા તો તેમના ગાડામાં બેસી ચાવડા પધાર્યા. વંથલી મંદિરમાં સભાનો સમય થઈ ગયો તેથી મહારાજ સભામાં વિરાજમાન થયા. એક સાથે ત્રણેય જગ્યાએ ત્રણ સ્વરૂપે વિચરી બધાને દર્શનસુખ આપ્યા.
લાખાણીના દરબારો કહે, કાલે મહારાજ અમારા ગામે પધરામણી કરી બધાને લાભ આપ્યો. ચાવડાવાળા ભક્તો કહે, કાલે તો અમારી ઘરે પધરામણી કરી વાડીએ પધાર્યા હતા અને વંથલીના ભક્તો કહે, કાલે તો મહારાજ આખો દિવસ વંથલીમાં જ હતા. આમ એક દિવ્ય પરચો જાણી બધા આશ્ચર્ય પામ્યાને ભગાવનપણાનો નિશ્ચય દૃઢ થયો. બીજે દિવસે સવારમાં વંથલીના ભક્તોની વાડીએ ખેતર સીમમાં વિચરતા હતા. ઘણા ભક્તો ભેગા હતા. પછી એક વાડીએ પાણીનું મશીન ચાલતું હતું ત્યાં મહારાજ કહે, ચાલો સ્નાન કરીએ પછી મહારાજે સંતો સાથે સ્નાન કર્યું. પાણી આગળ ધોરિયામાં વહેતું હતું ત્યાં ધોરિયા આગળ ચકલા પાણી પીતા ને પાણીમાં નહાતા જોઈ મહારાજ બોલ્યા આ પંખીડાના ભાગ્ય ઘણા ઉંચા છે. એ આ પ્રત્યક્ષ પરપુરષોત્તમ નારાયણની પ્રસાદીને પામ્યા તેથી આ બધા આ જન્મથી છૂટી શિવ-બ્રહ્મા જેવી મોટપ પામશે.
આમ પ્રગટના યોગનો મહિમા વર્ણવ્યો હતો. બધા ભક્તો ખૂબ રાજી થયા. પછી
ત્યાં પીપળના છાંયે મહારાજને આસન પાથરી બેસાડ્યા. ભક્તોએ લીલી માંડવીના ઓળાની પ્રસાદી મહારાજને જમાડી. બધાને રાજી કરી લીલાઓ કરતા થકા મહારાજ પાછા મંદિરે પધાર્યા.
મહારાજ એક વખત ચાવડા પધાર્યા હતા. આખા ગામમાં ઘરે ઘરે પધરામણી કરી ગામના દરબારોના ઘરે પટેલોના ઘરે કડિયાઓના ઘરે બધાનો ભાવ જાણી કોઈ બાકી ન રહે. છેવટે કોળીના કૂબામાં પણ પધાર્યા અને બોલ્યા કે, હવે કોઈ હોય તો બોલો. આ અષાઢી મેઘ વરસી રહ્યો છે. પછી તો ગ્રામજનો એટલા બધા પ્રભાવિત થયા બીજે દિવસે સવારે જાહેરસભા દર્શન ગોઠવ્યા. આખું ગામ દર્શને આવ્યું, લાઈનો લાગી.
ગામમાં એક ર૦ વર્ષનો ગાંડો કપડાં રહિત ફરે, તોફાન કરે તો ગામનાંએ કહ્યું, ઓલા ગાંડાને પકડી લાવો તો આ મહારાજ એને પણ સાજો કરી દેશે. પછી તો ચાર જણા તેને ઉપાડી લાવ્યા અને મહારાજની સામે બેસાડ્યો. મહારાજ કહે, તેને કોઈ અડશો નહીં બેસવા દો ને એક લોટો જળ લઈ આવો. મહારાજે જળની એક અંજલી મારી ત્યાં તો હુકાટા નાખવા લાગ્યો. બીજી અંજલી મારી ત્યાં ઊભો થઈ ધૂણવા લાગ્યો ને ત્રીજી અંજલી મારી ત્યાં શાંત થઈ પ્રભુને પગે લાગી બેસી ગયો. મહારાજ કહે, લઈ જાવ નવડાવી કપડાં પહેરાવો. પછી મહારાજ બોલ્યા કે, આ ગામમાં માંદા ને ગાંડા જ અમારા ભાગમાં આવે છે. પછી સભામાં ઊભા થઈ એક પગે ઊભા રહી બોલ્યા કે, આગળના જમાનામાં મુમુક્ષુઓ ભગવાનને ખોળવા જતા. આજે ભગવાન મુમુક્ષુઓને ખોળવા ઘરે ઘરે ફરે છે. પછી સિંહણનું બચ્ચું વાઘ જે ઘેટા-બકરા ભેગું ફરતું તેનું દૃષ્ટાંત આપી વાત કરી અને ગામના અનેક ઉપદ્રવો મટાડ્યા, ચમત્કાર, પરચાઓ બતાવી પ્રગટ પ્રભુપણું જાહેર કર્યું. ધન્ય ભાગ્ય ભાવે-કભાવે બધાને આ પ્રત્યક્ષ પરનારાયણના દર્શન થયા.
એક વખત ચાવડાના રતિલાલભગત ગાડું ચલાવતા હતા અને મહારાજ ગાડામાં બેઠા હતા. રતિલાલભગત કિર્તન ગાવા માંડ્યા કે - આવે છે અક્ષરધામની જાન... મહારાજ કહે, કિર્તન રહેવા દે ને વાંસો ભરાવીને બેસ. પછી આવી તક નહીં મળે. પછી તો વાંસો મહારાજને ભરાવીને બેઠા ને ગાડું ચાલતા સડર ઉતરી બળદ રસ્તે ચાલે નહીં તુરત જ ગાડું રોકી મહારાજને પૂછ્યું કે, અહીંથી બળદ રસ્તે ચાલતો નથી. તેથી મહારાજે કહ્યું કે, એ આગળ કેઈડાનું ભોથું છે તે ખોદી નાખજે. તે ભોથું ખોદી નાખ્યું તે દિવસથી બળદ સીધા રસ્તે ચાલવા માંડ્યો. આમ મહારાજ જ્યાં જ્યાં ફરતા, વિચરતાં ત્યાં ત્યાં આવા ભૂતોના,
ચૂડેલોના અવગતે ગયેલા આત્માઓના પ્રેતોના ઘણાં ઘણાં ઉપદ્રવો મટાડ્યા છે. કોઈ સાજા થાય, માંદા થાય, કોઈ ગાયુ ભગસુ ને દૂધ ન ઝરતા હોય. બાળકને દૂધ ન મળતું હોય. એવા બધાના દુઃખો ભગવાને મટાડ્યા છે. ભગવાનને મારું-તારું કે પક્ષપાત કંઈ હતા નહીં. શરણે આવે તેના બધાના દુઃખ ટાળી સુખીયો કરે. આમ અનંતના કલ્યાણ કરવા પ્રભુ પૃથ્વી પર વિચરે છે, ફરે છે અને ભક્તોના મનોરથો પૂર્ણ કરે છે.
આમ હંસરાજબાપાના કુટુંબ, પુત્ર, પરિવાર, તેમના ઘરના બધાએ મહારાજની સેવા કરી છે. છેવટે હંસરાજબાપા કુંકાવાવ બ્રહ્મપેલેસના ખાતમુહૂર્તના પ્રસંગે સમૈયો હતો. હંસરાજબાપા કહે, કુંકાવાવ બ્રહ્મપેલેસના દર્શન કરી ધામમાં જવું છે, પાછું આવવું નથી એમ સંકલ્પ કરી કુંકાવાવ ગયા ને બધે દર્શન થયા ને તુરત જ મહારાજની સ્મૃતિ સાથે ત્યાં દેહનો ત્યાગ કરી હંસરાજબાપા ધામમાં ગયા. અત્યારે પણ નવિનના ધર્મપત્ની ઊર્મિલાબેન તેના બે બાળકો દર્શન, સાગરને નવિનના માતુશ્રી લીલાવંતીબેન આજે ૪પ વર્ષ થયા મહારાજે આપેલા લાલજીની પૂજા કરે છે. ધૂન-ભજન, પુજન કરી ઘર એક ધામ તુલ્ય, મંદિર તુલ્ય બનાવી બધા કુટુંબી આનંદથી રહે છે, પ્રગટ ભક્તિ કરે છે.