અનાદિ મુકતરાજ દામજીભગત કુરજીભગત મકવાણા
જામવંથલી
પ્રગટ ભગવાનમાં પ્રેમ, વિશ્વાસ, દૃઢ આશરો કરનારા કુરજીબાપાને મહારાજે મંત્રદિક્ષા શરણાગતિ આપી છે. એવા કુરજીબાપા જ્યારે જ્યારે મહારાજ જામવંથલી પધારતા ત્યારે દર્શન સેવા અચૂકપણે કરતા. રાજકોટ મહારાજ રહેતા ત્યારે કુરજીભગત રાજકોટ રહેતા થકા ખૂબ જ ભાવથી તેમના પુત્રો દામજીભગત (પુજારી) તથા રાજેશભગત નાના હોવા છતાં તેઓને પ્રગટ ભગવાનના દર્શન કરાવ્યા છે અને મહારાજે ગુરુમંત્ર, કંઠીઓ બાંધી શરણાગતિ આપીને સેવાઓ આપી રાજી રાજી કર્યાં છે. જામવંથલીથી જ્યારે રાજકોટ કામકાજ ધંધાર્થે સ્થિર થયા ત્યારે કામકાજ કરતાં તેમજ મહારાજના દર્શન અને સેવા કરીને રાજી કરતા.
તેઓ એકવાર મહારાજના દર્શને કુરજીબાપા પુત્રો સાથે ગયા ત્યારે મહારાજે દામજીભગતને હાર પહેરાવી થાપા મારી કહ્યું કે, મંડો કામકાજ કરવા અને વિદેશ જાવ. આ અમારા આશીર્વાદ છે. મહારાજ વંથલી પધાર્યા ત્યારે કુરજીબાપાએ મહારાજને રસોઈ આપી મહારાજ ભેગા સંતોને જમાડ્યા હતા.
કુરજીબાપાના પુત્રાદિકો જ્યારે વિદેશ ગયા ત્યારે ભક્તોના સમાગમે, યોગે કરીને દામજીભગતને નિશ્ચય થયો કે અમારા વંથલીના ગુરુ તો ભગવાન કહેવાય, તેને ચિન્હો છે, તેમના ઐશ્વર્ય પ્રતાપ જબરા છે.આ તો સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે. તે વાત પાકી થઈ ગઈ છે આ રીતે પ્રગટ ભગવાનમાં અખંડ, દૃઢ નિશ્ચય થયો છે. પછી તો દામજીભગતને દુબઈમાં ભક્તોના ભેળા વસીને કથાઓ દ્વારા વંથલી, ફુલવાડી, શ્રીહરિ શરણાગતિ મંડળનો મહિમા વધારે ને વધારે જણાયો છે અને પોતાના અહોભાગ્ય માનવા લાગ્યા કે, મહારાજે તો આપણને ઓળખાણો આપી છે, દર્શન-સેવાના સુખ આપ્યા છે, હવે તો ફુલવાડીને સેવવી છે.
શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તો જેણે પ્રગટ ભગવાનને રાજી કર્યા છે તેવા મોટા મોટા ભક્તોના રાજીપા વડે સુખીયા થવું છે. આવી રીતે વંથલીમાં કરેલી સેવાઓ, દર્શનોનું અનુસંધાન રાખી દુબઈમાં દામજીભગતને કડિયાકામની ફાવટ ઓછી પરંતુ લક્ષ્ય મહારાજની સેવા કરવી તેનું અનુસંધાન રાખ્યું છે. તેથી જ પ્રગટ ભગવાને દિવ્ય દર્શન દઇ
દુબઈમાં દામજી ભગતને હથેળીમાં લઈ ધામમાં લઈ ગયા છે અને ધામનું સુખ બતાવી પાછા હથેળીમાં બેસાડી દુબઈ કામકાજે પાછા લાવ્યા છે.
આમ પ્રગટ ભગવાને દામજીભગતને કડિયાકામ, મજૂરીકામ અપાવી દુબઈના રિયાલ કમાવી આપ્યા છે. તે દુબઈની લક્ષ્મીને દામજીભગતે દરરોજ કામેથી આવી જે પૈસા મળે તેના અડધા પૈસા મહારાજને ફુલવાડીની સેવામાં અર્પણ કરવા. આજ લક્ષ્ય રાખીને દામજીભગત જ્યાં સુધી દુબઈ રોકાયા, ભક્તો ભેળા રહી ભક્તોની સેવા, ભગવાનની સેવા કરીને રાજીપો અને ફુલવાડીની લાખોની સેવાઓ કરી છે. આમ દુબઈ, રાજકોટ, વંથલીની ફુલવાડીમાં આજીવન ગૃહસ્થાશ્રમના મર્યાદા ધર્મો પાળી ફુલવાડીની સેવાઓ કરતા કરતાં શેષજીવન ફુલવાડીની સેવા, ભક્તોની આજ્ઞાઓ થાય તે પ્રમાણે કામકાજમાં રહેવું અને ફુલવાડીની દ્રવ્ય સેવાઓ વડે ભગવાન, ભક્તોને રાજી કરવા એ જ આજીવન દૃઢ સંકલ્પ કર્યો છે.