અનાદિ મુક્તરાજ કેશવજીભગત ડાહ્યાભગત બગીચા
જામવંથલી
મારો જન્મ મહારાજની ઈચ્છા, કૃપા અને આશીર્વાદથી જામવંથલીની પવિત્ર ભૂમિ પર થયો છે. અમો પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણના ભક્ત છીએ. અમારું નામ કેશવ છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં અમે ૧ર વર્ષની નાની ઉંમરમાં સંતો સાથે પાર્ષદ થઈને રહેતા હતા. તે વખતે સ્વામી શ્રી શ્વેતાયન વ્યાસ, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ એ પ્રભુ પરબ્રહ્મ નારાયણ છે એમ ભગવાને પોતે મને ઓળખાણ આપી. અમોને પહેલો પ્રતાપ જણાવ્યો ત્યારે અમે બાળપણમાં હતા. જૂનાગઢમાં કાશીથી ભણીને પોતે પધાર્યા અને એ સમયે પોરબંદરમાં શંકરાચાર્ય જગદ્ગુરુએ સામૈયા કરીને મહારાજને પોરબંદરમાં પધરાવ્યા અને પૂજન-વંદન કર્યું. હાર પહેરાવી સમગ્ર પોરબંદરમાં જાહેર વ્યાખ્યાન સભાનું આયોજન ગોઠવ્યું અને એ સમયે જગદ્ગુરુ શંકરાચાર્યજીએ રાજી થઈને વ્યાખ્યાનમાં પોતે બોલ્યા કે, આખા વિશ્વમાં સ્વામીશ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજશ્રી જેટલી વિદ્યા કોઈ ભણી શક્યું નથી. આ વિશ્વની અંદર તેમની તુલનામાં કોઈ પણ વિશ્વના વિદ્વાન આવી શકે તેમ નથી. પોરબંદરની એ વાતની અમને જાણ થઈ. ત્યાર પછી પ્રભુ જૂનાગઢમાં પધાર્યા. એ સમયે દર્શન કરવાના અભિલાષી ર૦૦ પાર્ષદોને શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીના દર્શન કરવા હતા. મહારાજના દર્શન માટે જવા કોઈને મળતું નહીં. એ વખતે મોટા સંતોને પૂછવામાં આવતું ને રજા લેવામાં આવતી. તે સમયે મોટા સ્વામીજી નિલકંઠ સ્વામી તેમને અમે પ્રાર્થના કરવા પાર્ષદો ગયા કે અમારે શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીના સાક્ષાત્ દર્શન કરવા છે. ત્યારે મોટા સ્વામીજી કહે કે, એમના જેવા મોટા વિદ્વાન કોઈ નથી અને એની બાજુમાં જવાની મનાઈ છે. જો તમારે દર્શન કરવા હોય તો તમે બધાય પાર્ષદો અહીં ઊભા રહેજો તે જ્યારે ૪-૦૦ વાગ્યે ઠાકોરજીના દર્શન કરવા તેમના રૂમેથી મંદિર તરફ જવા નીકળે ત્યારે દર્શન બધાએ કરી લેવા. આમ મોટા સંતો એ અમને આજ્ઞા કરી તે પ્રમાણે અમે ઊભા રહ્યા. અમે ર૦૦ જેટલા પાર્ષદો હતા એ અમે ઊભા રહ્યા ત્યારે મહારાજશ્રી ઉપરના માળેથી નીચે ઉતરે છે.
સમગ્ર વિશ્વના નેત્રો અંજાય જાય એવું દિવ્ય શીતળ તેજ મહારાજની મૂર્તિમાંથી નીકળવા લાગ્યું. મહારાજે જમણા હાથની ભૂજામાં પુસ્તક લીધેલુ છે અને ચરણાર્વિદમાં ચાખડીઓ ધારણ કરેલી છે. ભગવાનની ચાલ કોઈ દિવસ છાની રહેતી નથી. ભગવાનની
ચાલ અને તેની શોભા અને એનું તેજ એ તો જ્યારે મૂર્તિ નીચે ઉતરી અને મારા શરીરની અંદર નખશીખ પર્યંત સાક્ષાત્ શરીરમાં ઉતરી ગઈ અને તે સમયે મારી ૧ર વર્ષની ઉંમર અને હૃદયની અંદરથી અવાજ છૂટવા મંડ્યો કે અનાદિ પરબ્રહ્મ નારાયણ ભગવાન આવી ગયા છે. એવા શરીરની અંદર અવાજ આવા માંડ્યા અને ત્યારે અમે બાળક અવસ્થામાં હતા. તે જોતા અમે ગભરાઈ ગયા. મારા શરીરમાં કોણ બોલે છે અને આ શું થઈ ગયું ? ત્યારથી નક્કી થઈ ગયું કે મારા આ ઘનશ્યામ તે પોતે જ પધાર્યા અને અત્યાર સુધીમાં અમે કેટલા હજારો સંતોના દર્શન કર્યા પણ આ બનાવ બન્યો નથી. એમ અમે વિચારી નક્કી કર્યું કે, અંદરથી ભગવાન સિવાય કોઈ બોલવા સમર્થ ના હોય તો અંદરથી પણ અવાજ આવવા મંડ્યા અને બહાર મૂર્તિ દેખાવા માંડી ત્યારે અમે આંખો બંધ કરી દીધી અને બીક લાગી કે આ અમને શું થઈ ગયું ત્યારે હૃદયની અંદર એ મૂર્તિ દેખાવા માંડી અને બે આંખો ખોલી તો બહાર દેખાવા માંડી. એટલે અમારી નાની ઉંમર બાળઅવસ્થા ત્યારે અમે ગભરાઈને તરત જ અમારા ગુરુના સ્થાનકે જ્યાં રહેતા હતા ત્યાં હું ચાલ્યો ગયો. જ્યાં મારું આસન હતું ત્યાં હું એમને એમ બેભાન થઈને પડ્યો અને ત્યાં પણ મૂર્તિ એમને એમ દેખાય નખશિખ પર્યંતમાં એમ જ સુખ-સુખ અને સુખ. અમે કોઈ દિવસ આવા અનુભવ્યા નહોતા.
અમને થઈ ગયું કે, સાક્ષાત્ પરબ્રહ્મ પરષોત્તમ ઘનશ્યામ મહારાજ એવા પોતે પૃથ્વી પર શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ નામે હાજરાહજુર પ્રગટ થયેલા છે. એમ સાક્ષાત નક્કી થઈ ગયું તે પણ એક 'દિ દેખાય બે-'દિ દેખાય એમ ત્રણ 'દિ થયા તો પણ મૂર્તિ દેખાવાની બંધ ન થાય. અંદરને બહાર આંખ મિંચુ ત્યારે અંદર દેખાય ને આંખ ઉઘાડું ત્યારે ઉઘાડું ત્યારે પણ સામી દેખાય. એમ ચાલુ ને ચાલુ. ત્રણ 'દિ થયા તો પણ મૂર્તિ દેખાય. ચાર 'દિ થયા તો પણ મૂર્તિ દેખાય. પાંચ 'દિ થઈ ગયા તો પણ મૂર્તિ દેખાય. જ્યારે સૂતો હોઉ ત્યારે ભગવાનને કહું કે - ‘હે ભગવાન હવે મારે શું કરવું તમે સાક્ષાત્ આવી ગયા છો. તે સમય માટે સાત દિવસ સુધી અખંડ ભગવાન અંદર અને બહાર દેખાયા ત્યારે નિષ્ઠા થઈ ગઈ કે, આ ભગવાન સ્વયં પોતે પધારેલા છે.
આ રીતે મને મહારાજની પહેલી ઓળખાણ થઈ. આવી રીતે પ્રભુ હજુ કોઈને મળ્યા નથી. પહેલા દર્શનમાં ભગવાને મને બધી ઓળખાણ આપી દીધી. આમ હું પ્રભુનું અખંડ રૂપ સમજવા માંડ્યો ત્યારથી જીવનમાં મને ક્યારેય મહારાજના ભગવાનપણામાં અનિશ્ચયનો ઘાટ થયો જ નથી. સમય જતાં મહારાજ સત્સંગમાં વિચરવા માંડ્યા. પ્રભુ પોતે જૂનાગઢમાં
બિરાજમાન થયા. રાજકોટમાં મંદિર કર્યું, જામનગરમાં મંદિર કર્યું. અને બધી જગ્યાએ ભગવાને ખૂબ પરચા પૂર્યા અને પ્રતાપ વાપર્યા.
મહારાજ જ્યારે જામનગર મંદિરે હતા ત્યારે હું ઘણી વખત દર્શન કરવા જતો ત્યારે મને ભૂખ લાગે તો હું આખો દિવસ મહારાજની મૂર્તિને જોયા કરતો જેથી મારી ભૂખ સંતાષાઈ જતી.
એકવાર જામનગર મંદિરમાં અમે વર્તમાન ધરવા માટે રાબ બનાવી ને લઈ જઈએ છીએ ત્યારે એક આકાશમાં સ્વરૂપ દેખાયું ને એક નીચે આવા બે સ્વરૂપે ભગવાન સાક્ષાત્ દર્શન આપે છે. સાવ અજાણ્યામાં કોઈ બીજું જાણે નહીં. આવા ભોળા ભક્તોને ભગવાન અતિ દયા કરીને ઉધારે ત્યારે સ્વયં પોતે બોલતા હોય કે અમે તો ગરીબના ગુરુ છીએ. જેટલા ભક્તો ભગવાન આગળ દીન, ગરીબ રહેતા તેને ભગવાન કૃપા કરીને ઓળખાણ આપી દેતા. એવા ભગવાન પોતે પરબ્રહ્મ નારાયણ શ્વેતાયન વ્યાસ પોતે સ્વયં પધારેલા એવો અમને પાકો નિશ્ચય થઈ ગયો.
એવા એ ભગવાનની ઓળખાણના શાસ્ત્રોમાં લખાણ છે. એ પ્રમાણે ચિન્હો એ ભગવાનને હોઈ છે. ભગવાને કોઈક અવતારમાં બે ચિન્હ, કોઈક અવતારમાં ત્રણ ચિન્હ, કોઈ અવતારમાં ચાર-પાંચ ચિહ્ન, અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પોતે શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી પ્રભુ પરબ્રહ્મ નારાયણ પધાર્યા ત્યારે એમના બે ચરણોની અંદર ૧૭+૧૭=૩૪ ચિન્હો મેં ગણ્યા હતા અને પ્રત્યક્ષ જોયેલા હતા. એમની હથેળીમાં શંખ, ચક્ર, ધનુષ્ય, મચ્છ, ત્રિાશૂલ, સ્વસ્તિક આદિ ચિન્હો અમે પ્રત્યક્ષ જોયેલા છે અને સમગ્ર જગતમાં ભૂજા ઊંચા કરીને સમગ્ર જગતને દર્શન આપી રહ્યાં છે. આમ ભગવાન પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે અવતારીપણાનો નિશ્ચય પોતે જ આપે છે. સર્વે અવતારના અવતારી હું પોતે જ છું એવી પોતે જ શાસ્ત્ર ઓળખાવે. તેના ચિન્હોનાં વર્ણન ભગવાનને ઓળખાવે છે. જેમ અર્જુનને વિરાટરૂપના દર્શન આપીને ભગવાને ઓળખાણ આપી એમ અત્યારે ભગવાન પોતાનું અવતારીપણું દેખાડી હજારો ભક્તોને દર્શન, ઐશ્વર્ય પ્રતાપ અને ચિન્હોના પોતે દર્શન આપ્યા છે.
મહારાજ જ્યારે જામનગરમાં બીરાજતા હતા તે સમયે મારા બનેવીને કંઠી બાંધવાની હતી. એમને જો કોઈ સ્વામિનારાયણ ધર્મ કે કોઈ પણ ભક્તિ એ પ્રભુના જ છે. એક જ પ્રભુ હોય છે. પણ એમને કોઈ વધારે જ્ઞાન હતું નહીં ભોળાભલા સાચા વિશ્વાસુ ભક્ત હતા. ભગવાને ગરીબ ઉપર અતિશય દયા વાપરી છે. એ સમયે એ ભક્તને દિવ્ય દર્શન આપ્યા
અને પ્રકાશ શરીરમાં પ્રગટ કર્યો અને એ પોતે અંજાઈ ગયા અને એ મહારાજને ધોતિયા ઓઢાડવામાં ખભે મૂક્યા ત્યારે પણ હાથ લપસી ગયો અને ધોતિયા નીચે પડી ગયા. આમ બંને ત્યારે પાછા દર્શન કરીને બહાર ગયા ત્યારે અમોને પૂછવા લાગ્યા કે આ કોણ પુરુષ છે. તમે ઓળખો છો ? એમ અમોને કહ્યું ત્યારે મેં કહ્યું આ ગુરુ એ વિશ્વમાં મોટા ગુરુ છે. વિશ્વના વિશ્વો બધા એમાં જ છે. એવા મોટા ગુરુ છે.
એ અજાણ્યા ભગત હતા એટલે ભગવાને અતિ કૃપા કરીને એમના ઉદ્ધાર માટે પ્રભુએ દર્શન આપેલા. બીજી વખત પણ ભગવાને એકદમ દયા કરીને એમને બે સ્વરૂપે દર્શન આપ્યા. એક સ્વરૂપે ભગવાન આકાશને માર્ગે ચાલ્યા આવે છે અને બીજા સ્વરૂપે પૃથ્વી પર મંદિરમાં બિરાજે છે. આ દર્શન પ્રત્યક્ષ ભગવાન આપે છે ત્યારે એ ભક્તને પાછા ભગવાન સમજાય જાય છે ત્યાર પછી એ મને પ્રગટ ભગવાનની લગની લાગી ગઈ. આ દર્શન પ્રભુ સિવાય કોણ આપવા સમર્થ હોય. આમ ભક્તોને ઘણાં દર્શન આપ્યા.
એકવાર મહારાજ જામનગરમાં સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા હતા એ સમયે વેદોની કથા ચાલતી હતી. એ સમયે એક બ્રાહ્મણ દેવ મહાપુરુષએ જામનગરમાં રહેતા હતા અને બહુ જ્ઞાની વિદ્વાન હતા એમની સાથે અમે બેઠેલા ત્યારે મહારાજશ્રીનું વ્યાખ્યાન ચાલુ હતું. એ સભામાં મોટા મોટા વિદ્વાનો બિરાજતા હતા. કથા સાંભળવા કોર્ટના મેજિસ્ટ્રેટ સર્વે અહીં આવતા. એ સમયે મહારાજની કથા સાંભળી સૌ કોઈ કહેતા કે, આ કો'ક ભગવાન સાક્ષાત છે. અમે આ દુનિયાની અંદર બહુ ફર્યાં બહુ મોટા અને મહાપુરુષો પાસે ગયા પણ આવી વાણી- આવા વિદ્વાન તો આખા વિશ્વની અંદર કોઈ નથી. અત્યારે સાક્ષાત એના મુખાર્વિદમાંથી ગુલાબના ગોટાની જેમ દેવવાણી સાક્ષાત એમની ભાષામાંથી નીકળે છે. આ પૃથ્વી પર ભગવાન છે તેવી આ વાણી છે. આમ મેં નજરે જોયેલું. એવી રીતે ઘણા ભક્તો મહારાજ પાસે જાય તેને એક એક લાગટ નાના-મોટા પરચા પ્રભુ આપતા જ હોય અને સર્વને શરણાગતિ આપતા.
પરબ્રહ્મ નારાયણ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પોતે સાક્ષાત્ પ્રગટ થયેલા, સર્વ અવતાર ધારણ કરનારા એવા પ્રભુ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પોતે સર્વ ઉપાસના ચોખ્ખી કરવા સર્વધામોના ધામી એવાં પરમધામમાં સદાય બિરાજમાન, સર્વ ધામોને ન્યાય આપવા દરેક ધામોમાં મોક્ષમાર્ગ, દરેકને જેની જેટલી ધામની હદ, જેટલી ભક્તિ એ પ્રમાણે બધાય ધામમાં મોક્ષ માર્ગ ચાલુ કરેલ છે.
મહારાજ કહેતા કે, સર્વે અવતાર મેં પ્રગટ કરેલા છે. સર્વથી પર એવાં અમે પરબ્રહ્મ નારાયણ, પરમધામમાં સદાય બિરાજીએ છીએ. સર્વને મારો સાક્ષાત્ પરમયોગ આપવા અખંડ કૃપા કરી પધારેલા છીએ. સમગ્ર ધામો સહિત અવતારો તેનાં મુક્તો સહિત સદાય મારામાં બિરાજે, મારા સાક્ષાત યોગને પામે એટલે અમો પોતે સમગ્ર વિશ્વને અમારો યોગ આપી રહ્યા છીએ. સમગ્ર વિશ્વ કલ્યાણ માટે અમોએ સર્વોપરીપણું વિદ્વતા ધારણ કરી, સમગ્ર વિશ્વ વિદ્વાનોને અમારા સુખ આપ્યા. કાશીમાં વિદ્યા ભણ્યા, ન્યાયશાસ્ત્રો ભણીને સમગ્ર વિશ્વ વિદ્વાનોનાં ઉપરી બનીને સમગ્ર વિદ્વાનોનાં રાજા અમો કહેવાયા. આખા વિશ્વ વિદ્વાનોની સભા કાશીમાં શાસ્ત્રોથી વિદ્વાનો એ અમારે શરણે મોક્ષ માર્ગ મેળવ્યો. અમારો બધાય વિદ્વાનોએ પરમ રાજીપો ખૂબ જ મેળવ્યો અને વિદ્વાનોએ અમોને સાક્ષાત્ ભગવાન ઓળખી અને અભિનંદન ચરણમાં આપ્યા છે.
અમો ભગવાન છીએ, પરબ્રહ્મ છીએ, સર્વોપરી છીએ. તેવા જ સર્વોપરી અમારા કાર્યો છે. સંસ્કૃતમાં કાશીમાં સમગ્ર વિશ્વની કાશી સર્વોપરી વિદ્યાપીઠ છે. અમારા શાસ્ત્રો કાશીમાં ભણાય છે. અમે સંસ્કૃતમાં ‘લક્ષ્મીનારાયણ સંહિતા' નામનો મોટો ગ્રંથ એક લાખ છવ્વીસ હજાર શ્લોકનો એ ગ્રંથ કાશીમાં જાહેરમાં મૂક્યો છે. એમ આખા વિશ્વનાં વિદ્વાનો જાણે છે. અમોએ સર્વ વિશ્વ કલ્યાણ માટે ઘણાં ગ્રંથો પૃથ્વી પર મૂક્યા છે. આખા વિશ્વને ઉગારી લેવું એવી દયા સહિત અમે પધારેલા છીએ. નર-નારી અમારા કૃપાપાત્ર સાધુ-સાધ્વી છે માટે આ વખતે ગૃહસ્થાશ્રમીને પણ સંત દિક્ષા આપી મારો યોગ આશ્રમ આપી અમારી કૃપા વિશ્વ પર સૂરજ રૂપે પ્રગટ કરી છે. હાલમાં લાખો નર-નારી અમારા સાધુ થઈ ચૂક્યા છે. ભજન કરે છે. તે વિશ્વમાં પ્રસિદ્ધ છે. જામનગર જિલ્લામાં જામવંથલી ત્યાં અમારું પહેલું સર્વોપરી મંદિર બનેલું છે. અમારી આરતી, પૂજન લાખો ભક્તો કરી રહ્યા છે. જામવંથલીના ઘણા ભક્તો, નર-નારી ભજી રહ્યા છે.
ધામો-ધામમાંથી દેવો અને મુક્તો અમારી સાથે આ પૃથ્વી પર આવેલા છે. જામવંથલીમાં ઘણાં મુક્તો પ્રગટ કરેલા છે. વિશ્વમાં આજે છૂટાછવાયા મુક્તો, દેવો અમારી સાથે પ્રગટ થઈ વિશ્વ કલ્યાણ માટે અમારી સાથે આવેલા છે.
મહારાજે કૃપા કરીને શ્રીહરિ શરણાગતિ મંડળની સ્થાપના કરી. ગૃહસ્થી સાધુ-સાધ્વી બને એવી દિક્ષા ચાલુ કરી. મહારાજે ભાઈઓ અને બેનોને આજ્ઞા કરી કે, ‘એક એક ભગવું બધાએ પહેરવું જ.' આમ આખા વિશ્વ પર કૃપા કરીને મોક્ષ માર્ગ આપી દીધો. આમ પ્રભુએ
ગૃહસ્થી સાધુ બનાવવાનું મુહૂર્ત કર્યું અને કહ્યું, ગૃહસ્થાશ્રમ મારો યોગ આશ્રમ છે.
પ્રભુ જામવંથલીમાં પધાર્યા ત્યારે જામવંથલીના આસપાસના ગામોને પણ લાભ મળ્યો છે. બધાને પ્રભુના દર્શન થયા છે. વંથલીથી દોઢ ગાંવ દૂર ‘લાખાણી' ગામ છે. જામસાહેબ બાપુનાં ભાઈઓ, દરબારો એ લાખાણીમાં વસે છે. તે લોકો વંથલીએ પ્રભુને લેવા અને દર્શન કરવા વાજિંત્ર, તબલા સહિત આખી લાખાણીના ભાઈઓ વાજતે-ગાજતે જામવંથલી આવ્યા, આમ પ્રભુનો રાજીપો લાખાણીના ભાઈઓએ પણ મેળવ્યો.
બાજુમાં ચાવડા ગામ છે તે ગામ મળીને પ્રભુને ચાવડામાં ઘરે ઘરે પધરામણી કરાવી. એમ બંને ગામોએ ખૂબ જ લાભ લીધો. જામવંથલીના આખા ગામે તન, મન, ધનથી સેવા કરી અને વ્હાલાની પ્રસન્નતા અને રાજીપો ખૂબ જ મેળવ્યો.
ડાયાબાપા ખૂબ હિંમતવાળા એમને કોઈ ઉપદેશ આપી ન શકે એવા બળવાન પુરુષ હતા. એમનો ભગવાન સિવાય કોઈ ઉદ્ધાર કરી ન શકે. ગામના માલધારી માણસો પણ એમનાથી બીતાં. આવા બાપા બળવાન હતા.
એક વખત કેશુભગતનાં માતૃશ્રી અમૃતબાને સંભળાય તેમ મહારાજ બોલ્યા, ‘‘અમે સાક્ષાત ભગવાન છીએ. આ મકાનની દિવાલ પણ અમને ન નડે. દિવાલ સાગસરવા અમે નીકળી જઇએ. અમો સાક્ષાત ભગવાન છીએ'' આમ માતૃશ્રી સામે બોલ્યા. આમ કેશુભગતના બેય માવતરને બગીચામાં ખૂબ જ પરચાં આપ્યા છે અને સાક્ષાત્ ભગવાનપણાંનો નિશ્ચય કરાવ્યો છે.
પહેલા બગીચાવાડીમાં રહેવા માટે બે રૂમ હતી. એમાં મહારાજની પધરામણી ઘણી વખત થયેલી. તો એ રૂમમાં એક ખિંટી હતી. ત્યાં માળા ટીંગાતી. પ્રભુએ પધરામણી કરીને ભલા-ભોળા વૃદ્ધો પર અદ્ભુત કૃપા કરી. એ ખિંટી પર માળા ટીંગાતી હતી ત્યારે પ્રભુએ માળામાં અદ્ભૂત પરચો આપ્યો. એ માળા તેની મેળે જ ફરવા લાગી. તે માળા ખિંટીને ચક્કર માર્યા કરે. ડાયાબાપા અને અમૃતાબાની નજર એ માળા પર ગઈ જોયું તો માળા ખિંટી પર ચક્કર મારતી હતી. તો એ માળા અંદાજે અડધા કલાક સુધી ફરતી બેય માણસે જોઈ ત્યારે બેય માણસ ભગવાનને યાદ કરવા લાગ્યા કે, પ્રભુએ આ પધરામણી કરી, જુઓ તો માળા તેની મેળે ફરવા લાગી, એમ બેય માણસ વિચારવા લાગ્યા.
કેશુભગતના દાદા-દાદી એ પણ મહાન ભક્ત હતા. દાદા-દાદી પ્રભુની ઘનશ્યામરૂપે
ભક્તિ કરતાં હતાં. કેશુભગતના દાદીમાને એક વખત ઉપાધી આવીપડી એટલે પ્રભુ પાસે પાગક મૂકીને મૂર્તિ સામે રડ્યા. તે મૂર્તિ સાક્ષાત્ દાદીમાં સામે બોલી ‘શું રડો છો ?' એ દાદીમાનાં એક દેરાણી હતા, તેઓ માંદા પડ્યા હતા. દાદીમા ત્યારે તેની ખબર કાઢવા ગયા. દેરાણી પાસે એમના બેન હતા. એમણે ઘરેણાં બાંધી ક્યાંક રાખ્યા હશે. આ એમના દેરાણી ઘરેણાં શોધે પણ મળે નહીં. દેરાણી પોતે માંદા હતા એટલે મા એમની ખબર કાઢવા ગયા હતા તો દેરાણી એ એવી શંકા કરી કે, ‘‘મારી જેઠાણી ખબર કાઢવા આવી અને ઘરેણાં લઈ ગઈ.'' આમ જોરથી બોલી અને મા સાંભળી ગયા. એટલે ભગવાન પાસે આવીને તરત જ પોક મૂકી રડી પડ્યા. એટલે મૂર્તિમાંથી સાક્ષાત ભગવાન બોલ્યા, ‘‘છાના રહો, એ ઘરેણાં તો એની બેને જાંબલી રંગની સાડીના ટૂકડામાં વીંટીને રોટલા મૂકવાનું કબાટ છે એમાં મૂકેલા છે, જાવ બતાડી આવો.'' દાદીમાનું નામ પૂતળીમા હતું. આમ તે કેટલાં ભોળા અને નિર્દોષ કે ભગવાનની મૂર્તિ સાક્ષાત્ બોલી. પછી તો જલ્દી જલ્દી પૂતળીમા ગયા એની દેરાણીની બેન પાસે જઈ અને એને કહ્યું, ‘‘ જાંબલી રંગની સાડીનાં ટુકડામાં ઘરેણાં બાંધીને તમે રોટલા રાખવાના કબાટમાં મૂક્યા છે ને ?'' એટલે એના બેન વિચારમાં પડી ગયા કે, મારી બેનને પણ ખબર નથી, બીજા કોઇને પણ ખબર નથી તો આ પૂતળીમાને કેવી રીતે ખબર પડી કે, ઘરેણાં કબાટમાં મૂક્યા છે. એટલે દેરાણીના બેને માને કહ્યું કે, તમને કેવી રીતે ખબર પડી કે, મેં ઘરેણાં જાંબલી રંગની સાડીના ટુકડામાં વીંટીને કબાટમાં મૂક્યા છે, બીજા કોઇને પણ ખબર નથી તો તમને કેવી રીતે ખબર પડી ? ત્યારે માએ કહ્યું, (મારી દેરાણી) તમારી બેને મારી પર શંકા કરી કે, મારી જેઠાણી ઘરેણાં લઈ ગઈ અને હું એ સાંભળી ગઈ, એટલે ઘરે જઈને ભગવાન પાસે પોક મૂકી એટલે પ્રભુની મૂર્તિ સાક્ષાત બોલી. આ બધું જ મને ભગવાને કહ્યું, એટલે હું તમને કહેવા આવી.
કેશુભગતના દાદા-દાદી આવા મહાન ભક્ત હતા. એક વખત દાદા (પોપટબાપા)એ પણ કેશુભગતને જણાવ્યું કે, અમારા ગુરુ મહાન સ્વામી હતા. એ મહાપુરુષસ્વામી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા. માટે એ સમર્થ પુરુષ હતા. જામવણથલીમાં એક રત્નાકર નામની વાડી હતી. એ વાડીમાં પાણીની વાવ હતી. એમાં ઘણાં વાસનીક ભૂત રહેતા હતા. સ્વામીએ પાણીની અંજલી છાંટી અને એ ભૂતોને મોક્ષ આપી દીધો. એ સ્વામી વાવમાં ન્હાતા હતા. એક ધાબળો પાણી પર પાથર્યો અને એ ધાબળા પર પાણીમાં પલાઠી વાળીને બેસી ગયા. એટલે ધાબળો લાકડાની જેમ તરવા લાગ્યો. સ્વામી પણ ઉપર બેઠા છે, આવા
પ્રતાપી સંત હતા. ભગવાન ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણના સંત આવા પ્રતાપી હતા તો ભગવાનનું શું વર્ણન થઈ શકે ? ભગવાનની મોટાઈનું વર્ણન કરવા કોઈ સમર્થ નથી.
એક બીજો પરચો દાદાના ગુરુએ વંથલીમાં આપ્યો હતો. એક ખવાસ સરકારી નોકર હતો. સત્સંગમાં કાંઈ જાણતો નહીં. હરિભક્તો રામમંદિરે બેઠા હોય તો આ સરકારી નોકર અભિમાન કરી ભગવાનનાં સંતનો અપરાધ લેતો અને હરિભક્તોની સામે ‘ભગવાન સંત એ બધું ખોટું છે' એમ બોલતો અને કહેતો કે, તમારા કોઈ સંત આવે ત્યારે મને કહેજો. યમપુરીને એ બધું ખોટું જ છે. રોટલા કાઢવા માટે તમને સમજાવે. આવી બધી વાતો તે કરતો.
એમાં એક સમયે દાદાનાં ગુરુ મહાપુરુષ સ્વામી ગામ વંથલીમાં આવેલા. ત્યારે વાડીમાં સ્નાન કરવા જાતા હતાં ત્યારે રામમંદિરે હરિભક્તો અને આ ખવાસનું ટોળું બેઠું હતું. એમા ખવાસ ઊભો થઈ સ્વામીનાં ચરણોમાં પડ્યો, સ્વામીના પગ પકડી રાખ્યા, પગ છોડે નહીં. એટલે સ્વામીએ કહ્યું, ‘પગ છોડી દે, અમારે વાડીએ સ્નાન કરવા જાવું છે.'' એટલે ખવાસ બોલ્યો કે,- ‘‘મહારાજ મારે જમ જોવા છે, મને જમનાં દર્શન કરાવો તો જ તમારા પગ છોડું.'' ત્યારે સ્વામી બોલ્યા કે, અમારા સંતો સામે વાદ ન કરાય. તારે માનવું હોય એમ માનજે. તો પણ પગ છોડે નહીં. બધાં ગામલોકો રામમંદિરના ચોરે બેઠા હતા ત્યારે સ્વામીએ ગામને કહ્યું, ‘‘આ ખવાસને જમ જોવા છે એટલે અમારા પગ છોડતો નથી, તો હવે અમારે શું કરવું ? અમે જમને પ્રાર્થના કરીશું એટલે જમ તો આવશે, પણ આને (ખવાસને) કંઈ બીક લાગશે ને કાંઈ થઈ જશે તો કોની ઉપર ?'' સ્વામી ગામ લોકોને કહે છે કે, તમે ગામ જવાબદારી સંભાળો તો જમને બોલાવીએ. એટલે ગામ લોકો કહે છે કે, તે તમારા પગ છોડતો નથી તો સ્વામી એને જમ બતાવો. એમ ગામની વાત સાંભળીને સ્વામીએ જમને બોલાવ્યા અને કહ્યું કે, આ ભગતને દર્શન આપો. એટલે તરત જ એ ખવાસને જમે દર્શન દીધા. ત્યારે ખવાસ રાડો નાખવા માંડ્યો. ‘‘એ મને બચાવો, મને બચાવો, મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ માફ કરો'' અને એ ખવાસને ભાન કરાવવા જે ઘડીક રોકાયા. એ ખવાસને જમ જોઈને જાડા-પેશાબ ચાલું થઈ ગયા. પછી સ્વામીએ જમને આજ્ઞા કરી કે, હવે જાવ. ત્યાર પછી એ ખવાસ બધું જ સાચું માનવા લાગ્યો અને એ કેશુભગતનાં દાદાનાં ભાઈબંધ હતા, નાનજી ખવાસ એમનું નામ હતું. ત્યાર પછી એ ખવાસ સ્વામીનો ખાસ શિષ્ય બની ગયો. એ સ્વામિનારાયણ ધર્મ એ ખવાસનું કૂળ તે દિવસથી પાળે છે અને અત્યારે હાલમાં આ કૂળ છે.
બગીચાવાડીની બાજુમાં કેશુબાપાનો એક વાડો છે એ વાડાની જગ્યામાં કેશુબાપા દવાની ભઠ્ઠી બનાવતા. એકવાર એમાં એની મેળે સુગંધ આવવા લાગી. બે થી ત્રણ કલાક સુધી સુગંધ ચાલુ રહી. એ વખતે બે મજૂર અને એક કડિયાકામ કરતા હતાં. કેશુબાપા સહિત ચાર જણાંની હાજરીમાં દવાની ભઠ્ઠી ખોદાતી હતી એ વખતે સુગંધ ચાલુ થઈ ગઈ. બે ભઠ્ઠી ચાલુ કરવા માટે ત્યાં ભગવાનની મૂર્તિ રાખી. મહારાજને ફુલ-હાર ચડાવી એ વખતે નારિયેળ એની મેળે ઘડાકાભેર ફૂટી ગયું. એ વખતે કેશુબાપાનું આખંુ કુટુંબ હાજર હતું.
પ્રભુ જામવંથલી પધાર્યા ત્યારે આશરે ત્રણેક વર્ષ રોકાયેલા. ત્રણ વર્ષમાં એવાં વરસાદ વરસાવી મોલ પણ એવાં ઉપજાવ્યા, અમે ભક્તોને ખૂબ જ ઉપજ અને પાણી મળ્યા છે. ઇન્દ્ર દેવને આજ્ઞા કરે કે, તરત વરસાદ ચાલુ થઈ જાય. આવાં પરચાં આપી વંથલી ફરતાં બધાં ગામોને ખૂબ જ સુખી કર્યા છે. વંથલીમાં ભક્તોને ઘરે ઘરે પરચાં આપેલ છે એ જામવંથલી આખંું ગામ જાણે છે.
વ્હાલાની કૃપાથી સર્વે ભાઈઓ-બેનો જલ્દી મહારાજનાં ચરણોની ઓળખાણ કરીને ભજવા મંડીએ તો વ્હાલો વિશ્વ પર રાજી થઈ જાય. આ બાબત વિશ્વને બહુ વિચારવા જેવી છે.
જામનગરનું સ્વામિનારાયણ મંદિર શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે કરેલ છે. મહારાજ અંદાજે ૧૮ વર્ષ જામનગરમાં બિરાજ્યા હશે. દરેક શરણે આવનાર ભક્તોને સુખી કર્યાં છે. મોટા-મોટા દુઃખોમાંથી ઉગાર્યા છે. એ દરેક સંતો-હરિભક્તો-આચાર્ય જાણે છે.
જામનગર મંદિરમાં એક સમયે મહારાજે પ્રસન્ન થઈને વિરાટરૂપ ધારણ કર્યું. ત્યારે કેશુબાપાનું કુટુંબ અને જમાઈ (મોહનભાઈ) પણ હતા. બધાંએ મહારાજના વિરાટરૂપના દર્શન કર્યાં. દસ ફૂટ ઊંચું સ્વરૂપ, દસ ફૂટ જેટલું પહોળું. કુટુંબ આખું ઊભું હતું. ભગવાને વિરાટરૂપના દર્શન આપી દયા કરી પણ જમાઈ બી જઈ ભાગવાની તૈયારી કરતા હતા. ત્યારબાદ કેશુબાપાના માતાશ્રી એમના છોકરાઓ સામા ઊભા રહ્યા અને કહેવા લાગ્યા કે,- ‘‘દર્શન કરો ભગવાન તેમનાં મોટા સ્વરૂપનાં દર્શન આપી રહ્યાં છે.'' એટલે બધાંએ દર્શન કર્યાં. આમ મહારાજે દર્શન આપીને પછી પોતાના વિરાટ સ્વરૂપને સંકેલી લીધું.
પછી પેલા જમાઈ હતાં એને મહારાજે કૃપા કરીને બીજે દિવસે આકાશમાર્ગે દર્શન આપ્યા. પછી જમાઈ બધાંને મહારાજના દર્શનની વાત કરવા લાગ્યા કે, ‘‘દર્શન કરો મહારાજ આકાશમાં રહ્યા જુઓ.'' આવા તો અનેક પરચાં આપીને પ્રભુ જગતને ઉગારે છે.
અમારો પરિવાર પાંડવ કુળ છે, ગઢડા કુળ છે એ નિશાની વંથલીની બગીચાવાડીમાં ઘણાં ભક્તો ભાઈ-બેનોની હાજરીમાં મહારાજે પોતાના ચરણથી પાંચ લીટા કર્યા અને કહ્યું કે, આ અમારું પાંડવ કુળ અને ગઢડાકુળ છે. આમ બધાને મર્મ જણાવ્યો. જે વખતે લીટા કર્યા તે વખતે કેશુભગતના ખભા પર ધનુષ્ય મહારાજે બતાવ્યું. આમ કેશુભગત અર્જુનનો અવતાર છે એ નિશાની ભગવાને પોતે બતાવી છે.
એકવાર વંથલીમાં દેવમંદિરમાં દર્શન કરવા પ્રભુ ગયા છે. ત્યાં પણ પરચા ભગવાનપણાના આપે છે. ગામમાં મહારાજની ઘરે ઘરે પધરામણી ચાલતી હતી. એમાં રામ મંદિરમાં દર્શન કરવા પ્રભુ ગયા છે, હજારો માણસો સાથે છે. મંદિરમાં જેટલાં સમાય તેટલાં માણસો ઊભા છે. બીજા બધા ઊભા છે અને મહારાજ રામ-સીતા-લક્ષ્મણજીની મૂર્તિના દર્શન કરતા હતા. સિંહાસનમાં મૂર્તિ આગળ પૂજારી રામાનંદી સાધુ મહારાજને દર્શન પરદો આઘો કરી કરાવે છે. તે રામાનંદી સાધુનું નામ અનુપ્રામ હતું, એ ભગવાન આગળ ઊભા છે. મહારાજને દર્શન કરાવે છે એમાં મહારાજે ડાબો પગ પછાડી અને નીચે દસની નોટ પ્રગટ કરી. પુજારી અને ઘણા ભક્તો ગામ આખાને ભગવાનપણાની ઓળખાણ દેવા એવો પરચો આપ્યો કે, મહારાજ રામાનંદી સાધુને કહે છે કે, ‘‘અમારા ચરણ નીચે નોટ છે તે તમે લઈ લો.'' પછી એ રામાનંદી પૂજારીએ દસની નોટ ઉપાડી દક્ષિણા લીધી. આ ઘણા માણસોએ સાક્ષાત મૂર્તિમાન પરચો જોયેલો છે.
વંથલી ગામમાં ભક્તોને ઘેર ઘેર પધરામણી ચાલતી હતી. એમાં એક મિસ્ત્રી કાળાભાઈ હતા. કેશુભગતના હેતવાળા હતા. એ બીમાર પડ્યા હતા. કેશુભગત મહારાજને કાળાભાઈને ઘેર પધરામણીએ લઈ ગયા. અનેક માણસો સાથે હતા. મિસ્ત્રીને કેશુભગતે ઓછા સમયમાં મહારાજ ઓળખાવ્યા હતા. કેશુભગતનો ખૂબ જ વિશ્વાસ કાળાભગતને હતો. માટે એ સમયે કાળાભગતને મહારાજના વર્તમાન ધરાવ્યા, એનાં કુટુંબમાં બધાંયના વર્તમાન ધરાવ્યા. એટલે ભગવાન મળી ગયા અને પછી મહારાજે આજ્ઞા કરી કે, કાલે ધામમાં જવું છે. તો કાળાભગતે કહ્યું, હા મહારાજ. પછી તો બીજે જ દિવસે કાળાભગત ધામમાં ચાલ્યા ગયા. એવી રીતે વંથલીમાં સાત-આઠ જગ્યાએ મહારાજે વર્તમાન ધરાવી પરચા આપ્યા હતા.
મહારાજની મોટાઈનું વર્ણન કરોડો યુગ ચાલ્યા જાય તો પણ તેનો મહિમા કહી શકાતો નથી. આતો વ્હાલાને કાલાવાલા કરીએ. પૃથ્વી પર એમણે કૃપાથી અવતાર ધારણ કર્યો.
કાશીમાં વિશ્વ કલ્યાણ માટે વિદ્યા ભણવાનું નિમિત્ત ઊભું કર્યું. વ્હાલાએ પોતાની કૃપા રૂપી સૂરજ ઊગાડ્યો છે. આખા વિશ્વને જીવનદાન, પૂજન અને દર્શન સૂરજરૂપે પોતાના અવતારો મૂર્તિમાન પ્રગટ કર્યા છે. બુદ્ધિવાન નર-નારી એની બ્રહ્માંડરૂપી લીલા જુએ. વ્હાલાની ભક્તિ અખંડ કરવા લાગે અને વ્હાલાના ચરણમાં સેવા-ભક્તિ કરી અમર મોક્ષ મૂર્તિ થઈ વ્હાલાની ભક્તિ કરી પરમધામમાં જઇને અખંડ સુખી થાય.
એકવાર વંથલીના સ્વામિનારાયણ મંદિરમાં અમુક હરિભક્તોએ કેશુભગતને કહ્યું કે, તમારે જો અહીં શાસ્ત્રીજી મહારાજની જય બોલાવવી હોય અને એમના ભગવાનપણાની વાત કરવી હોય તો મંદિરમાં હવેથી ન આવવું. આમ ત્યાંના અમુક હરિભક્તોએ કેશુભગતને મંદિરમાંથી રજા આપે છે. ત્યારે કેશુબાપા મંદિરમાંથી ચાલ્યા જાય છે. પછી પ્રગટ ભગવાનનું મંદિર ફુલવાડી છે. ત્યાં ભગતબાપુ ચાલ્યા ગયા. ત્યાં જઈ મહારાજના ચરણકમળ પધરાવેલ છે એ ચરણાર્વિદના ઓટે જઇને બેઠાં અને પોક મૂકી રડવા લાગ્યા.
એ સમયે મહારાજે ભગતબાપુને સૂર્યનારાયણની અંદર મૂર્તિમાન અનાદિ શ્રીકૃષ્ણ પરબ્રહ્મ નારાયણે સાક્ષાત્ દર્શન આપ્યા. ઘણાં સમય સુધી દર્શન આપ્યા. તેવા સૂર્યનારાયણની અંદર દર્શન કરી અખંડ-અમર પ્રગટ ભક્તિ કરવાની અને કરાવવાની ભગતબાપુને એકદમ શ્રદ્ધા જાગી ગઈ. આ કાર્ય પ્રભુ સિવાય કોણ કરી શકે ? મહારાજ સમગ્ર વિશ્વના પરપિતા પરબ્રહ્મ નારાયણ સર્વરૂપ છે. વિશ્વ આખું પોતાના બાળકો છે. જીવ પ્રાણી માત્ર એના ઉદ્ધાર માટે પરમધામમાં બિરાજતા થકા અનંત અવતાર ધારણ કરે છે. સમગ્ર અવતારના અવતારી પરબ્રહ્મ નારાયણ પોતે સ્વયં પધાર્યા છે.
એકવાર વંથલીના બે વૃદ્ધો અને એક જુવાન અને કેશુબાપા મહારાજની સેવામાં હાજર હતા અને પ્રભુ આંબલી નીચે ઊભેલા અને કેશુબાપાને આજ્ઞા કરી કે, ભગત તમે કપચીના ટોપલા ભરીને હું કહું ત્યાં ખૂણામાં નાખો તમારા હાથે અહીં ફુલવાડીમાં અમારી પ્રસાદીની રૂમનું મુહૂર્ત કરવું છે. કાલે કારીગરો તમે ઢગલો કર્યો ત્યાંથી કામ ચાલુ કરશે.
બીજે દિવસે સવારે એ મુહૂર્ત કર્યું ત્યાંથી કારીગરે ચણતર ચાલુ કર્યું. પછી એ આખો રૂમ મહારાજે પોતાના હાથથી જ કરાવ્યો છે, માટે એ પ્રસાદીનો રૂમ કહેવાય છે. ફુલવાડીમાં ઘણાં હરિભક્તોની હાજરીમાં પ્રભુએ કેશુબાપા પર ત્રણવાર સાક્ષાત કહ્યું છે કે, આના માટે બધુ થાય છે. આવા મર્મભાવ અને દિવ્યભાવ કેશુબાપાને ફુલવાડીમાં મહારાજ બોલેલા.
કુંકાવાવમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ થયો ત્યારે કેશુબાપુ ઉઘાડા પગે ગયા હતા. ટિકિટના પૈસા છગનભગતે આપ્યા હતા. ટિકિટના પૈસા ન હતા, ઉઘાડા પગે કેશુબાપુ કુંકાવાવ ગયા ત્યારે બધાં ભક્તો પૂછવા માંડ્યા કે બાપા તમારા ચપ્પલ પહેરવાના ભુલાઈ ગયા કે ચોરાઈ ગયા. તમે ઉઘાડા પગે કેમ આવ્યા ? નહોતા એમ તો કહેવાય નહીં. બાપુ કહે, આ ભગવાનનાં ધામમાં ચપ્પલ થોડા પહેરાય અહીંયા પ્રભુ પ્રગટ્યાં છે એમ કહેલું.
કેશવજી બગીચા ભગતની જેવી ભક્તિ શરણાગતિ મંડળમાં પ્રગટ ભગવાનને વિશે અદ્વિતીય છે. મહારાજની આજ્ઞાનું પાલન કરવું. કહે તે સેવા કરવી અને પ્રગટ ભગવાનનું સદાય ધ્યાન, ભજન દર્શન કરવું. આ ભક્ત ભગવાનને બહુ જ વહાલા હતા. તેમના પરિવારમાં પ્રથમ ડાયાબાપા, ધર્મપત્ની બંને જણાં મહારાજ નહાવા પધારે ત્યારે વાડીએ ડાયાબાપા મહારાજની રાહ જોતા હોય કે મહારાજ ક્યારે ફુલવાડીથી નદી વટાવીને આવે અને હું કોસ જોડું. મહારાજ પધારે ત્યારે પોતે જાતે કોસથી પાણી ખગચીને કુંડીમાં ભેગું કરે અને મહારાજ કોસે કોસે કુંડીએ નહાતા અને પ્રસાદીના જળ સાથે રહેલા ભક્તો પર ઉછાળતા અને પ્રસાદીરૂપ કરી દેતા. એટલી વખતમાં પછી ડાયાબાપા ચીકુવાડીના ચીકુ મીઠા મજાના પોતે જાતે તોડીને મહારાજને ધરતા અને મહારાજ પોતે પ્રસાદી જમતા.
ભગવાન અનંત જીવોના સ્વામિ, ભક્તોના પતિત પાવન સ્વામી, લક્ષ્મીરૂપ ભક્તોને દર્શન આપી સેવાઓ આપી આ બગીચાવાડીમાં પ્રગટ પ્રભુજીએ ભક્તોને રાસ રમાડ્યા છે. બગીચાવાડી પ્રગટ ભગવાનના યોગે કરીને પવિત્ર ધામ સ્વરૂપે થઈ છે. માટે બગીચાવાડી અને આ પરિવાર ડાયાબાપા બાઈઓ-ભાઈઓ કેશુબાપા, પરષોત્તમભગત,દેવરાજભગત, બાબુભગત, રામજીભગત બગીચા સર્વેના પરિવારો બાઈઓ-ભાઈઓ પ્રગટ ભગવાનના દર્શન-સેવાને પામેલા પ્રગટ ભગવાનના દિક્ષા-મંત્ર શરણાગતિ સ્વીકારેલા ભક્તો છે. તેમના દિકરાના દિકરાઓ આ ત્રીજી-ચોથી પેઢીના પરમ ભાગવદીય ભક્તો આજ પર્યંત પ્રગટ ભગવાનનું ભજન કરી રહ્યા છે.
આ રીતે અનાદિ મહામુક્તરાજ પૂજ્ય કેશવજીભગત બગીચાને મહારાજે આ લોકમાં પોતાની પ્રથમ પરિપૂર્ણ ઓળખાણ તો આપી તે ઉપરાંત કેશુભગત ધામમાં ગયા ત્યાં સુધી અનંત વાર દર્શન અને પરચાઓ આપ્યાં છે. કેશુભગતે પોતાના જીવનમાં માત્ર ને માત્ર મહારાજને જ પ્રધાનપણું આપ્યંુ છે. પોતે રાત-દિવસ મહારાજની સેવા-ભક્તિ કરી છે અને અનેક ભક્તોને મહારાજની પરિપૂર્ણ ઓળખાણ પણ કરાવીને સેવા-ભક્તિ કરતા કર્યા છે.
કોઈ પણ વ્યક્તિ કેશુભગતને મળવા જાય તો તરત જ ભગત મહારાજના મહિમાની કથા-વાર્તા ચાલુ કરી દે પણ આ લોકની કોઈ પણ વાત ના કરે. સામેવાળા જીવને વિશેષને વિશેષ મહારાજનું બળ આવે એવા એમના રાત-દિવસ પ્રયત્ન હતા.
જેમણે પોતાનું સમગ્ર જીવન પોતાના ઇષ્ટદેવ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ફુલવાડી પરમધામ મંદિર તેમજ શ્રીહરિ શરણાગતિ મંડળના વિકાસના અર્થે સમર્પિત કરી દીધું. એવા મહારાજના લાડીલા પરમધામના અનાદિ મહામુક્ત પૂજ્ય કેશવજીભગત બગીચાને અનંતવાર દંડવત્ પ્રણામ સાથે જય અનાદિશ્રીકૃષ્ણનારાયણ.