અનાદિ મુક્તરાજ મૂળજીભગત કાનજીભગત દેવાણી
મોટી કુંકાવાવ
હું તથા મારા પત્ની સાકરબેન તથા મારો પૌત્ર મુકેશ જૂનાગઢ મંદિરે પ્રગટ ભગવાનનાં દર્શને ગયા. સવારમાં દામોકુંડમાં નાહી દસ વાગે મંદિરે ગયા. મહારાજના ભંડારના મેડાનું નવું બાંધકામ ચાલુ હતું. જેથી મહારાજ ઉગમણા બારના ઊંચા ઓટલાવાળા રૂમમાં ગાદીએ બિરાજમાન હતા. હું તથા મુકેશ અંદર રૂમમાં ગયાં, દંડવત્ કર્યા. મહારાજે કુંકાવાવના દરેક ભક્તોના કુશળ સમાચાર પૂછ્યા પછી મને કહ્યું કે 'તમારી ઈચ્છા મારા ચરણના ચિન્હ જોવાની હતી તો તમે મને ક્યારેય વાત કરી નહીં', મેં જવાબમાં કહ્યું કે 'મહારાજ, હું જ્યારે જ્યારે તમારે દર્શને આવ્યો ત્યારે કોઈને કોઈ ભક્તો તમારી પાસે બેઠા હોય જેથી મને પૂછવામાં સંકોચ થતો. પછી મહારાજ પલંગ ઉપર સૂતા અને ચરણના ચિન્હના દર્શન કરાવ્યા, દરેક ચિન્હો ઓળખાવ્યા. એક ચિન્હ વિષે મહારાજે મને પૂછ્યું કે, આ શું છે ? જેથી મેં કહ્યું કે, મહારાજ આ બીજ છે. મહારાજે કહ્યું, આ બીજ નથી, પણ ગાયની ખરી છે મને કહે, કંઈ ગાયની ખરી છે તે તમે જાણો છો ? મેં કહ્યું, મહારાજ તમે કહો. મહારાજે કહ્યું, એ કામધેનુ ગાયની ખરી છે. ત્યારબાદ મહારાજે હેમંતભગતને આજ્ઞા કરી. મૂળજીભાઈના પત્નીને કોઠારે જમાડી આવો અને મૂળજીભાઈ તથા મુકેશ માટે થાળ પીરસીને અહીં લાવો.
મારા ધર્મપત્ની સાકરબેન સં.ર૦પપના મહા વદ-૯ને મંગળવાર તા.૯-ર-૧૯૯૯ના રોજ વહેલી સવારે પ-૩૦ કલાકે મહારાજના ધામમાં ગયા ત્યારે કુંકાવાવ પાદરે સવારે પ-૩૦ કલાકે શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી સ્મૃતિ મંદિરે આરતી ચાલુ હતી. તેવા સમયે મારા પત્નીનું શરીર ઠંડું પડી ગયું, નાડી ધીમી પડી ગઈ હતી. મેં પત્નીને ગંગાજળનું આચમન કરાવ્યું અને કહ્યું કે, અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાન તને ધામમાં તેડી જશે. તારે ધામમાં જાવું છે ને. પછી તેણે મહારાજ સામે હાથ જોડી આંખો મીંચી અને દેહનો ત્યાગ કર્યો અને મહારાજના ધામમાં ગયા. આ વખતે મારા સાળા પોપટભાઈ તથા મારી દીકરી મંગળા અને મારા કુટુંબના નાના, મોટાં બધાં સભ્યોએ ગંગાજળનું આચમન કરાવ્યું. આ રીતે કૃપા કરીને મહારાજ ધર્મપત્નીને દર્શન દઇ અંતકાળે ઘામમાં તેડી ગયા.