પરચા ૮૨

અનાદિ મુક્તરાજ છગનભગત માવજીભગત રાઠોડ

ચાવડા, હાલ- રાજકોટ

મને ઈ.સ. ૧૯૭૯માં મહારાજની ઓળખાણ થઈ ત્યારે મહારાજે મને કર-ચરણકમળમાં ભગવાનપણાના દરેક ચિન્હોના દર્શન કરાવ્યા હતા, પોતાના સાથળમાં ખાપાના ચિન્હના પણ દર્શન કરાવ્યા હતા. તેમજ મહારાજ દ્વારા મને અનેકવાર ભગવાનપણાના અનુભવો પણ થયા હતા. જેથી હું અને મારો પરિવાર શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજને સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ માનીને સેવા-પૂજા કરતા હતા.

એકવાર હું ઉજળા કામ કરતો હતો ત્યાં મને ઘરેથી ફોન આવ્યો કે મારા દીકરા ધીરુની તબિયત ખૂબ જ બગડી છે અને ડૉક્ટરે પણ એ કેસ હાથમાં લેવાની ના પાડી દીધી છે. એટલે હું તરત ઉજળાથી રાજકોટ અને ત્યાંથી જૂનાગઢ ધીરુને લઈ મહારાજ પાસે આવ્યો ને બધી વાત કરી એટલે મહારાજે ધીરુને ગુલાબ પાંખડી આપી હાથ ફેરવ્યો ને થાપો માર્યો એટલે તરત ધીરુને પેટનો દુઃખાવો મટી ગયો. મેં કહ્યું, મહારાજ આ કાંઈ ખાતો નથી અને થોડું ખાય છે તો ઊલટી દ્વારા બહાર કાઢી નાખે છે. એટલે મહારાજે પ્રસાદીનું ચીકું આપી કહ્યું, આ એને ખવડાવી દો. આ ખાશે એટલે ધીરે ધીરે ખાવા માંડશે. પછી ધીરુ રોજ થોડું થોડું જમવા લાગ્યો અને અઠવાડિયામાં તો બરાબર જમવા લાગ્યો. આ રીતે મારા દિકરા ધીરુને નવું જીવન આપી મહારાજે તેની ખૂબ રક્ષા કરી છે.

અમારા ઘરમાં પિતૃની તકલીફ હતી તો મેં મહારાજને જૂનાગઢ જઈ વિગતવાર વાત કહી તો મહારાજે કૃપા કરીને પિતૃ નડતરની જે તકલીફ હતી તે દૂર કરી આપી. ત્યાર પછી એવી કોઈ તકલીફ થઈ નથી. મારા ત્રણે દિકરા રમેશભગત, ધીરુભગત અને નવીનભગતને મહારાજે આશીર્વાદ આપ્યા છે તથા એમની કૃપાથી અત્યારે અમે સૌ સુખી છીએ અને જ્યારે પણ જીવનમાં કોઈ દુઃખ આવે કે કોઈ સંકલ્પ પૂર્ણ થતો ન હોય તો મહારાજને હૃદયથી યાદ કરી પ્રાર્થના કરીએ એટલે તરત જ મહારાજ અમારું દરેક કાર્ય નિર્વિધ્ન પાર પાડે છે. આમ પ્રગટ ભગવાનનો અમે જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. માટે બસ હવે જીવનમાં મહારાજ રાજી થાય તેવા તેમના કાર્યોમાં તન-મન-ધનથી સેવાનો લાભ મળે તેમજ પરમધામમાં પણ મહારાજની સેવા મળે એવી પ્રાર્થના છે.