અનાદિ મુક્તરાજ રાઘવભગત જેરામભગત ગેવરીયા
મોટી કુંકાવાવ
મારી આંખમાં દુઃખાવો હતો ત્યારે હું જામનગર હૉસ્પિટલે ટ્રીટમેન્ટ કરાવવા ગયો હતો અને મારે આંખ કાઢી નાખવી પડે તેમ હતી ત્યારે પ્રગટ ભગવાન દર્શન દઈ મને કહે, કાંઈ આંખમાં તકલીફ જેવું નથી જરા સોજો છે. ઈન્જેકશન અને દવા લેશો એટલે બરાબર થઈ જશે. મહારાજ આમ કહીને અદ્રશ્ય થઇ ગયા ને પછી હું કુંકાવાવ આવ્યો.
થોડા દિવસો પછી મારા મિત્રો જૂનાગઢ જતા હતા ત્યારે મને આવવા કહ્યું, મેં ઘણી ના પાડી પણ મને પરાણે ટિકિટનો ખર્ચ આપી જૂનાગઢ લઈ ગયા. જ્યારે અમે મહારાજ પાસે બેઠા હતા ત્યારે ઇ.સ.૧૯૭૯માં મહારાજે મને કહ્યું, મારે તને કંઠી બાંધવી છે મારે તારા હૃદયમાં રહેવું છે પણ તું બીડી પીવે છે તેનો ધૂમાડો મને નડે છે. માટે મારે તારા હૃદયમાં રહેવું કેમ ? આમ મહારાજ બોલ્યા ત્યાં મેં કહ્યું, મહારાજ તો આજથી બીડી બંધ અને તમે મને કંઠી બાંધો. આમ તો મેં મહારાજને ત્રણ વર્ષ પહેલાં ભગવાન માન્યા હતા. પણ જૂની રૂઢી કે ગુરૂ તો કરેલા છે. બીજા કેમ કરવા ? તથા હું બીડી પીતો હતો એટલે ત્યારે કંઠી ન બંધાવી પણ મહારાજે ત્રણ વર્ષ પછી મારી બીડી મુકાવીને કંઠી બાંધી ત્યારથી હું મહારાજનો આશ્રિત થયો અને મેં ઇ.સ.૧૯૮રથી પ્રગટ ભગવાનની પૂજા કરવાની ચાલુ કરી.
પછી તો અમે અવારનવાર જૂનાગઢ જતા મહારાજની સેવા કરતા અને ભગવાન રાજી થતા. એક વખત મહારાજે મને કુંકાવાવની સેવા સાગપી. ઇ.સ.૧૯૭૭માં જન્મ સ્થળ લેવાયું ત્યારે ઇ.સ.૧૯૮રમાં જન્મ સ્થળમાં ડંકી નંખાવવાની હતી. તેનું કામ કરાવવા મહારાજે મને ભલામણ કરી કે, આ કામ થાય છે તે તમે ધ્યાન રાખજો. પછી સંડાસ-બાથરૂમ બનાવ્યા ત્યારે મહારાજ રૂપિયા આપતા અને અહીં એ કામ માણસો રાખીને હું કરાવતો અને મહારાજ રાજી થતાં. આમ મારે દશ પંદર દિવસે જૂનાગઢ જવાનું થતું. એમાં વળી એવંુ થતું કે, મને આગલી રાત્રો મહારાજના દર્શન થાય અને હું બીજે દિવસે મહારાજ પાસે જાઉં. આમ દસ વર્ષ સુધી કુંકાવાવની સેવાનો અવસર મળ્યો.
જૂનાગઢ મહારાજ પાસે જ્યારે જ્યારે જવાનું થતું ત્યારે ત્યારે કોઈને કોઈ દુઃખીયા સાથે હોય અને મહારાજ પ્રસાદીનું પાણી, ગુલાબની પાંખડી આપતા અને દુઃખ દૂર કરતા. એક વખત મહારાજે ચિન્હના દર્શન પણ કરાવ્યા હતા. મને બ્રહ્મપેલેસ શ્રીહરિ શરણાગતિ
મંડળ, કુંકાવાવમાં ૧પ વર્ષ સુધી પ્રમુખપદ ઉપર સેવા મળી છે. અને મારા છોકરાઓ વિનુ, રમેશ અને હસમુખને પણ મહારાજે કંઠી બાંધી છે અને મારા આ દીકરાઓએ પણ કુંકાવાવ બ્રહ્મપેલેસ મંદિરના નિર્માણકાર્યમાં તન-મન-ધનથી સેવા કરી મહારાજનો વિશેષ રાજીપો લીધો છે.
આમ રાઘવભગત ગેવરીયાએ પ્રગટ ભગવાનને ઓળખી પોતાના કુટુંબને પણ ભગવાનનાં ચરણમાં મૂક્યા છે. તેમનું ઘર મંડળ આખું શરણાગતિ મંડળમાં સેવા કરે છે અને મહારાજની હયાતીમાં પણ તેમણે સેવા, આજ્ઞા, ઉપાસના, ભક્તિ કરી મહારાજને રાજી કર્યાં છે.