પરચા ૧૩૩

નર્મદાબેન રામજીભગત રાઠોડ

ભીમકટા, હાલ- સૂરત

મારા જીવનમાં કોઈ આંટીઘૂંટીવાળું કર્મ હશે એટલે અમે ભીમકટાથી જામવંથલી આવ્યા. જામવંથલીથી મારી સાથે દેવજીમાસાને બંને માણસ અને હું પૂરીમાસી અમે જૂનાગઢ ગયા. મહારાજ બોલ્યા દામોદર કુંડે જાઓ, અમે આવીએ છીએ. ત્યાં હેમંતભગતની સાથે મહારાજ આવ્યા. દામોદરકુંડે મને આમ પલાઠીવાળી બેસાડી માથું ખુલ્લું કરાવ્યું અને ત્રાંબાના લોટાથી મારી પર એક પછી એક એમ સાતલોટા પાણી રેડ્યું અને કાંઈક શ્લોકો બોલ્યા અને એક સાકરની દાબડી આપી એમાંથી રોજ પાંચ કણી ખાવાની. હું પાંચ કણી ખાઉં તે બીજા દિવસે ડાબલી ભરાઈ જાય. આમ હું મહારાજનું ભજન કરતી પણ મારા સસરાને એ ન ગમતું અને મને ડુંગળી-લસણ ખાવાનું કહેતા. મેં ના પાડી અને ભજન પણ ન કરવા દેતા એથી મને થયું આનાથી જુદું રહેવું સારું અને મને ત્યારે છોકરા ન હતા. ડૉક્ટરને બતાવ્યું ડૉક્ટરે ના પાડી આને છોકરાઓ નહીં થાય અને મહારાજે આશીર્વાદ આપેલા. તારા ભાગ્યમાં ચાર છે પણ બે રહેશે. તે મારી બે-બે વર્ષની પહેલા દિકરીઓ હતી અને પછી ભગવાને બે દિકરા દીધા. આ હેમરાજ મારો મોટો દિકરો અને કેશુભગતની દીકરી ભાનુ મારી વહુ થાય. આમ મહારાજે મારો સંસાર બચાવ્યો અને એ દેવજીમાસા અને પુરીમાસી મારા ભેગા તેથી મને મહારાજ ઓળખાયા. ડૉક્ટરે અમને છોકરા ન થવાની વાત કરી હતી તે અમે આઠ મહિનાનો લાલો લઈને ડૉક્ટર પાસે જઈ તેની વાત યાદ કરાવીને કહ્યું કે, અમારા પ્રગટ ભગવાન ધારે તો બધું થાય.

પછી અમે જૂનાગઢ પહાગચ્યા ત્યારે હેમંતભગતે અમને ઉતારો આપ્યો અને કહ્યું, તમારું જમવાનું તૈયાર છે. મહારાજે અમને કહ્યું હતું વંથલીથી ત્રણ જણા આવે છે, ત્રણ જણાનું જમવાનું કાઢી રાખજો. આમ મહારાજે અંતર્યામી પણે અમારા આવવાનું જાણી લીધું અને અમને મહારાજ બહું મોટા છે એમ પ્રતિતિ કરાવી. અમારું મન તેનામાં ખગચી લીધું. જેથી અમને આ ભગવાનમાં હેત થાય અને જેમાં હેત થાય એની ભક્તિ કરવામાં આનંદ આવે.