પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ
પ્રાગટયભૂમિ-કુંકાવાવ, લીલાભૂમિ-જામવંથલી, કર્મભૂમિ-જૂનાગઢ
પરમધામાધિપતિ પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણે સૌરાષ્ટ્ર પ્રદેશમાં કુમકુમવાપી ક્ષેત્રમાં પૂર્વે ખટવાંગ રાજાની ભક્તિ વડે પ્રસન્ન થઈ તેમને શ્રી લક્ષ્મીનારાયણ રૂપે દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું ત્યારે ભક્ત ખટવાંગરાજાએ પ્રભુ પાસે પ્રાર્થના કરી કહ્યું, આપ રાજી થયા હો તો આ ક્ષેત્રમાં સહમંડળ નિવાસ કરો અને આપની સેવાનો લાભ આપો. શ્રી લક્ષ્મીનારાયણ પ્રભુએ રાજી થઈ તથાસ્તુ કહ્યું અને બોલ્યા, અહીં સાત શિખરવાળું મંદિર થશે અને તેમાં સમંડળ અમે નિવાસ કરશું.
સમય જતાં મહાવિષ્ણુ ગોપાલકૃષ્ણ રૂપે અને મહાલક્ષ્મી શ્રી કંભરાલક્ષ્મી રૂપે કુમકુમવાપી (કુંકાવાવ)માં દંપતિ રૂપે બહુ જ ભક્તિવાળા થઈ ધર્મ નિયમમાં રહી સેવા-ભજન કરતા હતાં. તેમને ત્યાં ચાર પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો. તેમાં ત્રીજા પુત્ર આશો વદ અષ્ટમીના સવારે સૂર્યોદય પહેલાં કુંવરજી નામધારી પ્રગટ થયા. જેમણે બાળપણમાં કુંકાવાવમાં અનેક બાળલીલાઓ કરી પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યો. બાળરૂપે મંદિરે જતા. મંદિરની સેવા કરતા. ગાયો ચરાવા જતા, નાના નાના બાળ સખાઓ સાથે રમતા. ગામમાં સૌને આદર આપતા. મીઠી વાણી બોલી સૌના મન મોહી લેતા. બાળલીલાઓ કરી સૌના મન મોહી લેતા. આમ પ્રભુએ કુંકાવાવ નગરને ઘેલું લગાડ્યુ.સૌ બાલકૃષ્ણને વ્હાલ કરતા. આમ કરતાં બાલકૃષ્ણ અગિયાર વરસના થયા અને સંસાર ત્યાગવા ભગવાનને ભજવા સાધુ થવાની વાતો કરતા.
બાલકૃષ્ણ પ્રભુ અગિયાર વર્ષના થયા પછી સંસારને ત્યાગી જેતપુરમાં ત્યાગી દિક્ષા લઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થઈ સંતરૂપ ધારણ કર્યું અને સદ્ગુરૂશ્રી બાલમુકુંદદાસ સ્વામીના શિષ્ય થયા અને શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી નામ ધર્યું. જેતપુરમાં સંસ્કૃત વિદ્યાભ્યાસ ચાલુ કર્યો. તેમની પ્રતિભા જોઈ સદ્ગુરૂ શ્રી નારાયણદાસ સ્વામીએ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીને કાશીમાં સંસ્કૃત વિદ્યા ભણવા વ્યવસ્થા ગોઠવી આપી.
૧૮ વરસ કાશીમાં વિદ્યા ભણ્યા ને સાથે સાથે ભારતભરના તિર્થોમાં વિચરણ કર્યું અને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા ગાયો. સાથે સાથે સત્સંગીજીવન- શિક્ષાપત્રીની અનેક પારાયણો વ્યાસાસને બિરાજીને કરી. શ્રી સ્વામિનારાયણ ભગવાનનો વિશ્વમાં વિજય
ધ્વજ ફરકાવ્યો. સાથે સાથે અનેક પ્રકારના શાસ્ત્રર્થો કરી સભાઓ જીતી જેથી તેમણે સંસ્કૃત જગતમાં વિવિધ ઉપાધીઓથી નવાજવામાં આવ્યા અને કાશીથી સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પ્રદેશે આવી સ્વામિનારાયણ મંદિરમાં શાસ્ત્ર લેખનનાં કામનો આરંભ કર્યો. ત્યારે શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની કિર્તિ ચારે દિશામાં ફેલાવા લાગી. તેમના મુખમંડળનું તેજ અને જ્ઞાનની વિદ્વતાને લઈને ભારતભરમાં અને વિદેશમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનો વિજયધ્વજ ચારે દિશામાં ફરકવા લાગ્યો.
ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે ત્યારે આ લોકની રીતમાં રહી જીવોના કલ્યાણ કરે છે. ત્યારે એ ભગવાનની રીત કોઈને સમજવામાં આવતી નથી.
ભગવાને ખટવાંગ રાજાને આપેલ વચન પ્રમાણે કુમકુમવાપીમાં જન્મ ધર્યો. ‘‘હળવા પૂન્યે હરિ ન મળે''. તેમ પૂર્વના અનંત જન્મોના પૂણ્ય ઉદય થાય ત્યારે તે જીવને ભગવાનના ભક્તનો યોગ થાય છે. દેવકી અને વસુદેવને પૂર્વ હજારો વર્ષની તપસ્યાના ફળ સ્વરૂપે ભગવાને દર્શન આપ્યા. ત્યારે નિષ્કામ ભાવના વડે ભગવાનને રાજી કરી પુત્રરૂપે અવતરવા વરદાન માગ્યું. ત્યારે ભગવાન તેના પુત્ર થયા હતા. ત્યારે આ તો અવતારોના અવતારી ભગવાન જ્યાં પ્રગટ થવાના છે તે ભૂમિ કેટલી પાવનકારી. જેના ખોળે પ્રગટવાના છે તેની ભક્તિ, મહિમા, સંકલ્પ કે આ સૌરાષ્ટ્ર ભૂમિ જે ગોલોકમાં શ્રીકૃષ્ણ ભગવાનના મુગટનો મણી જે ખટવાંગ રાજાને ગોલોકમાં આપ્યો અને કહ્યું, આ મણીને પશ્ચિમ સમુદ્રકાંઠે મૂકજો અને તે વિસ્તારને પામશે અને ૧૦૦ યોજનનો પ્રદેશ થાશે તેથી તેનું નામ સૌરાષ્ટ્ર થશે અને તે પ્રદેશમાં સૌરાષ્ટ્રમાં અમે પ્રગટ થઈશું અને અનેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરશું. તે આ દિવ્ય ભૂમિ અને આ ભૂમિમાં ભગવાન મહાવિષ્ણુ અને મહાલક્ષ્મી સ્વયં કંભરાલક્ષ્મી અને ગોપાલકૃષ્ણ રૂપે પ્રગટ થઈ તેને ત્યાં પરમધામાધીપતિ અનાદિ શ્રી કૃષ્ણનારાયણ સ્વયં પ્રગટ થયા. તેમના ત્રણે ભાઈઓ જે નારાયણના અવતારો અને બેન સંતુષ્ઠા જે લક્ષ્મીજીનો અવતાર છે.
આમ ભગવાનની લીલા અને કળા કોઈના કળ્યામાં આવતી નથી. અતિ પૂન્યના પ્રતાપે અને નિષ્કામ ભક્તિ- નિષ્કામ સંકલ્પ વડે અનંત જીવોના કલ્યાણ કરવાની ભાવનાવાળાને ભગવાનની સેવા અને ભક્તિનો લાભ મળે છે. તેમ આ જગતમાં જ્યાં જેવી જરૂર ત્યાં તેવા કાર્યો કરવા ભગવાન અલગ અલગ રૂપે પ્રગટ થાય છે. તેના અંશો પ્રગટ થાય છે, અલગ અલગ લીલાઓ વડે જીવાત્માના કલ્યાણ કરે છે.
સર્વથી પર એવા પોતાના અનાદિ દિવ્ય સ્વરૂપ સમજાવવાને માટે અને આવનારા યુગમાં જ્ઞાનનો પ્રકાશ પાથરવા માટે નાની ઉંમરે મહારાજે પોતાના સર્વોપરિ જ્ઞાન વડે વિદ્વાનો, પંડિતોને શરણમાં લીધા છે. કાશી એવું ક્ષેત્ર છે કે જે વિદ્યામાં અજોડ છે. કાશીમાં જે વિદ્વતાને પામે છે તે જગમાં પ્રસિદ્ધ થાય છે અને તેનો યશ ગવાય છે. માટે કાશીને નિમિત્ત બનાવી સત્ય એવું જ્ઞાન-સત્ય એવો પ્રકાશ અને સત્ય એવો ધર્મ પ્રવર્તાવવાને માટે કાશીએ ભણવાનું નિમિત્ત ધરી સતયુગનો પાયો મહારાજે રોપ્યો છે.
જેમના શાસ્ત્રો આજે વિદ્યાલયોમાં યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવે છે. મહારાજ કાશીથી પછી સૌરાષ્ટ્રમાં પધાર્યા ત્યારે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં રહી શાસ્ત્રો રચવાનું ચાલું કર્યું અને વચ્ચે વચ્ચે સૌરાષ્ટ્ર પ્રદેશના ગામડે-ગામડે શહેરે શહેરે વિચરણ કરતા અને વ્યાસગાદીએ બેસી પારાયણો કરતા કરતા અનેક જીવાત્માના મનને જાણી લઈ તે પ્રમાણે ઉપદેશ આપતા અને તે ઉપદેશથી ભક્તો સુખિયા થતા. મહારાજે અનંત જીવોને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત કર્યાં છે અને શાસ્ત્રોની રચના કરી વિશ્વની લાયબ્રેરીઓમાં, યુનિવર્સિટીઓમાં વિના મૂલ્યે પહાગચાડી જગતને જીવ-ઈશ્વર-માયા-બ્રહ્મ-પરબ્રહ્મના અને મોક્ષના જ્ઞાનનો પ્રકાશ પાથર્યો છે અને અનેક પરચાઓ આપી જીવોના કષ્ટને દૂર કરી તેમના હૃદયમાં પ્રકાશનો ઉદય કર્યો છે.
કુમકુમવાપી (કુંકાવાવ)માં પૂર્વે આનર્તરાજાના પ્રદેશમાં ખટવાંગ રાજાની ભક્તિથી પ્રસન્ન થયેલા પરનારાયણ અવતારીના અવતારી અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ભગવાને વચન માગવા કહ્યું. તેથી ખટવાંગરાજાએ કુમકુમવાપીમાં સહમંડળ પ્રગટ થાઓ અને અહીં સાત શિખરવાળું મંદિર બંધાવો અને અનેકના (અનંતના) કલ્યાણ કરી તેઓને પરમધામના સુખના ભાગીદાર બનાવો અને આ દેહે આપની નિર્દોષ ભક્તિ અને અખંડ દર્શન આપજો. આવું વચન માગ્યું. તેથી પ્રસન્ન થયેલા પરનારાયણ અવતારીના અવતારી પ્રભુ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પરમધામાધિપતિ પરબ્રહ્મ પરમાત્માએ રાજી થઈ વચન આપ્યું. તેથી અહીં ભગવાન પ્રગટ થવાના છે તેથી આ કુંકાવાવ ભૂમિમાં વૃક્ષ, વેલી, કંકળરૂપે દેવતાઓ પ્રગટ થયા છે તથા માનવો બધા દેવો ઋષિઓ, ઇશ્વરો પ્રગટ ભગવાનનો લાભ લેવા બાળલીલાના દર્શન કરવા તથા પ્રગટ પ્રભુની સેવા કરવા કુંકાવાવના આંગણે પ્રગટ્યા છે. આમ આ કુમકુમ વાપી ભૂમિ તે પરમ પવિત્ર છે. તે આનર્તરાજાની ભક્તિથી રાજી થયેલા શ્રીકૃષ્ણ ભગવાને
પોતાની ગોલોકની ભૂમિનો કણ આપ્યો અને કહ્યું કે ભરતખંડના ભારતમાં સૌરાષ્ટ્ર પ્રદેશના પશ્ચિમ સમુદ્ર કાંઠે આ ગોલોકની ભૂમિના કણનું સ્થાપન કરજે અને તે ભૂમિમાં હું નિવાસ કરીશ. તેથી આનર્તરાજાએ તેમ કર્યું તેથી એ ભૂમિનો કણ વિસ્તારને પામ્યો જે ૧૦૦ યોજન સુધી વિસ્તર્યો અને સૌરાષ્ટ્ર પ્રદેશ કહેવાયો અને તેમાં શ્રીકૃષ્ણ તથા ભગવાનના અવતારો આવીને વસ્યા છે અને તે આ અશ્વપટ સરોવર કહેવાય છે.
આ ભૂમિમાં અનેક અવતારો, ઋષિઓ તથા ભગવાનના દિવ્ય ભક્તો અહીં વસ્યા છે તેથી આ પવિત્ર ભૂમિમાં અવતારીના અવતારી આવીને ખટવાંગરાજાને દર્શન દઈ તેની ભક્તિ વડે રાજી થઈ અહીં પ્રગટ થવા વચન આપ્યું અને આ વર્તમાન સમયમાં શ્રીહરિ શરણાગતિ મંડળની સ્થાપના કરી નિજ ભક્તોને વાસ આપ્યો અને સેવા ભક્તિથી પરમધામની વાટ વ્હેતી કરી તથા જે આ અશ્વપટ સરોવરમાં સ્નાન કરે તે અનંતકોટી જન્મોના પાપને હરે છે અને પાપો આ પ્રગટ થયેલા ભગવાનને ભજનારા પ્રગટ ભગવાનના સંતના ચરણોમાં આળોટે છે તેથી તે પાપો નાશ પામે છે.
અહીં લોમસઋષિનો આશ્રમ આવેલ છે. લોમસઋષી કુમકુમની દિવ્ય ભૂમિમાં તેમના દિવ્ય આશ્રમમાં અનંત જીવાત્માઓને અનાદિ શ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપી ભક્ત બનાવી અશ્વપટ સરોવરમાં સ્નાન કરાવી, મોક્ષનો અધિકારી બનાવે છે. અશ્વપટ સરોવરમાં સ્નાન કરનારો પરમધામને પામે છે માટે અશ્વપટ સરોવરના મધ્યે આ કુમકુમવાપી તે મહાતિર્થ કહેવાય છે જે આ પૃથ્વીના સર્વે તિર્થોમાં પાપીઓ પાપને મૂકી જાય છે ત્યારે આ સર્વે તિર્થો તે પાપનાં પોટલાં લઈને આ કુમકુમવાપી અશ્વપટ સરોવરમાં ન્હાય છે ત્યારે તે પાપથી મુક્ત થાય છે માટે આ કુમકુમવાપીને તિર્થોનો રાજા કહ્યો છે.
અહીં ભરતખંડના કાશી, મથુરા, રામેશ્વર, ગંગા, જમના, સરસ્વતી, ગયાજી, ગોમતીજી જેવા અડસઠ તિર્થ તથા તિર્થોને કરનારા ઋષિઓ અવતારો સર્વે તિર્થો દિવ્યરૂપ ધરી નિવાસ કરી અહીં રહ્યા છે. તેથી મહાતિર્થ કહેવાય છે. તેમ અહીં ભગવાન પ્રગટ થયા છે તેથી તેનો મહિમા અપાર છે અને અહીં પ્રભુ અખંડ બિરાજે છે આ તો પરાત્પર પરનારાયણ અવતારીના અવતારી અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પરમધામાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો મહિમા કે જેના એક રોમમાં કોટી બ્રહ્માંડો ફરે છે તો એ ભગવાનને ઓળખનારા એ ભગવાનને સેવનારા રાજી કરનારા ભક્તો, સંતો તથા જે આ ભગવાને જેને (મારા સંત) પોતાના સંત કહ્યા એવા ભક્તો સંતો આ વર્તમાન સમયમાં વિચરી રહ્યા છે.
આવા ભગવાન અને એના સંતો જે બ્રહ્માંડોનું કલ્યાણ કરનારા છે એવો કુમકુમવાપી તથા બ્રહ્મપેલેસ તથા જન્મસ્થળ અને આ મહાતિર્થનો મહિમા છે.
આ જામવંથલીના ઘણાં હરિભક્તો બધા ભગવાનના અનન્ય ભક્તો છે. આવા ભક્તોના આંગણે જે પુત્ર-પુત્રીઓ જન્મ્યા છે તે પણ ધામના મુક્તો, અવતારો, બ્રહ્મરૂપ ગોપ-ગોવાળો છે અને પુત્રીઓ સૌ રાધા, લક્ષ્મીઓ, ગોપીઓ, સખીઓ છે. સૌ ધામધામના મુક્તને મુક્તાણીઓ છે. આ સૌએ પ્રત્યક્ષ પ્રગટ ભગવાની સેવા કરી છે, રાજી કર્યા છે. પ્રગટ ભગવાન ઘર, ખેતર, વાડીએ, સીમમાં બધે ફર્યા છે અને આ બધી ભૂમિ પર ચરણપગલાં પાડી પાવન કરી છે. આ તો અવતારીના અવતારી સ્વયં પધારીને સૌને પાવન કર્યા છે. અવતારો તો આ હરિભક્તોના ઘરે જન્મ્યા છે. આ જામવંથલીનો મહિમા અપરંપાર અપાર છે. મહિમા સમજે ને ગુણ ગાય તેનાં આત્મા પરમાધામ જરૂર જાય એમાં વળી આ પાવન ભૂમિમાં ત્યાં વળી ફુલવાડી પરમધામ મંદિર એમાં વળી મધ્યશિખરે પ્રગટ પ્રભુ બિરાજ્યા. અવતારીના અવતારી અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ભગવાન આ ભૂમિને આ ભગવાન અને આ ભક્તોનો મહિમા કોઇથી ગાઈ ન શકાય. શેષ શારદાને ગણપતિ વેદ પુરાણને નારદ ગાઈ ગાઈ થાક્યા એવો એ પ્રગટનો મહિમા અપરંપાર છે. આવો અપરંપાર મહિમા કુંકાવાવધામ, પરમધામ ફુલવાડી, જૂનાગઢ ધામ અને ત્યાંના જીવ પ્રાણીમાત્રનો તથા રજકણોનો છે.
પ્રગટ ભગવાને જે દિવ્ય સમજણ આપી છે તે સમજણને જીવનમાં સમજીને ઓળખીને પ્રગટ ભગવાનને રાજી કરનારો, ભજનારો ભગવાનનો ભક્ત તેની જે સ્થિતિ બંધાઈ, સમજણ થઈ જે અનુવૃત્તિમાં રહેવાયું અને ભગવાન કેટલા રાજી થયા તથા શ્રીહરિ શરણાગતિ મંડળને કેટલું ઓળખ્યું, પ્રગટ ભગવાનમાં કેટલા સમર્પિત થયા, ભગવાનની શરણાગતિમાં કેટલું બલિદાન થયું, હજું કેટલું સમર્પિત અને બલિદાન આપવા તૈયાર છે અને એવી સમજણ કરી છે, કરવાની છે અને આ પ્રગટ ભગવાનના વચનમાં કેટલું અનુસંધાન રાખ્યું છે અને અનુસંધાન રાખી શકાય અને તેનો ન્યાય પ્રગટ ભગવાન જ આપી શકે છે. તે પ્રકારે સ્થિતિ થાય તેવી સ્થિતિ કરાવવા માટે જ અનાદિ ભગવાન વારંવાર પ્રગટ થાય છે અને પોતાની ઓળખાણ આપી નિજ સંતની ઓળખાણ કરાવી પોતાના સ્વરૂપને સમજાવી અનુવૃત્તિમાં રહેવાની સમજણ જ્ઞાન આપી આ આત્માને મુક્તાત્મા બનાવી પોતે પરમાત્મામાં આત્માને લીન કરાવે છે. આવી સ્થિતિ પ્રાપ્ત થવા માટે એક જન્મ નહીં પણ
અનંત કોટી જન્મોમાં વ્રત, જપ, તપ, દાન, પૂણ્ય, પરોપકાર, માતા-પિતાની સેવા, દેવ મંદિરની સેવા, ગાયોની સેવા, બાળકોની સેવા, વૃદ્ધની સેવા, સદાચાર, સદ્ગુણે યુક્ત થઈ સત્પુરુષનો આશરો કરે, સંતને રાજી કરે. આવા સત્કર્મો વડે પરમેશ્વરની કૃપા, સંતોના આશિર્વાદ, વડીલોના આશિર્વાદથી અનંતકોટી જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે આવા પ્રગટ થયેલા પરબ્રહ્મ પરમાત્માના ભક્ત, મુક્તનો યોગ સંગ થાય છે તે જ્ઞાન અને સમજણે કરીને પ્રગટ ભગવાનની શરણાગતિમાં રહેવાય છે. શરણાગતિ સમજાય છે ત્યારે પરમધામાધિપતિ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પરબ્રહ્મ પરમાત્માની સેવા, ભક્તિ, ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય થાય છે અને આ વૈરાગ્ય વડે પરાત્પર પરનારાયણમાં મન, બુદ્ધિ, ચિત્ત, આત્માથી પરમાત્મા અનાદિ પરમેશ્વર પ્રગટ ભગવાનમાં સ્થિર રહેવાય છે. આ સ્થિતિ આપવા માટે પ્રગટ ભગવાને આપણને ૪૪મી અમૃતવાણી સમજાવે છે. તેમાં પાંચ પ્રકારની શરણાગતિ સ્થિતિ બતાવી છે.(૧) ભગવાનની મૂર્તિને જીવમાં સંઘરવી તો મૂર્તિમાં અખંડ રહેવાય.(ર) સંતની અનુવૃત્તિમાં રહેવાય તો પ્રગટના સંતની કૃપા સદા રહે.(૩) આ સંસારમાં ક્યાંય બંધન ન થાય, માન-સન્માન જળવાય અને ભગવાનનાં
ધામમાં જવાય.(૪) ભક્તિ કરતાં કરતાં રાગ ઓછા કરી ભગવાન ભજાય અને કોઇનો અભાવ-અવગુણ
ન આવે સુખેથી ધામમાં રહેવાય. (પ) આ લોકમાં ભગવાન ઓળખ્યા તો ભગવાનના બધા ધર્મોમાં રહેવાય, બધા સાત્ત્વિક
કર્મો થાય અને ભગવાન રાજી થાય આ લોક-પરલોકમાં સુખીયા રહેવાય.
આમ આ પાંચ પ્રકારે આમ પાંચ સમજણે ભગવાનને ઓળખનારા ભક્તો, મુક્તો, મહામુક્તો, બ્રહ્મમુક્તો, રહસ્યમુક્તો અને અનાદિમુક્તોની પંક્તિઓમાં પહાગચાય છે. પરબ્રહ્મ પરમાત્મા પરનારાયણ પરમેશ્વર પરમધામાધિપતિ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પ્રગટ ભગવાન શ્રીહરિના શરણમાં શરણાગતિ ધર્મ વડે બધા પ્રકારના સુખ પમાય છે. બધાં પ્રકારના આનંદ થાય છે. પરબ્રહ્માનંદમાં રહેવાય છે.
પ્રગટ ભગવાનના શરણાગતિ ધર્મમાં છ પ્રકારની શરણાગતિ કહી છે. આ છ પ્રકારમાં
એક છે ‘અનુકુલ્સ્ય સંકલ્પ, પ્રતિકુલ્ય વિવર્જનમ્' (ભગવાનને અનુકૂળ ને ભગવાનના ગમતામાં રહેવું.) ભગવાનને કિર્તન, સેવા, ભક્તિ અતિ પ્રિય છે. તેમ કરનાર પર ભગવાન ખૂબ જ રાજી થાય છે. કિર્તન ભક્તિમાં ભક્તો પોતાનામાં અલમસ્ત થઈ ભગવાનમાં ગરકાવ થઈ જાય છે. જેથી કોઇનો અપરાધ થતો નથી તેથી ભગવાન રાજી થાય છે. (પ્રતિકુલ્ય વિવર્જનમ્) ભગવાનને ન ગમે તે ભક્તએ ન કરવું જેમ કે ભગવાનની મૂર્તિ સામું તાડન ન કરવું. ભગવાનની મૂર્તિ સામે કોઈને હુકમ કે દંડ ન દેવો, તે ભગવાનને ગમતું નથી. કારણ કે સર્વ જીવ પ્રાણીમાત્ર ભગવાનના છે અને ભગવાન તેને પ્રેમ કરે છે. જેને ભગવાન પ્રેમ કરે તેને આપણે હુકમ, દંડ, ઉદ્વેગ, તિરસ્કાર કે મનમાં કપટથી તેનો વિરોધ કરીએ તો અંતર્યામી ભગવાન તે જાણે જ છે જે ભગવાનને ગમતું નથી. ત્યારે આપણાંથી જાણે-અજાણે ભગવાનના વ્હાલા ભક્તો-મુક્તો પ્રત્યે જો કાંઈ અભાવ કે ઉદ્વેગ કે તેના પ્રત્યે ક્રોધ થઈ જાય તો એ ભગવાનને કેમ ગમે ? ન જ ગમે. માટે ખબરદાર થઈ ભગવાનને ન ગમે તેમ ન કરવું. ભગવાન કુરાજી થઈ જાય તેમ ન જ કરવું. તેમ સંત નારાજ થાય તેમ પણ ન કરવું એટલે આપણાં સ્વભાવને નિર્મળ બનાવવા, સ્વભાવે કરી આપણો મોક્ષ બગડી જાય તે તો ન જ કરવું. કારણ કે ભગવાનની કૃપાએ આ મનુષ્ય જન્મ આ પ્રગટ ભગવાનનો યોગ ને આ મનુષ્ય જન્મના સ્વભાવ નિર્મળ થવા માટે યોગ મળ્યો છે. સ્વભાવ નિર્મળ હોય તો જ પ્રગટ ભગવાનની મૂર્તિના સર્વ પ્રકારે લાભ મળે અને પ્રગટ ભગવાન મળ્યાનો આનંદ થાય નહીં તો ઘણાયને ભગવાન મુખોમુખ મળ્યા છે પણ તેને એ આનંદ નથી. માટે અનુસંધાન જે મને આ ભગવાન મળ્યા ત્યારથી મને આ સંત મળ્યા ત્યારથી મારા જીવનમાં સાચો આનંદ આવ્યો છે. એ અનુસંધાન તો ક્યારેય ન ભૂલાવું જોઇએ. જેટલું અનુસંધાન ભૂલાય તેટલું દુઃખ આવે જેટલું અનુસંધાન રાખે તેટલું દુઃખ થાય. આ જ પ્રગટ ભગવાનની મૂર્તિમાં મન રાખી ભક્તિ કરી રાજી કરતાં જ રહેવા એ જ આપણું લક્ષ્ય છે.
આ પૃથ્વી પર મોટા મોટા વિદ્વાનો, ફિલોસોફરો, લિટરેચરો, પ્રોફેસરો, મહામહોપાધ્યાયો, આચાર્યો, સેવાકીય સંસ્થાના અગ્રેસરો, મોટા મોટા સંતો-મહંતો અને પીઠાધિશ્વર શંકરાચાર્યોએ આ પ્રગટ શ્રી શ્વેતાયન વ્યાસ શ્રીકૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજના લખેલા અદ્ભૂત શાસ્ત્રોને વાંચી અધ્યયન કરતા જેની જેટલી બુદ્ધિ પ્રતિભા તેટલા તેઓએ આ શ્વેતાયન વ્યાસને વર્ણવ્યા છે. અંતે બધા ન ઇતિ ન ઇતિ કહી અને શાસ્ત્રર્થમાં શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી શ્રી શ્વેતાયન વ્યાસના ચરણમાં પડી અને વૈષ્ણવવિદ્વત્સાર્વભૌમની
ઉપમા આપીને સૌ પ્રગટના શ્રીચરણોમાં નમ્યા છે. તેમના શ્રીકર-ચરણમાં દિવ્ય ચિન્હો રહેલા છે. તેમની દિવ્ય દૃષ્ટિ વડે અનેક મુમુક્ષુઓના પરમ કલ્યાણ કર્યા છે. અંતર્યામી શક્તિએ અનેકને અગમચેતીનાં પ્રમાણ થકી રક્ષા કરી છે અને દૂરદર્શન આપી પોતાનામાં આકર્ષિત કર્યા છે અને વિશ્વને અચંબામાં નાખી દીધું. એવા શ્રી પ્રગટ હરિના ચિન્હ, ચરિત્ર, ચેષ્ટા દર્શન, ચમત્કારોએ નિજ વિશ્વાસુ આશ્રિતોને શરણમાં લઈ શરણાગતિ મંડળ સ્થાપી તે ભક્તો વડે પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાણનું મંદિર કરાવી મધ્ય શિખરમાં સ્વયં બિરાજી આ સૃષ્ટિમાં પરાત્પર પરનારાયણ પરમધામાધિપતિ પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર પ્રગટ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ પ્રગટ ભગવાન પોતે મૂળ નામ ધારણ કરી આ શરણાગતિ મંડળને પ્રત્યક્ષ મનુષ્યરૂપમાં ભગવાનપણાંની ઓળખ આપી છે જે શરણાગતિ મંડળ આજે પ્રગટ ભગવાન તરીકે ભજે છે, પૂજે છે, આરાધે છે અને ભક્તિ કરી પરમધામના સુખથી આ દેહે સુખીયા છે.
પ્રથમ ભગવાન મુમુક્ષ ભક્તને ભગવાનમાં ભાવ થવા દર્શન આપે છે, આપતા આવે છે જેમ જેમ ભગવાન ઓળખાતા જાય છે તેમ તેમ ભગવાન તેની પાસે સેવા કરાવતા જાય છે અને ભક્તિમાં મજબૂત કરવા પરીક્ષા પણ કરતા જાય છે. જ્યારે ભક્ત ભગવાનને પૂરા ઓળખી જાય ત્યારે ભગવાન ભક્તને મુક્તની પદવી આપી ભક્તને સમગ્ર લોક લોકાંતર આકાશ ચિદાકાશમાં ભ્રમણ કરવાની છૂટ આપી દે છે અને ભગવાન તેની દિવ્યરૂપે રક્ષા કરે છે. ભગવાનને વિશ્વાસ છે કે, આ ભક્ત મારી મૂર્તિથી અળગો નહીં થાય તેથી તેને સ્વતંત્ર વિહાર કરવા દે છે તેને દર્શન, પરચાની તાણ રહેતી નથી. તે તો બસ એક પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણમાં અલમસ્ત કેફમાં જ વર્તે છે અને બીજાને પણ તે જ સમજણ ઉપદેશ કે વિનંતી કે ભાવભર્યો આગ્રહ કરે છે. બીજા જીવનું કેમ રૂડું થાય, તે કેમ ભગવાનને ઓળખે ભગવાન તેના પર રાજી કેમ થાય ? તેના પરિવાર આ પ્રગટ ભગવાનના કૃપાપાત્ર થાય તેજ તેમની કામના હોય છે.
ભગવાનના સંબંધવાળી તમામ પ્રવૃત્તિઓને નિગુણયજ્ઞ કહેવાય, પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિમાં તમામ યજ્ઞો સમાઇ જાય છે અને તેજ પરમપદ યજ્ઞ છે, પોતાના બ્રહ્મ સ્વરૂપમાં પરબ્રહ્મ ભગવાન પ્રત્યક્ષ દેખાય તે સર્વે યજ્ઞનું ફળ છે, અખિલ ભૂમંડલિય પાનું ર૬૪, લિટી-૪ સમજો, સમજાવો, સમજ્જો, સાથે રાખજો, હૃદયમાં ઉતારજો. કરી કરીને એટલું જ કરવાનું છે કેટકેટલું વાંચવું, કેટકેટલું સમજવું, આ તો અનંત છે. માટે પ્રગટને પ્રત્યક્ષને
ઓળખવા. પરોક્ષ તો પૂર્વે અનંત થયા, પ્રગટ અને પરોક્ષનો ભેદ સમજાય તો આ ચાવી હાથમાં આવે અને આપણું જન્મવું અને મરવું ફરી પાછું જન્મવું અનંત પ્રકારનાં દુઃખો કે સુખો ભોગવવા ગર્ભવાસમાં આવવું આવવા-જાવા રૂપી દરવાજો જ બંધ કરવા જે તાળું તેની ચાવી આ ભેદ સમજવો. તે જ આ ચાવી છે.
અમરેલી જિલ્લાના કુંકાવાવમાં પટેલ જ્ઞાતિના ખેડૂતના ઘરે જન્મ ધરી પ્રગટ થનારા શ્રીકૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ આજે ગુજરાતને વિશ્વમાં ગુંજતું કરનારા હજારો હજાર લાખો માણસોને ભક્તિ માર્ગે લઈ જનારા સાત્ત્વિક સંત સમાન જીવન આપનારા તથા વિશ્વને ગૂઢ રહસ્ય ભરેલા સંસ્કૃતમાં પ૭ શાસ્ત્ર (ગ્રંથ) લખી વિશ્વની લાયબ્રેરીઓમાં પહાગચાડી વિશ્વને તથા મોટા મોટા વિદ્વાનોને વિચારતા કરી દીધા તથા નવન્યાયાચાર્ય, ષડ્દર્શનાચાર્ય, મહામહોપાધ્યાય, વૈષ્ણવવિધ્વ સાર્વભૌમ પીએચ.ડી., ડિલિટ્ટ જેવી પદવીઓ મેળવી શિક્ષણ સમાજની તથા સંપ્રદાયની ઘણી સેવા કરી છે. તેમજ ભક્તોને પોતાની નિજ મૂર્તિમાં ચિન્હોના દર્શન કરાવી તથા દૂર દેશ-વિદેશમાં દર્શન આપી પોતે સ્વયં પરમાત્મા અવતર્યા છે એવા દર્શન આપી પોતે શ્વેતાયનવ્યાસ રૂપ ધરી પરમધામાધિપતિ અનાદિ શ્રીકૃષ્ણનારાણ પધાર્યા છે અને તેમના વ્હાલા ભક્તોએ પોતાના જીવનમાં તન, મન, ધન આપી તેમના શિખરબંધ મંદિરો બનાવી તેમાં આ શ્વેતાયત વ્યાસ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ શ્રીકૃષ્ણ વલ્લભાચાર્યજી પ્રગટ ભગવાનને બિરાજમાન કરાવી આજે એ શરણાગતિ મંડળ ભજે છે, પૂજે છે.
પટેલ સમાજે ગર્વ લેવો જોઇએ કે તેના કૂળમાં અવતારી પુરુષોત્તમ નારાયણ પ્રગટ્યા છે. મહારાજ કહેતા આ પટેલ સમાજ જાગશે ત્યારે બહુ જોવા જેવું હશે. આ વર્તમાન સમયમાં જેણે ઓળખ્યા તેના નામ તેના યશ ગવાશે પછી તો વિશ્વ આખું ઓળખવાનું જ છે અને ભજશે પણ ખરા પણ જે હાજરમાં ઓળખે ભજે, સેવે તેના યશ ગવાય છે તે શાસ્ત્રમાં અમર થઈ જાય છે. આ જે શરણાગતિ મંડળ કરે છે તે પટેલ સમાજ કરે તો પટેલ વિશ્વભરમાં ફેલાયેલા છે તો તો વાત જ ન્યારી છે. ધન્ય છે શરણાગતિ મંડળને કે જેણે આ માનવરૂપમાં રહેલા શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી ભગવાન છે ઓળખીને તેના યુગધર્મી કાર્યો કરે છે અને ભગવાનનો રાજીપો લઈ પરમધામના અધિકારી થાય છે.
શ્રી પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પરમેશ્વર અનાદિ શ્રીકૃષ્ણનારાયણ આત્મારૂપે આપણી અંદર જ છે, પરંતુ માયાના સંગે કરીને તે વિસરાયા છે. તેથી સુખ-દુઃખનો અનુભવ થાય છે માટે સદા સજાગ રહી અનુસંધાન રાખે કે ભગવાન મારી ભેળાં છે, મારી અંદર છે
તો એ પરમેશ્વરના ભગવાનના આનંદ ભોગવે છે. ભગવાનના સુખે સુખી તો રહે છે તેમાં માયા પણ તેના ભેગી ભળીને પરમેશ્વરને ભજવામાં સહાયરૂપ થાય છે તે માયા પણ બ્રહ્મરૂપ થાય છે. તેમ જેટલું બહાર બ્રહ્માંડ છે દેવ ઇશ્વરો માયા બ્રહ્મ છે તે સઘળું આપણી અંદર છે તે પરમેશ્વર પ્રગટ પ્રભુના ધ્યાન ઉપાસના વડે તે પ્રભુ પ્રત્યક્ષ થાય છે અને તેની કૃપાએ સર્વ બ્રહ્માંડોને દેવ ઇશ્વરને ધામને દેખે છે. આ સર્વ આત્મા પરમાત્માનું અનુસંધાન જાગ્રત અવસ્થા મૂર્તિનું ધ્યાન ધારણ વડે સર્વને જાણનારા તથા ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણનો આનંદ લેનારા ભગવાનના સુખે સુખીયા થાય છે.
ભગવાન ભક્તો માટે થાય છે સાથે સાથે ધર્મનું સ્થાપન કરે છે. અજ્ઞાનીને ઐશ્વર્ય બતાવી પોતાની મૂર્તિનું જ્ઞાન આપી પોતાના શરણમાં લઈ તેનું કલ્યાણ કરે છે, ભગવાન એક જ છે તે ભગવાન બે નથી એ તો જ્યાં જેવી જરૂર ત્યાં તેવા રૂપ ધરી પ્રગટ થાય છે ત્યારે પૂર્વના અવતારોનું ઐશ્વર્ય તેનામાં હોય છે અને જરૂર જણાય તો દેખાડે પણ ખરા. એવા પ્રગટ થયેલા માનવરૂપમાં રહેલા પ્રગટ ભગવાનને ઓળખીને જે ભજે છે તેના ભજનમાં બધી ભક્તિ, બધા ધર્મ, બધી યાત્રાઓ, સર્વ દાનો, સર્વ સેવાઓ પ્રગટ ભક્તિમાં આવી જાય છે અને તે જન્મ-મરણનાં બંધનથી મૂકાય છે. અલગ અલગ રૂપમાં રહેલા ભગવાન એક જ છે એ સમજણ તે જ્ઞાનનો સારમાં સાર છે.
પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ આ પૃથ્વી પર આવી પોતાનું કાર્ય કરી નિજ ભક્તોને ઓળખાણ આપી ચરણ સ્થાપી ઐશ્વર્ય બતાવી શાસ્ત્રો રચી નિજ ભક્તોનું મંડળ રચીને પોતાની મૂર્તિનો યોગ આપી નિજધામ સિધાવ્યા, પરંતુ ભગવાન જ્યારે જ્યારે પ્રગટ થાય છે ત્યારે એમને ઓળખનારા જુજ હોય છે. ભગવાન આવે છે અને જાય છે પછી બધા ઓળખે છે, પૂજે છે, ભજે છે, મંદિરો થાય છે. અત્યારે પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણનારાયણને ઓળખનારા આ સમયમાં હાજર છે તેને ઓળખીને જો સત્સંગ કરે તો એ ભગવાન ઓળખાઈ જાય અને મળી પણ જાય અને પરમધામના અધિકારી પણ થાય. પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીએ જે કાર્ય કર્યા તેટલું કોઈ ન કરી શકે એ આ અભિનંદનગ્રંથમાં નજર કરવાથી ખબર પડે છે. ભગવાન આવીને ભક્તોને ઓળખાણ આપી પોતાના કાર્યો કરી અંતર્ધ્યાન થઈ ગયા.
અવતારી ભગવાન એવા અનાદિ શ્રીકૃષ્ણનારાયણનાં સંકલ્પથી સર્વે થાય છે, એ ભગવાન સર્વના કારણ છે. એ પરમાત્માની ઉપાસના તે સર્વોપરિ ઉપાસના કહેવાય છે. સર્વ
જડ-ચેતન, સૂક્ષ્મ, અણુ અને વિરાટમાં પણ તે પરમાત્મા અનાદિ શ્રીકૃષ્ણનારાયણ રહ્યા છે. આ સર્વ બ્રહ્માંડોમાં રહેલો પ્રકાશ તે એનું એકમાત્ર કિરણ છે. આવા પરમાત્મા તે અવતારી નારાયણ છે તેને ઓળખી એની ઉપાસના એ તેના ચરણમાં પહાગચાડનારી છે.
મહારાજ જેટલું ભણ્યાં તેટલું ઘણાય વિદ્વાનો ભેગા થાય ને ભણે તોય મહારાજ જેટલું કે જેવું ભણી ન શકે. તેમજ મહારાજે જે શાસ્ત્ર પણ લખ્યા તેટલું અંદાજે સંસ્કૃતમાં ર૦,૦૦૦ પાનાનું લખાણ તથા તેમના ભક્તોને દરરોજ ર૦ થી રપ પત્રો લખવા ટપાલોનો થેલો ભરાઈને આવે તે વાંચવો તથા ભક્તો આવે તેની સાથે સુખ-દુઃખની વાતો કરવી. પોતાનો નિત્યક્રમ તથા ગામડાં-શહેરોમાં કથા પારાયણ કરવી અને પધરામણી કરવી. આટલું કાર્ય કરવા માટે કદાચ રપ જણા ભેગા થાય ને કરવા માંડે તોય થાય નહીં તથા નાની ઉંમરમાં કેટલી ડિગ્રીઓ અને છ દર્શનના આચાર્યો, સાંખ્ય, યોગ, મિમાંસા, તાર્કિક વાચસ્પતિ, મહામહોપાધ્યાય, ધર્મના દરેક વિષયમાં પીએચ.ડી. તથા ડિલિટ્ટ (લિટરેચર) અને ડી.ફીલ (ફિલોસોફર) આવી બંને ડિગ્રી સાથે હોય જો હોય તો શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી એક જ છે તથા શાસ્ત્રના મત મુજબ તેમના કર-ચરણમાં ચિન્હો, ધનુષ, ધજા, ચક્ર, સૂર્ય, ચંદ્ર, સ્વસ્તિક, ગોપદ, આદી આદી ૩૭ ચિન્હો મહારાજને છે. જે ભક્તોએ દર્શન કરેલા છે અને દર્શન કરેલા ભક્તો અત્યારે હાજર છે, અંતર્યમીપણું, દૂરદર્શન, ઐશ્વર્ય તથા દિવ્ય શક્તિ વડે દિવ્ય દર્શન કરીને આજ સર્વ અવતારોના અવતારી પરબ્રહ્મ પુરુષોત્તમનારાણ છે એમ માની તેની ઉપાસના કરે છે.
આ અભિનંદનમાં મહારાજને જડચેતનમાં સૂક્ષ્મ તત્ત્વને જાણનારા દ્વૈત, અદ્વૈત, તત્ત્વદ્વૈત, આ બધામાં ભગવાન તો છે છતાં બધાથી અલગ છે એમ સાબિત કરી જગત અને વિદ્વાનોને પોતાનો અલગ મત વિશિષ્ટ બ્રહ્માદ્વૈત આવો સિદ્ધાંત આપ્યો. માટે વિદ્વાનોએ આપ શાસ્ત્રોના નિષ્ણાત વૈષ્ણવોમાં શ્રેષ્ઠ- વિદ્વાનોમાં શ્રેષ્ઠ એવા વૈષ્ણવવિદ્વત્તસાર્વભૌમ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છો. સર્વ ભૂમંડળમાં જે ગુરૂઓ છે તેના તમે ગુરૂ છો. તમે કૃષ્ણ પ્રભુના ચરણમાં પહાગચેલા આચાર્યવર છો. જેમ ગીતામાં કૃષ્ણ કહે છે કે દેવોમાં ઇન્દ્ર, પક્ષીઓમાં ગરુડ, મનુષ્યમાં રાજા, જ્ઞાનીઓમાં બૃહસ્પતિ, ઇશ્વરોમાં શિવ, ઋષીઓમાં વશિષ્ટ, વાયુમાં મરુત તેજમાં સૂર્ય શ્રેષ્ઠ છે. આમ સર્વમાં શ્રેષ્ઠ તમે વૈષ્ણવવિદ્વત્તવર્ય સાર્વભૌમ આચાર્ય શ્રી છો. આપ સ્વયં અનાદિ શ્રીકૃષ્ણનારાયણ છો એમ વિદ્વાનોનાં અભિનંદન કહે છે.
આ વર્તમાન સમયમાં અનાદિ શ્રીકૃષ્ણનારાયણને ઓળખી તેના શરણમાં જનારો,
તેને જાણનારો તેનો આ જન્મ છેલ્લો છે. ભગવાન એક જ છે. જ્યારે જેવી જરૂર પડે ત્યાં તેવું રૂપ લઇને ભક્તોની રક્ષા કરે છે અને ધર્મનું સ્થાપન કરે છે. રામ, કૃષ્ણ, નૃસિંહ, વરાહ, પરશુરામ રૂપે થયેલ ભગવાનને ઓળખનારાના વંશજો આજેય તે રૂપને ભજે છે. અત્યારે આપણને અનાદિ કૃષ્ણનારાયણ મળ્યા છે. આપણાં વંશજો અનાદિ કૃષ્ણનારાયણને ભજશે. વામન, પરશુરામ, કૃષ્ણ, દત્તાત્રોય, નૃસિંહ, મત્સ્ય, વરાહ જેટલા જેટલા અવતારો કે સ્વરૂપો તે આ અનાદિ શ્રીકૃષ્ણનારાયણનાં જ છે. એમ જાણનારો, સમજનારો તે સાચો જ્ઞાની છે. અઢાર પુરાણ અને ચાર વેદ મોઢે હોય પણ પોતાની સામે બેઠા ભગવાનને ન ઓળખે તો એ અજ્ઞાની જ છે. કેમ કે એ પુરાણોમાં ભગવાનને ઓળખવાની રીત તો છે જ. છતાં તે ભગવાનને ઓળખી ન શક્યો પણ ભગવાનને ઓળખવા ભગવાનના સંત મુક્તભક્ત મળે અને તેમાં વિશ્વાસ રાખી ભગવાનનાં શરણમાં પડે તો ભગવાન તેના સર્વે ઐશ્વર્ય, ચિન્હો બતાવે છે અને તેની સર્વ કામનાઓ પૂરી કરે છે.
ભગવાનની ઓળખાણ તો તેના સંત થકી જ થાય છે. આગળના શાસ્ત્રમાં જૂઓ તો ભગવાન સંત થકી ઓળખાયા છે માટે પ્રગટને ઓળખવા અને ભજવા. તે સર્વ જન્મના પૂણ્યનું ફળ પ્રગટ ભગવાન, પ્રગટના સંત, પ્રગટના મુક્ત ભક્તનો મેળાપ તે છે અને આવા સંત, ભક્ત આપણને ભગવાન ભેગંુ રહેવાય એવું જ્ઞાન ભક્તિ બતાવે છે. બીજા તો ધર્મમાં વર્તાવી સુખ અપાવે દુઃખ મટાડે. માન, સન્માન, મોટપ આપે અપાવે. તે સર્વ માયાના ગુણો છે પણ પ્રગટના તો માયાથી પાર લઈ જાય બ્રહ્મરૂપ બનાવી પરબ્રહ્મને ભેટાવે આટલો પ્રગટ અને પરોક્ષનો ભેદ છે.
પ્રત્યક્ષ ભગવાન આ મૂર્તિ અને ધામમાં રહેલ મૂર્તિમાં અનુમાત્ર ફેર નથી માટે ભગવાન હરહંમેશ પરમધામમાં બિરાજે છે માટે અત્યારે પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિ શરણાગતિ મંડળમાં જ્યાં પ્રગટ ભગવાનનો સત્સંગ થાય છે ત્યાં પ્રગટ ભગવાનની મૂર્તિ પધરાવી છે ત્યાં અને જે ભક્ત અખંડ ભગવાનને ધારીને રહ્યા છે તે સર્વ સ્થાન મધ્ય છે. જેણે પોતાના આત્મામાં પ્રત્યક્ષ ભગવાનને બિરાજીત કર્યા છે પ્રત્યક્ષ ભગવાનને ધારીને રહ્યા છે તેને માટે સત્યુગ વર્તે છે માટે તે સમય અને તે દેશ શુભ જ છે. જેથી ભગવાન તેની સાથે છે સદા શાંતિમાં વર્તે છે અને બીજાને પણ શાંતિ આપે છે. પ્રત્યક્ષ ભગવાન એવા શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ નારાયણ પ્રભુ અને પરમધામમાં બિરાજે છે તે આ એક જ છે. તેમાં અણુમાત્ર ફેર નથી આમ સમજી સેવા-ભક્તિ કર્યા કરે તો તે મોક્ષમાં જ પરમધામમાં જ છે.
પ્રગટ ભગવાન શાસ્ત્રીજી મહારાજ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ સિવાય બીજું કાંઈ જોઇતું નથી. તેઓના હૃદયમાં એક પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ એક જ બિરાજીત છે. આવા સંતો ભક્તોના દર્શન કર્યા તેનો અવાજ સાંભળ્યો તેના ગુણ ગાયા તેના હાથે પ્રસાદ જમ્યા કે કોઈ જગ્યાએ તેના ગુણ સેવા સાંભળવામાં આવી તેના ભાગ્યનો પાર નથી. અપાર ભાગ્યવાળા થઇને આ જન્મમાં શરણાગતિ લે તો આ જન્મ છેલ્લો થઈ જાય. અન્યથા બીજા જન્મમાં શરણાગતિ યોગને પામી સેવાવાળો થાય છે અને મોક્ષનો અધિકારી થાય છે.
પ્રગટ ભગવાનના સંત ભક્તનો યોગ કે તેની ક્રિયા સેવા સમર્પણ કે ગુણ જીવનમાં આવ્યો તેનું કલ્યાણ જરૂર થાય છે. એવા લાભાન્વિત જીવોનું અકલ્યાણ થતું જ નથી. સમયોચિત મનુષ્યજન્મ પામીને આવા સંતો, ભક્તોના યોગરૂપી પૂણ્ય વડે અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ભગવાનની શરણાગતિ વડે સેવાવાળો થાય છે. અંતે તે પરમધામમાં જવાનો અધિકારી થાય છે.
પ્રગટ ભગવાનનાં કથામૃતરૂપી બ્રહ્મરસપાન જેણે જેણે કર્યું છે તેના કાન, મન, હૃદય અને આત્મા પવિત્ર થયા છે. જેણે આ ભક્તો અને સભાના દર્શન પ્રત્યક્ષ કે ઇન્ટરનેટના માધ્યમથી કર્યા છે તેની આંખ પવિત્ર થઈ છે. આ પવિત્રતાએ એ જીવાત્માના અનંતકોટિ જન્મના પૂણ્ય ઉદય થયા છે અને જે પ્રગટ ભગવાનના શરણે આવ્યા કે આવશે તેના આ જન્મે જ પરમ કલ્યાણ છે અને જે જે ગુણગ્રાહી થયા છે. તેને ભક્તિ ઉદય થયે પ્રગટના થઈ જન્મ-મરણના દુઃખથી મુકાશે. એ પ્રગટ ભગવાનના વચને નક્કી છે.
આ કથામાં સત્સંગમાં પ્રગટ ઉપાસના, પ્રગટ ભક્તિ, પ્રગટ સેવા, સંસારમાં રહીને આત્મનિવેદી ભક્તિ (અંબરિશ રાજાની જેમ) સંસારમાં રહી વૈદેહીપણું (જનક રાજાની જેમ) એકનિષ્ઠા (સંત તુલસીદાસ) હનુમાનજીના જેવી ટેક, લક્ષ્મીજીના જેવી પતિવ્રતાપણું અને અક્ષરના જેવું આત્મા પરમાત્મામાં લયપણું આવું સર્વપ્રકારનું જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને મોક્ષ રૂપી આ જ્ઞાન, સેવા, ભક્તિ આત્માનું પરમકલ્યાણ વાળી આ કથા છે. ઉપર કહ્યા મુજબ સર્વપ્રકારનું જ્ઞાન આ પ્રગટપિયુષમાં છે અને આ જ આપણે સૌને આ પ્રાપ્ત થયું છે જે આપણાં અહોભાગ્ય છે. માટે આ સત્સંગની સેવા, ઉપાસના અને અનુસંધાન રાખી આ જન્મમાં જ ભક્તિ, સેવા, ઉપાસના કરી લેવા અને આ જન્મને સાર્થક કરવો. પોતાનું પરમકલ્યાણ મોક્ષ સાધી લેવું એજ પ્રથમ કર્તવ્ય છે જેણે પોતાનું મોક્ષ રૂપી ફળ પ્રાપ્ત કર્યું તેના
કુટુંબ પોતાના હિતેચ્છુઓનો મોક્ષ જરૂર થવાનો જ છે અને જેણે બીજાના કલ્યાણની ભાવના રાખી તેના ભેળાં પ્રગટ ભગવાન છે.
પ્રગટ ભગવાનને રાજી કરવા એજ આ જન્મનું સાર્થકપણું છે, આપણો આ જન્મ છેલ્લો છે માટે આ લોકની માયામાં ન ગુંચવાઈ રહેવું. બને તેટલી ભક્તિ કરી લેવી. કોઇનું અહિત ન થાય તેવું આચરણ કરીને નવા કર્મ ન બાંધવા જેથી એ કર્મ ભોગવવા ફરી જન્મ-મરણ લેવા પડે માટે કોઈ આપણું અહિત કે નુકસાન કરે તો પણ એના પર દયા દાખવી રાજી રહેવું અને ભગવાન જે કરતા હશે તે સારું જ કરતા હોય એમ જ્ઞાને કરી આનંદ માનવો અને પ્રગટ ભગવાનનું સ્મરણ-ધ્યાન-ભજન કર્યા કરવું. જેથી ભગવાન અને સંતો રાજી થાય અને ભગવાનના ગુણ ગાયા કરવા માટે પ્રગટના જે ભક્તોએ ભગવાનને રાજી કર્યા છે તે ભક્તોની સેવા, સમજણ અને બલિદાનો સંભારવા અને ભગવાને તે ભક્તોની રક્ષા કરી છે તેની કથાઓ કરવી અને ગુણાનુવાદ ગાવા પણ અવગુણો તો ક્યારેય ન ગાવા. આવી સમજણે ભક્તિ કર્યા કરવી જેથી ભગવાન અને ભગવાનનાં સંત રાજી થાય અને ધીમે ધારે સેવાઓ તો કર્યા જ કરવી. તેમાં ક્યારેય થાકવું નહીં અને થાક્યા તે સંતનો ઓથ લઈને સમજણને વધારીને ભગવાનને રાજી કરવા સેવાઓ કર્યા જ કરવી. મુક્ત સ્થિતિએ વર્તવા શીખવું. મહારાજ કહે છે કે, થાક્યા તે મુક્ત ભક્ત ન કહેવાય. હારીને રાજી થવું પણ પોતાના મનનું ધાર્યું તો ન જ કરવું. ભગવાન અને ભગવાનના સંતોના ગુણ ગાવાથી જે આત્મામાં શાંતિ અને આનંદ જે મળે છે તે દિવ્ય છે તેને કોઈ ચોર-લૂંટારા લૂંટી શકતા નથી અને તે વધાર્યા વધે છે અને ભગવાન અને સંતો રાજી થાય છે તે રાજીપાથી તે ભક્તમાં ભગવાનના ગુણ આવીને વસે છે અને ભગવાન તેના હૃદયમાં વાસ કરે છે. તે મુક્ત ભક્તમાં ગણાય છે.
આ જીવને સત્સંગનો ઢાળો પડી જાય તો અનંત જન્મના ગૂચવાળા ઉકલી જાય અને મોક્ષમાં જવાનો અધિકારી થઈ જાય અને સાચા સુખનો ભાગીદાર થઈ બીજાને સુખીયા કરનારો થાય. સાચું સુખ સત્ય એવા ભગવાન સત્ય એવા સંતનો ભાગીદાર થાય છે. સત્યમેવ જયતે તેનો સદા વિજય થાય છે. જન્મ-મરણના દુઃખ પર વિજય માટે આ જન્મમાં જેટલું દુઃખ, જેટલી ઉપાધી, જેટલું અપમાન છે, તે આ જન્મ પૂરતું જ જાણી દયાળુ એવા પ્રગટ ભગવાનની શરણાગતિના સાચા શરણાગત થઇને ભગવાનના ચરણમાં રહી આ જન્મને પૂર્ણ કરી ધામમાં જવાનો અને ધામમાં ભગવાનની સેવામાં રહેવું છે તેવું તાન રાખી
ભક્તિ, સેવા, ઉપાસના અને સત્સંગ કર્યા જ કરવા અને કાળને માથે પગ દઇને ધામમાં જવું એ જ આપણું લક્ષ્ય હોવું જોઇએ.
આ સમજણ તે સમજ્યે જ છૂટકો છે તે આ જ સમજાય તોય ભલે આ જન્મે સમજાય તોય ભલે, સો જન્મે સમજાય તોય ભલે, જ્યારે સમજ્યા ત્યારે પરિપૂર્ણ પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રીકૃષ્ણનારાયણના ધામમાં અને અનાદિ શ્રીકૃષ્ણ નારાયણના ચરણોમાં રહેવાની લાયકાત વાળા થવાશે માટે પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના સંતો, ભક્તોને રાજી કરવાવાળી સેવા ભક્તિ અને સમજણ કરી લેવા. પોતાની સ્થિતિને, સ્વયંને અને પ્રગટ ભગવાનને અને પ્રગટના સંતોને ઓળખી સત્ય એવી સેવા સત્ય એવો રાજીપો સત્ય એવી સમજણ કરી લેવી. આ જગતમાં બધુંય સત્ય છે, પરંતુ જ્યારે સાચા ભગવાન, સાચા સંત અને સાચો સત્સંગ સમજાય જાય છે ત્યારે જગતને અને ભગવાનની માયાને અસત્ય જાણી સત્ય એવા ભગવાનમાં અને ભગવાનના સંતમાં જીવ જોડવો તે જ ખરેખર પૂર્ણ સત્ય છે.
માટે મહારાજ લખે છે કે, ભગવાન ભજવામાં જે આડું આવે તેને માયા જાણવી. પછી તે ભલે પુત્ર, પરિવાર, સંપત્તિ, વ્રત, નિયમ કે પોતાનું મન, શરીર, બુદ્ધિ કે પ્રિયજન તે સઘળી માયા જ છે. જ્યારે ભગવાન પોતે પ્રગટ થયા હોય તેના સંતો ભૂમંડળમાં વિચરતા હોય અને આ જીવનો મનુષ્ય જન્મ હોય ત્યારે તેને ઓળખી ભજી લેવા, રાજી કરી લેવા, આ જન્મને છેલ્લો જન્મ કરી લેવો તે જ સારમાં સાર છે. બધાં શાસ્ત્રો એમ જ કહે છે કે મનુષ્યરૂપમાં પ્રગટ થયેલા ભગવાનને ઓળખી આ જન્મને છેલ્લો જન્મ કરી લેવો. અહંમ, મમતા, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારમાં ન બંધાઇને નિષ્કામ થઈ નિર્મોહી થઈ ભગવાન ઓળખી સેવા-ભક્તિ કરી આ મનુષ્ય જન્મને સાર્થક કરી લેવો ફરી આવો સમય ક્યારે મળે. ભગવાન પ્રગટ થયા હોય, સંત વિચરતા હોય અને આપણો મનુષ્ય જન્મ હોય આ બધો યોગ તે આપણું ભાગ્ય પૂર્વની ભક્તિ અને પૂર્વજોના આશિર્વાદ તે લેખે લગાડી લેવા.
પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ
જન્મ પ્રાગટ્ય તા. ર૧-૧૦-૧૯૦પ પરમધામ ગમન તા. ર૮-ર-૧૯૮૬
૧ર વર્ષ, ૦પ માસ, ૦૩ દિવસ ઃ પ્રગટ શ્રીહરિ બાલકૃષ્ણ પ્રભુ અનેક દિવ્ય એવી બાળલીલા કરતા કુમકુમવાપીમાં વિચર્યા. છ છ ગુજરાતી ભણી લીધી હતી.
૦૬-વર્ષ, ૦૩-માસ, ર૬-દિવસ ઃ જેતપુર, જૂનાગઢ, વડોદરા, વડતાલ આદિ સ્થળોએ વિચર્યા અનેક ભક્તોને દિવ્ય દર્શન, ચમત્કાર આપ્યાં, સંસ્કૃત અભ્યાસ ચાલુ હતો.
૧પ-વર્ષ, ૦૯-માસ, ૧૪-દિવસ ઃ કાશીમાં ભણ્યા સમગ્ર વિશ્વમાં શાસ્ત્રો રચ્યા, મૂર્તિ પ્રતિષ્ઠાઓ, મહોત્સવો કર્યાં, જાહેર વ્યાખ્યાનો આપી બધાને મંત્રમુગ્ધ કર્યાં.
૦૩-વર્ષ, ૦ર-માસ, ર૪-દિવસ ઃ જેતપુર રહ્યા, દેશોમાં તિર્થોમાં ફરી જાહેર કથાઓ, સપ્તાહ પારાયણો કરી અનેક જીવાત્માઓને કંઠી બાંધી શરણાગત કર્યાં.
૦ર-વર્ષ, ૦૦-માસ, ૦૦-દિવસ ઃ જૂનાગઢ દેશમાં વિચરણ કર્યું, સર્વ તિર્થોમાં ફર્યાં.
૦૬-વર્ષ, ૦૭-માસ, ર૦-દિવસ ઃ જામનગર રહી મંદિરનો જિર્ણોદ્ધાર કર્યો, સભા મંડપના પાયા નંખાવ્યા, ઉતારાના મકાનોનું કામકાજ પૂર્ણ કર્યું, પારાયણ કથાઓ કરી ગામડે ગામડે ફરી સત્સંગ કરાવ્યો, અનેક શરણાગત ભક્તોને સુખી કર્યાં.
૦૧-વર્ષ, ૧૧-માસ, ૧૬-દિવસ ઃ રાજકોટ મંદિર પૂરું કરી મૂર્તિ પ્રતિષ્ઠાઓ કરી, યજ્ઞ-કથા પારાયણો કરી ભક્તોને દિવ્ય સુખ આપ્યા.
૦૯-વર્ષ, ૦૭-માસ, ૦૯-દિવસ ઃ જામનગર રહી સભા મંડપ, પ્રદક્ષિણાઓ, ઉતારા મકાનોના કામકાજ પૂરા કરાવ્યા, દેશ-પરદેશે ભક્તોને અખંડ સુખ આપ્યા.
૦૧-વર્ષ, ૦૮-માસ, ૦૬-દિવસ ઃ જામવંથલી રહ્યા, મંદિરમાં સપ્તાહ કથાઓ, સભાઓ કરી, ફુલવાડી મંદિરમાં મંદિર મકાનનું કામકાજ કરાવી નિજ સેવકોના મનોરથ પૂર્યાં.
ર૧-વર્ષ, ૦૯-માસ, ૦૯-દિવસ ઃ જૂનાગઢ મંદિરનું પ્રમુખપદ સ્વીકારી ગુણાતિતાનંદ સ્વામી સભામંડપના જિર્ણોદ્ધાર માટે દેશ-પરદેશમાં વિચરી કથાઓ કરી, ફાળો એકઠો કરી કામ કરાવ્યા, અસંખ્ય જીવોનો ઉદ્ધાર કર્યો, ૧પ૦ વર્ષનો પાટોત્સવ તથા ગુણાતિત દ્વી-શતાબ્દિ મહોત્સવ કરાવ્યો, શરણાગતિ ભક્તો પર અઢળક ઢળી અપાર સુખ આપ્યાં.
કુલ ઃ ૮૧- વર્ષ, ૪- માસ, ૯- દિવસ ઃ ટોટલ દિવસ- ર૯૭રર