અનાદિ મુક્તરાજ રમણીકભગત કરસનભગત જાવિયા
જામવંથલી, હાલ- રાજકોટ
મારો જન્મ મહારાજની કૃપાથી તારણહાર જામવંથલી જેવા પવિત્ર તિર્થધામમાં થયો છે. તેમજ મને નાનપણમાં જામવંથલીમાં જ કંઠી બાંધી દિક્ષામંત્ર પ્રગટ મહારાજ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે આપ્યો છે. માટે મારા ગુરુ અને ઇષ્ટદેવ પણ સાક્ષાત્ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ છે. જેથી મને હૃદયમાં અપાર આનંદ છે.
મારે જૂનાગઢ ઘણી વખત મહારાજના દર્શન કરવા જવાનું થતું. મહારાજ પણ ખૂબ રાજી થતા અને સેવાનો લાભ આપતા. એક વખત ઈ.સ.૧૯૭૭માં એપ્રિલ મહિનામાં જ્યારે જૂનાગઢ બાલમુકુંદ ભવન પર મહારાજના દર્શનાર્થે હું ગયો હતો. ત્યારે મારે બે દિવસ મહારાજના નિવાસસ્થાને રોકાવાનું થયું. હું મને પોતાને ઘણો ધન્યભાગી અને મોટો ભાગ્યશાળી સમજું છું. કારણ કે, પ્રગટ મહારાજના ચરણાર્વિદના પેઈન્ટિંગ કામનું કામ કરવાની સેવા મહારાજે મારા ભાગ્યમાં જ લખી હશે. તેથી ત્યારે દિવસ દરમિયાન જ્યારે જ્યારે મહારાજના આરામના સમયે મહારાજ પાસે બેસતો ત્યારે ચરણાર્વિદ બાબતે ઘણી ચર્ચા કર્યા બાદ મહારાજ બંને ચરણો જળથી ધોઈ બંને પગ લાંબા કરી બેસતા અને હું મહારાજના ચરણનાં ચિન્હોનું દર્શન કરતો. બે દિવસ અને એક રાત્રિા રોજ આ પ્રમાણે ચિન્હોના દર્શન થતા બધા જ ચિન્હોના દર્શનને તેનું સ્થાન તેનો અભ્યાસ કર્યો. પછી બીજા દિવસે મહારાજ એક કોરા પેપર પર બંને ચરણ મૂકી ઊભા રહ્યા. ત્યાર બાદ પેન્સિલથી બંને ચરણની બહારથી લાઈન દોરી, ચરણાર્વિદ પોઝ તૈયાર કરી તેમાં જે જગ્યા પર જે ચિન્હનું સ્થાન છે તે પ્રમાણે કાચી કોપી મેં તૈયાર કરી.
રાત્રિાના સમય દરમિયાન સમયનો પણ ખ્યાલ ન રહેતા ક્યારેક ક્યારેક રાત્રિાના એક-બે વાગી જતા બસ આ પ્રમાણે કાચી કોપી તૈયાર કરી હું અમારા ગામ જામવંથલી જતો રહ્યો ત્યાર પછી અમારા નિવાસસ્થાને ચરણાર્વિદના પેઈન્ટિંગની શુભ શરૂઆત કરી. સુશોભિત ચાર કોપી તૈયાર કરી ને આ ચારેય કોપી તૈયાર થઈને આ બાજુ તા.૧૪-પ-૧૯૭૭ના રોજ મહારાજનો પ્રસાદીપત્ર આવ્યો. પ્રસાદીપત્રમાં જણાવ્યું કે તમારી કારીગરીની ચીજ પૂનાથી વેલજી રવજીભાઈ મંગાવે છે તેથી તે લઈને જૂનાગઢ આવો. તે દરમિયાન ચરણાર્વિદની ચાર કોપી તૈયાર કરેલ તે લઈને હું અને ખોલિયા પરષોત્તમ મોહનભાઈ અમે બંને ત્યાં જૂનાગઢ
મહારાજના નિવાસસ્થાને ગયા અને ચારેય કોપી જોઈ મહારાજ ખૂબ રાજી થયા અને અમને બંનેને બાથમાં લઈને ભેટ્યા. ત્યારે મેં મહારાજને અરજ કરી હતી કે, મને સદાય તમારા ચરણોમાં રાખજો.
મહારાજે કહ્યું, મારા ચરણાર્વિદ તૈયાર કરવામાં કેટલો ખર્ચ થયો ? તો મેં કહ્યું, મહારાજ આટલી સેવા તો હું કરી જ શકું. માટે મારે કાંઈ નથી જોઈતું. બસ ચરણની સેવા અને આશિર્વાદ જોઈએ છે. આ સાંભળી મહારાજે રાજી થઈ એક કવરમાં ર૦ની એક નોટ અને ૧૦ની બે નોટ આપી અને તિજોરીમાં કાયમ રાખવા કહ્યું,. મહારાજની આ પ્રસાદીની લક્ષ્મીના પ્રતાપથી હું સુખી છું અને મારું વ્યાવસાયિક કાર્ય ક્યારેય અટક્યું નથી.
મહારાજના ચરણાર્વિદના કલ્યાણકારી કાર્યથી અતિ રાજી થઈ એક કાગળમાં મને એવું લખી આપ્યું કે, ‘‘રમણિક કરસન જાવિયા તમે આ પ્રગટ મહારાજનાં ચિન્હયુક્ત ચરણાર્વિદનું કાર્ય કર્યું છે માટે હવે તમારે મોક્ષમાં બીજું કાંઈ કરવાનું બાકી રહેતું નથી. જેમને ધામમાં સેવવાના હતા તેમને તમે પ્રત્યક્ષ સેવીને રાજી કરી લીધા છે. અમારા આ ચરણાર્વિદના દર્શન યુગો યુગો સુધી જે જીવાત્મા કરશે તેનું પણ કૃપાએ કરી અમે કલ્યાણ કરીશું.'' આમ મહારાજે મને આશિર્વાદપત્ર લખી આપ્યો.
મહારાજની કૃપાથી હું દુબઈ ગયો. ત્યાં પણ મહારાજે ખૂબ ધ્યાન રાખ્યું અને સુખી કર્યો. હાલમાં હું અને મારો પરિવાર પ્રગટ મહારાજની સેવા-ભક્તિ કરી ધર્મમય પવિત્રપણે જીવન જીવી અને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છીએ.