અનાદિ મુક્તરાજ દામજીભગત પ્રેમજીભગત કાચા
જામવંથલી, હાલ- રાજકોટ
દામજીભગત ઘરના કામકાજે જામનગર જતા ત્યારે મહારાજના દર્શન કરવા જરૂર જતા. મહારાજ પણ પોતાના સેવક જાણીને તેમને ખૂબ વ્હાલ કરતા, પ્રસાદી આપતા. સંસારમાં ભગવાનનું ભજન કરવાનું કહેતા, આ મનુષ્ય જન્મ સાર્થક કરવાનું કહેતા. આમ પ્રાથમિક અભ્યાસ જામવંથલીમાં તેમણે પૂરો કર્યો. તે દરમ્યાન મહારાજ જામવંથલી બે વર્ષ આવ્યા હતા. એટલે મહારાજની ખૂબ સેવા કરતા. બાલમંડળને મહારાજ બહુ વહાલ કરતા. પ્રસાદીમાં મોહનથાળ આપતા. તેઓ મહારાજની સાથે વાડીઓમાં વિચરણમાં સાથે જતા અને મહારાજની આજ્ઞા પ્રમાણે દોડી દોડીને સેવાઓ કરતા. જામવંથલીમાં મહારાજે ઘણા પરચા પૂર્યા છે. તે વાતો જાણીને મહારાજ ભગવાન છે તેમ સમજતા.
સમય જતાં મહારાજના આશીર્વાદથી શિક્ષકની નોકરી મળી ગઈ અને છગનભગત અને દામજીમાસ્તર બંને ભાઈ ભેગા મળી ફુલવાડીમાં મહારાજના કાર્યોની સેવા કરતા. મહેમાન ભક્તોની સારસંભાળ રાખતા તથા જામવંથલીમાં મહારાજના લીલાચરિત્રોની કથાઓ કરતા અને હરિભક્ત તરીકે આરતી, ભજન, માળા, સેવા કરતા તથા પ.પૂ. હેમંતભગતનો બહુ આદર કરતા અને હેમંતભગતના બાલસખા મિત્રપણે રહેતા. આમ પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજને ભગવાન માની નિષ્ઠાપૂર્વક સેવાભક્તિ કરતા અને ફુલવાડીમાં અંગ સેવા પણ કરતા. તેમના પુત્ર પ્રવીણભગત બાલમંડળમાં સૌ મોટા મોટા ભક્તોની આજ્ઞા પાળતા અને કુટુંબનું નામ રોશન કરતા. આમ દામજીભગતનો પરિવાર પ્રગટ ભગવાનનું ભજન કરતો.
દામજીભગત હિરાબાપાને ભગવાનના કામમાં મદદરૂપ થતા. દામજીભગત મહારાજના વિશ્વાસુ અને સંયમી ભગત હતા. મહેમાન ભક્તોનો આદર સત્કાર કરતા. મહારાજના લીલાચરિત્રની વાતો કરતા. ભગવાન ઓળખાઈ ગયા પછી ભગવાનની આજ્ઞા સેવા-ભક્તિ એજ એમનું જીવન હતું.
દામજીભગતે ક્યારેય ઉદ્વેગ કે ક્રોધ કર્યો હોય તેવું તેના જીવનમાં ક્યારેય બન્યું નથી. સદા શાંત-સરળ સ્વભાવ-સત્યના પક્ષમાં સાથ આપનારા પ્રગટ ભગવાનના વિશ્વાસુ અને કૃપાપાત્ર ભગત હતા. પોતાના પરિવારને ભગવાનનો ઉપદેશ આપતા કે, આ સ્વયં
સાક્ષાત્ નારાયણ છે. માટે ભગવાનની જેટલી થાય તેટલી અધિકને અધિક સેવા કરીને રાજી કરી લેવા.
દામજીભગત જુનાગઢ મહારાજના દર્શને જાય તો કુટુંબને પણ સાથે લઈ જતા કે જેથી સૌને મહારાજના દર્શન થાય. પ્રવીણભગતને તો મહારાજના ખોળામાં જ મુકતા. મહારાજ રાજી થઈ આશીર્વાદ આપતા. મહારાજ કહેતા, અમારા મોટા મોટા કામો આ છોકરાઓ કરશે.
ભક્તો વિદેશમાં હતા. ફુલવાડીનું કામ ચાલુ હતું ત્યારે ફુલવાડીના ટ્રસ્ટમાં મહારાજે તેમને રાખ્યા છે તેથી તે ટ્રસ્ટી તરીકે અને સેવક તરીકે ખૂબ ધ્યાનપૂર્વક ચીવટથી અને સેવાના નાણાંનો પૂરેપૂરો સદ્ઉપયોગ થાય તે પ્રમાણે ખબરદાર થઈને સેવા કરતા અને ક્યાંક જરૂર પડે તો જાતે સેવા કરવા લાગી જતા અને સેવકો સાથે કારીગરો સાથે બહુ જ પ્રેમપૂર્વક સહહૃદયભાવથી સેવા કરતાં. ભગવાનના દરેક કાર્યોમાં જૂનાગઢના કાર્યો, કુંકાવાવના કાર્યો, જન્મસ્થળના કાર્યો અને ફુલવાડીના કાર્યોમાં સમય પ્રમાણે સૌ ભક્તો ભેળા મળીને સેવાઓ કરતા. જ્યાં ધનની જરૂર ત્યાં ધનથી, જ્યાં તનની જરૂર ત્યાં તનથી પણ સેવા કરતા.
મહારાજને કુંકાવાવના કાર્યો કરવાના હોય ત્યારે છગનભગતને પત્ર લખતા અને પાદરે મંદિરમાં કાંઈ કામ હોય જન્મસ્થળે કાંઈ કામ હોય ત્યારે આ છગનભગત અને દામજીભગત ભેળા મળી ભગવાનની આજ્ઞા પાળતા. ભક્તો સૌ વિદેશમાં હતા. ત્યારે આ સ્થાનિકના ભક્તો ભગવાનના કાર્યોને શોભાવતા. મહારાજ જામવંથલીમાં હતા ત્યારે આ બંને ભાઈના ઘરમાં પધાર્યાં છે અને મહારાજ થાળ જમ્યા છે, ઘર પવિત્ર કર્યાં છે, આશીર્વાદ આપ્યા છે, ધન્ય ધન્ય કર્યાં છે.
પોતાના જીવનનાં છેલ્લા શ્વાસ સુધી ફુલવાડી ટ્રસ્ટમાં રહી દામજીભગતે સેવાઓ આપી છે. ભગવાનને રાજી કર્યાં છે અને ભગવાનના નાના-મોટા ભક્તો સૌને રાજી કર્યાં છે. તેમનો સ્વભાવ ઓછાબોલો હતો પણ સત્યના આગ્રહી હતા. સેવા કરનારા ભક્તો ઉપર પોતે રાજી થતા આશીર્વાદ આપતા અને સમયને અનુરૂપ મહારાજની વાતો કરતાં. નવા નવા ભક્તો ફુલવાડીના દર્શને આવતા ત્યારે સૌને જય અનાદિ શ્રીકૃષ્ણનારાયણ કરી પોતાના ઘરે ભક્તોના પગલાં કરાવવા અચૂક આવવા આગ્રહ કરતા અને થોડાં રમુજી અને પ્રેમાળ સ્વભાવના ભગત હતાં.
દામજીમાસ્તર મહારાજ ભેળા દર્શન, સેવા, પધરામણી કરીને આનંદ માણતા.
મહારાજ વંથલી સ્વામિનારાયણ મંદિરે મેડી ઉપર બિરાજમાન હતા. કથા-વાર્તા, ઉપદેશ, ચમત્કાર, ઐશ્વર્યની વાતો ભક્તોને કરતા.પછી ઘણી રાત વીતી જતા સુવાની આજ્ઞા કરતા. ભક્તો પોતાના સ્થાને જતા. વહાલા ભક્તો ભગવાન પાસે ઓસરીમાં સૂઈ જતા. સવારે મહારાજ ઉપર મેડીએ ચોકડીએ નહાવા બેસતા તે ન્હાવાનું જળ પાઈપવાટે રસ્તામાં પડતું તેને દામજીભગત, છગનભગત, હંસરાજભગત, દેવરાજભગત, રામજીભગત, કેશવજીભગત આદિ આદિ ભકતો રસ્તા ઉપર ચોકડીના પાઈપે પાણી વહી જતું ત્યાં ઊભા રહીને પ્રસાદીનું જળપાન કરતા.
એક વખત મહારાજ શ્રાવણ માસમાં આખો માસ સત્સંગીજીવનની કથા કરતા હતા. આજુબાજુના ગામમાંથી સૌ હરિભક્તો કથામાં આવતા. વંથલી, રાજકોટ, જામનગર, આખા સૌરાષ્ટ્રમાંથી મહારાજની ભક્તિ કરનારા ભક્તો આવીને કથા-ઉત્સવને માણતા. તે વખતે મહારાજે પરચો આપ્યો કે,વંથલીની ગોપી બેનો જે પ્રગટ ભગવાનને ભગવાન જેવા જાણતી હતી તેઓ બે-ત્રણ બેનો ખેતરેથી માથા ઉપર ગાયોનો ચારો રાખીને સીમાડેથી ચાલી આવે છે. ત્યારે રસ્તામાં પ્રગટ ભગવાને સામે જઈને જય સ્વામિનારાયણ કહ્યાં છે. બેનો એક બાજુ ઊભા રહી મહારાજના દર્શન કરે છે અને વિચારમાં પડી ગઈ કે આટલી બપોરે તાપમાં મહારાજ ક્યાં જતા હશે ? પણ મનમાંને મનમાં હરખાતી હરખાતી ભાગોળે આવે છે. કથા-વાર્તાનો દોર ચાલુ છે. આ બધી બેનોને આશ્ચર્ય થયું કે, આ શું કહેવાય ? અમને ખેતર સીમાડે મહારાજે દર્શન દીધા અને અહીં ગામમાં કથા કરી રહ્યા છે.
બેનોએ ભક્તોની આગળ આ બધી વાત કરી. છગનભગત,દામજીભગત બંને જણાં બેનોને કહે છે કે, બેનો આ છે પ્રભુપણાંની નિશાની આને ચમત્કાર કહેવાય. પ્રગટ ભગવાન આપણાં જામવંથલી ફુલવાડીમાં કથા કરી રહ્યા છે. સંતસ્વરૂપે છે પણ સ્વામિનારાયણ ભગવાનને જે ચિન્હો છે. ખાંપા સહિત લક્ષ્મીજી, ધનુષ, ચક્ર, સ્વસ્તિક આવા સોળે ચિન્હોએ યુક્ત અનાદિશ્રીકૃષ્ણનારાયણ અવતારી મહાપ્રભુજી છે. પછી તો આખા મંડળમાં, ગામમાં આ પ્રગટ પરચાની વાતો જાણી આનંદ વ્યાપ્યો છે, સૌ રાજી થયા છે.
દામજીભગત કહેતા કે, મહારાજે આ વંથલીને પોતાનું ગોકુળિયું ગામ કીધું છે. સમય જતાં પ્રેમજી બાપાને મહારાજ ધામમાં લઈ ગયા છે. માતુશ્રીને પણ પ્રગટ ભગવાનનો દૃઢ આશરો અને નિશ્ચય તેથી સ્વયં મહારાજે આવી હાથ ઝાલીને રથમાં બેસાડી મોક્ષગતિ અપાવી છે. પછી તો મહારાજે દામજીભગતને લગ્ન કરી લેવાની ભલામણ કરી છે.
શાંતાબેન ધર્મપત્ની અને દિકરા-દીકરીઓ તે સમગ્ર કુટુંબ દિવ્ય કુટુંબ છે, તે સૌ મહારાજના આશ્રિત થયા છે. મંત્ર, દિક્ષા, શરણાગતિ લીધી છે. પ્રગટનું ભજન સેવા અને ફુલવાડીની સેવા કરજો એવી આજ્ઞાઓ કરી છે. તે તે સમયમાં પ્રતિકૂળ સંજોગોમાં પણ ફુલવાડી મંદિરનું કામ હોય કે ભક્તોને પ્રસાદ ભોજન જમાડવાના હોય ત્યારે શાંતાબેન, હંસાબેન, કસ્તુરબેન, પાનીબેન આદિ આદિ તેમજ હિરાબાપાના કુટુંબના ભક્તો જાતે રસોઈ બનાવી ભક્તોને જમાડતા. સેવા કરતા અને ફુલવાડીની સેવામાં અંગ સેવામાંયે જોડાતા અને પ્રગટ ભગવાનની સેવા કરતા.
ધન્ય છે વંથલીના સૌ ભક્તોને કે, મહારાજને ભજી ભજી ખુબ રાજીપાને પામ્યા છે. મહારાજ કહેતા કે, આ મારા ભક્તોની ભક્તિ એટલી બધી છે કે ગોપીઓથી પણ અધિક ભજન કરનારું આ મારું મંડળ છે. ભાઈઓ-બેનો, છોકરા, સૌ દિવ્ય સમજણે કરીને ભગવાનને વિષે પ્રેમે સહિત ભક્તિ કરનારા થયા છે.
મહારાજ જૂનાગઢ હોય કે રાજકોટ, જામનગર હોય કે વંથલીમાં હોય દામજીભગતે અને વંથલીના ભક્તોએ ભગવાન ભેળા સેવામાં કે આજ્ઞાનું પાલન કરવું તેમાં પાછીપાની નથી કરી. દામજીભગતે ભગવાનના ફુલવાડી પરમધામમાં પોતે મહારાજે જે વહીવટ-હિસાબનું કામ સાગપ્યું છે તે આપણું જાણીને દાસપણે રહીને આવી અનેક સેવાઓ બજાવી છે. ફુલવાડીમાં અનેક કામકાજો હોય ત્યારે તેમને સમયનું પણ ભાન ન રહેતું, થાકનું પણ નામોનિશાન ન હતું. આવી કઠણ પરિસ્થિતિમાં રહીને પણ ભગવાનને આગળ કરીને કામકાજ કરતાં અને ભક્તોના સંકલ્પ પણ ભગવાન પૂર્ણ કરતા. આમ દામજીભગતનું સમગ્ર ઘર કુટુંબ ભગવાનને વરેલું એકાંતિક ભક્તમંડળ છે. દામજીભગત જીવનને ધન્ય બનાવી મહારાજના ભજન - દર્શન કરતા કરતા ધામમાં ગયા છે.
અનાદિ મુકતરાજ પ્રવીણભગત દામજીભગત કાચા
ગામ ઃ જામવંથલી, હાલ- રાજકોટ
અમારા પરિવારને પહેલાથી જ સત્સંગ એટલે અમારે જામનગર જ્યારે જવાનું થતું ત્યારે મંદિરે જવાનું થાય જ. મહારાજને દંડવત્ પ્રણામ કરતા. મહારાજ જાણતા હોય એટલે પ્રેમ, હુંફ આપતા અને કષ્ટ દૂર કરતા. આમ મહારાજમાં અતિશય હેત જાગ્યું. એ અરસામાં મહારાજ જામવંથલી પધાર્યા ત્યારે મહારાજને વાજતે-ગાજતે પ૧ બળદનો રથ બનાવી ગાડા શણગારી ઊંચા આસને બિરાજમાન કરાવી ગુલાબના હાર પહેરાવી જાંઝ-પખાલ, ઢોલક વગાડી છંદ-કિર્તનો બોલતા બોલતા સ્વામિનારાયણ મંદિરે લાવ્યાં હતાં. ત્યારે આખું જામવંથલી ગામ આ સામૈયામાં હાજર હતું. ત્યારે મારી ઉંમર નાની ગામમાં જ્યારે જ્યારે પધરામણી થતી ત્યારે અમે સાડીઓ પાથરવાની સેવા કરતા. પ્રસાદીના ભવનમાં ચૂનો પીસવામાં, પથ્થરો ખસેડવામાં થાય તેવી સેવા કરતા. આમ કરતા કરતાં મોટા થયા.
એક વખત મારા બાપુજી મારા અદાને પંચાયત શાળામાં નોકરી કરતા એ નોકરીમાં ત્રણ મહિનાની રજા લઈ મુંબઈ ગયા ત્યારે નોકરીમાં ૬૦ કે ૭૦ રૂપિયા પગાર મળતો ને મુંબઈમાં કડિયાની હાજરી ૧પ રૂપિયા હતી. એટલે નોકરી ન કરીને કડિયાકામ કરવાનંું વિચાર્યું. ત્યારે રજા પૂરી થાય એટલે નોકરીમાં હાજર થઈ જવું. એવી મહારાજની આજ્ઞાથી નોકરીમાં જોડાઈ ગયા. જે આજે મહારાજની આજ્ઞા સમજાઈ કે બાને પેન્શન આવે છે.
મહારાજની ઈ.સ. ૧૯૭પમાં મૂર્તિ પધરાવ્યા પછી ભક્તો વિદેશ જવા લાગ્યા ત્યારે મેં પણ વિદેશ જવાનું વિચાર્યું. એમાં મારે ઇરાક જવાનો તાર આવ્યો ત્યારે મારા બાપુજી મહારાજ પાસે ગયા ને વાત કરી કે, મહારાજ ઇરાકમાં યુદ્ધ ચાલુ છે. પ્રવીણને મોકલું કે નહીં ? એટલે મહારાજ કહે, દિકરો તારો કે મારો દિકરો. એમ કહીને મહારાજ કહે હા મોકલી દે એને યુદ્ધ નહીં નડે. હું ગઢડા ગુરુકૂળમાં કામ કરવા ગયો હતો ને મારી સાથે મારા અદા હતા. ત્યાં મારા બાપુજી આવ્યા અને કહ્યું પ્રવીણનું વિદેશ જવાનું થયું છે, તાર આવ્યો છે. એટલે બાપુજી જામવંથલી ગયા અને હું જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયો. મહારાજને દંડવત્-પ્રણામ કરી વિદેશ જવાની આજ્ઞા લઈ હું ઇરાક ગયો, ત્યાંથી મહારાજને પત્ર લખતો.
જામવણથલી ગામમાં એકવાર દુષ્કાળ પડ્યો ત્યારે અમે મગફળી વાવી હતી તે ખેતરે આંટો મારી છગનભગત મારા કાકા એના ખેતરે ગયા ને આંટો મારી પાછા વળ્યા ત્યારે
જામનગર બાજુથી પ્લેન આવ્યુંને ઊભું રહ્યું ને એમાંથી હેમંતભગત ઉતર્યા મને કહે, ધામમાં આવવું છે દર્શન કરવા. મેં કહ્યું, ચાલો. એમ કરી પ્લેનમાં બેઠો તો પ્લેનમાં અંદર પૂનાવાળા સાતેક મોટા મુક્ત ભક્તો હતા. એટલે અમે સાથે ધામમાં મહારાજના દર્શન કર્યા. બધા ભક્તોએ શ્વેત વસ્ત્રો પહેર્યા હતા અને બધા એક જ સ્વરૂપવાળા હતા અને અતિશય શિતળ પ્રકાશ હજારો ચંદ્રના પ્રકાશથીયે શિતળ પ્રકાશ હતો ત્યાં મહારાજના દર્શન કરાવી મને જ્યાં હતો ત્યાં મૂકી ગયા. આવા દર્શન મને પ્રત્યક્ષ થયા. આમ મહારાજની કૃપાથી અમને સુખ-શાંતિ અને ભક્તિ સેવાના લાભો મળ્યા છે.
જામવંથલીમાં પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ જ્યારે પધાર્યા અને જામવંથલીમાં બે વર્ષ મહારાજ રોકાયા ત્યારે આ જામવંથલીના સર્વે હરિભક્તોને મહારાજમાં અતિ અતિ ભાવ હતો. મહારાજ બહુ જ મોટાં સંત સ્વામી છે. એના શરણે જે જાય તેના ગમે તેવા દુઃખ દૂર થાય છે. આમ ચમત્કારી મહારાજને જાણી આખું ગામ મહારાજને રાજી કરવા ગાંડુઘેલું થયું હતું ત્યારે આ જે આપણાં શરણાગતિમંડળના ભક્તો આજે મુંબઈ, પૂના, રાજકોટ છે તે ભક્તો મહારાજને ભગવાન તરીખે ઓળખતા હતા. આ બીજા હરિભક્તો મોટા સ્વામી છે ચમત્કારી છે એમ જાણતા હતા. એમ આ જાણનારા ભક્તોના નાના નાના બાળકો તે મહારાજના ખોળામાં ઉછળકૂદ કરતા હતા. તેમાંના આ પ્રવીણભગત જે મહારાજના ખોળામાં રમેલા છે અને બાળક સ્વરૂપે જૂનાગઢમાં મહારાજની સાથે મહારાજ ભેળા રહી રમૂજ કરી છે. મહારાજ ન્હાતા તે પાણી નીચે ચોકડીમાં પડતું એ પ્રસાદીના પાણીમાં પણ ન્હાયા છે. સ્કૂલના વેકેશનમાં જૂનાગઢ મહારાજ પાસે રહેતા તેમાનાં આ પ્રવીણભગત જે મહારાજની કૃપાદૃષ્ટિમાં જ મોટા થયા છે. પછી તો મોટા થયા એટલે કમાણી અર્થે વિદેશ ગયા ત્યાં વિદેશમાં આપણું શરણાગતિમંડળ અને ભક્તો સૌ નજીક નજીક એટલે સભા-સત્સંગનો લાભ મળતો.
મહારાજની આજ્ઞા પ્રમાણેના કાર્યો કરવા વિદેશથી સેવા ભક્તો મોકલે તેમાં આ પ્રવીણભગત પણ શરણાગતિના ભક્તો ભેળા મળી પ્રગટ ભગવાનને રાજી કરવા સભા, સત્સંગ, સેવા વડે વિદેશને પણ સ્વદેશ બનાવી દીધો હતો. પ્રવીણભગતે મસ્કત, દુબઈમાં કામ કરી ઘણી સેવાઓ કરી છે અને સાથે સાથે તેના ભેળાં રહેતા દેશના ભક્તોને મહારાજનો મહિમા ગાઈ તેઓને પ્રગટ ભગવાન તરફ વાળ્યા છે. શરણાગતિમાં સહભાગી કર્યા છે. ફુલવાડીના મંદિરના કાર્યોમાં કડિયાકામ, ઉતારાના કામમાં ચણતર-પ્લાસ્ટર કામ,
પ્રસાદીભવનમાં કારીગરી કામ, સભાહોલ, ભોજનાલય, ફુલના બગીચામાં ઘણી ઘણી સેવા કરી છે. પાદરે મંદિરના જીર્ણોદ્ધારમાં સેવાઓ કરી છે અને તન-મન-ધન વડે સેવાઓ કરી છે. આવા ભક્તોને ચમત્કારની જરૂર નથી.
એક વખત ભગવાન ઓળખી લીધા એટલે ભગવાન ઈ ભગવાન બીજી વાત નહીં જેટલી સેવા થાય તેટલી સૌ સાથે મળીને કરવાની. સૌ ભક્તો સંપથી રહે છે, સેવાઓ કરે છે. સભાઓ થાય છે. સૌ બ્રહ્મસુખ, દિવ્યસુખ, અંતરમાં ભગવાન ભેળા છે. એવા દિવ્ય આ ભક્તો-મુક્તો છે. સ્વામિનારાયણ ભગવાન વખતે પગપાળાં યાત્રાઓ-અડધું ખાવાનું મળે ને સત્સંગ કરતા. આ સમયે ગાડીયું, બંગલા- રાજકુમાર જેવું જીવન જય-વિજયથી મોટી પદવી, નિસ્તેજ નારીયુંને લક્ષ્મીયું જેવી શોભાવી આવા પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીનો મહિમા જાણી, જીવમાં ઉતારી અને સેવા-ભક્તિએ જીવન જીવ્યે જ જાય છે. જેવો સંગ તેવો રંગ. નિષ્કામના સંગે નિષ્કામ થવાય. સકામનો સંગ તો સકામપણે જીવાય. આમ પ્રગટ ભગવાનની સર્વ પ્રકારે સેવા કરી માતા-પિતાને રાજી કરતા થકા મંડળમાં સેવાના કાર્યમાં તત્પર રહેતા. તેમણે આળસને ત્યજી ભગવાન, સંત અને માવતરને રાજી કર્યાં છે અને કરે છે.