અનાદિ મુક્તરાજ છગનલાલભગત મૂળજીભગત મનાણી
જામવંથલી
મહારાજ જામનગર સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા ત્યારે જામવંથલીના ભક્તો મંદિરની ગાયો માટે જામવંથલીથી નિરણના ગાડાં ભરીને જામનગર લઈ જતા. તે વખતે જામવંથલીના મૂળજીભાઈ રાજાભાઈ મનાણી તેઓને મહારાજે મંદિરની ભેળી કરેલી ધૂળ-રજ કોથળી ભરીને આપીને કહ્યું કે, આ પ્રસાદીની ધૂળને તમારી વાડીની ચારે બાજુ છાંટી દેજો. મૂળજીબાપાએ મહારાજશ્રીની આજ્ઞા માની ધૂળ વાડી ફરતે છાંટી દીધી અને તે વખતે વાડીમાં ઘઉં વાવેલા હતા ને તે ઘઉં નીકળવા લાગ્યા ને હિમ પડ્યો. તેથી આજુબાજુના બધાના ઘઉં બળી ગયા પરંતુ મૂળજીબાપાના ઘઉં બિલકુલ બળ્યા નહીં, દાઝયા નહીં ને જરા પણ હિમ લાગ્યો નહીં તેથી તેમના ચોથા પુત્ર છગનભગત ઉંમરમાં નાના હતા પરંતુ મહારાજના કૃપાપાત્ર હતા. તેથી મૂળજીબાપાને પૂછ્યું કે, બાપુ આપણાં ઘઉં તો હેમખેમ ઊભા છે ને આજુબાજુવાળાના બધાના ઘઉં બળી ગયા. આનું કારણ શું ? ત્યારે બાપાએ વાત કરી કે જામનગર ગયા ત્યારે નિરણ નાખવા જતા'તા ત્યારે મહારાજે ધૂળની પોટલી આપીને વાડી ફરતે છાંટવા કહ્યું હતું. તેથી મેં છાંટી તે પ્રતાપે આપણાં ઘઉંને કાંઈ આંચ આવી નથી, ઘઉંને તો ઠીક પરંતુ જ્યારથી મહારાજની આપેલી પ્રસાદીની ધૂળ, ફૂલપાંખડીથી વાડીમાં કોઈ મોલને નુકસાન થતું નથી એ તો ઠીક પરંતુ ઘરમાં સર્વેકુટુંબી નાના-મોટાની પણ રક્ષા થતી આવે છે. આમ મહારાજની કૃપા વડે મૂળજીબાપાનું કુટુંબ પરમ સુખિયા છે.
મહારાજ જામવંથલી પધારેલા ને ગામમાં મંદિરે રહી કથા-વાર્તા કરી ભક્તોને આનંદ-સુખ આપતા. રસોઈ પ્રસાદી જમતા, જમાડતાં. ઘરે ઘરે પધરામણી કરી ભક્તોને દર્શન-સુખ આપતા તે પધરામણી દરમિયાન મૂળજીબાપાને ઘેર મહારાજ પધાર્યા. જૂના નાના મકાન ગાર-માટીના હતા. મૂળજીબાપાને દુર્બળપણું ખૂબ હતું. તેથી નાની ઓસરીમાં પટારો મગફળી ભરેલો પડ્યો હતો. તેથી મહારાજ ત્યાં પધારી પટારા પર માળા સહિત પોતાનો હાથ મૂકી કહે, આ પટારામાં શું ભર્યું છે. મૂળજીબાપા અને તેમના ધર્મપત્ની શાંતાબેન કહે, મહારાજ પટારામાં મગફળી ભરી છે. આશીર્વાદ આપો ને અમને સુખિયા કરો. તેથી મહારાજ રાજી થઈને પટારાને હાથ ફેરવી બોલ્યા કે, અત્યારે જેમ મગફળી ભરી છે તેમ આ પટારો રૂપિયાથી છલકાઈ જશે. ભજન, ભક્તિ આ પ્રગટ ભગવાનનાં કરજો. શાંતાબેન
અને મૂળજીબાપા વિચાર કરે કે અત્યારે ખાવા-પીવા, ઓઢવા પહેરવામાંય મેળ પડતો નથી, પરંતુ મહારાજ તો જે ધારે તે કરે. એ મહારાજના આશીર્વાદ વડે અત્યારે મૂળજીબાપાના સુપુત્રો ખૂબ ધનાઢ્ય બની ગયા છે. બધા મોટા કોન્ટ્રાક્ટર, બિલ્ડરો થયા છે ને મહારાજે આપેલા આશીર્વાદ વડે એક નહીં પરંતુ બધાના પટારાઓ છલકાવી દીધા છે. આવા સુખીયા આ પ્રગટ મહારાજ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ મહારાજની પૂર્ણ કૃપાદૃષ્ટિ અને આશીર્વાદથી ખૂબ ખૂબ બધા કુટુંબ, દીકરા-દીકરીઓ તમામ સુખીયા છે અને પ્રગટ મહારાજની ભક્તિ-ઉપાસના કરે છે.
એક વખત જામવંથલીમાં મૂળજીબાપાએ પરિસ્થિતિ સુધરતા મકાન બનાવવાનું વિચાર્યું. વંથલીમાં મોટો જમીનનો પ્લોટ રાખી ૬ ભાઈઓ માટે મોટા મકાન બાંધવાના ચાલું કર્યા. પ્લોટમાં મોટી કુઈ હતી પરંતુ તેમાં પાણી ખૂટી જતા કામ બંધ થયું. તેથી મૂળજીબાપાના પુત્ર તુલસીભાઈ અને તેમના પિતરાઈ ભાઈ મગનભાઈ જૂનાગઢ મહારાજના દર્શને ગયા દંડવત્ પ્રણામ કરી બેઠા. મહારાજ કહે, બોલો શું કામ છે ? તેથી તુલસીભાઈ બોલ્યા- ‘હે મહારાજ, ફળીયામાં કુઈ છે તેમાં પાણી સાવ વયું ગયું છે ને મકાનનું કામ બંધ પડેલ છે, તો પાણીની જરૂર છે. મહારાજ કહે, તમે બંને જણા અહીં આવો. જામવંથલી તરફ આંગળી ચીંધીને બોલ્યા કે જુઓ પેલા સફેદ વાદળ દેખાય તે વથલીમાં વરસે છે. તમો જાશો ત્યાં પાણી મળી જશે. તેથી તુલસીભાઈ અને મગનભાઈ વંથલી આવ્યા. ત્યાં તો સર્વત્ર પાણી પાણી થઈ ગયું ખૂબ વરસાદ મહારાજે વરસાવ્યો. આમ પોતાના ભક્તોની અરજ સાંભળી ભક્તોના કામ મહારાજ કરી દેતા.
ઘેરથી ગાયો, ભગસો દોહવા દે તે માટે મહારાજને પ્રાર્થના કરતા કે - ‘હે મહારાજ, આજે ભગસો દોહવા નથી દેતી કે ગાય પણ દોહવા દેતી નથી. તેથી મહારાજને પત્ર લખાવે. પત્ર જૂનાગઢ પહાગચે કે તુરત એ ભગસ, ગાયો દૂધ આપવા માંડે. આમ ભક્તની પ્રાર્થના સાંભળી મહારાજ સર્વને સુખીયા કરતા દર્શન દેતા, પ્રસાદીમાં ગુલાબની પાંખડી મોકલતા તે વડે સર્વેના દુખ ટાળતા.
એક વખત મૂળજીબાપાના બીજા પુત્ર નારણભાઈને એવી મોટી બીમારી આવી કે, શરીરમાં પેરેલિસીસ થવાથી કેડથી નીચે બંને પગ ખોટા પડી ગયા. સારવાર લેવા હોસ્પિટલમાં દાખલ કર્યાં. સારવાર લેવા છતાં સારું ન થાય. તેથી નારણભાઈના માતા શાંતાબેને મનોમન મહારાજે પ્રાર્થના કરી કે, મારા પુત્રને સારું કરી દેજો. હું રૂપિયા દસ
હજાર માનતા પેઠે તમોને આપીશ. આ શાંતાબેનની માનતા મહારાજે માની લીધી ને નારણભાઈને તુરત જ સારું થવા લાગ્યું. સાવ ખોટા પડી ગયેલા પગમાં ચેતન આવી ગયું ને નારણભાઈ ચાલતા થઈ ગયા.
એક વખત મૂળજીબાપાના ત્રીજા પુત્ર તુલસીભાઈમાં કોઈ મેલી વિદ્યા પ્રવેશી ગઈ હોવાથી અતિશય બીમાર પડી ગયા. દવાખાનામાં ચાર-પાંચ દિવસ દાખલ રહ્યા ડૉક્ટરો દવા-દારૂ બધી જાતની સારવાર કરે છતાં કોઈ ફરક નહીં. પછી તુલસીભાઈ કહે, મને જૂનાગઢ મહારાજ પાસે લઈ જાવ. નહીંતર હું અહીં જ મરી જઈશ, મને સારું નહીં થાય. તેથી મૂળજીબાપા, તુલસીભાઈ સાથે જામનગર દવાખાનેથી રજા લઈ સીધા જૂનાગઢ જવા ટ્રેનમાં બેઠા. મહારાજનું સ્મરણ કરતા યાદ કરતા ટ્રેનમાં બેઠાં ત્યાં જ તુલસીભાઈને સારંુ થવા લાગ્યું ને જૂનાગઢ મહારાજ પાસે પહાગચ્યા. તુરત જ મહારાજે પ્રસાદીનું જળ છાંટ્યું. પ્રસાદીની પાંખડી આપી ચરણાર્વિદ ઉપર મેલ્યા કે તુરત જ જે કોઈ પ્રવેશ હતો તે તુલસીભાઈની અંદરથી નીકળીને મહારાજને નમન કરી મારો આજ ઉદ્ધાર થયો એમ બોલતા ચાલ્યો ગયો. મહારાજ કહે, સારું કર્યું અહીં લાવ્યા નહીં તો આ બહું હેરાન કરત.
એક વખત છગનલાલ ભગત, જૂનાગઢ મહારાજના દર્શને ગયેલા. મહારાજને દંડવત્ પ્રણામ કરીને બેઠા સેવા કરતા હતા ત્યારે મહારાજ બોલ્યા કે, કડિયાકામ શીખી લે ને મંડો પ્લેનમાં ઉડવા. ખેતીકામમાં અત્યારે કાંઈ ન વળે. માટે કડિયાકામ શીખોને વિદેશ વહ્યા જાવ તો વિશેષ સુખી થાશો. પછી છગનભગત ખેતીકામ મૂકી રાજકોટ-જામનગર કડિયાકામ શીખવા લાગ્યા, થોડું-ઘણું શીખ્યા. પાસપોર્ટ તૈયાર થઈ ગયો પછી જૂનાગઢ ગયા ત્યારે મહારાજે બોલ્યા કે તને એક મહિનામાં પ્લેનમાં મોકલવો છે. એમ કરી હાથનો લટકો કર્યો. પછી મહારાજના આશીર્વાદથી ઈન્ટરવ્યૂમાં પાસ થઈ ગયા ને વિદેશની ટિકિટ અને વિઝા આવી ગયા ને ભક્ત સમુદાય ભેળા પછી ઇ.સ.૧૯૮૦માં બહેરીન પહાગચી ગયા. કંપનીમાં કામે લાગી કમાવા લાગ્યા. પછી તો વિદેશ રહ્યાં. ગરમીમાં કામકાજમાં ક્યાં નાની-મોટી તકલીફો આવવા દીધી નથી. કોઈ દિવસ કોઈ તકલીફ નહીં, કોઈ દવા નહીં. હોસ્પિટલનો ખર્ચ નહીં, તેથી કમાણી સારી થઈ. મહારાજની સેવા પણ સારી થઈ. પછી ચાલુ વિઝાએ ઈન્ડિયા છૂટી પર આવ્યા. મહારાજની કૃપાથી લગ્ન પણ થઈ ગયા. લગ્ન પછી અમો જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા, મહારાજે દર્શન દીધા અમિદૃષ્ટિ કરી અને મહારાજ થાપો મારી આશીર્વાદ આપ્યા અને કહ્યું, કે દીકરાવાળા થાવ, સંપત્તિવાળા
થાવ અને સુખી થાવ. આમ મહારાજના આશીર્વાદથી ઘરે દીકરાનો જન્મ થયો. નરેશભગત નામનો દીકરો એ પણ મહારાજની દયાથી સુખી છે ને બધા કુટુંબ પરિવાર મહારાજની સેવાઓ કરે છે.
એકવાર કનુબાપા ચાવડાની વાડીએ નરેશની મા અને બેનપણીઓ કપડાં ધોવા કુંડીએ ગયા હતા અને નરેશ કુંડીમાં પડી ગયો. પેટ પાણીથી ભરાઈ ગયું. પછી બેનોનું ધ્યાન છોકરા તરફ ગયું અને તરત એને બચાવી લીધો. ત્યારે છગનભગત દુબઈ હતા. પછી દુબઈથી છગનભગત જ્યારે જૂનાગઢ આવ્યા ત્યારે મહારાજે સામેથી કહ્યું, કે, નરેશને મેં આપેલો છે અને મેં રક્ષા કરી. આમ કહી મહારાજ ભેટી પડ્યા. આ રીતે મહારાજે અનેક ભક્તોની રક્ષા કરી છે.
અમારા બાપુજી મૂળજીબાપાએ મહારાજની ખૂબ જ સેવા કરી છે તેમજ મારા ભાઈઓ હસમુખભાઈ, નારણભાઈ, તુલસીભાઈ, દેવશીભાઈ તેમજ મનસુખભાઈએ પણ પ્રગટ મહારાજની સેવા કરી અંતરનો રાજીપો અને આશિર્વાદ પ્રાપ્ત કર્યાં છે. માટે અમારો આખો પરિવાર આજે ખૂબ સુખી છીએ અને મહારાજના કાર્યમાં તન-મન-ધનથી હંમેશા સેવાનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરીએ છીએ.