અનાદિ મુક્તરાજ મોહનલાલભગત ડાયાભગત ટાંક
જામવંથલી
મહારાજ જામનગરથી જામવંથલી આવ્યા એ પહેલાં અમારે જામનગર અવારનવાર જવાનું થતું અને મહારાજ મોટા શાસ્ત્રીજી બહું મોટા સંત હતા એટલે જામનગર સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જરૂર જતા અને અમે મહારાજને બહુ માનતા. કાંઈ કામ હોય તો મહારાજને પૂછીને જ આગળના કામો કરતા. અમારે જામવંથલી અને જામનગર મંદિરને બહું સંબંધ હતો.
જામવંથલીના હરિભક્તો મહારાજની આજ્ઞામાં રહેતા એટલે જામવંથલીને અને મહારાજને વધારે હેત હતું. એટલે મારા નાના ભાઈઓ અલ્યાપાડા ગામે ભણતા તેથી તે અવારનવાર જામનગર મહારાજ પાસે જતા. મહારાજ છોકરાઓને બહુ સાચવતા તેથી અમારે પણ ઘણીવાર જામનગર જવાનું થતું ત્યારે મહારાજના દર્શન કરવા અમે અચૂક જતા. આમ મહારાજ સાથે ઓળખાણ હતી. મારા નાના ભાઈઓ દરરોજ મહારાજ માટે બાવળના દાતણ તાજા તાજા લઈ જતા.
એકવાર જામનગરમાં એક મોટી સભા હતી ત્યારે મહારાજે એક ચંપાની ડાળ આપી અને કહ્યું, આ ઘરે રોપજો તે આજે મોટું થઈ ગયું છે. પણ હવે અમે ભીલાડ રહેવા આવ્યા એટલે વર્ષમાં એકાદ વખત જવાય અને જૂનાગઢ પણ મહારાજના દર્શન કરવા એકાદ વખત જવાય. આમ મહારાજનું અનુસંધાન રખાતું.
અમારે અહીં ભીલાડમાં કન્સ્ટ્રકશન લાઈનનું કામકાજ ચાલે છે. સરકારી કામો કરીએ છીએ. જામવંથલીમાં મહારાજે મંદિર કર્યું ત્યારે મહારાજે એક મહિનો કથા વાંચી અને વંથલીને બહું લીલાલહેર કરાવ્યા. મહારાજ પીરસતા અને વાતો કરતા જાય અને મોઢામાં લાડવો મૂકતા જાય.
વંથલીમાં પ્રેમજી ખોલિયાએ ફુલવાડી દાનમાં આપી એટલે મહારાજે ફુલવાડીમાં ઓરડા કરાવ્યા. પરંતુ એક વખત મહારાજ કહે, બોલ્યું બહાર પડે અને લખ્યું વંચાય. ત્યારે મહારાજે વંથલીના મોટા મોટા ભક્તોને બોલાવ્યા અને વેલજી ખોલિયા ગામના પટેલ એટલે તેમને પણ બોલાવ્યા અને મોટી સભા કરી અને મહારાજે ફરી કહ્યું, બોલ્યું બહાર
પડે અને લખ્યું વંચાય. આ પ્રેમજીભાઈ ખોલિયાએ ફુલવાડી દાનમાં આપી તો એનું લખાણ કરાવવું જોઈએ એટલે બીજા દિવસે જામનગર ગયા અને રજીસ્ટ્રાર પાસે લખાણ કરાવ્યું. આમ મહારાજે પાક્કું કામ કરાવ્યું. પરંતુ થોડાક દિવસ થયાને પ્રેમજીબાપાને કોઈને કાનમાં વાત કરી હશે તે ફુલવાડી મહારાજ પાસે પાછી માંગી પણ મહારાજ કહે હવે લખાણ થઈ ગયું અને તમે રાજી થઈને સામેથી આપી છે. અમે તમારી પાસેથી પડાવી નથી. માટે દાનમાં દીધેલ તે તમારું રૂડું થાશે, પાછી લેવાય નહીં.
મહારાજ પાસે એક મોહનભગત પાર્ષદ તરીકે હતા. તે ઉંમરલાયક થયા એટલે એમણે સંસાર માંડ્યો પછી હેમંતભગત મહારાજની સેવામાં રહ્યા તે હેમંતભગતે મહારાજની ખૂબ ખૂબ સેવા કરી અને એ મોહનભગત જામજોધપુર બાજુના હતા તે પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારથી મહારાજે એમને મોટા કરી અને જ્ઞાન ઉપદેશ આપી સંભાળ રાખી હતી.
અમારા છોકરાઓ ભીલાડથી વલસાડ ભણવા જતાં પણ ભણવામાં આવવા-જવામાં તકલીફ થતી એટલે મોટો છોકરો કહે, બાપુજી આપણે બીજા શહેરમાં રહેવા જઈએ. મેં કહ્યું, આપણે મહારાજને પૂછવું પડે એટલે હું જૂનાગઢ ગયો મહારાજને વાત કરી. મહારાજ મૌન રહી માળા કરી અને બોલ્યા, તમને સૂરત રહેવાનું ફાવે ? મેં કહ્યું, મહારાજ તમે કહો તો સૂરતમાંય ફાવે. મહારાજ કહે, આપણે સૂરતમાં મંડળ કરવું છે તો ત્યાં સૂરતમાં ભક્તો થાય. એટલે હું સૂરત મારા દૂરના બાલંભાના સગા બનેવી અમૃતલાલ મૂળજીને મળ્યો અને વાત કરી એટલે તેના સહકારથી એની જે રૂમો હતી તેમાં અમે સૂરત રહેવા આવ્યા અને અહીં કુંવરજીભાઈ, નાનાલાલભાઈનો મેળાપ થયો અને મહારાજની દયાથી અમે સૂરતમાં મંડળ ચાલુ કર્યું.
એક વખત અમે બાલમુકુંદભવનના વાસ્તુ પૂજનમાં ગયા હતા ત્યારે આ કુંવરજીભાઈને અમે સાથે હતા. ત્યારે મહારાજે બધા ભક્તોની સાથે મને પણ અક્ષયપાત્ર સ્ટીલની થાળી, વાટકો ભેટ આપેલા. ત્યારે કુંવરજીભગત કહે, આ સેવામાં મોહનભાઈનું લિસ્ટમાં નામ નથી. એટલે મહારાજ કહે, એ મોહનભગતની સેવા સૌ પહેલાં આવી ગઈ છે અને હજુ ઘણી સેવા આવવાની છે.
એક વખત વંથલીમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી ઉજવવાની તૈયારી ચાલતી હતી. ત્યારે અચાનક મહારાજ બોલ્યા, અત્યારે લીલા ચણા મળે. એટલે મેં કહ્યું, મહારાજ અત્યારે
લીલા ચણા ક્યાંથી હોય, લીલા ચણા તો હવે વાવવાના થાય. મહારાજ કહે તમે શું વાવ્યું છે ? મેં કહ્યું, અત્યારે અજમો વાવ્યો છે. મહારાજ કહે, તમે ખરામાં સમજો. મેં કહ્યું, અનાજ પાકે ત્યારે ખરું લેવાય. મહારાજ કહે, ત્યાં ખરામાં ચણા છે. મેં કહ્યું, મહારાજ વાવ્યા જ ન હોય તો ક્યાંથી હોય. મહારાજ કહે, તમે જાઓ તો ખરા. તો હું ખેતર ગયો અને ખરામાં લીલા ચણા ઘેરાવામાં ઊભા હતા. મેં પોપટો દબાવી જોયું તો ખરેખર ચણા લીલા હતા. ચારે બાજુ જુવાર ઊભી હતી અને મેં તો ચણાની બાથ ભરી ઉપડે નહીં એટલા ચણા લીધા હતા. એટલે અંતર્યામી મહારાજે એક છોકરાને સામો મોકલીને કહ્યું, ઓલાથી ચણા ઉપડતા નથી. તેને મદદમાં જા. એમ એક છોકરો આવ્યો ને અમે ચણા લઈ આવ્યા. મહારાજ કહે, આ ગાયોએ જે ન ખાધા હોય એવા રાડા વીણી આવો અને ચણાનો ઓળો બનાવો. આમ સિઝન વગર ચણાનો ઓળાનો પ્રસાદ મહારાજે ખવડાવ્યો. ત્યારે આફ્રિકાવાળા ખીમજીભાઈ આવ્યા હતા તે કહે મને એક ખોબો ચણાનો આ પ્રસાદ આપજો. મારે આફ્રિકા લઈ જવા છે. અત્યારે એ ભગત હાલ લંડનમાં છે.
આમ મહારાજે અંતર્યામીપણે પોતાની ઓળખાણ આપી છે. મહારાજ બહુ દયાળું હતા. ગમે એવો દુઃખીયો જીવ મહારાજ પાસે જાય તો એનું દુઃખ જરૂર મટી જાય. એમ મહારાજે અમને ઘણા સુખીયા કર્યાં છે. જ્યાં સુધી અમે વંણથલીમાં હતા ત્યારે જામનગર અમે જતા, મહારાજ કહે તેમ સેવા કરતા. પછી તો સંસારને લઈ આ બાજુ રહેવા આવ્યા જેથી વર્ષમાં એકાદ વખત જવાતું. આમ મહારાજે દૂર હોવા છતાં પણ અમારું ધ્યાન રાખ્યું છે.