અનાદિ મુક્તરાજ વસંતભગત લક્ષ્મણભગત ગોહેલ
જીરાગઢ
વસંતભગતને મહારાજની ઓળખાણ ધરમશીભગત મિસ્ત્રી થકી થઈ હતી. એકવાર વસંતભગત મહારાજને ગુરુ કરવા જૂનાગઢ ગયા અને મહારાજે કંઠી બાંધી, દીક્ષા મંત્ર આપી અને ભગવું વસ્ત્ર ગંજી આપ્યું. આ રીતે વસંતભગતને મહારાજનો યોગ થયો.
એકવાર ધમરશીભગત અને વસંતભગત બંને મહારાજના દર્શન કરવા ગયા ત્યારે દીકરીનો સંબંધ રાજકોટથી આવ્યો હતો. આ બાબત મહારાજને કહી ત્યારે મહારાજે કહ્યું કે આવશે નહીં પણ આવે તો ના પાડતો નહીં પણ એ પહેલાં બે જણ તારી ઘરે સામેથી સંબંધ લઇને આવશે તો એ કરી નાખજો. પછી એ પ્રમાણે સામેથી સંબંધ આવ્યો અને સંબંધ કરી નાખ્યો.
બાલમુકુંદ ભવનનું વાસ્તુ હતું ત્યારે જીરાગઢથી બીજા ભક્તો જૂનાગઢ ગયા હતા પણ વસંતભગતથી જવાયું નહોતું. પછી એ જ વાસ્તાના દિવસે ભગતને ગળામાં બળતું હતું અને એના પાડોશમાં કેન્સરના દર્દી રહેતા હતા એટલે ભગતને બીક લાગી કે મને પણ કેન્સર હશે તો ? પછી મહારાજે દર્શન આપ્યા કે ‘‘રૂમમાં અચાનક એક સાથે દિવાલ પર પ્રકાશ થયો કે એકદમ સિનેમાની જેમ જે બાલમુકુંદ ભવન બંગલો શણગારેલો હતો એ જ બંગલો લાઈટિંગ બધું એમાં દેખાતું હતું. પછી ત્રણ-ચાર મીનિટ પછી એમાં મહારાજ હાથમાં છડી અને માથે પાઘડી ધારણ કરી દર્શન દેવા આવ્યા ને કહ્યું, ‘‘શું વિચાર કરો છો ભગત ?'' એમ મહારાજે કહ્યું, પછી ભગતે કહ્યું કે, ‘‘મને ભય છે કે મને કેન્સર છે.'' મહારાજે કહ્યું, ‘‘તમને કંઈ નહીં થાય.'' પછી મેં મહારાજને દંડવત્ કર્યાને મહારાજ માથે પગ મૂકીને અદૃશ્ય થઈ ગયા.
એકવાર વાસ્તા પછી મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજે ભગતને પૂછ્યું કે, ‘‘ભગત કેમ નહોતું અવાયું ? ત્યારે ભગતે કહ્યું કે, મહારાજ અમારે થોડીક ખગચ હતી.'' પછી મહારાજે પૂછ્યું કે, ‘‘કેમ થાય છે, ચાલ્યા રાખે છે ?'' પછી ભગતે કહ્યું કે, ‘‘હા, મહારાજ ! અમારે ખેતીકામમાંથી રોટલા નીકળ્યા રાખે છે.'' ત્યારે મહારાજે કહ્યું કે, ‘‘એક કામ કર. ધર્મ અને ભક્તિ એ ભગવાનના માતા-પિતા છે. એટલે ધર્મ રાખવો અને ભક્તિ કરવી અને મને પુરુષોત્તમ નારાયણને ભૂલતો નહીં એટલે લક્ષ્મી પતિવ્રતા છે માટે એ એની જાતે આવશે.
એકવાર અમે કુટુંબ સહિત જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજ પાસે આવ્યા ત્યારે એકાદશી હતી અને સાથે કાંતિભગત પણ હતા એ સમયે મહારાજે પૂછ્યું કે, એકાદશી ઉપવાસ કર્યો છે કે નહીં. પછી વસંતભગતે જવાબ આપ્યો કે, ‘‘હા મહારાજ એકાદશી રહ્યો છું.'' પછી મહારાજે ચોવીસ અવતારના તખ્તા પાસે કેળું પડ્યું હતું એ કેળું આપ્યું પછી મહારાજની આજ્ઞાથી ભગત સેવા કરવા લાગ્યા. ત્યાં મહારાજે ફરી કહ્યું કે, હજી કેળા લઈ લે તારા બા માટે. આમ મહારાજે સ્ત્રી ભક્તો માટે પણ પ્રસાદીના કેળા મોકલ્યા.
પછી ભગતને મહારાજના પગ દાબતા દાબતા સંકલ્પ થયો કે ‘‘આ સ્ત્રી ભક્તોને કોઈક પૂછશે કે તમે જૂનાગઢ ક્યાં ક્યાં ફર્યા તો જવાબ શું આપશે કે અમે ક્યાંય ગયા નથી. મંદિરમાં જ રહ્યા. દામોદર કુંડ અને નારાયણ ધરે ન ગયા. આવી રીતે સંકલ્પ થયો અને મહારાજે તરત કહ્યું કે, નારાયણ ધરે અને દામોદર કુંડ રિક્ષા બાંધી લો અને જઈ આવો અને ગિરનારના ૧૦૦ પગથિયા ચડજો એટલે તમને હું ગુરુ દત્તાત્રોયના દર્શન સુધીનું પુણ્ય આપી દઇશ.
પછી કાંતિભગતના બા ને મુસાફરી દરમિયાન ચક્કર આવતા એમણે મહારાજને કહ્યુંં એટલે તરત જ મહારાજે હેમંતભગત પાસેથી પાણીની શીશી મંગાવી અને અંગુઠો બોળીને કહ્યું કે, આ પાઈ દેજો ચક્કર નહીં ચડે. પછી એમને મુસાફરી દરમિયાન ચક્તકર આવ્યા નહીં. પછી ત્યાંથી નીકળી ગયા.
વસંતભગતના ભાઈબંધ ગિરધરભાઈ લોહાણા મોરબી રહેતા. એના ઘરનાને પેટમાં ગાંઠ હતી. એટલે એમણે વસંતભગત પાસે પૈસા માગ્યા. વસંતભગતે મંડળીમાંથી દસ હજાર ઉપાડીને આપ્યા. પછી કહ્યું કે, મહારાજ પાસે જાવું છે તે કેમ થશે ? ભગતે કહ્યું, હા હું આવીશ.'' એ પહેલાં એણે ડૉક્ટર પાસે તપાસ કરાવી તો કહ્યું કે, આ ગાંઠનું ઓપરેશન કરવું પડે. ડૉક્ટરે કહ્યું કે, આ કેસની કોઈ ગેરન્ટી નહીં. પછી મહારાજ પાસે ગયા અને મહારાજે કહ્યું કે, મારા શાસ્ત્રો વાંચો છો ? એમા મારા નામની આગળ ડૉ.શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી લખ્યું હોય છે. એટલે કે હું ડૉક્ટર છું. પછી મહારાજે હેમંતભગત પાસે પાણીની શીશી મંગાવી અને મહારાજે એમાં અંગુઠો બોળ્યો અને પાણી આપ્યું અને સાકર આપી. પછી મહારાજે કહ્યું, આ પાણી એક ચમચી ગોળામાં નાખવાનું અને સાકર ખૂટવા ન દેતો. ખૂટી જાય તો મહારાજને ધરીને પ્રસાદી ખાજો. આ રીતે ભગતે કર્યું તો એ ભગતના ઘરવાળાને પેટની ગાંઠનું દર્દ મટી ગયું.