પરચા ૧૨૨

અનાદિ મુક્તરાજ પરષોત્તમભગત મનજીભગત રાઠોડ

ચાવડા, હાલ- રાજકોટ

પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણના દૃઢનિષ્ઠાવાળા, વિશ્વાસુ, આજ્ઞાંકિત, પ્રગટ ભગવાનમાં ખૂબ જ ભાવનાવાળા અને રાજી કરવાવાળા ચાવડા ગામનાં પરષોત્તમભગત ખેતીકામ કરતા. નબળી સ્થિતિનાં ખેડૂત હતા છતાંપણ ભગવાનને અર્થે, દર્શન સેવા અર્થે સમય કામકાજનું પણ ધ્યાન રાખ્યા વગર તત્કાળ ચાવડાના સૌ કોઈ ભક્તોની સાથે સેવાનું કામ હોય કે મહારાજ પધાર્યા હોય ત્યારે ગાડાનો રથ જોડી તૈયાર કરી મહારાજને ગાડામાં બેસાડી ઘેર ઘેર પધરામણીઓ કરતા.

મહારાજ ચાવડા પધાર્યા ત્યારે પરમધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત્ પધાર્યા છે તેવા અતિ આનંદ સાથે આખા ગામમાં સમૈયાના જેવો માહોલ થયો. સૌ કોઈ પણ જ્ઞાતિજનોને, ભક્તોને આનંદનો પાર ન હતો. પુરુષોત્તમભગત સહપરિવાર ભગવાનના દિક્ષીત, આશ્રીત મંત્ર-શરણાગતિ પામેલા પ્રગટનું ભજન કરનારા અને સ્થિતિ નબળી પણ ભાવ મોટો. પણ ગરીબડા સેવકો ભગવાનને વહાલા હતા. અને ભક્તો કહે તેમ ભગવાન કરતાં, તત્પર રહેતા.

મહારાજના દરેક ઉત્સવો પ્રસંગો એ પછી રાજકોટ હોય કે જામનગર હોય કે જૂનાગઢ હોય, કુંકાવાવ હોય. આ બધા ચાવડાના ભક્તો હંજરાજભગત (બંને), પુરુષોત્તમભગત, પટેલો, દરબારો, ટપુલાલભગત, દેવજીભગત આદિ બધા સપરિવાર સાથે ઉત્સવોમાં સેવાના આનંદોને માણતા.

પુરુષોત્તમભગત એકવાર જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજને કહે, હવે ચાવડામાં ખેતી કામ કરતા અમારી ઉંમર તો આખી વઈ ગઈ, બે લુગડે જ થયા પણ તેમોએ અમારું ધ્યાન રાખ્યું છે. અમારા સામું જોયું છે. તેથી તમારા આશીર્વાદ વડે સપરિવાર સુખીયા છીએ પણ હવે આ મારો છોકરો જયસુખ તમારો ભગત છે. કામકાજ કરતા શીખી ગયો છે. તેમને મહારાજ વિદેશ મોકલી દો, આશીર્વાદ આપો. સુખી થાય, તમારું ભજન-સેવા થાય. મહારાજે જયસુખભગત રાઠોડના માથે હાથ મૂકી પોતાના કપાળનો ચાંદલો આંગળીથી જયસુખભગતને કર્યો, જાવ દુબઈ જાઓ. દર્શને આવ્યા છો હવે દર્શનની તાણ ન રાખશો. દુબઈ જવાનું થઈ જશે. પછી પહાગચો ત્યારે ત્યાંથી પત્ર લખજો.

આમ મહારાજે બધા ભક્તોને પણ ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ વડે સુખીયા થવાના જ સંકલ્પો કર્યાં છે. આશિર્વાદ આપ્યા છે તેથી જયસુખભગત વિદેશ દુબઈ ગયા છે. ત્યાં ભક્તોનો વસવાટ સમૂહ છે. કામકાજ કરતા ભજન-સત્સંગ થાય છે. પ્રગટ ભગવાનના અમીભર્યા પત્રો આવે છે. તેથી ભક્તોને મોટું સુખ છે. સભામાં પત્ર વાંચતાની સાથે પ્રગટ ભગવાનની અનુભૂતિઓના દર્શન થાય છે. સમય પ્રમાણે તકે તકે જયસુખભગતે કુંકાવાવ પાદરમાં મંદિરની સેવા, જન્મઘરમાં મંદિર માટેની સેવાઓ, ફુલવાડી મંદિરની સેવાઓ કરીને મહારાજને ખૂબ રાજી કર્યાં છે.

પરષોત્તમભગતના બીજા દીકરા રસિકભગતને પણ નાનપણમાં મહારાજના દર્શન સેવાનો ખૂબ લાભ મળ્યો છે અને રસિકભગત પર મહારાજના ખૂબ રૂડા આશિર્વાદ રહ્યા છે તેથી હાલમાં તેઓ દુબઈમાં રહીને પણ મહારાજની નિયમપૂર્વક સેવા-પૂજા કરીને ધર્મ-નિયમમાં રહીને પણ સત્સંગ જાળવી રાખ્યો છે અને પોતાની કમાણીમાંથી કુંકાવાવ, જામવંથલી, જૂનાગઢ આ મહારાજના પ્રસાદીના ધામોમાં દરેક કાર્યમાં સેવાનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.