પ.પૂ.શ્રી શ્વેતાયનાચાર્યજી મહારાજ - ગોવિંદજીમહારાજ જોશી
ટુકડા ગોસા, હાલ- વલસાડ
પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની કૃપાથી મારો જન્મ પોરબંદર તાલુકાના ટુકડા ગોસા ગામમાં એક વૈષ્ણવ ભક્ત બ્રાહ્મણ પરિવારમાં થયો. અમારો ધર્મ ‘જય ગોપાલ'નો દ્વારકાધીશની સેવા-પૂજા કરી ધ્વજા ચડાવે તે બ્રાહ્મણ પરિવારનો. નાનપણથી જ મને ભગવાન શ્રીકૃષ્ણની સેવા-ભક્તિમાં વિશેષ ઋચી હતી. હું મારા સર્વે કામકાજમાં તેમનું નામ સ્મરણ કર્યાં કરતો. સમય જતાં યુવાવસ્થા થઈ એટલે કામકાજ માટે દુબઈ જવાનું થયું. ત્યાં શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તોનો યોગ થયો. એટલે એમની સાથે સત્સંગ સભામાં પણ જવાનું થતું. ત્યારે બધા અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું ભજન કરતાં અને હું ભગવાન શ્રીકૃષ્ણનું ભજન કરતો.
એકવાર દુબઈ સભામાં કાયમ કથા-વાર્તાનો લાભ આપતા એવા પૂ.શાંતિલાલભગત બગીચાએ મને કહ્યું કે, તમે અમારા મહારાજ અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું ભજન કરો ત્યારે મેં કહ્યું કે, મને જો તમારા મહારાજ સાક્ષાત્ દર્શન આપે અને આજે જે ચિન્હવાળી મૂર્તિમાં અને ચરણાર્વિદમાં જે ચિન્હો ફોટામાં દેખાય છે તે મને પ્રત્યક્ષ બતાવે તો હું માનું કે તમારા મહારાજ એ પ્રગટ ભગવાન છે. મારી વાત સાંભળી શાંતિલાલભગતે કહ્યું, તો તો તમને મહારાજ કૃપા કરી વહેલા દર્શન આપી પોતાનો ભગવાનપણાંનો નિશ્ચય જરૂર કરાવશે અને બન્યું પણ એવું જ થોડા જ દિવસ પછી હું રાત્રો સૂતો હતો અને મને મહારાજે મારી ઓઢેલી ચાદર ખગચીને જગાડ્યો અને કહ્યું ઊઠો ભગત ઊઠો. હું જાગ્યો અને સામે જોયું તો સાક્ષાત્ સંત સ્વરૂપે મહારાજ સ્વયં ઊભેલા. પહેલાં તો મેં તેમને કહ્યું કે, તમારા ભક્ત શાંતિલાલભગત એ તો બાજુની રૂમમાં છે. તમે ભૂલથી મારી રૂમમાં આવી ગયા લાગો છો. તો મહારાજ મને કહે કે, આજે હું તમારા માટે જ આવ્યો છું. લો કરી લો મારા ચિન્હોના બધાં દર્શન. એમ કહી મહારાજે પ્રથમ પોતાના હાથમાં ધનુષ્ય બાણ, સ્વસ્તિક, મત્સ્ય, શંખ, ચક્ર બધા જ ચિન્હોનાં સુવર્ણ જેવા ચળકતાં દર્શન કરાવ્યા ત્યારબાદ ચરણકમળના પણ બધા ચિન્હોના દર્શન કરાવી કહ્યું, લો હવે બોલો હવે તો અમે ભગવાન ખરા ને ? ત્યારે મારી આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી અને હું મહારાજના ચરણમાં પડી ગયો ને ક્ષમા માગી કે, મેં તમારા ભગવાનપણા વિશે સંશય કર્યો માટે મને માફ કરો. ત્યારે મહારાજે મારા પર હાથ મૂકી કહ્યું, હવે આજથી મારી જ સેવા-ભક્તિ અને કાર્યો કરજો. એમ કહી
મહારાજ અદૃશ્ય થઈ ગયા.
બીજે જ દિવસે સવારે મેં શાંતિલાલભગતને આ બધી વાત કરીને કહ્યું, ભગત તમે અત્યારે જ મને મહારાજની કંઠી બાંધો. મને રાત્રો જ મહારાજે પ્રત્યક્ષ દર્શન આપી ભગવાનપણાંનો પૂર્ણ નિશ્ચય કરાવી દીધો છે. પછી તો હૃદયથી મહારાજનું જ ભજન-સ્મરણ થયાં કરતું. મહારાજના કાર્યોમાં તેમજ ભક્તોને જમાડવામાં વિશેષને વિશેષ હું મારી કમાણીમાંથી સેવાનો લાભ આપતો. જેથી મારા પરિવારમાં ત્યારે તો ઘણાંને આ ન ગમ્યું અને કહેવા લાગ્યા કે ગોવિંદજીએ તો ધર્મ પણ બદલી નાખ્યો અને કમાય છે તેમાંથી પણ ઘણું બધું એ ધર્મની સેવા માટે વાપરી નાખે છે. આમ ઘણો વિરોધ થયો ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થઈ પણ છતાંય મેં ત્યારે મહારાજને ન છોડ્યા. જેથી મહારાજ મારા પર ખૂબ રાજી થયાં. પછી તો દુબઈમાં ખૂબ મહારાજ સ્વપ્નમાં દર્શન આપતાં. એકવાર હું મહારાજની પાઘવાળી મૂર્તિ સામે બપોરે દ્રાક્ષ ધરાવતો હતો ત્યારે મને મનમાં સંકલ્પ થયો કે, આપણે આ ભગવાનને થાળ ધરાવીએ છીએ તો શું ખરેખર તે જમતા હશે ! જ્યાં મેં આ સંકલ્પ કર્યો ત્યાં તો પાઘવાળી મૂર્તિમાંથી મહારાજે હાથ બહાર કાઢી બે દ્રાક્ષ જમી ગયા. ત્યારે મને એમ થયું ખરેખર ભગવાન ભાવના ભૂખ્યા છે. આપણી ભાવના જો શુદ્ધ હોય તો મહારાજ જેમ આજે પ્રત્યક્ષ જમી ગયા તેમ દિવ્યરૂપે પણ થાળ જમે જ છે. પછી તો મોટા મુક્ત ભક્તોના મુખે દુબઈમાં ખૂબ જ મહારાજની કથા-વાર્તાનો લાભ મળ્યો. ત્યારે સૌ ભક્તો ખૂબ જ સંપીને ભાઈઓની જેમ હળીમળી મહારાજની સેવા-ભક્તિ કરતાં બહુ જ ત્યારે આનંદ આવતો જેનું કોઈ વર્ણન થઈ શકે તેમ નથી. સમય જતાં મહારાજને જૂનાગઢ જઈ મને પ્રત્યક્ષ દર્શન અને સેવાની ઈચ્છા થઈ એટલે શાંતિલાલભગતે મહારાજને કઈ રીતે સેવા-પૂજા દ્વારા રાજી કરવા તે બધું જ શીખવ્યું હતું. જેથી મહારાજ પણ વિશેષ રાજી થાય.
તા.૩૦-૧-૮૩ના રોજ ફુલહાર લઇને મહારાજ પાસે આવ્યા અને હાર પહેરાવી રાજી કર્યાં. ગજરા હાથ-ચરણમાં બાંધ્યા પછી મહારાજે મને દિક્ષા મંત્ર આપીને પોતાની જનોઈ પહેરાવી મને બોલ્યા બધાને ઉપદેશ આપવો, દિક્ષા આપવી, મંત્ર આપવો. ભજન કરાવવું અને ત્યારે મહારાજે મને બીજું નામ આપ્યું, ‘શ્વેતાયનાચાર્યજી મહારાજ' પછી રાજી થઈને ચિન્હોના દર્શન કરાવ્યાં. મહારાજે પોતાના જમણા પગનો અંગુઠો ચૂસવાનું કહ્યું, મેં પાંચ મિનિટ અંગુઠો મોઢામાં લઈને ચૂસ્યો. પછી મહારાજે અંગુઠો ધોઈને મને પાણી પાયું અને બોલ્યા આ જળ પીવાથી તારા ર૩ વર્ષના જાણે-અજાણે કરેલા પાપ તે બળીને
આજે ભસ્મ થઈ ગયા અને આજથી તું મારો ચેલો ખરેખરો ભક્ત થઈ ગયો.
ભગવાન ભક્તોની પ્રસાદી જમતા હતા અને મને પણ પ્રસાદી આપતા હતા. કાજુ, બદામ, કિસમીસ, પિસ્તા અને ઘઉંનો પોક હતો. ભગવાન જમે અને મને આપતા હતા, લખવાનું ચાલું હતું. મારી સાથે વતો કરતા હતા અને છેલ્લે ઘઉંનો પોક આવ્યો ત્યારે મહારાજ જમ્યાં અને બોલ્યા બહુ જ મીઠો છે. ઘઉંનો પોક આ છગને મોકલ્યો છે, ભગવાન જમે પછી આપણે જમીએ તો તેવા ભક્તો વંથલીવાળા ભક્તો છે. ભગવાન જમે પછી જ છોકરાવને જમાડે માટે પોક મીઠો છે. ભગવાનની ખૂબ સેવા કરી આરતીમાં જવાનો સમય થયો ત્યારે ભગવાન બહાર માથે પાઘ છોગુંવાળી ખુરશી પર બિરાજમાન થયા, હું સેવા કરતો હતો ત્યાં આરતીના ડંકા પડ્યા બધા સંતો દોડતાં દોડતાં મંદિરે જતા હતા. મેં કહ્યું, મહારાજ સંતો જાય છે. ભગવાન બોલ્યા કે તેને એમ છે કે ભગવાન ડેરામાં બેઠા છે, તને એમ છે કે મારી સામે બેઠા છે તું સેવા કરે છે.
આમ ભગવાનની સેવા કરતો હતો. ત્યારે ભગવાને ખૂબ આશીર્વાદ આપ્યા કે, ખૂબ સુખી થાઓ ભક્તિ કરો, પ્રસાદી આપી સેવા આપી. હવે જમીને નીકળી જશો, જમીને ઉતારે ગયો, જવા માટે રજા લેવા ગયો, દંડવત્ કરી ભેટ્યો ભગવાન ખૂબ રાજી હતા. આશીર્વાદ આપ્યા. ખૂબ સુખી થાઓ, નાણા મળો અને ભગવાન ભજો. ભગવાન ભક્તોને દર્શન દેવા આવ્યા. હાથ જોડી નીચે નમસ્કાર કર્યાં. ભગવાન કહે સુખી થાઓ. તમારી સાથે જ લીએ, ભેળા છીએ, રક્ષામાં છીએ, ભજન કરજો પગે લાગીને નીચે આવ્યો અને પોરબંદર જવા રવાના થયો.
ભગવાનની આજ્ઞા લઈ બજારમાં ગયા બજારમાંથી બાટા કંપનીના સ્લીપર લીધા, પૂજા માટે મંદિરમાંથી માળા, કંઠી. બધી વસ્તુ પૂજાની લઇને ભગવાન પાસે આવ્યો. મહારાજ પુસ્તક લખતા હતા. મહારાજે લખવાનું બંધ કરી બોલ્યા શું લાવ્યા છો. મહારાજે ઊભા થઈને ર૪ અવતારની મૂર્તિ પાસે બેઠાં અમો બેય જણા ચરણ દબાવવા લાગ્યા. મહારાજ પ્રસાદી જમતા હતા. અમોને પ્રસાદી આપતા હતા, જમાડતા હતા. મારી પૂજા પ્રસાદીની કરીને માળા ભગવાને ઘરીવાર ફેરવીને માળાને ડાળો આપ્યો કે માળા ઊંચી કરીને નાકની દાંડી ઉપર હાથ રાખી માળાને ડારો આપ્યો કે, આ મારા સેવકની સુદર્શન ચક્રની જેમ કાયમ રક્ષા કરજે. આમ ત્રણ વખત બોલ્યા અને કહ્યું, આ માળા પૂજામાં રાખજે અને મારો મંત્ર બોલી કાયમ ફેરવજે. પછી બધી વસ્તુ પ્રસાદીની કરીને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા કે ખૂબ
સુખી થાઓ, ભગવાન ભજો. પછી બેય જણાને લાડું આપ્યાને કહ્યું કે, ઠાકોરજીને જમાડી આવો નળ પાસે જઈને બંને જણા હસતા હસતા ભગવાનનું નામ લઈ લાડવા જમતા હતા. ભગવાન પાસે આવ્યા. ભગવાનના ચરણ દબાવવા માંડ્યા. ત્યાર પછી મહારાજે સાકર પ્રસાદીની કરી આપી. કુંકાવાવ લઈ જવા માટે આપી. અમો લઇને થેલીમાં રાખી. ભગવાન પાસે આવ્યા ભગવાન ખૂબ રાજી થઈને દુબઈ મંડળને યાદ કરીને હસાવતા હતા.
મહારાજે ધોતી, કવર, ત્રણ ગંજી, સ્લીપર, નખ, દાતણ, સાકર, ગુલાબનો હાર પહેર્યો હતો તે આપ્યો. સાબુ રાખવાનું ખોખું, ચંદન, કંઠી, જોઈ બધી વસ્તુ પ્રસાદીની આપી.
મહારાજ તિલક કરી આચાર્યપદ આપીને બોલ્યા કે, ‘‘જેમ રામના ગુરુ વશિષ્ઠ ઋષી હતા અને તેની ગાદી વર્ષો પહેલાં પુજાતી હતી તેમ આ પ્રગટ ભગવાનની ગાદી વર્ષો પછી કાયમ માટે આ પૃથ્વી પર પુજાશે. મારી ગાદી ઉપર મારી મૂર્તિ રાખજે ખાલી આસન ન રાખવું અને કાયમ સેવા-પૂજા કરવી એવી ભલામણ કરી.
તા.રપ-૬-૮પના રોજ વિદેશથી આવી ડાંગથી બપોરે ૧ વાગે નીકળી પોરબંદર ગયો. પોરબંદરથી બે વાગ્યે જસદણ ગયો. મહારાજ પાસે જૂનાગઢ પાંચ વાગ્યે પહાગચ્યો. ત્યાં મહારાજની સેવા હેમંતભગત કરતા હતા. કમર દબાવતા હતા. મહારાજ એક તકિયો તથા ઓશીકું અને તેના પર ભગવો ટુવાલ નાખેલ હતો. મહારાજ બે કોણી તકિયા પર અને શીરપર હાથ હતા ને બિરાજમાન હતા. ત્યાં હું મહારાજને જય સ્વામિનારાયણ કહી દંડવત્ કરવા માંડ્યો. ત્યાં મહારાજ કહે, હેમંત સેવા કરવાવાળો આવી ગયો. તરત જ મહારાજ કહે, રાખો. પછી હેમંતભગતને કહે, તું જા હવે આ દબાવે છે. પછી ભગત મહારાજની કમર દબાવતા હતા. તેમજ હું પણ દબાવવા માંડ્યો. હું સેવા કરતો જ હતો પછી મહારાજે ટુવાલ વાસા પર નાખીને કહે, હવે વાસો દબાવ. મહારાજની સેવા કરીને બધાના સમાચાર પૂછ્યા અને પછી મહારાજ કહે, જાઓ હેમંતભગતને ત્યાં થેલો રાખી આવ. પછી આરતીનો સમય થવા આવ્યો હતો. હું ભગતના રૂમમાં ગયો પછી આરતીમાં ગયો. આરતી પછી જમીને સાડા આઠ વાગે મહારાજની સેવા કરવા ગયો અને તે પહેલાં મહારાજે રતિલાલભગતના સેવકને અને બીજા ભક્તોને હાર લેવા મોકલેલા હતા. સાંજના હાર મળી ગયા હતા અને હું તો મહારાજની સેવા કરતો હતો. મહારાજ પલંગની બાજુમાં નીચે બિરાજમાન હતા. મહારાજ કહે, જેને ભગવાન સિવાય બીજું ગમતું નથી તેને પછી માયા બંધન કરતી નથી. સગા-સંબંધી બીજી વાતો કરે તેમાં ફાવે નહીં અને ખુરશી પર સુઈ
જાય પછી શું કરે ? ભગવાન સંભારે. મહારાજે મારી બધી વાત કરી. ભગવાન અંતર્યામી છે. હું જ સગા-સંબંધીને ત્યાં જતો અને તે પહેલાં બધા લોકોની વાતો કરે રાજકારણની વાતો કરે મને ફાવે નહીં. પછી ખુરશી પર સુઈ જતો અને મનમાં ભગવાનને સંભારતો. આ વાત મહારાજે મને યાદ કરાવી.
મહારાજ કહે, આ અમેરિકા અને રશિયાએ એવા વિમાન બનાવ્યા કે ચંદ્રલોકમાં જાય અને તે નીચે બેઠા બેઠા જેમ ચાવી ફેરવે તેમ વિમાન ઉપર હોયને તેમ ચાલે આવા યંત્ર છે. તેમ આ બ્રહ્માંડોમાં હું અહીં બેઠો બેઠો જેમ સંકલ્પ કરું તેમ સર્વે બ્રહ્માંડોમાં થયા કરે છે. બધાયની ચાવી મારા હાથમાં છે હું કરું તેમ થયા કરે છે પણ મારો ભક્ત ખરો હોય એ તો એમ માને કે ધન્ય છે કે આપણને તો ભગવાન મળ્યા છે. હું તો આત્મા છું, બ્રહ્મ છું, પરમધામનો મુક્ત છું. ત્યાંનો રહેવાસી છું અને ભગવાન મારા સાથે જ છે તેમ માને. આમ મારો ભક્ત મારા કેફમાં ને કેફમાં વર્તતો હોય, નિષ્કપટી હોય કોઈની પરવાહ કર્યા વગર ભજન કર્યા કરે ને સેવામાં પાછો ન હટે. ભગવાન કહે તેમજ કરે તેને પછી આ જગતનું પદાર્થ કે માયા બંધન કરી ન શકે.
ભગવાનના કેફમાં અલમસ્ત વર્તે છે ત્યારે મહારાજ લટકા કરતા કરતા વાત કરતા હતા પછી મહારાજના ફોટા પાડવાની મેં વાત કરી. મહારાજ કહે, ચાલ તારે જેમ પાડવા હોય તેમ પાળી લે પછી એક રોલ ફોટા પાડ્યા અને મહારાજ હાથમાં સળી લઈને ર૪ અવતારની મૂર્તિ પાસે મને લઈ ગયા અને મહારાજ કહે તારે બધા જ ઉપદેશ કરવો અને ધીરે ધીરે બધાને સમજાય અયોધ્યામાં વશિષ્ટ ઋષીની ગાદી પહેલેથી પુજાય છે તારે અહીંથી જઈને એક બાજુ ભગવાનની મૂર્તિ છે ત્યાં જ મારી ગાદી પૂજવા ચાલુ કરી દે પછી ધીરે ધીરે બધા આચાર્યની ગાદી પણ ચાલુ કરવી છે. તું પ્રથમ ચાલુ કરી દે અને શામજીને તથા તેને વાત કરવાની કે આ ગાદીને કાયમના માટે આરતી ચાલું રાખવી અને તારે એમ કરવું કે ગાદી પર મારી મૂર્તિ પધરાવી દે ને બીજાના વાઘા ન આવે કે આ કેમ આસન ખાલી છે પછી તારે એમ કહેવું કે આ અનાદિ શ્રીકૃષ્ણનારાયણની આપેલ ગાદી છે. મહારાજે એક આસન મને પ્રસાદીનું આપેલ છે અને મહારાજ કહે ગાદીની આરતી જઈને જ ચાલુ કરી દેવી. મહારાજ મને ચાંલ્લો કરે ે અને ભક્તોને આનંદ ઉપજાવે છે અને મેં કંઠી પ્રસાદીની કરાવી. માળા આદિ વસ્તુ પ્રસાદીના ગુલાબનો હાર તથા બધી વસ્તુ લઈ હું તો ઉતારામાં હેમંતભગત સાથે હતો ત્યાં બેગમાં રાખીને ભગત પાસે થોડીવાર આરામ કર્યો પછી સ્નાન કરી ૩-૩૦ વાગે
મહારાજના દર્શન કરવા ગયેલો. મહારાજ પુસ્તક ચેક કરતા હતા અને હું જઈને મહારાજની સેવા કરતો હતો. મહારાજ કહે, અ પુસ્તક છેલ્લું છે હવે મારે બધું લખવાનું કામ પૂરું થયું. હવે તો ભક્તોને સુખ દેવાને આરામ કરવો છે આમ મહારાજ વાતો કરતા હતા.
તા.૧ર-૭-૧૯૮પના રોજ અમો બંને જણા મહારાજના દર્શન કરવા માટે ટુકડાથી સવારે છ વાગે નીકળેલા. પોરબંદર ગયા ત્યાંથી જૂનાગઢવાળી એક્તસપ્રેસ બસ સાત વાગે ઉપડે છે તેમાં બેઠા. ભક્તોએ મહારાજ માટે આપેલ વસ્તુ મારી સાથે હતી. અમે જૂનાગઢ ૧૦ વાગે પહાગચ્યા. ઉતારા કર્યા પછી હું બધી વસ્તુ હતી તે લઈ મહારાજ પાસે ગયો જય સ્વામિનારાયણ કરી દંડવત્ કરતો હતો. મહારાજ કહે, હવે હાવ રાખો. મેં મહારાજને કહ્યું કે, મહારાજ બધા મંડળે દંડવત્નું કહ્યું છે. મહારાજ કહે, જેને કહ્યું હોય તેના નામ લે. પછી ભક્તોના દંડવત્ કર્યા ત્યારે મહારાજ શાસ્ત્ર લખતા હતા. મહારાજે તરત જ અંગુઠાનું જળ આપ્યું અને વાસામાં થાપા માર્યા ને કહ્યું, સુખી થાઓ. પછી મેં બધા ભક્તોના જય સ્વામિનારાયણ કર્યા. મહારાજના ચરણો દબાવતો હતો ને મહારાજે લખવું બંધ કર્યું ને મહારાજે બધા શ્રીહરિ શરણાગતિ મંડળના સમાચાર પુછ્યા. કાંતિલાલ ભગતની બીમારીની વાત કરી. મહારાજ કહે, સારું થઈ જશે. જયંતિલાલ હંસરાજ ચાવડાવાળાની વાત કરી કે, મહારાજ આજ્ઞા આપે તો હું દેશમાં આવું. મહારાજ કહે, હું વિચાર્યા જ કરું છું કે મારા ભક્તો કેમ સુખી થાય અને કેમ એને પૈસા વધારે મળે. તેને હજી ત્રણ મહિનાનું કામ તો છે. મેં કહ્યું, મહારાજ એટલું કામ છે. મહારાજ કહે માવતર તો લખે કે લગ્ન કરવા છે તો આવી જા પણ ત્રણ મહિના વધારે રોકાય તો લગ્નના પૈસા નીકળી જાય તે વિચાર ન કરે. અત્યારે આવે તો ૧પ હજાર કંપનીમાંથી ન મળે. અહીં ત્રણ મહિનાના ૧પ હજાર કોણ આપે ? જો રોકાઈ જાય તો એના લગ્નનો ખર્ચ નીકળી જાય. મહારાજ કહે, લખી નાખજે તું કાગળમાં કે હમણાં ફિનીશ થઈને આવતો નહીં.
મહારાજને આરામનો સમય થઈ ગયો. હું જમવાનું લઈ ઉતારે ગયો. મારી સાથે હરિકૃષ્ણ ભગવાનજી ભગતનો સેવક હતો. થોડો આરામ કર્યો અને સ્નાન કરી પાછા મહારાજના દર્શન કરવા ગયો.મહારાજની સેવા કરી. ઘણીવાર પછી મહારાજે થોડીક આચાર્ય વિશે વાત કરી. મહારાજ કહે, હવે બજારે જઈ આવો. અમો ફુલહાર, પ્રસાદી થોડીક વસ્તુ લેવા બજારમાં ગયા.
બીજે દિવસે સવારે હું વહેલો ઉઠી, પૂજા કરી અને પાંચમાં દશ મિનિટની વાર હતી
ત્યાં મહારાજના દરવાજા બંધ હતા. એક ટકોરો કર્યો હેમંતભગતે તરત જ દરવાજો ખોલી દીધો. હેમંતભગતે લાઈટ ચાલુ કરીને તરત જ મહારાજ માટે પાણીની ડોલ તૈયાર કરી અને હું તો મહારાજના દર્શન કરતો હતો. મહારાજ તો પલંગ પર પોઢ્યા છે. હું મનમાં વિચાર કરતો હતો કે મહારાજ તો જાગતા જ હોવા જોઇએ. ‘‘રજની વિતી વેણલું વાયુ પંખી વનમોર બોલે રે, જાગોને ગોપાળ કુંવર...'' આમ એક કડી ગાઈને મનમાં મનમાં હસતો અને આનંદ થતો હતો. મહારાજના છપ્પર પલંગ પર મચ્છરદાની હતી. મહારાજનો એક હાથ બાજુમાં ધુસા ઉપર હતો અને એક હાથ મસ્તક પર હતો. પછી મહારાજે તરત જ જમણા પગનો અંગુઠો મંડ્યા હલાવવા. એટલે મને થયું કે મહારાજ તો જાગે છે. હું મનમાં આનંદ માણતો મચ્છરદાનીની અંદર ગયો. મચ્છરદાની અંદર પ્રગટ ભગવાનના દિવ્ય સ્વરૂપની સુગંધ આવતી હતી. અંદર જતા જ મને તો અતિ આનંદ થવા લાગ્યો. મનમાં વિચારતો હતો કે ભગવાને આપણા ઉપર કેટલી દયા કરી છે. પછી મહારાજના ચરણો, સાથળમાં સેવા કરવા માંડ્યો. મહારાજ કહે, વહેલો આવી ગયો. મેં કહ્યું, હા મહારાજ. મેં ૧૦ મિનિટ સેવા કરી.
પછી હેમંતભગતે મચ્છરદાની ઉપરથી ઉતારી. મહારાજ બેઠા થયા અને બાથરૂમમાં ગયા. હેમંતભગતે દાતણ તૈયાર રાખેલું હતું. મહારાજે દાતણ કર્યું અને સ્નાન કરવા ડોલની બાજુમાં બેઠા અને મને પણ ઈચ્છા હતી મહારાજને સ્નાન કરાવવાની. મહારાજને સ્નાન કરાવ્યું અને મહારાજના ફોટા લેવાના ચાલુ કર્યા. સવારમાં સ્નાન કરતો ફોટો લીધો. મહારાજ સ્નાન કરીને બહાર રૂમમાં આવ્યા અને હેમંતભગતને કહે, એક આ ફોટો લઈ લે. હું બાજુમાં જ ઊભો હતો. મહારાજ અતિ રાજી થઈને આપણે જેમ કહીએ તેમ મહારાજ ફોટા પાડવા દેતા હતા. મહારાજ પૂજા કરવા બેઠા અને મેં મહારાજને ગુલાબનો હાર પહેરાવ્યો અને અત્તર, સેન્ટ આપ્યું અને મહારાજ કહે આ મસ્તક પર છાંટ. મહારાજ કહે ઠંડુ છે. કેસરની ડાબલી આપી તો મહારાજ કહે, સારું કામ થયું હમણાં કેસર ખલાસ હતું. પછી મહારાજની મેં આરતી ઉતારી અને બાજુમાં બેઠો ત્યાં ભક્તો દર્શન કરવા આવ્યા દંડવત્ કર્યા અને મહારાજ ભક્તોને એક એક સાકરનો ગાંગડો આપે તેમ ભક્તો પ્રસાદી લઈને ચાલ્યા જાય. હું મહારાજની બાજુમાં જ બેઠો હતો. ભગવાન તો પૂજા થઈ રહી ત્યાં હેમંતભગત ચા લઈને આવ્યા. મહારાજે તરત જ કેશરની ડાબલીમાંથી બે રકાબીમાં કેસર નાખ્યું અને મને સંકલ્પ થયો કે, પ્રસાદી મળે તો સારું તરત જ મહારાજે ચા અડધી રકાબી તેમાંથી મને આપી. ભગવાન તો ભક્તો સંકલ્પ કરે તે સંકલ્પો પૂરા કરે. મહારાજ મને કહે, જા ઉતારે
ચા આપી આવો. પછી પ્રસાદી, ફૂલના હાર લઇને હું ઉતારે ગયો ત્યાં મહારાજની પ્રસાદી જમ્યાને ચા નાસ્તો કર્યો.
સવારે નવ વાગવા આવ્યા ત્યારે હું ફરી મહારાજના દર્શન કરવા ગયો. મહારાજ ખુરશી પર બિરાજમાન હતા દંડવત્ કરી ચરણસેવા કરવા બેઠો. મહારાજ માળા કરતા હતા. મને મનમાં ને મનમાં ઘણી સેવાના સંકલ્પ થતા હતા. મહારાજ તો આંખો મીંચીને બેઠા હતા. પછી મહારાજને મેં વાત કરી કે મહારાજ કૃપા કરી દિવ્યસેવાનો લાભ આપો. મહારાજ કહે, તું ક્યારનો સંકલ્પ કરે છે. ત્યાં ૯ ને ૩૦ મિનિટ થઈ ત્યાં ઘડિયાળનો ડંકો પડ્યો. મહારાજ મને કહે કેટલા વાગ્યા ? મેં કહ્યું, મહારાજ સાડા નવ વાગ્યા. મહારાજ કહે, આ આગળની જાળી બંધ કર હવા બહુ આવે છે. પછી મેં આગળની જાળી બંધ કરી. મહારાજ તો ખુરશી પર જ બિરાજમાન હતા. હું તો મહારાજની સેવા કરતો જ હતો ત્યારે મહારાજ ખુરશી પર જેમ માણસ આરામ કરે તેમ થોડા લાંબા થયા અને ૧પ મિનિટ પછી મહારાજ પલંગ પર બિરાજમાન થયા અને હું તો ત્યાં પણ મહારાજની ચરણ સેવા કરવા લાગ્યો. મહારાજ કહે, ગરમી બહુ થાય છે માટે પંખો ચાલુ કર. મેં પંખો ચાલુ કર્યો. છતાં પરસેવો સૂકાતો ન હતો. એટલે મહારાજ મને કહે, હવે તું થાક્યો લાગે છે. પરસેવાથી તારું ખમીસ ભીંજાઈ ગયું છે. માટે હવે તું ઉતારા પર જા અને આરામ કર. મેં ઉતારે જઈ આરામ કરી બપોર પછી ચાર વાગ્યે મહારાજ પાસે ઘરે જવા રજા લેવા ગયો.
ત્યાં દેવસ્વામી મહારાજ પાસે આવ્યા ને કહ્યું, મહારાજ આપણાં નવા બાલમુકુંદ ભવનનાં વાસ્તા માટે તમને યોગ્ય લાગે એ તારીખ અને તિથિ લખી આપો. એટલે મહારાજે હાથમાં કલમ લઇને ‘‘શ્રાવણ સુદ-૧૩, તા.ર૮-૮-૧૯૮પ''નું મુહૂર્ત આપ્યું અને ત્યારે મને પણ કહ્યું કે, તમે પણ આ તારીખ લખી લેજો અને સમયસર બાલમુકુંદ ભવનનાં વાસ્તાના સમૈયામાં પધારજો. પછી હું મહારાજને દંડવત્ પ્રણામ કરી ઘરે જવા નીકળી ગયો.
તા.ર૭-૮-૮પ હું અને મારો ભાઈ શામજી બાલમુકુંદ ભવનના વાસ્તામાં ગયેલા...
અમો સાંજે ૪-૦૦ વાગ્યે જૂનાગઢ પહાગચ્યા. શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તો ભરચક હતા. ભક્તો મહારાજનો દિવ્ય બાલમુકુંદ ભવન શણગારતા હતા. ભક્તોમાં ખૂબ ખૂબ આનંદ છવાઈ ગયો હતો. ભક્તો એકમેકને બાથ ભરીને ભેટતા હતા અને પછી હું મહારાજના દર્શન કરવા ગયો. મહારાજ પાસે ભક્તો અને જીરાગઢ મંડળ બેઠું હતું. ભક્તો
૧૬ હતા. મહારાજે બધાને કંઠી બાંધી.
મહારાજને દંડવત્ કરી હું પણ બધા સાથે બેઠો. ત્યાં બે ગઢડાવાળા સંતો આવ્યા. મહારાજને પગે લાગીને બેઠા સાથે કોઠારી તથા દેવસ્વામી તથા હેમંતભગત હતા. ત્યારે મહારાજ કહે, હવે સર્વે મંડળ આરામ કરો. મહારાજ તો તકિયાના આધાર લઈ બેઠા. હું અને દેવરાજભગત તથા જયસુખભગત મહારાજના અંદરના રૂમમાં ઊભા હતા.
સંતો મહારાજને વાત કરતા હતા. મહારાજ ગઢડા ઉત્સવ ઉજવવો છે પણ પાણીની બહુ તકલીફ છે. ઘેલા નદી સાવ કોરી ધાકડ પડી છે. ઉત્સવ થઈ શકે તેમ નથી. પાણી પણ ન હતું. પણ આપની દયાથી પાણી આવ્યું છે તો બે મશીન ચાલે છે ને સંતોને પાણી મળે છે. બધા દેવની ચિઠ્ઠી નાખેલ પણ પાણી ત્યાં આવેલ ન હતું. પછી આપના પર વિશ્વાસ રાખી આપના નામની ચિઠ્ઠી હતી ત્યાં જ બે મશીનનું પાણી થયું છે. સંતો મહારાજને પ્રાર્થના બે હાથ જોડીને કરતા હતા કે, મહારાજ જો વરસાદ થાય અને ઘેલા નદી છલકી જાય તો પાણીની મુસીબત ઓછી થાય. મહારાજ તો તકિયાના આધારે બિરાજમાન હતા અને પાંચ મિનિટ તો ન બોલ્યા ને પછી મસ્તક પર હાથ ઉતારીને મહારાજે હાથ ઉંચો કરીને આશીર્વાદ આપ્યો કે જાઓ ઉત્સવ ઉજવો. ભગવાન તમોને પાણી આપશે પછી સંતો મહારાજને કહે, મહારાજ તમો ત્યાં પધારશોને ? આ સ્વરૂપે નહીં આવી શકો પણ મહારાજ દિવ્ય સ્વરૂપે ત્યાં પધારશો તો પણ અમારું કાર્ય પૂર્ણ થશે. મહારાજ કહે, જાવ ભગવાન બધું કામ કરશે પછી સંતો મહારાજને પગે લાગીને રવાના થયા. દરવાજા બહાર નીકળ્યા ત્યાં અમે બાજુના દરવાજામાંથી મહારાજ પાસે આવ્યા. અમારી ઈચ્છા તો સેવા કરવાની હતી કે ભેળા મળી મહારાજની સેવા કરીએ. અમોએ મહારાજને પ્રાર્થના કરી કે, મહારાજ સેવા કરવા રોકાયા છીએ. મહારાજ કહે, કાલે મારે ઘણું કામ છે. માટે અત્યારે જાઓ, આરામ કરો. પછી તો મહારાજ જેવી તમારી મરજી. અમો પગે લાગી બહાર આવ્યા. મહારાજે દરવાજો બંધ કર્યો.
અમે તથા જીરાગઢ મંડળ કોઠારી સ્વામીનો રૂમ છે ત્યાં ફુલહાર પરોવવા ગયા અને ભક્તો મહારાજના લીલાચરિત્રોની વાતો કરતા હતા. અમુક ભક્તો ફુલહારથી બાલમુકુંદ ભવનને શોભાયમાન કરતા હતા. રાતના ભક્તો આનંદ તો હતો પછી ફુલહારનું કામ પૂરું થઈ ગયા પછી ભક્તો કહે હવે આરામ કરો. બધા ભક્તો ઉતારે ગયા. રાતના દોઢ વાગ્યા હતા અને અબુધાબી મંડળ, પૂનામંડળ, દયાળજીભગત, પ્રાગજીભગત, અંબાલાલભગત, ચંદુલાલભગત, દેવરાજભગત, કાન્તિલાલ ભગત, ઓધવજીભગત આદિ સર્વ મંડળમાંથી
બે-ત્રણ ભક્તો હાજર હતા. એટલે મહાસભા થઈ. સૌ મહારાજના લીલાચરિત્રની વાતો કરતા હતા. મહારાજે ભક્તોને સુખ આપ્યા તે વાતો થતી હતી. પછી ભક્તો સવારે મહારાજના દર્શન કરવા ગયા ત્યાં પણ રૂમમાં માણસો સમાતા ન હતા. પાંચ વાગ્યા ત્યાં તો મહારાજ સ્નાન કરી પૂજા કરી ભક્તોને દર્શન આપવા બિરાજમાન થઈ ગયા હતા. મહારાજના દર્શન કરી રવાના થઈ બીજા ભક્તોનો વારો આવે તેમ સવારે દર્શન કરી ભક્તો જતા. ત્યાં સર્વે ઠેકાણેથી ભક્તો આવતા જ હતા. રાજકોટ મંડળ, વંથલી મંડળ, કુંકાવાવ મંડળ બસો લઈને પધાર્યા. મહારાજના ભક્તો દર્શન કરીને મંદિરમાં જતા. પછી સભામંડપમાં પ્રવચન રાખવામાં આવ્યું હતું ત્યાં ભક્તોની ભીડ જામી. સર્વ સંતો પધાર્યા અને મહારાજ પણ બિરાજમાન થયા. મહારાજ ફુલના હારથી શોભતા હતા. પ્રથમ મહારાજે જે સંતો, ભક્તો અને સત્સંગીઓ આવ્યા હતા તેને આશીર્વાદ આપ્યા. પછી મહારાજે પ્રવચનમાં ગઢપુરની ભૂમિ, વડતાલની ભૂમિ, જૂનાગઢની ભૂમિની વિશેષતા બતાવી. ભક્તોને આશીર્વાદ અને ઉપદેશ આપ્યો કે, ભગવાન અને સંતો લેખે વાપરો તો તમારે સોનાની લગડીઓ ને લગડીઓ નીકળ્યા જ રાખશે, ખુટશે જ નહીં, થર ને થર આવ્યા રાખશે.
પછી સંતોએ મહારાજ વિશે જેણે જેવા જાણ્યા હતા તેવા પ્રવચન કર્યા હતા. જામજોધપુરના શાસ્ત્રી ભગવતચરણદાસજી એ મહારાજ તો સાક્ષાત્ પ્રગટ ભગવાન છે તેમ વાત કરી હતી. સભાની પૂર્ણાહુતિએ મહારાજના ગુલાબના હારની પ્રસાદી લેવા માટે ભક્તો ઊમટી પડ્યા હતા. ધકાધકી થઈ ત્યારે અમદાવાદના બ્રહ્મચારી સ્વામી મહારાજને કહે કે, સ્વામી આમને ના પાડો. આ બહુ ગરદી થઈ છે. મહારાજ કહે, અત્યારે આ બધા મારું માને તેમ નથી. પછી મહારાજે મને હાર પહેરાવ્યો હતો તેમાંથી પણ ભક્તો મંડ્યા ફુલ તોડવા પછી મારા હાથમાં ખોબામાં આવ્યો તેટલો હાર રહ્યો. બાકી બધા ભક્તો લઈ ગયા પછી હું તો ખોબો વાળીને સીધો ઉતારે ગયો. મહારાજ તો પછી સભામંડપમાંથી કઈ રીતે નીકળી ગયા કંઈ ખબર ના પડી. ઉતારે ગુલાબ પાંખડી રાખીને પાછા બીજા બધા ભક્તો સંતોને જમાડવા, ભક્તોને જમાડવામાં રહ્યા હતા. ત્યાં હું અને જયંતિભાઈ અમોએ નક્કી કર્યું હતું કે, આપણે મહારાજના દર્શન કરવા જાઈએ. તો જૂના રૂમમાં તો તાળું હતું. બીજા સ્વામી કહે, મહારાજ બાલમુકુંદ ભવનમાં હવનમાં બીડું હોમવા ગયા છે. તો અમો દોડતા મહારાજના ભવનમાં પહાગચ્યા ત્યાં મહારાજને બ્રાહ્મણ ચાંલ્લો કરતા હતા ત્યાં હું પણ બાજુમાં જ ઊભો હતો. મહારાજ બ્રાહ્મણને કહે, આને પણ ચાંલ્લો કરો. બ્રાહ્મણે મને ચાંલ્લો
કર્યો. હવન વિધિ ચાલુ થઈ પછી પૂરી થઈ ત્યાર પછી બધા સભામંડપમાં જમવા ગયા.
હું તથા ખીમજીભગત રોકાયા હતા. ખીમજીને મહારાજના પ્રથમ જ દર્શન હતા. તો મહારાજ કહે, બેમાંથી ત્રણ થયા. ખીમજીને મહારાજે થાપો માર્યો અને કંઠી બાંધી મંત્ર આપ્યો. પછી મેં મારા ઓપરેશન કરવાની ચીઠ્ઠી પ્રવીણભગતને આપી દીધી હતી. તેમણે મહારાજને આપ્યા પછી મહારાજ વાંચીને કહે, બધા સારાવાના થશે પછી મેં રજા લીધી ને જામનગર જવા નીકળ્યો. બધા ભક્તો કુંકાવાવ ગયા. અમે તો સાંજે આઠ વાગ્યે જૂનાગઢથી નીકળ્યા અને જામનગર આવ્યા. જામનગર ચાર દિવસ રોકાયા.
હું છેલ્લીવાર જ્યારે જૂનાગઢ મહારાજના ગયો ત્યારે મહારાજે ખૂબ જ દર્શન સેવાના મને સુખ આપ્યા અને ઉપદેશ પણ આપ્યો કે, તમે દ્રૌપદીના જેવી ભૂલ ના કરતાં. દ્રૌપદીના જ્યારે ચીર હરણ થતાં હતાં ત્યારે જો દ્રૌપદીએ તરત જ અંતર્યામી એવા એના હૃદયમાં બેઠેલા ભગવાન શ્રીકૃષ્ણને તરત જ યાદ કર્યાં હોત તો ભગવાન તરત જ આવી તેની રક્ષા કરત પણ અંતર્યામી એવા ભગવાનને યાદ કરવામાં મોડું કર્યું જેથી સમયે રક્ષા ન થઈ શકી પણ ભગવાન દયાળું છે જે સંપૂર્ણ દ્રૌપદીના ચીર હરણ ન થવા દીધા અને તેની લાજ બચાવી લીધી. તમને એટલા માટે આ વાત કરું છું કે, જ્યારે જીવનમાં દુઃખ કે સંકટ આવે ત્યારે મને અંતર્યામી પ્રગટ ભગવાનને સંભારશો એટલે હું જરૂર આવી જઈશ. આમ વાત કરી મહારાજે મારા ખભે હાથ રાખી અને રૂમમાંથી બહાર ગેલેરીમાં આવ્યા અને ત્યાં મને જમીનથી છત સુધી મોટા થઈ મહારાજે મને વિરાટ સ્વરૂપના દર્શન આપી આશિર્વાદ આપ્યા કે જાવ ભજન-સેવા કરજો. બીજાને પ્રગટ ભગવાનની ઓળખાણ અપાવજો અને મારા કાર્યો કરી ડંકો વગાડી પરમધામમાં આવજો.
આ છેલ્લા દર્શન આપી સમય જતાં મહારાજે બીજા જ વર્ષે સ્વધામગમન કર્યું. અમે સૌ ભક્તો ત્યારે દુબઈ હતા. મહારાજના ધામગમનનાં સમાચાર સાંભળી સૌને ખૂબ જ દુઃખ થયું. હું તો ઘણીવાર બેશુદ્ધ પણ થઈ જમીન પર ઢળી પડ્યો. થોડાં દિવસ તો મહારાજના વિયોગમાં અન્ન-જળ-નિંદ્રાનો પણ ત્યાગ કરી માત્ર રડ્યા જ રાખતો. ત્યારે બીજા ભક્તોએ આશ્વાસન આપી મને શાંત કર્યો. થોડાં દિવસ પછી દુબઈથી જૂનાગઢ આવી પછી જામવંથલી આવ્યો ત્યાં હિરાબાપાના ઘરે એક રૂમમાં ત્રાસમાં મહારાજનાં અગ્નિસંસ્કારમાં પ્રભુનું હૃદય જે નહોતું બળ્યું તેના દર્શન કર્યાં ત્યારે ભક્તોએ કહ્યું કે, આપણે મહારાજના આ હૃદયને ફુલવાડી મંદિરના મધ્ય શિખર નીચે ત્રાંબાના ઘડામાં રાખી પધરાવવું છે. શ્રીહરિ શરણાગતિ
મંડળના આચાર્ય હોવાથી તમે સર્વ ભક્તો વતી આ કાર્ય કરો. પછી ભક્તોએ મારા મસ્તક પર એ હૃદયયુક્ત ઘડો મૂક્યો ત્યારે થોડી ક્ષણ માટે તો મને અનંત આત્માઓની દિવ્ય ગતિ થતી હોય એવા અલૌકિક દર્શન થયા.
તે દિવસે રાત્રો સૂતા સૂતા મને વિચાર આવ્યો કે, આજે મને જે દર્શન થયા તે શું હશે ? તો મને મહારાજે સ્વપ્નમાં દર્શન આપી કહ્યું કે, ‘‘મારું હૃદય જૂનાગઢથી ફુલવાડી સુધી આવ્યું ત્યારે રસ્તામાં મારા હૃદયને વાયુ દ્વારા પણ જે જે આત્માનો સ્પર્શ થયો તેને મેં કૃપા કરી મારા પરમધામમાં વાસ આપ્યો તે દિવ્ય આત્માઓના તમને આજે મેં દર્શન કરાવ્યા.'' આ રીતે પ્રગટ ભગવાનનું પ્રસાદીનું હૃદય એ પણ અનેક જીવાત્માઓનું કલ્યાણ કરવા સમર્થ છે.
ફુલવાડી મંદિરનું કાર્ય પૂર્ણ થયા બાદ મધ્ય શિખરમાં મહારાજની પંચધાતુની મૂર્તિ બનાવવાનું કાર્ય નાગપુર આપવામાં આવ્યું ત્યારે મેં લાખો રૂપિયાની એક નોકરીને ઠુકરાવીને પણ મહારાજની મૂર્તિનું કામ સારું થાય તે માટે મોટા ભક્તોએ મને જે જવાબદારી સાગપી હતી તેને ધ્યાનમાં રાખીને હું દુબઈથી ફુલવાડી આવ્યો. ત્યાર પછી વેલજીભગત અને સાથે મારે પણ અવારનવાર નાગપુર જઈ મૂર્તિના કાર્યના દેખરેખ માટે જવાનું થતું. પહેલાં તો બે વાર મૂર્તિમાં કંઈકને કંઈક અપૂર્ણતા રહી જતી તેથી એકવાર મને અતિ દુઃખ થયું, હું જમ્યો પણ નહીં ત્યારે મહારાજે મને હીરા-માણેકથી ઝળહળતા સુવર્ણના ઝુલા પર જુલતાં હોય તેવા દર્શન આપતા કહ્યું કે, કેમ આજે જમ્યો નથી ? તો મેં મહારાજને કહ્યું, મહારાજ મૂર્તિનું કાર્ય આગળ વધતું નથી માટે દુઃખ થાય છે. તો મહારાજ કહે, એ તો આ બંદો ધારે ત્યારે કામ પૂરું થાય. માટે જા હવે મારી મૂર્તિ પરિપૂર્ણ મારી ઈચ્છા પ્રમાણે રમણીય સુંદર બનશે. આમ કહી ત્યારે મહારાજે આશ્વાસન આપ્યું અને એમ જ બન્યું. પછી જે મૂર્તિ ઢળાઈ તે પરિપૂર્ણ બની ગઈ અને સૌ મુક્ત ભક્તો રાજી રાજી થઈ ગયા.
પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ભગવાનની કૃપાથી જીવનમાં ખૂબ જ મહારાજની સેવા-ભક્તિ અને કાર્યો કરવાનો મને લાભ મળ્યો છે અને આજે અમારા પરિવારમાં સૌ ભાઈઓમાં શામજીમહારાજ, ખીમજીમહારાજે પણ પ્રગટ ભગવાનની હયાતીમાં કંઠી બાંધી શરણાગતિ સ્વીકારી છે તેમજ હાલમાં ફુલવાડી મંદિર જેવા પ્રસાદીના ધામોની સેવા-પૂજા કરી રહ્યા છે. જેથી અમે સૌ ધન્યતાનો અનુભવીએ છીએ.