પરચા ૬૫

અનાદિ મુક્તરાજ શાંતિલાલભગત પ્રાગજીભગત વાઘેલા

શેખવડાળા, હાલ-રાજકોટ

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરનાં સંતો મહારાજ સાથે અમારા ગામમાં સત્સંગ કરવા આવેલાં. શેખવડાળા ગામમાં એક હરિમંદિર છે. જે જૂનાગઢનાં રૂગનાથચરણ સ્વામીએ બનાવેલ છે. જેમાં મહારાજ એક મહિનો રોકાયાં. એ મંદિરમાં સ્નાનવિધિ માટે બાથરૂમ ન હોવાથી મહારાજ ત્યાંથી અડધો કિ.મિ. દૂર કડવા પટેલ દેવાબાપા ટીલવાને ત્યાં સ્નાનવિધિ માટે જતાં. તે વખતે મહારાજની સાથે ગામનાં આગેવાન ભક્તો તેમજ હું પણ મહારાજની સેવામાં રહેતો ત્યારે મારી ઉંમર ૧૩ વર્ષની હતી અને હું ૭માં ધોરણમાં ભણતો હતો.

એકવાર ત્યાં મહારાજ સંતમંડળ સાથે સ્નાનવિધિથી પરવારી ગાડામાં બેસી આગળ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં એક કૂતરું મૃત્યુ પામેલું પડ્યું હતું. એટલે હરિભક્તે મહારાજને કહ્યું કે, આગળનો રસ્તો સાંકડો છે અને રસ્તામાં કૂતરું મરેલું પડ્યું છે માટે આપણે અહીંથી ગાડું પાછું વાળી બીજા રસ્તેથી જવું પડશે. ત્યારે મહારાજની સાથે હેમંતભગત હતાં એટલે મહારાજે તેમને કહ્યું કે, આપણે ન્હાવા માટે લોટો લીધો હતો તેમાં પાણી છે ? હેમંતભગતે કહ્યું, ‘હા મહારાજ પાણી છે.' પછી મહારાજે એ લોટો હાથમાં લઈ ગાડામાંથી નીચે ઉતરી તે મૃત્યુ પામેલા કૂતરા પાસે ઊભા રહી પોતાનાં જમણાં હાથમાં પાણી રાખી મંત્ર બોલી જ્યાં કૂતરાં પર છાંટ્યું ત્યાં તો બધાને દેખતાં તે કૂતરું સજીવન થયું અને ઊભું થઈ રસ્તામાં આગળ ચાલવા લાગ્યું. ભગવાન સિવાય આવું કાર્ય કોણ કરી શકે ? ત્યારે મહારાજનો ભગવાનપણાંનો નિશ્ચય ન હતો થયો પણ કોઈ મહાન સંત તો છે જ એવું હૃદયમાં દૃઢ થયું.

મેં મારું પ્રાથમિક શિક્ષણ શેખવડાળામાં પૂર્ણ કર્યું ત્યારબાદ આગળનાં અભ્યાસ માટે હું ધોરાજી ગયો અને ત્યાં કાંતિલાલ ભગત ગોહેલને ત્યાં રહી મેં શાળાનો અભ્યાસ ચાલુ કર્યો. ત્યારે હેમંતભગતનો પરિવાર પણ ધોરાજીમાં રહેતો હતો. હેમંતભગતનાં ભાઈ ભગવાનજી ભાઈનાં ઘરમાં અનાજ દળવાની ઘંટીનો વ્યવસાય હતો અને મારે પણ અનાજ દળવાની ઘંટી હતી. મારા બેન મંજુબેન કોઈ કામ હોય તો મને ત્યાં હેમંતભગતને ઘેર મોકલતા. ત્યાં મને હેમંતભગતના મોટા અને નાના બેન પ્રભાબેન અને પાર્વતીબેન તેમજ ભગવાનજી ભગત અને મારા બેન મંજુબેન દ્વારા પણ મહારાજની ભગવાપણાંની વિદ્વતાની તેમજ પ્રગટપણાંની ઘણી બધી જ્ઞાનની વાતો જાણવા મળતી હતી.

સ્કૂલની રજાનાં દિવસોમાં હું જૂનાગઢ મહારાજનાં દર્શન કરવા જતો. મહારાજનું સંત મંડળ અમારા ગામમાં ઘણીવાર સત્સંગ માટે આવતું હોવાથી મને સારી રીતે ઓળખતું અને સૌનો મારી પર ખૂબ જ રાજીપો પણ હતો. હું મહારાજનાં રૂમમાં ગયો મેં મહારાજને બોરસલીનો હાર પહેરાવી દંડવત્ કર્યાં. મહારાજે રાજી થઈ મુમુક્ષુ જાણી મને પોતાનાં હાથ પગ દબાવવાની સેવાનો લાભ આપ્યો. ઘણીવાર સુધી સેવા કર્યા બાદ મહારાજે મને કહ્યું, જો સામે કબાટમાં સામુદ્રિક શાસ્ત્ર પડ્યું છે તે અહીંયા લેતો આવ. મેં મહારાજને તે શાસ્ત્ર હાથમાં આપ્યું. મહારાજે એ શાસ્ત્રમાંથી ભગવાનપણાંનાં ચિન્હોનાં વર્ણનનો અધ્યાય વાંચી સંભળાવ્યો અને એ જ ચિન્હોનાં વર્ણન પ્રમાણે જ મહારાજે પોતાના હાથ-પગમાં ચિન્હોના સાક્ષાત્ દર્શન કરાવ્યાં ત્યારબાદ મહારાજે મારી સામે જોઇને કહ્યું કે, હવે તારે નક્કી કરવાનું છે કે, હું કોણ છું ? આમ શાસ્ત્રોક્ત રીતે મહારાજે પોતાના ભગવાનપણાંનું કાર્યનું જ્ઞાન આપ્યું.

ત્યારબાદ મહારાજે મને ધોરાજીમાં રહેલો એ હેમંતભગતનો પરિવાર પરમધામમાંથી મારી સેવા અર્થે આ લોકમાં આવેલો મારો ભાગવત પરિવાર છે. તે રહસ્ય પણ જણાવ્યું અને મને અખિલ ભૂમંડલીય અને શિક્ષાપત્રી કિરણાવલી આ બે શાસ્ત્રો પણ પ્રસાદીનાં આપ્યાં અને ખૂબ ભણી જીવનમાં આગળ વધવાનાં આશિર્વાદ આપ્યાં. એ સમયે સ્કૂલમાં હું એક મારી પર્સનલ ડાયરી રાખતો તેમાં મેં સમય, તારીખવાર, તિથિ આ બધી નાગધ સાથે લખેલું કે, આ રીતે મને પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની પરિપૂર્ણ ઓળખાણ થઈ હતી.

ઈ.સ. ૧૯૭૯માં અભ્યાસ પૂર્ણ કરી હું રાજકોટ પોલીસમાં નોકરી કરતો. એ સમયમાં શેખવડાળામાં મારા દાદીમાં ધામમાં ગયા એમનાં પાણીઢોળ પ્રસંગે મારે શેખવડાળા જવાનું થયું તે વખતે ચોમાસાની સિઝન હતી. સતત ચાર દિવસ સુધી વરસાદ ચાલુ હતો. ત્યારે ધોરાજીથી અમારા મંજુબેન તેના ચાર વર્ષનાં દિકરા ઉમેશને લઈ શેખવડાળા આવ્યાં હતાં. દાદીમાંની ક્રિયા પૂર્ણ થયા બાદ મને મંજુબેને કહ્યું કે, હવે મારે ધોરાજી પરત જલ્દી જવું છે. કારણ કે, તારા બનેવી ત્યાં એકલાં છે. એમને રસોઈ કે ઘરનું કામકાજ ફાવતું નથી. માટે હું સમયસર પહાગચી જાવ. પણ આ વરસાદ સતત ચાલુ છે તો કઈ રીતે ધોરાજી જાવ ? એટલે મેં બેનને તરત કહ્યું કે, તમે મહારાજનાં એકાંતિક ભક્ત છો માટે માળા કરી મહારાજને પ્રાર્થના કરો તો વરસાદ થોડો રોકાય જાય અને તમે નિર્વિધ્ને ધોરાજી પહાગચી જાવ.

મારી વાત સાંભળી તરત જ મંજુબેને માળા કરી મહારાજને પ્રાર્થના કરી ત્યાં તો

મહા આશ્ચર્ય સાથે સતત ચાર દિવસથી વરસતો વરસાદ ધીમો પડ્યો. બાદમાં હું મારા પિતાશ્રી અને મંજુબેન તેનાં ઉમેશને તેડી શેખવડાળાથી ચાલતાં ચાલતાં કોઈ વાહન ન મળતાં ધીરે ધીરે ત્રણ કલાકે જામજોધપુર પહાગચ્યાં. રસ્તામાં અમારાથી થોડા થોડા અંતરે આગળ પાછળ વરસાદ થોડો ચાલુ હતો. પણ અમને કોઈ પ્રકારની હાની ન થવા દેતો. આ રીતે અમે મહારાજની કૃપાથી ચમત્કારિક રીતે રસ્તામાં આવતી નદીઓનાં પૂરથી બચીને પણ જામજોધપુર પહાગચી ગયા. એ સમયમાં જ મોરબીમાં અતિ વરસાદથી ડેમ તૂટવાથી ખૂબ જ મોટી જાનહાની થઈ હતી. પછી તો જામજોધપુરથી બેનને ધોરાજીની બસમાં બેસાડી હું અને બાપુજી શેખવડાળાં પરત આવ્યા. અંદાજે ૧૭ કિ.મિ. સુધી અમે ચાલ્યા પણ છતાંય અમને કોઈ થાક પણ ન લાગ્યો.

સમય જતાં મહારાજની ઈચ્છાથી હેમંતભગતના બેન સગુણાબેન સાથે લગ્ન થયા. મહારાજે હયાતીમાં શ્રીહરિશરણાગતિ મંડળની સ્થાપના કરી અને ફુલવાડી પરમધામ મંદિરનું નિર્માણકાર્ય ચાલું કરાવ્યું હતું. તેનું મને કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન હતું, પરંતુ જ્યારે મહારાજ સ્વધામ સિધાવ્યાં ત્યાર બાદ હેમંતભગત જૂનાગઢ છોડી ફૂલવાડી મંદિરમાં કાર્ય માટે જામવંથલી આવ્યાં હતાં. ત્યારે મારે અવારનવાર હેમંતભગતને મળવા જવાનું થતું જેથી મંડળનાં મોટા ભક્તો પણ મારાથી પરિચિત થયાં. મને મહારાજનો કૃપાપાત્ર અને સેવાભાવિ ભક્ત જાણી ફુલવાડી ટ્રસ્ટનાં પ્રથમ પ્રમુખ કરસનબાપાનાં કહેવાથી ઇ.સ. ર૦૦૩ની સાલમાં વેલજીભગતે મને એ ટ્રસ્ટમાં ટ્રસ્ટીનું પદ સાગપ્યું હતું.

આ રીતે મને વર્ષો સુધી મહારાજની, હેમંતભગતની, કુંકાવાવ તથા ફુલવાડી મંદિરની તેમજ અનાદિ મુક્ત ભક્તોની તન, મન, ધનથી જે સેવાનો લાભ મળ્યો છે તેથી હું મારા જીવનને મોક્ષભાગી અને ધન્યભાગી માનું છું.