અનાદિ મુક્તરાજ મનસુખભગત હંસરાજભગત રાઠોડ
ચાવડા, હાલ- રાજકોટ
અમારું ગામ ચાવડા અને અમારે કામકાજે જામનગર આવવા જવાનું. અમારો સત્સંગ સ્વામિનારાયણ એટલે જામનગર મંદિરે જવાનું થાય. ત્યાં શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ બિરાજતા હતા. એ બહુંુ દિવ્ય મોટા સંત હતા. એટલે અમારા દાદા પરિવાર બધાંએ મહારાજ પાસે કંઠીઓ બંધાવી હતી અને અમારા બાપુજી બધું કામ મહારાજને પૂછીને જ કરતા. મહારાજ જામવંથલીમાં કથા વાંચવા આવ્યા ત્યારે મારી ઉંમર પાંચ વરસની હતી.
એકવાર અમે જૂનાગઢ દર્શન કરવા ગયા ત્યારે વ્હેલી સવારમાં ઊઠીને મહારાજ પાસે ગયા ત્યારે મહારાજ પૂજા કરતાં હતાં. હું દંડવત્ કરી બાજુમાં બેઠો ત્યારે મહારાજે પૂજામાં મોળું દૂધ પીધું અને તે મહારાજે દૂધનો એક ઘૂંટડો ભરીને તાસળી મને આપી કહે, આ પીઇ જા. હું એક ઘૂંટડો ભરીને તાસળી પકડીને બેસી રહ્યો. મહારાજ કહે, દૂધ પીઇ જા. મેં કહ્યું, મહારાજ દૂધ ભાવતું નથી. મહારાજ કહે, મોળું છે એટલે નથી ભાવતું ને મહારાજ કહે, આંખ મિંચી જા ને હવે આંખ ખોલ. મેં આંખ મિંચીને ખોલી. મહારાજ કહે, હવે પી જા એટલે મેં દૂધ પીધું તો દૂધ મીઠું થઈ ગયું.
એકવાર મનસુખભગત સોનાની ચેન અને વીંટી લાવ્યા હતા, તે મહારાજને પહેરાવીને પ્રસાદીના કર્યાં. મહારાજ વીંટી અને ચેઇન પહેરીને તડકામાં ઊભા રહ્યા સૂર્યનો પ્રકાશ અને આ સોનું ને મહારાજની મૂર્તિ બધું એક તેજસ્વી સુવર્ણ જેવું થઈ ગયું.
એકવાર હું મહારાજના દર્શન કરવા જૂનાગઢ ગયો ત્યારે મોડું થઈ ગયું. મહારાજનો ત્યારે આરામનો સમય છતા મેં બારણું ખખડાવ્યું, તો મહારાજ કહે, કોણ ? મેં કહ્યું, મહારાજ હું મનસુખ. મહારાજ બીજીવાર બોલ્યા, કોણ ? મેં કહ્યું, મહારાજ હું ચાવડાથી હંસરાજભગતનો મનસુખ, એટલે મહારાજે દરવાજો ખોલ્યો ને બોલ્યા મનસુખ, મનસુખ બોલે છે એમ કહેને હું બ્રહ્મ છું. આમ મહારાજે બહુંુ મોટો ઉપદેશ આપી દીધો. આમ મહારાજ ન વિસરાય એમ સમયે સમયે ઉપદેશનું, વચનોનું, રાજીપાનું, દર્શનનું, કૃપાનું, ઉપાસનાનું અનુસંધાન આપતા. આમ ભકત ભગવાનથી વિખુટા ન પડે એટલે ભગવાન આ લોકમાં આવી કળા વાપરી જીવને આકરૂ ન પડે એમ વર્તીને ભગવાન ભક્તનું કલ્યાણ કરે છે.