પરચા ૧૧૮

અનાદિ મુક્તરાજ ઘનશ્યામભગત નાનજીભગત દેવાણી

મોટી કુંકાવાવ, હાલ- અમદાવાદ

પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની કૃપાથી કુંકાવાવ જેવા મહાન તિર્થમાં મારો જન્મ થયો. આમ તો મહારાજના દેવાણી પરિવારમાં જ મારો જન્મ થયો હોવાથી અમે સૌ નાનપણથી જ મહારાજને ભગવાનપણે જ માનતા પણ જ્યારે મોટા મુક્તભક્તોનો યોગ થયો કથાવાર્તા સાંભળી મહારાજનાં જામવંથલી ફુલવાડી મંદિરે દર વર્ષે ઉત્સવ સમૈયામાં દર્શન સેવામાં જવાનું થતું ત્યારથી વિશેષ ને વિશેષ મહારાજનો મહિમા સમજાયો.

મહારાજની હયાતીમાં જ એકવાર જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજ બાલમુકુંદ ભવનમાં શાસ્ત્રની રચના કરતા હતા ત્યારે મહારાજને દંડવત્ પ્રણામ કરી પાસે બેઠાં તો મહારાજે સામેથી જ કહ્યું, કુંકાવાવથી આવો છો અને નાનજીભગતના દીકરા છો ને ? તો મેં મહારાજને કહ્યું, હા મહારાજ. આપની કૃપા અને ઈચ્છાથી દર્શન કરવા અહીં આવ્યા છીએ આશિર્વાદ આપો કે, તમારી સેવા-ભક્તિ થાય અને વિશેષ સુખિયા થવાય. પછી મહારાજે આશિર્વાદ તો આપ્યા પણ સાથે પોતાની ચિન્હવાળી મૂર્તિ આપીને કહ્યું, જાવ આની સેવા-પૂજા કરજો અમે કાયમ તમારી સાથે રહીશું અને રક્ષા કરીશું.

આમ મહારાજ ભેગા ને ભેગા જ છે તેવું કાયમ અનુભવ તેમજ પરચા થયા જ કરે છે. મહારાજની કૃપાથી ખૂબ સુખી છીએ. અમારા ઘર-પરિવારમાં પણ સૌ મહારાજના જ ભક્તો છે. જેથી મને વિશેષ આનંદનો અનુભવ થાય છે. મહારાજના શિષ્ય આત્મપ્રકાશસ્વામીની પ્રેરણાથી જૂનાગઢ ધામે મહારાજના અગ્નિસંસ્કારના સ્મૃતિ મંદિરના નિર્માણ કાર્યમાં પણ મને વિશેષ લાભ મળ્યો છે. જેથી હું ધન્યભાગી થયો છું. હવે તો હું દરરોજ સવારે વર્ષોથી મનોમન માનસીપૂજામાં કુંકાવાવ, ફુલવાડી, જૂનાગઢ, અંજાર, સૂરત જ્યાં જ્યાં પણ મહારાજના મંદિરો થયા છે તેના દર્શન કરી અને મહારાજની હયાતીના દર્શનની એ યાદોને યાદ કરી નિવૃત્તિના આ સમયમાં યથાશક્તિ સેવા-ભક્તિ કરું છું.

બસ આ જ રીતે મારું શેષજીવન સેવામય, ભક્તિમય અને ધર્મમય પસાર થાય. મારો પુત્ર ચેતન પણ સત્સંગની આ પરંપરાને યથાવત્ જાળવી રાખે એ જ પ્રાર્થના છે.