અનાદિ મુક્તરાજ રતિલાલભગત લાલજીભગત જાવીયા
જામવંથલી, હાલ- રાજકોટ
મારી ઉંમર નાની હતી ત્યારે હું મારા બાપુજી સાથે જામનગર જતો. ત્યારે મહારાજ જામનગર હતા અને મોટા શાસ્ત્રીજી તરીકે ઓળખાતા. ત્યારે મહારાજની આભા તથા મહારાજના ઐશ્વર્યની ખ્યાતી જામનગર પંથકમાં બહુ હતી. એટલે અમારું જામવંથલી તથા આખો પંથક આ જામનગર મંદિરના તાબામાં આવતો અને જામનગર મંદિરમાં મહારાજ બિરાજતા ને અમો જામનગર જઈએ એટલે મંદિરે દર્શન કરવા જતાં મહારાજના દર્શન કરતા.
એક વખત મારી ઉંમર નાની અને મારો હાથ ભાંગી ગયો ત્યારે મારા બાપુજી મને જામનગર લઈ ગયા ને અમે મંદિરે દર્શન કરવા ગયા ને મહારાજને મળ્યા તે પહેલાં સ્વયં પ્રકાશસ્વામી કોઠારીએ મારો હાથ પકડ્યો તેથી દુઃખાવાના કારણે હું રોવા લાગ્યો હતો અને મહારાજ પાસે ગયો. મહારાજ કહે, આ કેમ રુવે છે. મારા બાપુજી કહે, એનો હાથ ભાંગી ગયો છે. માટે દવા લેવા આવ્યા છીએ ને કોઠારી સ્વામીએ હાથ પકડ્યો એથી વધારે દુઃખે છે એટલે રુવે છે. ત્યારે મહારાજે મારી કોણી પકડી કહે, આને તો કાંઈ નથી. આમ મારા ભાંગેલા હાથને મહારાજે સ્પર્શ કર્યો ત્યાં સાજો થઈ ગયો. આમ ભગવાને પોતાનું ઐશ્વર્ય બતાવી મારા મનમાં તેમના પ્રત્યે પ્રીતિ જગાવી.
એક વખત હું દુબઈથી આવ્યો ત્યારે મહારાજના દર્શન કરવા જૂનાગઢ ગયો ત્યારે મહારાજને દંડવત્ કરી મહારાજ પાસે બેઠો અને મહારાજને પ્રાર્થના કરી કે, મહારાજ મને બી.પી. જેવું થોડું થાય છે. ત્યારે મહારાજ કહે, આવું તો અમનેય થાય છે. પણ ડૉક્ટર કહે, તેમ ગોળી ખાવી. આમ દર્શન કરી અમે આવતા રહ્યા. પછી એક વખત જામનગર ઈરવીન હોસ્પિટલમાં આપણાં ખોલિયાસાહેબ ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હતા અને તે મારા મિત્ર હતા. તેથી મેં જામનગર ઈરવીન હોસ્પિટલમાં બતાવ્યું. ત્યારે તેમણે કહ્યું, તારે દાખલ થવું પડે અને હું ૮ દિવસ દાખલ રહ્યો અને ઘરે આવ્યો. અહીંથી જૂનાગઢ મહારાજ પાસે દર્શને ગયો અને મહારાજને વાત કરી કે ડૉક્ટર એમ કહે છે કે, તમને શરીરમાં કિડનીમાં કંઈ તકલીફ હોય માટે બી.પી છે, માટે તમારે મુંબઈ જવું પડશે. ત્યારે મહારાજ કહે, આવો મોટો ડૉક્ટર અહીં બેઠો હોય ને આપણે એવું કાંઈ હોય ખરું. તને કાંઈ છે જ નહીં માટે
મગજમાં મને બી.પી નથી એવું જ રાખવું. ત્યારથી કોઈ દિવસ એવી તકલીફ થઈ નથી.
અમારા બાપુજી લાલજીબાપાનું ખેતીવાડીવાળું જીવન એટલે બળદગાડા ચલાવતા. એક વખત ધારે પથ્થર લેવા ગયા હતા. ત્યારે બીજા આઠ-દશ ગાડા હતા, મહારાજ સાથે હતા. ફુલવાડીમાં જે પ્રસાદીના મકાન છે તેના ઉંબરામાં એક મોટી શીલા છે. એ શીલા આઠ ફુટની છે. તે લેવા અમે મારા બાપુજી અને બીજા ગાડાઓ ગયા હતાં. ત્યાં મહારાજ કહે, આ ખાણમાં ગાડું ઉતારો ત્યારે કોઈએ ગાડું ઉતાર્યું નહીં તો મારા બાપુજી કહે, મહારાજની આજ્ઞા છે એટલે બાપાએ ગાડું ઉતાર્યું ત્યારે મારા બાપુજી હાઈટમાં નીચા અને એના બળદો પણ એવા જ. એ ગાડું ખાણમાં ઉતાર્યું સૌ ભેગા મળી ગાડા ઉપર શીલા ચઢાવી અને મહારાજે પાછળ હાથ દઈ ધક્કો માર્યો તે એમ સીધા રસ્તા ઉપર ગાડું હાલે એમ ખાણમાંથી ગાડું નીકળ્યું. ત્યારે મહારાજ બોલ્યા કે, બળદ એવાને બળદ હાંકનારા'ય એવા. આ તો મારો વામન છે. એટલું મહારાજ બોલ્યા હતા.
એક વખત અમે સાત-આઠ જણાં જામવંથલીથી જૂનાગઢ ચાલીને ગયા હતા તે પહેલાં વંથલી નિર્ગુણજીવનદાસ સ્વામી હતા. તે અવસ્થામાં મોટા હતા. ત્યારે અમે સવારે દર્શન કરી સ્વામીને દંડવત્ કરી કહ્યું, સ્વામી અમે આ રીતે જૂનાગઢ પગપાળા દર્શને જઈએ છીએ. ત્યારે સ્વામીએ ઘણી ઘણી ઉપદેશાત્મક વાતો કરી અને અમે ચાલતા પગયાત્રા શરૂ કરી તે અમે અઢી દિવસે જૂનાગઢ પહાગચ્યા. અમે બજારમાંથી ફુલના હાર, શ્રીફળ, સાકર પ્રસાદ લઈ મહારાજ પાસે ગયા ત્યારે મહારાજ શાસ્ત્ર લેખન કરતા હતા. તે લખનનું કાર્ય એક બાજુ મૂકી ઊભા થઈ સામાં આવ્યા અને બોલ્યા કે, હું ક્યારનો રાહ જોઉં છું. મારા ભકતો ક્યારે આવે ? આમ અમારી રાહ જોતા બોલ્યા અને કહ્યું કે, જાઓ તમને આ પગપાળા યાત્રાનું ડગલે ને પગલે અશ્વમેઘ યજ્ઞનું પૂન્ય મળો. આમ મહારાજનો રાજીપો મળ્યો અને અમે મહારાજની સેવા પૂજા કરી. મહારાજ કહે, જાઓ ઘડીક આરામ કરો. આમ મહારાજ કહે, ભગવાન અને ભગવાનના સંત પુરુષોના દર્શને જતાં ડગલે ને પગલે આવા અશ્વમેઘ યજ્ઞના પૂન્ય મળે છે.
એક વખત અમે મહારાજના દર્શન કરવા ગયા ત્યારે ત્યાં ખોલિયાસાહેબ પણ હતા ત્યારે મહારાજ માળા ફેરવતાં ફેરવતાં ત્યાં આવ્યા અને ત્યાં ખાટ ઉપર છાપું પડ્યું હતું. તે લઇ એક હાથે પહેલું પાનું ફેરવ્યું તથા બીજા હાથ વડે બીજું પાનું ફેરવ્યું. આમ એક દોઢ મિનિટમાં જ છાપું વાંચી લીધું. ત્યારે મેં કહ્યું, મહારાજ આ એક દોઢ મિનિટમા તમે શું વાંચી
લીધું ? ત્યારે મહારાજ બોલ્યા, અમારા સંકલ્પ પ્રમાણે સૃષ્ટિમાં ચાલે છે કે નહીં એ મેં વાંચી લીધું. ત્યારે તો મહારાજના એ શબ્દ સમજાયા નહીં પણ હવે સમજાય છે કે આપણને મળ્યા આ ભગવાન કેટલા મોટા છે.
આમ મહારાજ બોલ્યા પછી અમે મહારાજની રૂમે હું ને ખોલિયા સાહેબ તથા બીજા ભક્તો બેઠાં હતા. ત્યારે મહારાજ તેના ચરણ ચડાવીને બેઠા હતા અને ખોલિયાસાહેબે કહ્યું, મહારાજ તમારા ચરણમાં ચિન્હો છે, દર્શન કરાવો ને. ત્યાં મહારાજ બોલ્યા કે, અમારા ચરણાર્વિદ અહીંથી ઘરે જ લઈ જાઓ. ત્યારે કાંઈ સમજાયંું નહીં પણ જ્યારે સમય જતાં મહારાજના ચરણાર્વિદ છપાયા અને ઘરે ઘરે પહાગચ્યાં ત્યારે આ મહારાજ બોલ્યા હતા તે તાજું થયું અને સમજાયું કે મહારાજ એમ કહેવા માંગતા હતા કે આ ચરણાર્વિદ જે ચિન્હો છે તે ઘરે લઈને પૂજા કરો, સુખિયા થાઓ. આમ ભગવાન જે જે જેટલા શબ્દ બોલે તેમાં ઘણાં રહસ્યો ભરેલા હોય છે.
લાલાબાપા પ્રગટ ભગવાનનાં એકાન્તિક ભક્ત છે. તેમણે પોતાના પરિવારને પ્રગટ ભગવાનના શરણમાં મૂક્યા એથી પ્રગટ ભગવાને આ કુટુંબ ઉપર પોતાનો રાજીપો વરસાવ્યો છે. લાલાબાપાના દિકરાઓ સૌ એકાન્તિક મુક્તો છે. તેઓએ પ્રગટ ભગવાનની આજ્ઞામાં અને સેવામાં પોતાનું જીવન સમર્પીત કર્યું છે. એમની પુત્રીઓ પણ પ્રગટ ભગવાનને રાજી કરવાવાળી ભક્તિ કરે છે. તથા તેમના જમાઈઓ પણ પ્રગટ ભગવાનના એકાન્તિક મુક્ત પુરુષો છે. તેમના વેવાઈઓ પણ પ્રગટ ભગવાનના સંત મુક્ત છે. તેના પૌત્ર-પૌત્રીઓ ભગવાનના મુક્તો તથા મુક્તાનીઓ છે. તેમના સંબંધીઓ સૌ પ્રગટ ભગવાનના દિવ્યધામના વાસી છે. તેમના જીવનમાં એટલે કે સર્વે કુટુંબ તથા સંબંધીઓની એક જ કામના-ભાવના છે કે, આ જગતના જીવ આ પ્રગટ ભગવાનને ઓળખે-રાજી કરે અને પ્રગટ ભગવાનનાં પરમધામમાં જાય એવી જ એની સૌની ઈચ્છા છે.
ોમનો પરિવાર ધામમાંથી આવેલ મુક્ત મંડળ છે, દિવ્ય છે. લાલાબાપાને મહારાજ જામનગર હતા ત્યારે બળદગાડાનું કામ હોય ત્યારે લાલાબાપાને સેવા આપતા તથા ફુલવાડીમાં પ્રસાદીના મંદિર તથા પ્રગટ ભગવાનનાં બ્રહ્મમહોલમાં લાલાબાપાએ સેવા આપીને ઘણાં જીવોને ભક્તોને બળ પૂરું પાડ્યું છે. આપણાં મંડળના પ્રમુખ કરસનબાપા અને લાલાબાપાની જોડી એવી હતી કે બે જાન એક આત્મા જેવો સંબંધ હતો. તેમજ તેના પુત્રો પ્રગટ ભગવાન માટે સર્વ અર્પણ કરનારા ધીરજલાલભગત, વજુભગત, શાંતિલાલભગત
પણ એના જીવનમાં મુક્તદશાએ વર્તનારા ભગવાનના અંગત મુક્તો છે. વજુભગત તથા રામજીભગતના રમેશભગતને મહારાજે પોતાના સખા ગોવાળીયા કહ્યાં છે અને રતિલાલ ભગતે પોતાનું જીવન કુટુંબ માતા-પિતા ને રાજી કરી તેના ભાઈ-બેનોને પ્રગટ ભગવાનની દિવ્ય ઓળખાણ આપી. ભગવાનનાં ઘરેણાં જેવાં અંગભક્ત બનાવ્યા છે તથા શરણાગતિ ભક્તમંડળને પ્રગટ ભગવાનનો મહિમા વધારે ને વધારે કહીને આપણને મળ્યા, ભગવાન કેવા જબરા છે જે હજારો યુગો સુધી તપ કરે તથા દેવો-ઈશ્વરોને પણ મળવા દુર્લભ જેના એક સંકલ્પ માત્રથી સર્વ બ્રહ્માંડોમાં પ્રકૃતિ નિયમમાં રહે એવા અવતારીના અવતારી જેના એક રોમમાં કોટી કોટી કૃષ્ણ પ્રગટે અને લય થાય આવા આપણને પ્રગટ ભગવાન મળ્યાં છે તેને આ માયાના સુખ દુઃખમાં ભજી લેવા રાજી કરી લેવા પણ માયાએ કરીને ભગવાન અને સંતને ન મુકવા. હૃદયના હારની જેમ સાચવવા. આવું જ્ઞાન-સમજણ આપી સૌને ભગવાનનો રાજીપો અપાવ્યો છે.
ખરા સમયમાં સાચી સમજણ જ કામ આવે. એમ રાજકોટ શ્રીહરિ શરણાગતિ મંડળમાં રતિલાલભગત વર્ષોથી અધિકમાસ, શ્રાવણમાસ તેમજ દર મહિનાની આઠમના દિવસે અને ફુલવાડી ઉત્સવ સમૈયામાં પણ કથાવાર્તા કરી ભક્તોને સાચી સમજણ આપે છે, સાચી સેવાઓ કરાવે છે. જેને પ્રગટના કેફ જબરા, તેના સંબંધો પણ જબરા, તેના આશ્રિતો પણ જબરા, તેના હેતસ્વી પણ જબરા, તેના સેવકો પણ જબરા. એમ આ મુકત પરિવાર તન-મન-ધનથી સર્વ પ્રકારે મહારાજની સેવા-ભક્તિ કરી ધન્યતા અનુભવે છે.