પ્રસ્તાવના
કોઈપણ સંપ્રદાયનો વિકાસ હંમેશા તે સંપ્રદાયના મંદિરો અને મુક્ત ભક્તો તેમજ તેમના ઇષ્ટદેવના મહિમા, ઉપાસના, ઉપદેશ અને લીલાચરિત્રના શાસ્ત્રોના માધ્યમથી પણ થતો હોય છે. આ એક સનાતન સત્ય હકિકત છે.
પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લ્ભાચાર્યજી મહારાજના સંકલ્પના કાર્યો પરમધામમાંથી આવેલી અનેક અનાદિ મુક્તોએ મંદિરો તેમજ કથાવાર્તાના માધ્યમથી કર્યા છે. મહારાજના સૌ મુક્તભક્તોએ પોતપોતાની સમજણ, બુદ્ધિ અને સામર્થી પ્રમાણે તન-મન-ધનથી શ્રીહરિ શરણાગતિ મંડળના વિકાસ કાર્યમાં અદ્ભુત યોગદાન આપ્યું છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે.
મહારાજના મંડળના વિકાસ કાર્યમાં મંદિર અને કથાવાર્તાની સાથે સાથે વર્તમાનના આ આધુનિક યુગને ધ્યાનમાં રાખતા જેની વર્ષોથી ખૂબ જ આવશ્યકતા હતી એ અતિ મહત્વનું કાર્ય મહારાજના સંકલ્પના નૂતન સાહિત્યના પ્રકાશનનું હતું... કારણ કે, સાહિત્યના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ ઘરબેઠાં પણ તેના નવરાશના સમયમાં પણ તેને જે પણ મહારાજ વિશે જાણવું હોય, સાંભળવું હોય કે જોવું હોય તે શાસ્ત્ર તેમજ મોબાઇલના માધ્યમથી જાણી શકે છે. જે કાર્ય મહારાજની પૂર્ણ કૃપા અને ઈચ્છાથી જૂનાગઢ ધામના માધ્યમથી થઈ રહ્યું છે.
મેં જ્યારે પહેલીવાર મહારાજના પ્રસાદીપત્ર વાચ્યા ત્યારે ઉપદેશના ઘણા પત્રમાં મહારાજ એવું લખતાં કે, ‘‘આ તો પ્રગટનો વેદ ઉપદેશ છે. આવું સારરૂપ લખાણ તે ફેલાવવું, પડ્યું ન રાખવું.’’ આ વાત વાચી પહેલા સંકલ્પ થયો એટલે દરેક ભક્તો પાસેથી પ્રસાદીપત્રનો સંગ્રહ કરી ભાગ-૧ અને ભાગ-ર ગ્રંથનું પ્રથમ પ્રકાશન કર્યું. ત્યાર બાદ મહારાજની જ્યારે પરાવાણીની કેસેટો સાંભળી તેમાં ઘણી જગ્યાએ મહારાજ સ્વયં બોલ્યા હતા કે, ‘‘આવી કલ્યાણકારી વાત તમને ભગવાન સિવાય કોણ કરે ? અમારો આ વેદ અને ઉપનિષદને પણ દિવ્ય બનાવી છે તેવો ઉપદેશ તમે સમજજો, જીવનમાં ઉતારજો અને મોક્ષના અધિકારી થજો.’’ આ વાત સાંભળી એટલે બીજો સંકલ્પ થયો ત્યારે દરેક ભક્તોના ઘેરથી મહારાજની પરાવાણીની કેસેટો ભેગી કરી તેનું અક્ષરશઃ લખાણ કરી ‘પ્રગટ ભગવાનની પરાવાણી’ ગ્રંથનું પ્રકાશન કર્યું. ત્યારબાદ મહારાજે હયાતીમાં અભિનંદન ગ્રંથ છાપીને મોટા વિદ્વાનો અને પોતાના મોટાં ભક્તોને અર્પણ કર્યો ત્યારે પણ એક પ્રસાદીપત્રમાં મહારાજે એવું લખ્યું હતું કે, ‘‘ભગવાનને વિદ્વાનોએ આ ગ્રંથમાં ઓળખ્યા, લખ્યા છે માટે જેને ભગવાનને રાખવા હોય તેણે અભિનંદન ગ્રંથ ઘરે રાખવા જેવો છે.’’ આ વાત વાંચી ત્રીજો સંકલ્પ થયો કે- જો મહારાજ અભિનંદન ગ્રંથના માધ્યમથી પણ ભક્તોના ઘરે વિશેષ રાજી થઈને રહે તેવા શુભ સંકલ્પથી ‘અભિનંદન ગ્રંથ’નું પ્રકાશન કર્યું. ત્યારબાદ મહારાજને અતિપ્રિય એવો ‘શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા’ ગ્રંથ જેનું ગુજરાતી સારાંશ પૂજ્ય હેમંતભગતે કરેલું તે હસ્તલિખિત ગ્રંથમાંથી ટાઈપિંગ કરાવી અનુક્રમણિકા સાથે દરેક ભક્તોને ગ્રંથમાં દરેક ચરિત્રનો ખ્યાલ આવે તે રીતે અદ્ભુત કાર્ય કરી તેનું પણ નૂતન પ્રકાશન કર્યું.
ત્યારબાદ મહારાજના સત્તાવન શાસ્ત્રો તેનું પણ સંકલન કરીને નૂતન પ્રકાશન કર્યું કારણ કે, ઘણાં વર્ષોથી અનેક જિજ્ઞાસુ વિદ્વાન વર્ગ એમની પાસે મહારાજના રચિત શાસ્ત્રોનું લિસ્ટ તો હતું, પરંતુ મહારાજના મંદિરો તેમજ ભક્તો પાસેથી પણ એ શાસ્ત્રો નહોતા મળી શક્યા. જેથી આ મહત્ત્વનું કાર્ય પણ કરવું પડ્યું. ત્યારબાદ વર્ષોથી શ્રીહરિ શરણાગતિ મંડળમાં કોઈ પણ પ્રકારનું મહારાજનું ઓડિયો-વીડિયોમાં નૂતન સાહિત્ય ન હતું. માટે મહારાજનાં નિત્યનિયમ, રાસ, ધૂન-કિર્તન, મહારાજની પરાવાણી, હેમંતભગતની અમૃતવાણી અને પ્રગટભક્તિ પિયુષ જેવું નૂતન ઓડિયો સિડી તેમજ પેનડ્રાઈવમાં પ્રકાશિત કર્યું. ઉપરાંત દેશ-વિદેશમાં કોઈપણ વ્યક્તિ મહારાજના ગુજરાતી નૂતન શાસ્ત્રોને ઘરબેઠાં વાચી શકે તેના માટે ગુગલ પ્લેસ્ટોરમાં પણ એપ્લિકેશનમાં પીડીએફ સ્વરૂપે એ ગ્રંથો પ્રકાશિત કર્યાં.
કોઈપણ વ્યક્તિ ઘરબેઠાં પોતાના નવરાશના સમયમાં પણ મહારાજ વિશે જાણી શકે તેમજ વિશેષ ભક્તિ કરી શકે તેવા શુભ હેતુસર મોબાઇલમાં, યુ-ટ્યુબમાં મહારાજના હયાતીના સર્વદર્શન કરી શકે તેમજ મહારાજના મુક્તભક્તોના મુખેથી કથા-વાર્તાનું પણ શ્રવણ કરી શકે તે માટે (અનાદિ શ્રીકૃષ્ણનારાયણ) નામથી યુ-ટ્યુબ ચેનલ પણ પ્રકાશિત કરી. હવે મહારાજના નામની વેબસાઇટમાં પણ આ બધું જ સાહિત્ય મૂકવામાં આવશે.
અંતમાં જૂનાગઢ મંદિરમાં રહેલું મહારાજનું પ્રસાદીનું બાલમુકુંદ ભવન તેનું સ્વામિનારાયણ મંદિરના વિકાસ કાર્યમાં અડચણરૂપ હોવાથી તેમણે ડિમોલેશન કર્યું જેથી શ્વેતાયનબાગે (નૂતન-શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ પ્રસાદી ભૂવન) તેનું દિવ્ય અને ભવ્ય નિર્માણ કરી મહારાજની કલ્યાણકારી અનેક પ્રસાદીની વસ્તુઓનું સંરક્ષણ કરવાનું કાર્ય પણ પ્રગટ ભગવાનની કૃપાથી તેમજ ભક્તોના તન-મન-ધનનાં સહયોગથી પૂર્ણ કર્યું.
મહારાજ સ્વધામ સિધાવ્યા પછી વર્ષો સુધી શ્રીહરિ શરણાગતિ મંડળમાં એક એવો સમય રહ્યો કે, જે કોઈપણ નવા ભક્તો થતાં તેમને મહારાજના હયાતીના દર્શનના વીડિયો, મહારાજની પરાવાણી, મહારાજના ધૂન-કિર્તનો, મહારાજના હયાતીના હજારો ફોટોગ્રાફ્સ, મહારાજના પ્રસાદીપત્રો, મહારાજના હયાતીના પરચાઓ તેમજ મહારાજની પ્રસાદીની અનેક વસ્તુઓની દર્શનની પણ ઘણી બધી ઈચ્છાઓ રહેતી, પરંતુ કોઈ એક જ જગ્યાએ આ દરેક વસ્તુઓનો સંગ્રહ ન હોવાથી અનેક ભક્તો વર્ષોથી જે લાભથી વંચિત હતા હવે તે લાભ જૂનાગઢ ધામના માધ્યમથી અતિ સુલભ બન્યો છે. ભવિષ્યમાં પણ મહારાજના અનંત ભક્તો આ સર્વે પ્રકાશિત થયેલું નૂતન સાહિત્ય તેનો ખૂબ જ લાભ લઈને અવશ્ય મોક્ષભાગી તેમજ ધન્યભાગી બનશે. પ્રગટ ભગવાનની શરણાગતિ લઈ પરમધામને પણ પામશે.
આ જ પ્રમાણે મહારાજનો એક મહાન કલ્યાણકારી સંકલ્પ કે, ‘‘મહારાજના પ્રસાદીપત્રમાં, મહારાજના શાસ્ત્રોમાં તેમજ મહારાજની પરાવાણીમાં પણ જેનો ઉલ્લેખ જોવા મળે છે’’ તે સંકલ્પ એટલે (પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણના લીલા ચરિત્રો તેમજ પરચાના શાસ્ત્રનો...)
ભક્તોની સેવા-ઉપાસના-અનુસંધાન આ શાસ્ત્રમાં મહારાજે મહા ઉપદેશ આપતાં લખ્યું છે કે, પ્રગટ ભગવાનનાં લીલા ચરિત્રોના શાસ્ત્ર રચવા તે સાચા ભક્તનું કર્તવ્ય છે. તેમજ ઘણા પ્રસાદીપત્રોમાં પણ મહારાજે આજ્ઞા આપી છે કે, પ્રગટ ભગવાનનાં પરચા લખવા, વાંચવા, સંભારવા જેથી દર્શન થયા કરશે અને પ્રગટ ભગવાનનાં પરચાના શાસ્ત્રો પણ રચવા. આમ મહારાજે કૃપા કરી જે લીલા ચરિત્રો કર્યાં અને ભક્તોને જે દર્શન સેવાનો લાભ આપી સુખ આપ્યા અને અનેક દુઃખો દૂર કરી સુખી કર્યાં તેમજ અનેક આપત્તિઓમાંથી રક્ષા કરી જે પરચા પૂર્યા તેનો વિશાળ, અદ્ભુત અને કલ્યાણકારી ગ્રંથ થાય તેવી પ્રગટ ભગવાનની સ્વયંની ઈચ્છા અને મહાન કલ્યાણકારી સંકલ્પ હતો. માટે પાંચ વર્ષની મહા મહેનતે આજે ‘‘પ્રગટ ભગવાનનાં પરચા’’ ગ્રંથ પણ જૂનાગઢ ધામ દ્વારા પ્રકાશન કરવામાં આવ્યો છે.
આ ગ્રંથનું કાર્ય ખૂબ જ અશક્ય જેવું હતું કારણ કે- મહારાજના પરચાઓનો કોઈ પણની પાસે લેખિત સંગ્રહ નહોતો. તેમજ મહારાજે હયાતીમાં જે ભક્તને જે પરચા આપ્યા હોય તેની જાણ તેમના પૂરતી જ વિશેષ હતી. જેથી દરેક ભક્તોને ઘેર જઈ રૂબરૂ મળીને તેમના જ મુખેથી વાત જાણવી જરૂરી હતી. જેથી આ કાર્યને પૂર્ણ ન્યાય આપી શકાય. માટે વર્ષો પહેલાં હું જૂનાગઢથી જ્યાં મહારાજના અનાદિ મુક્તો રહેતા હતા તે ગામ અને શહેરમાં રૂબરૂ જઈ ભક્તો પાસેથી મહારાજના પરચાની વાત જાણી. સાથે જ ઘણાં ભક્તોનું વીડિયો શુટિંગ, ઓડિયો રેકોર્ડિગ તેમજ કોઈ ભક્તો પાસેથી પરચાનું થોડું લખાણ લીધું. ત્યાર બાદ ઘણાં સમય પછી જૂનાગઢ આવી એ બધા જ ભક્તોને સાંભળી તેમના પરચાનું લખાણ તૈયાર કર્યું. લખાણ કરવામાં ખૂબ જ મહેનત લાગી કારણ કે, ભક્તોએ તો બહુ ટૂંકમાં પરચાની વાત કરી હોય પણ તેનો વિસ્તાર કરી સરસ લખાણ ફરી તૈયાર કર્યું. જેથી આ ગ્રંથ કોઈ પણ વાચે તો તેને તરત જ પરચાની વાત સમજાય જાય અને ભવિષ્યમાં મહારાજની કથાવાર્તા કરનાર વક્તાને પણ કથા કરવામાં ખૂબ જ અનુકૂળતા રહે અને શ્રોતાઓને પરચા સાંભળવામાં પણ સાનુકૂળતા રહે. માટે જ સતત પાંચ વર્ષની મહામહેનતે ધીરે ધીરે સમય અનુકૂળતા પ્રમાણે આ ગ્રંથના કાર્યમાં ઝીણવટપૂર્વક ધ્યાન આપ્યું જેથી મહારાજની પૂર્ણ કૃ પાથી યથાશક્તિ આ કાર્યને ન્યાય આપ્યો છે. છતાંય ક્યાંય ભૂલચૂક રહી ગઈ હોય તો મને ક્ષમા કરી અવશ્ય મુક્ત ભક્તો મારું ધ્યાન દોરે એવી નમ્રતાપૂર્વક વિનંતી છે.
‘‘પ્રગટ ભગવાનનાં પરચા’’ આ ગ્રંથના માધ્યમથી અનેક મુમુક્ષુ જીવાત્માઓને મહારાજની જેવી છે એવી સર્વોપરિ ભગવાનપણાંની ઓળખાણ અવશ્ય થશે. કારણ કે, પરચાઓમાં આકર્ષણ શક્તિ રહેલી છે. પ્રગટ ભગવાનનાં પરચા સાંભળવામાં કે વાંચવામાં કોઈ પણ વ્યક્તિને જે શાંતિ અને આનંદનો અનુભવ થાય છે તેવો જગતમાં બીજે ક્યાંય થતો નથી માટે જ ક્યારેક ભક્તો ભેગા થઈને પણ મહારાજના પરચાની વાતો કરતા હોય ત્યારે કલાકોના કલાકો પસાર થઈ જાય તો પણ ભૂખ-તરસ કે નિંદ્રાનો પણ ખ્યાલ નથી રહેતો. આવી અદ્ભુત શક્તિ ભગવાનનાં લીલા ચરિત્રો અને પરચાઓમાં રહેલી છે. માટે જ કોઈ પણ સંપ્રદાય હોય તો એ સંપ્રદાયમાં તેના ઇષ્ટદેવના લીલા ચરિત્રોની કથા જ આ પૃથ્વી પર યુગોથી ચાલતી આવે છે અને હવે આવનારા અનંત યુગો સુધી આ ગ્રંથના માધ્યમથી પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણના લીલા ચરિત્રો અને પરચાઓની કથા થશે. અનંત જીવાત્માઓ પ્રગટ ભગવાનને ઓળખશે અને પોતાના જીવાત્માનો મોક્ષ કરી પરમ ધામમાં મહારાજની સેવામાં જ રહેશે.
મહારાજે તો હયાતીમાં ક્ષણે ક્ષણે અનંત પરચાઓ આપ્યા છે. જેમ વરસાદના છાંટા ન ગણી શકાય તેમ પ્રગટ ભગવાનના પરચા પણ ન ગણી શકાય કે પૂર્ણ રીતે ન વર્ણવી શકાય તેવા અનંત અને અપાર છે. આ ગ્રંથનું પ્રકાશન તો માત્ર મહારાજના ચરણોમાં ગુલાબના હારમાંથી એક પાંખડી મૂક્યા સમાન છે. કારણ કે- મહારાજના ઘણાં મુક્ત ભક્તો ધામમાં ગયા હોવાથી તેમના પરચાનું પૂર્ણ વર્ણન ક્યાંક નથી થઈ શક્યું, પરંતુ બીજા ભક્તો પાસેથી શ્રીહરિ શરણાગતિ મંડળમાં તેમના યોગદાન વિશેની વાત જાણી અમુક માહિતી સારી રીતે વર્ણવી છે.
ભવિષ્યમાં પણ મહારાજના જૂના ભક્તો તેમજ નવા ભક્તોના પરચાની કે અન્ય વિશેષ મહત્ત્વની વાત અમારા ધ્યાનમાં આવશે તો ‘‘પ્રગટ ભગવાનના પરચા’’ ‘ભાગ-ર’ તે નૂતન ગ્રંથનું પણ અવશ્ય પ્રકાશન કરીશું.
જેમણે વર્ષો સુધી અનેક સ્થળોએ વિચરણ કરી કથાવાર્તા દ્વારા અનેક ભક્તોને મહારાજની ભગવાનપણાની ઓળખાણ આપી છે તેવા અનાદિ મુક્તરાજ પૂ.હેમંતભગત, પૂ.શાંતિલાલભગત બગીચા, પૂ.રતિલાલભગત રાઠોડ આ દરેક મુક્ત ભક્તોની વર્ષોની દરેક કથાવાર્તાની ઓડિયો વીડિયો કેસેટમાંથી પણ સારરૂપ મહારાજની કથાનો પણ એક નૂતન ગ્રંથ પ્રકાશન કરવાનો સંકલ્પ છે જેથી વર્ષો સુધી કરેલી આ ભક્તોની કથાની મહેનત ગ્રંથરૂપે કાયમ મંડળના વિકાસ માટે ઉપયોગી થાય. આ સંકલ્પ પણ મહારાજ પૂરો કરે તેવી પ્રાર્થના છે.
મહારાજનું એક કિર્તન છે કે-
‘‘પ્રથમ વિચાર સહુ કરજો, વિકટ માર્ગ છે પ્રગટનો,પછી ડગલાં તમે ભરજો, વિકટ માર્ગ છે પ્રગટનો,દુઃખોના પહાડ ઉતરશે, જગત નિંદા બહુ કરશે,પ્રગટ પ્રભુ એમ ન મળશે, વિકટ માર્ગ છે પ્રગટનો.’’
આ કિર્તનની પંક્તિના એક એક શબ્દનો અનુભવ મને ખૂબ જ થયો છે. મહારાજના કાર્યો કરવામાં યોગ્ય સાધનોનો અભાવ, ધનનો અભાવ, મર્યાદિત સહયોગ, પ્રતિકૂળ દેશકાળ અને અનેક પ્રકારના દુઃખદ સમય-સંજોગ આ બધામાંથી પસાર થઈ થઈને મહારાજના કાર્યો પૂર્ણ કરવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. મહારાજની ઈચ્છાથી તેમના જ દેવાણી કૂળમાં મારો જન્મ થયો અને મહારાજની શિષ્ય સંત પરંપરામાં મને સંત દિક્ષા લઈને જે જૂનાગઢ ધામની અને શાસ્ત્રોની સેવાનો મને જે લાભ મળ્યો છે બસ તેનો જ અંતરમાં આનંદ છે. બાકી આ જગતમાં ક્યાંય સુખ નથી. બધે દુઃખ દુઃખ અને દુઃખ જ છે. પ્રગટ ભગવાનની મૂર્તિ અને તેમના કાર્યમાં જ શાશ્વત સુખ છે. જેને પ્રાપ્ત કરવા માટે હું સતત પ્રયત્નશીલ છું પણ છતાંય મારા જીવનમાં જાણતા-અજાણતા કોઈ ભૂલ થઈ હોય તેમજ મારાથી કોઈ જીવાત્માને દુઃખ પહાગચ્યું હોય તો હું હૃદયથી મહારાજ તેમજ અનાદિ મુક્તભક્તો પાસે ક્ષમા યાચના કરું છું. મને જરૂર ક્ષમા કરી અને મારા પર ખૂબ રાજીપા સાથે રૂડા આશિર્વાદ સૌ ભક્તો રાખે તેવી પ્રાર્થના છે.
અંતમાં... વર્ષોથી મહારાજના નૂતન સાહિત્યના પ્રકાશનનું કાર્ય તેમજ મહારાજના અગ્નિસંસ્કારના પરમધામ સ્મૃતિ મંદિરનું કાર્ય અને નૂતન પ્રસાદી ભુવનનું કાર્ય તેમજ જે કાંઈ પણ જૂનાગઢ ધામના વિકાસનું કાર્ય થયું છે આ દરેક કાર્યોમાં સંકલ્પ કરાવનારા પણ પ્રગટ ભગવાન સ્વયં છે અને સંકલ્પ પૂરા કરનાર પણ પ્રગટ ભગવાન જ સ્વયં છે જે જે ભક્તોએ આ દરેક કાર્યોમાં તન-મન-ધનથી સેવાનો લાભ લીધો છે તે સૌ ભક્તો અભિનંદન અને આશિર્વાદને પાત્ર છે, પરંતુ મહારાજની કૃપાથી બધું સમયે સમયે કાર્ય પૂર્ણ થયું છે. માટે તેનો સંપૂર્ણ યશ માત્ર ને માત્ર પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણને જ જાય છે. કારણ કે, આપણે સૌ મહારાજે આપેલી બુદ્ધિશક્તિથી કાર્ય કરીએ છીએ. નિમિત્ત માત્ર છીએ. કર્તા-હર્તા માત્ર પ્રગટ ભગવાન જ છે. એમની ઈચ્છાથી અને કૃપાથી મારા જીવનમાં મને વિશેષને વિશેષ પ્રગટ ભગવાનના સંકલ્પના કાર્યો કરવાનો લાભ મળે, મારા જીવનમાં રહેલા કોઈ દોષો હોય તો નાશ પામે અને વિશેષ સદ્ગુણોનો ઉદય થાય તેમજ મહારાજની સેવા-ભક્તિ તેમજ કથાવાર્તામાં જીવન પવિત્ર પણે પસાર થાય અને અંતકાળે મહારાજ સ્વયં દર્શન આપી કૃપા કરી પોતાના પરમધામમાં તેડી જાય અને ચરણસેવામાં રાખે એ જ અભ્યર્થના સાથે સૌ ભક્તોને ભાવથી જય અનાદિ શ્રીકૃષ્ણનારાયણ... લી. શ્રી કૃષ્ણપ્રકાશ સ્વામી (કે.પી. સ્વામી) પરમધામ સ્મૃતિ મંદિર, જૂનાગઢ ધામ મો. ૯૯૭૪૩ ૬ર૧૦૮
— શ્રી કૃષ્ણપ્રકાશ સ્વામી (કે.પી. સ્વામી), પરમધામ સ્મૃતિ મંદિર, જૂનાગઢ ધામ