પરચા ૨૦

અનાદિ મુક્તરાજ કરશનભગત માવજીભગત પીત્રોડિયા

જામવંથલી

પ્રગટ ભગવાન જ્યારે જામનગર સ્વામિનારાયણ મંદિરે બિરાજતા હતા ત્યારે આજુબાજુ ગામના ભક્તો કામકાજ અર્થે જામનગર જતા ત્યારે શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના દર્શન કરતા. તેમ આ કરશનભાઈ લુહાર પણ જામનગર જતા અને મહારાજના દર્શન કરતા. મહારાજ પોતાના મુક્ત જાણી કરશનબાપાને કરશનભાઈ કહીને બોલાવતા અને પ્રેમથી વ્હાલથી આજ્ઞા-ઉપદેશ દેતા. કરશનબાપા મહારાજનો પ્રેમ જોઈને મનોમન મહારાજની ભક્તિ-આદર કરતા. મહારાજ જ્યારે જામવંથલીમાં બે વર્ષ માટે આવ્યા ત્યારે કરશનબાપાએ મહારાજને ઘણાં ભાવથી આદરથી સન્માનથી રાખ્યા હતા. એટલે મહારાજ કરશનબાપા ઉપર વિશેષ રાજી જ હતા. વંથલીથી મહારાજ જૂનાગઢ ગયા તો પણ કરશનબાપા ક્યારેક ક્યારેક દર્શન કરવા જૂનાગઢ જતા.

એક વખત જામવંથલીમાં જાંબુ વેચવાવાળો આવ્યો. કરશનબાપાએ સારા જાંબુ ખરીદ્યા. ત્યાં ઘડીક થઈને બાપાના ઘરે મહારાજ આવ્યા તેથી કરશનબાપાના ઘરના બહું રાજી થયા. મહારાજને પાટ ઉપર બેસાડ્યા.મહારાજની આરતી ઉતારી અને જાંબુ મહારાજને જમવા પીરસ્યા. મહારાજ જાંબુ જમતા જાય અને બહું સરસ છે, બહું મીઠાં છે. આમ બોલતા જાય. કરશનબાપા બહુ રાજી થયા કારણકે આજ તેના ઘરે પ્રગટ ભગવાન પધાર્યાં હતાં. બસ ત્યારથી કરશનબાપાના જીવનમાં મહારાજ સ્થિર થઈ ગયા. કરશનબાપાને મહારાજ વચ્ચે બીજું કોઈ નઇ. આવી તેઓ ભક્તિ કરતા અને ભગવાનને રાજી કરતા.

એક વખત કરશનબાપા જૂનાગઢ ગયા. તેમને સંતાન ન હતું અને એમને ખબર હતી કે મહારાજ ધારે તો ઘરે શેરમાટીની ખોટ પુરાય. એમ જાણી જૂનાગઢ ગયા. મહારાજને દંડવત્ કર્યા, ફુલનો હાર પહેરાવ્યો, આરતી ઉતારીને મહારાજના ચરણ પાસે બેસી ગયા. પણ જીભ ઉપડતી ન હતી. મહારાજને કેમ કહેવું. એટલે મહારાજ બોલ્યા, કેમ કરશનભાઈ નિરાશ છો ? ત્યારે કરશનબાપા કહે, મહારાજ ઘરના દુઃખી છે, ઘરે સંતાન નથી. મહારાજ કહે, સંતાન તમારા ભાગ્યમાં નથી પણ તમે ઈચ્છો તો દિકરો આપું પણ એ દિકરાની તમારે સેવા કરી મોટો કરવો પડશે. તે સમય જતાં તમારી સેવા નહીં કરી શકે. એના કરતા આ મંડળનાં બસો દિકરા તમને બાપા કહીને બોલાવે છે તે જ સારું ને. કરશનબાપા કહે, મહારાજ

તમે જેમ રાજી તેમા અમે રાજી. કરશનબાપા ઘરે આવ્યા. ઘરનાને વાત કરી કે, મહારાજ આમ કહે છે. આ શરણાગતિ મંડળ આપણું અને આપણે આ શરણાગતિ મંડળના. આમ ઘરનાને સમજાવ્યું અને મહારાજની જેવી ઈચ્છા. એમ જાણી બંને મહારાજની ભક્તિમાં જીવન વ્યતીત કરતા.

જ્યારે ફુલવાડીમાં વંડાનું કામ ચાલતું ત્યારે કરશનબાપા સેવા કરવા આવતા. તેમજ પોતે લુહાર એટલે કાંઈ પાના કાઢવા કે વેલ્ડિંગ કરવું તે કામ ફુલવાડીનું સેવામાં કરતા. તેના નાણાં ક્યારેય લીધાં નથી અને જ્યારે ફુલવાડીનો વંડો થઈ ગયો ત્યારે લોખંડના ગેટની સેવા કરશનબાપાએ કરી છે. ત્યારે નાણાંની બહુ જ ભીડ હતી. છતાં આવતીકાલનો વિચાર કર્યા વિના ગજા ઉપરાંતની સેવાઓ કરતા. ફુલવાડીના શિખરનું કામ ચાલુ થયું ત્યારે તેમને અવારનવાર જૂનાગઢ મહારાજ પાસે જવાનું થતું. મહારાજની સલાહ લેવાની હોય- વિદેશથી આવેલ સેવાના રૂપિયા લેવા અને ફુલવાડીનું કામ આગળ ધપાવવું. આમ અવારનવાર જૂનાગઢ જતા. એ બહાને મહારાજના દર્શન થાય, મહારાજના રાજીપા રૂપ મુખડું જોઈને બાપા પણ બહુ રાજી થતા.

આમ ફુલવાડીની ખૂબ સેવા કરતા. જ્યારે પથ્થરની ગાડીઓ આવે, પાટની ગાડી આવે ત્યારે આપણાં આ જુવાનીયા છોકરાઓ જે કૃષ્ણ વખતના ગોવાળો અને આ વખતના મહારાજના વ્હાલા સેવકો તે બધા આજ પોતાની નાની અવસ્થા એટલે બધા ૧પ વર્ષથી ૧૮-૧૯ વર્ષના આ બધા સેવકો દ્વારા આવા ભગવાનના કામ થતા. ત્યારે કરશનબાપા કહે, ગાડી ખાલી કરવાના ૩૦૦-૧૧૦૦ દેવા એના કરતા આ છોકરાઓને લાડવા ખવરાવીને રાજી કરવા સારા. આમ ક્યારેક ક્યારેક કરશનબાપા આવા સેવકો માટે મિષ્ટાન લાવતા, જમાડતા ને રાજી કરતા.

ફુલવાડીમાં પાના-પક્કડ, ધાર કાઢવી, મશીનરીની જરૂરત હોય તો કરશનબાપાની કોડમાં જે વસ્તુ હોય અને જોઈતી હોય તો ફુલવાડી માટે વગર રજાએ લઈ જાવાની છૂટ તેમજ જ્યારે જ્યારે ફુલવાડીમાં કરશનબાપાની જરૂરત પડે ત્યારે ગામના કામ એકબાજુ રાખીને ફુલવાડીનું કામ પહેલાં કરવાનું. આમ કરશનબાપાની સેવામાં જીવનમાં ભગવાનનું પ્રધાનપણું હતું. ફુલવાડી અને ફુલવાડીના ભક્તો માટે તો બાપા હાજર જ વર્તે.

ફુલવાડીમાં જે ભક્તો દેશમાં કે પરદેશથી દર્શન કરવા આવે તો બાપા બહુ રાજી થાય અને કહે, તમે ભાગ્યવાળા છો. આ ભગવાનને ઓળખી લીધા. કેવા તમે ભગવાનને રાજી

કરો છો. અમારા વખતે કાંઈ નહોતું તમે તો આજે કેવી કેવી સેવાઓ કરો છો. ડ્રાફ્ટ ઉપર ડ્રાફટ મોકલાવો છો. અહીં ફુલવાડીમાં મહિનો બે મહિના રોકાઈને સેવા કરો છો. આમ બાપા બહુ રાજી થતા અને ઉપર મંદિરમાં જઈ મહારાજ પાસે બેસી માળા કરતા કરતા કહે,મહારાજ આ તમારા છોકરાઓ છે, તમારા સેવકો છે, એનું ધ્યાન રાખજો. સુખીયા કરજો. એમાં કોઈ સેવક સંસારના દુઃખની વાતો કરે તો તરત જ ઉપર જઈ મહારાજને ફરીયાદ કરતા કે, મહારાજ તમારા સેવકોને વળી દુઃખ, પણ કૃપા કરી જલ્દી તેનું ધ્યાન રાખજો.

કરશનબાપાના ભાગ્યમાં સંતાનસુખ નહોતું તેથી તેઓ શરણાગતિ મંડળના ભક્તોને દિકરાની જેમ રાખતા. કરશનબાપા, ભગવાન આપણાં બહુ દયાળું છે. આમ કહી ભાવવિભોર થઈ જતા અને કોઈ ભક્ત કરશનબાપાને જય અનાદિ કરવા જાય ત્યારે પૂછતા કે, ઘરે બધા કેમ છો ? એટલે આપણે કહીએ ભગવાનની દયાથી સૌ સારાવાના છે. કરશનબાપા પૂછે, છોકરાઓ કેટલાને કેમ છે ? ત્યારે દિકરો ન હોય તો જરા નરવશ થઈ બોલાઈ જાય. એક દીકરી છે કે બે દીકરી છે. ત્યારે બાપા આશીર્વાદ દેતા કે, જાઓ ભગવાન તમને દિકરો આપશે, આપણા ભગવાન બહું જબરા છે, એમ આશીર્વાદ દેતા અને સમય જતાં ઘણાં ભક્તોના ઘરે કરશનબાપાના આશીર્વાદથી દિકરાના જન્મ થયા છે.

ફુલવાડીમાં દરરોજ ભક્તોની આવન-જાવન અને સેવા કરવા ભક્તો આવે. બીજા જાય વળી બીજા ભક્તો આવે આમ સેવકોનો પ્રવાહ ચાલુ જોઈને કરશનબાપા બહુ જ રાજી થતા. ક્યારેક ભક્તોનો સમૂહ ભેગો થાય ત્યારે આ બાપાને બીજા લાલાબાપાને રાઘવબાપા આ બધા મોટા મોટા ભક્તો ભેગા થાય ત્યારે મહારાજની લીલાઓની વાતો કરીને સૌને આનંદ આપતા સાથે મહારાજનો ઉપદેશ પણ આપતા અને જમવા બેસે તો પંગતમાં એક બીજા એકબીજાને બળજબરી પણ ભાવથી ઘણું ઘણું જમાડતા. આ જોઈ જુવાનીયાઓ રાજી રાજી થતાં જુવાનીયાઓને રાજી જોઈ પોતે પણ રાજી થતાં. આવી તો ઘણી રમુજભરી લીલાઓ થતી અને સમૈયાનો આનંદ લેતા.

એક વખત બાપાએ મહારાજને પ્રાર્થના કરી કે, મહારાજ મારા ઘરનાને પહેલા ધામમાં લઈ જજો. નહીંતર દુઃખી થઈ જશે. મહારાજે તેની પ્રાર્થના સાંભળી અને કૃપા કરી પહેલાં માજીને ધામમાં લઈ ગયા. આમ કરશનબાપાનું આ શરણાગતિ મંડળમાં ઘણું ઘણું યોગદાન રહ્યું છે અને કરશનબાપા જે મહારાજનું સ્થાપિત શ્રી હરિશરણાગતિ મંડળ અને તેમાં આ ફુલવાડીનું કાર્ય કરવા માટે ભગવાને સ્વયં ટ્રસ્ટના પ્રમુખ તરીકે આ કરશનબાપાને સ્થાન

આપ્યું છે. મહારાજે ૧૧ જણાં ટ્રસ્ટીઓ લખીને નીમી આપ્યા છે. કરશનબાપાની ઉંમર થતાં અને ફુલવાડીના ઘણાં કામો બાકી હોવાથી કરશનબાપાએ ટ્રસ્ટીઓ ભેગાં કરીને કહ્યું, મારી ઉંમર થઈ અને હું જીવતો છું ત્યાં સુધી આ વેલજીભગતને પ્રમુખ તરીકે સૂચવું છું તમે બધાં રાજી છો ને. સૌ મંડળના ટ્રસ્ટીઓ કહે , બહું સારું બાપા તમે જેમાં રાજી એમા અમે રાજી.

આમ કરશાનબાપાની આજ્ઞાથી છેલ્લા ૩પ વર્ષથી આ ફુલવાડી ટ્રસ્ટી મંડળમાં પ્રમુખશ્રી તરીકે પ.પૂ. વેલજીભગત સેવા આપી અને ફુલવાડીમાં ઘણાં ઘણાં કાર્યો સર્વોપરી પાર પાડ્યા હતા. આવું નિર્દોષ નિષ્કામ જીવન કરશનબાપાનું હતું તે કાંઈ પણ અણગમતું હોય તો તે મહારાજને જ ફરિયાદ કરતા ક્યારેય પણ ભક્તોને ફરિયાદ કરી નથી. સદા સ્નેહભર્યાં, પ્રેમાળ અને ભક્તિવાળું જીવન જીવતા. દરરોજ સવાર-સાંજ ફુલવાડીએ દર્શન કરવા આવતા, સેવા કરનારા ભક્તોને આશીર્વાદ આપતા.

એક વખત ભગવાનજી રાજા ફુલવાડીનો કારભાર સંભાળતા હતા ત્યારે કરશનબાપાએ ભગવાનજી રાજા અને વેલજીભગતને વાત કરી. મારું જે કાંઈ છે તે આ મકાન, મારી દુકાન અને જગ્યા તથા મારી રોકડ મૂડી તે મારે ફુલવાડીને અર્પણ કરવી છે. એટલે ભક્તો બહુ રાજી થયા. બહું સારું તમે ફુલવાડીમાં આવતા રહો અમે તમારી સાર-સંભાર રાખીશું. કરશનબાપા કહે, એમ નહીં હું ફુલવાડીનો ઋણી ન થાઉં પણ મારી મૂડી છે તે મૂડીના વ્યાજથી મારું જીવન ચાલશે અને આ મારી સર્વ સંપત્તિ મારા ધામમાં ગયા પછી ફૂલવાડીને અર્પણ તે પ્રકારે દસ્તાવેજ કરશનબાપાએ ફુલવાડીને કરી આપ્યા અને રોકડ-મૂડીમાં વાઘેલા સાહેબને પાવરનામું આપ્યું કે મારા પછી આ સાહેબ બધી મૂડી ફુલવાડીને અર્પણ કરશે. આમ પ્રથમ હેમંતભગત અને આ કરશનબાપા જેણે પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કર્યું છે. આવા દિલેર પ્રેમી, પરોપકારી અને એકનિષ્ઠાવાળા, સર્વોપરી ઉપાસના, ભક્તિ અને ભગવાનના વહાલા, વિશ્વાસુ અનન્ય સેવક ભક્ત કરશનબાપા હતા. તેઓ અખંડ મહારાજનું સ્મરણ કરતા કરતા પરમધામમાં સિધાવ્યા હતા. મહારાજ તેમને દિવ્ય દર્શન આપી ધામમાં તેડી ગયા હતા.

જેમનું જીવન આપણાં સૌ ભક્તો માટે પ્રેરણારૂપ હતું. આવા અનાદિ મહા મુક્તરાજ પૂજ્ય કરસનબાપાને અનંતવાર દંડવત્ પ્રણામ... સહ જય અનાદિ શ્રીકૃષ્ણનારાયણ.