પરચા ૧૫

અનાદિ મુક્તરાજ રમેશભગત હંસરાજભગત રાઠોડ

ચાવડા, હાલ- રાજકોટ

પ્રગટ ભગવાને ઈ.સ. ૧૯૭૦માં જામવંથલીમાં કથા વાંચી ત્યારે મારી ઉંમર પાંચ વર્ષની હતી. મહારાજ પધરામણીએ નીકળે ત્યારે હું આગળ આગળ ચાલું અને શાસ્ત્રીજી મહારાજ શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની જય. આમ આગળ આગળ જય બોલાવતો, ત્યારે મહારાજ મને તેડી લેતા. ધીમે ધીમે મોટા થતાં ગયાંને મહારાજ પાસે જ્યારે જ્યારે દર્શન કરવા જતા ત્યારે ત્યારે મહારાજ કહે, તું નાનો હતો ત્યારે મારી જય બોલાવતો એ જ છો ને ? એમ મહારાજ રમૂજ કરી અનુસંધાન આનંદ આપતાં.

એકવાર અમારા ગાડામા બેસીને મહારાજને જામવંથલી જાવાનું થયું પણ રસ્તો એક જ તે રસ્તામાં અમારી વાડીનો રસ્તો આવ્યો તો બળદો વાડી બાજુ વળ્યા તો મહારાજ કહે, તો વાડીએ હાલો. આમ મહારાજ વાડીએ પધાર્યા હતા.

મહારાજે વંથલીમા કથા વાંચી ત્યારે હું ત્યાં ગયો હતો ને મેં કિર્તન બોલાવ્યું ‘‘અક્ષરના વાસી વ્હાલો અહીં પ્રત્યક્ષ આવીયા રે લોલ.'' સમય જતા ધો.૧૦ ભણીને પૂના કામ શીખવા ગયો. ત્યારે બધાં ભક્તો દુબઈ જતા તો હું અને રામજીભગતનો રમેશ અમે બેઠા હતા અને વિચાર થયો ચાલોને પાસપોર્ટ બનાવીએ, તે એક મહિનામાં પાસપોર્ટ આવી ગયા પછી વિદેશ મોકલવાના એજન્ટ હતા એમણે બધું ગોઠવી આપ્યું. પછી દેશમાં આવ્યોને મહારાજના દર્શન કરવા ગયો. મહારાજને કહ્યુંું મહારાજ વિદેશ જવાનું થાય છે, આશીર્વાદ આપો. મહારાજ કહે, હા જાઓ. મે સંકલ્પ કર્યો કે, દુબઈ જાવાનું થાય તો પહેલો પગાર મહારાજને આપવો. તેથી મારું એક મહિનામાં જાવાનું થઈ ગયું. મહારાજની કૃપાથી કંપનીએ સારી મળી.

એકવાર છગનભગત ભેગો મહારાજ પાસે રહેવા ગયો પણ ઉંમર નાની એટલે અઠવાડિયું રહ્યા ગમ્યું નહીં એટલે આવતો રહ્યો. એકવાર મહારાજના દર્શન કરવા ગયો સાથે એક મિત્ર હતો તે અમે બીજા દિવસે મહારાજને કહ્યા વિના ગિરનારના દર્શન કરવા ગયા તે અમે રિક્ષામાં તળેટીમાં જતા હતા ત્યાં રિક્ષાએ પલ્ટી મારીને મારા મિત્રને પગમાં ફ્રેકચર થયું હતું પણ મહારાજે મારી રક્ષા કરી હતી.

એકવાર મને મહારાજે ગિરનારના દર્શન પોતાના રૂમની બારીએથી કરાવ્યાં એટલે હું ગિરનાર ચઢવા ન ગયો. ત્યારે મહારાજે વાત કરી કે એકવાર ચાર જણાં આવ્યા અને મને ગિરનાર જવાની વાત કરી તો મેં બારીએથી ગિરનાર બતાવ્યો. તેથી બે જણા રોકાઈ ગયાને, બે જણા ગિરનાર ચઢવા ગયા. તો ગિરનાર ચઢતા એક શીલા એ બેયની ઉપર પડી તે બેય ઊંડી ખાઈમાં પડ્યા અને તેમનું મરણ થયું.

એક વખત ચાવડા મંદિરના ફળિયામાં મહારાજ આવ્યા હતા, ખાટલો ઢાળી ને મહારાજ બેઠા હતા. સામે ગામના હરિભક્તો અને દરબારો બેઠા હતા, ત્યારે મોટાભાઈ અમરશીભગત વિંઝણાથી હવા નાખતા હતા ત્યારે મહારાજ બોલ્યા કા વિંઝણો તૂટશે કા તારો હાથ તૂટશે એટલે ભગવાન હાથ તો ન તૂટવા દે પણ વિંઝણો તૂટ્યો. આમ મહારાજ ભકતોની રક્ષા કરતા. મહારાજ દયાદ્રષ્ટિ, કૃપાદ્રષ્ટી કરી ભકતોની રક્ષા કરતા જ્ઞાન આપતા, અનુસંધાન આપતા, રાજીપો વરસાવતા, થોડી સેવાને ઝાઝી માનીને રાજી થતા, પોતાના ગણી વ્હાલ કરતા.