અનાદિ મુક્તરાજ નાનજીભગત લખમણભગત કાચા
જામવંથલી
પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજીએ આ લોકમાં પોતાના અનેક શિષ્યો કે મનુષ્યો કે જીવ પ્રાણીઓને દુઃખમાંથી મુક્ત કર્યાં છે, સુખી કર્યા છે. ભગવાનના ધામમાં મોકલ્યા, તેડી ગયા છે એના ઘણાં પરચા અનેક ભગવદીજનોને થયા છે.
આજથી લગભગ પ૦-૬૦ વર્ષ પહેલ અમારા ગામના અમારા કુટુંબના અમારા વડીલભાઈ હરિભાઈ વસ્તાભાઈ કાચાને શરીરે વાંસામાં, પીઠમાં ભરનીંગર (મોટું) અદિઠ્યુ (પોતે ન જોઈ શકે) ગુમડું થયું. કાળી બળતરા થાય, ગામડામાં વૈદ્ય કે ડૉક્ટરની સગવડતા નહિ જેથી બહુ દુઃખી હતા. વિચાર કરતાં બીજા વડીલોએ સલાહ આપી કે જામનગર જઈને શાસ્ત્રીજી મહારાજ પાસે આશીર્વાદ લેવા અને તેઓશ્રી કહે તે રીતે ડૉક્ટરને બતાવવું.
સાંજે તેમના દીકરા જીવરાજભાઈ અને નાનાભાઈ ગોવિંદભાઈ તથા દેવજીભાઈ લખમણભાઈ કાચા રેલવે ટ્રેનમાં જામનગર હરિભાઈને લઈ ગયા. રાત્રો સ્વામિનારાયણ મંદિરમાં શાસ્ત્રીજી મહારાજ પાસે ગયા. દર્શન કરી હરિભાઈના દુઃખની વાત કરી અને માર્ગદર્શન, આશિર્વાદ માગતા તેમણે કહ્યું કે, દર્દ ભયંકર છે કદાચ ભગવાન તેડી જાય, પરંતુ હરિભાઈના પરિવારમાં નાના બાળકો છે તેના કલ્યાણ, રૂડા માટે અમો ભગવાનને પ્રાર્થના કરશું, માળા કરશું કે આ ભગતનું દુઃખ મટી જાય.
પછી જામનગરમાં સરકારી દવાખાનામાં (ઇરવીન હોસ્પિટલ)માં દાખલ કર્યાં. ડૉક્ટરોએ દર્દની ગંભીરતા સમજી સારવાર શરૂ કરી. ગુમડાંનું વાઢકાપ... જેવી સારવાર કરતા હરિભાઈ ડૉક્ટરને ના પાડે કહે કે, મારે અહીં નથી રહેવું. ડૉક્ટર માને નહીં. હરિભાઈએ પોતાનો હાથ ડૉક્ટરને માર્યો (થપ્પડ મારી). છોકરાને કહે, આ નળીઓ બધે ભરાવી છે તે કાઢી નાખ મારે ઘરે જાવું છે, દવાખાનામાં રહેવું નથી.
આ સમય દરમ્યાન પૂ.શાસ્ત્રીજી મહારાજે તેમના માટે માળા કરવાનું ચાલું રાખ્યું. જેથી તેમના આશીર્વાદથી હરિભાઈનું દુઃખ દૂર થયું, સાજા થઈને મંદિરે શાસ્ત્રીજી મહારાજના દર્શને ગયા. મહારાજે હરિભાઈને કહ્યું, તમારે ધામમાં જવા ઘણું દુઃખ હતું પણ અમે કૃપા કરી તમને દુઃખમાંથી છોડાવ્યા છે, જેથી હવે નિરાંતે ભજન કરજો, સેવા કરજો.