પરચા ૧૧૩

અનાદિ મુક્તરાજ મહેન્દ્રભગત ઓધવજીભગત ટાંક

જૂનાગઢ, હાલ- અમદાવાદ

મારું મૂળ ગામ જૂનાગઢ છે. મેં એજ્યુકેશન પણ જૂનાગઢમાં જ લીધું છે. હું મા ગાયત્રીની ઉપાસના કરતો. એકવાર મારા બાપુજીનાં મિત્ર મગનભાઈએ મને વાત કરી કે, મહેન્દ્ર તે કોઈ ગુરુ કર્યાં છે કે નહીં ? મેં કહ્યું, કોઈ ગુરુ નથી કર્યાં, પણ જો કોઈ યોગ્ય ગુરુ હોય તો મારે કરવાં છે. તમારા ધ્યાનમાં જો કોઈ હોય તો કહો. એટલે મેં કહ્યું કે, આપણાં જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ નામનાં બહુ મોટા વિદ્વાન, તપસ્વી અને વચનસિદ્ધ ભગવાન જેવા સંત છે. મેં તો એમને ગુરુ ધારણ કરેલાં છે માટે તું પણ એમની પાસે કંઠી બંધાવ.

પછી તો બીજા જ દિવસે હું મગનભાઈની સાથે સૌ પ્રથમવાર સ્વામિનારાયણ મંદિરે ગયો. મંદિરમાં બધાં જ દેવોનાં દર્શન કરી પછી બાલમુકુંદ ભવનમાં મહારાજ પાસે ગયાં એટલે મહારાજે મગનભાઈને પૂછ્યું, આ કોણ છે ? એટલે મગનભાઈએ મારી ઓળખ આપતા મહારાજને કહ્યું, મહારાજ આ મારા મિત્રનો દિકરો છે અને આજે હું તમારી પાસે આને કંઠી બંધાવવા લઈ આવ્યો છું. એટલે મહારાજ ખૂબ રાજી થયાં અને મને પણ સૌ પ્રથમવાર મહારાજનાં દર્શન કરી અને આત્મામાં એમ થયું કે, સાચે જ મહારાજ ગુરુ કરવાં જેવાં છે.

મહારાજે મને હાથમાં જળ આપી, કાલ-માયાનો દિક્ષામંત્ર આપ્યો અને મને કંઠી પહેરાવી, આશિર્વાદ આપ્યાં. ત્યારબાદ મેં મહારાજને પૂછ્યું કે, આ કંઠી પહેર્યા પછી કોઈ નિયમ હોય તો મને કહો. એટલે મહારાજે કહ્યું કે, હવેથી કામય જે કાંઈ પણ ખાઓ, પીઓ તો ભગવાનને ધરીને જ ખાવું-પીવું. દરેક ક્રિયામાં ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનને ભેગાં રાખવાં, અભિમાન-ઇર્ષ્યા, રાગ-દ્વેષ આવાં બધાંય દોષો જીવનમાં ન રાખવાં. પવિત્રપણે જીવન જીવવું. આવી બધી મહારાજે આજ્ઞા કરી અને દરરોજ મંદિરે સવારે દર્શન કરવા આવવા માટે પણ ખાસ કહ્યું.

મહારાજની આજ્ઞા મુજબ હું દરરોજ સવારે મંદિરે મહારાજનાં દર્શન કરવા જતો અને મહારાજને ગુલાબનાં ફુલ અતિ પ્રિય હોવાથી ગુલાબનાં ફૂલ અને સાકર પણ લઈ જતો. ચાર મહિના જેવો સમય થયા બાદ મહારાજે મને એક દિવસ પૂછ્યું, તું દરરોજ ગુલાબનાં ફૂલ લાવે છે તે કેટલાનાં લાવે છે ? મેં મહારાજને કહ્યુ, પચાસ પૈસાના પંદર જેટલાં ફુલ આવે

છે, એટલે મહારાજે કહ્યું કે, તો તો મહિનાના રૂ.૧પનો ખર્ચ થયો ને ? એટલો બધો ખર્ચ ન કરાય. એટલે મેં મહારાજને કહ્યું કે, મહારાજ પરિસ્થિતિ સારી છે માટે મહિને આટલો ખર્ચ તમારી સેવામાં થાય એમાં મને કોઈ મુશ્કેલી જેવું નથી. પણ છતાંય મને મહારાજે આજ્ઞા કરી કે, કાલથી ફૂલ કે સાકર કોઈ વસ્તુ મારા માટે લાવવી નહીં. પણ આવતીકાલથી તારે દરરોજ મારા હાથ, પગ, કમર દબાવવાની સેવા કરવાની છે. એટલે મેં મહારાજને કહ્યું કે, મહારાજ મને એ ફાવશે નહીં કારણ કે મેં ક્યારેય આવી રીતે કોઇનીયે સેવા કરી નથી. તો મહારાજ કહે તને જેમ ફાવે તેમ સેવા કરજે. તારાથી શરીર દબાવતાં દબાવતાં ક્યાંય વધારે વજન દેવાઈ જશે તો હું તને તરત કહીશ પણ મારી આ ઉત્તમ સેવાનો લાભ તું લઇશ તો હું એમાં વધારે રાજી થઇશ.

બીજા દિવસથી હું મંદિરે મહારાજનાં દર્શન કરવા જતો. એટલે મહારાજ પહેલાં તો મને હાથ-પગ ધોવાનું કહેતા અને પછી પોતાનું શરીર દબાવવાનું કહેતા. હું ખૂબ જ ભાવ અને પ્રેમથી મહારાજની સેવા કરતો અને મહારાજ રાજી થઈ જતાં. આ રીતે ઘણાં વર્ષો સુધી નિયમથી મહારાજની સેવાનો ક્રમ ચાલુ રહ્યો. ઘણી વખત એવું પણ બને કે હું મહારાજની સેવા કરતો હોવ અને અચાનક કોઈ ભક્તો દર્શન માટે આવે તો એ પણ મારી સાથે મહારાજના હાથ-પગ દબાવવાની સેવા કરતાં. પણ મારી સેવાથી મહારાજ એટલાં વિશેષ રાજી હતાં કે બીજા ભક્તો સેવાનો લાભ લેતાં હોય પણ મહારાજ મને આજ્ઞા કરતા કે, મહેન્દ્ર તારે જવાનો સમય ન થાય ત્યાં સુધી તું મારી સેવા ચાલુ રાખ. ત્યારે મહારાજની સેવા વખતે દિવ્ય સુગંધ બહુ આવતી.

આ રીતે મહારાજની સેવાનાં ફળ રૂપે મને જૂનાગઢની બાજુનાં ગામમાં બગકમાં સારી નોકરી મળી ગઈ. પછી તો શનિ-રવિ રજાનાં દિવસોમાં જ હું મહારાજનાં મંદિરે દર્શન કરવા જતો અને સેવાનો લાભ લેતો અને દર મહિને મારા પગારમાંથી મહારાજને રૂ.પ૦ નિયમથી ધરતો હતો. ઘણીવાર હું મહારાજને રૂ.૬૦ કે ૭૦ આપતો તો પણ મહારાજ એમાંથી રૂ.પ૦ જ લેતા હતા બીજા મને પાછા આપી કહેતા કે, તમે તમારી કમાણીમાંથી દર મહિને નિયમથી દસમો ભાગ કાઢો છો. આટલી સેવાથી પણ અમે ખૂબ રાજી છીએ. અમારે વધારે નથી જોઇતા. આમ મહારાજનું જીવન ખૂબ જ સંતોષવાળું મેં અનુભવેલું છે.

મહારાજે જ્યારે પોતાની બાલકૃષ્ણલાલજી મહારાજની મૂર્તિ બનાવડાવી એ વખતે હું દર્શન કરવા ગયો ત્યારે મને કહ્યું કે, તારા માટે લાલજીની મૂર્તિ બનાવડાવી છે અને

આ મૂર્તિની સેવામા રૂ.રપ૦ તારે મને આપવાના છે. એ મેં તરત મહારાજને અર્પણ કર્યાં. મહારાજે મને મૂર્તિ હાથમાં આપીને કહ્યું કે, આજથી તમારા ઘરે આ મારી મૂર્તિની સેવા-પૂજા કરવાની છે. એટલે મેં મહારાજને કહ્યું કે, મહારાજ અમારા ઘરે ક્યારેય મેં મૂર્તિ સ્વરૂપે પૂજા કરી નથી, તો અમે કઈ રીતે એ સેવા-પૂજા કરીશું ? અને આ મૂર્તિમાં પ્રાણ-પ્રતિષ્ઠા પણ કઈ રીતે કરીશું ? એટલે મહારાજે તરત જ મૂર્તિ હાથમાં લઈ આખી મૂર્તિ પર હાથ ફેરવી મને કહ્યું કે, જો હવે પ્રાણ-પ્રતિષ્ઠા થઈ ગઈ છે. હવે જેમ ઘરનાં સભ્યોને આપણે પ્રેમભાવથી સાચવીએ છીએ. એમ આ મૂર્તિને પણ તમારે સાચવીને સમયસર સેવા-પૂજા-થાળ કરવાનાં છે અને મૂર્તિ રૂપે હું ઘરમાં સાક્ષાત્ બિરાજમાન છું એવો પ્રગટભાવ પણ રાખવાનો છે.

એકવાર હું બપોરે સૂતો હતો તો થોડીવાર માટે મને એવું સ્વપ્ન આવ્યું કે, મહારાજ પોતાનાં રૂમમાં શાસ્ત્ર લખી રહ્યાં છે અને ઉપર ઘડિયાળમાં બપોરે ૩-૩૦ વાગી રહ્યાં છે. મને બસ આટલાં જ દર્શન થયાં અને મારી ઊંઘ ઊડી ગઈ. એટલે તરત જ હું ઊઠીને સીધો મંદિરે જ્યાં મહારાજનાં રૂમમાં ગયો ત્યાં જે રીતે મને સ્વપ્નમાં દર્શન થયાં હતાં અને ઘડિયાળમાં જેટલાં વાગ્યાં હતા એ જ રીતે દર્શન થયાં. મને અચાનક જોઇને મહારાજે પૂછ્યું, કેમ મહેન્દ્ર અત્યારે દર્શને આવ્યો ? એટલે મેં મહારાજને કહ્યું, મને ઘરે સ્વપ્નમાં જે રીતે દર્શન થયા એ જ રીતે અત્યારે હું પ્રત્યક્ષ અહીં દર્શન કરીને આશ્ચર્યમાં પડી ગયો છું. આ સાંભળી મહારાજ રાજી થઈ મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા.

એકવાર મને સ્વપ્નમાં આકાશમાં મહારાજ વિશાળરૂપે બિરાજમાન હોય અને કોઈ દિવ્ય સ્ત્રી મહારાજનું પૂજન કરી આરતી ઉતારતી હોય તેવાં દર્શન થયાં. એટલે એ જ દિવસે ફરી મેં મહારાજને મંદિરે જઈ રૂબરૂ આ જ દર્શનની વાત કરી પૂછ્યું કે, મહારાજ જે દિવ્ય સ્ત્રી તમારું પૂજન કરી તમારી આરતી ઉતારતી હતી તે સ્ત્રી કોણ હતી ? એટલે મહારાજે તરત જ પોતાના સાથળમાં રહેલાં લક્ષ્મીજીનાં દર્શન કરાવી કહ્યું કે, એ લક્ષ્મીજી હતાં જે કાયમ અમારી સેવા-પૂજા કરે છે. આ રીતે મહારાજ વારંવાર આવા અલૌકિક દર્શન આપી પોતાનાં ભગવાનપણાંનો દૃઢ નિશ્ચય કરાવતા હતાં.

સમય જતાં મારા બાપુજી ખૂબ બીમાર પડ્યાં એટલે મેં મહારાજ પાસે આવી વાત કરી કે, મહારાજ મારા બાપુજીને હોસ્પિટલમાં દાખલ કર્યાં છે અને હાલમાં ઓક્તિસજન પર છે માટે આપ કંઇક કૃપા કરો એટલે મહારાજે હેમંતભગત અને કોઠારીસ્વામીને બોલાવી પોતે પહેરેલો ગુલાબનો પ્રસાદીનો હાર અને પોતાનું પ્રસાદીનું જળ આપી કહ્યું કે, આ મહેન્દ્રનાં

બાપુજી ઓધવજીભાઈ હોસ્પિટલમાં દાખલ છે તમે તેમને આ પ્રસાદીનો હાર પહેરાવી પ્રસાદીનું જળ પીવડાવજો તેથી કાલે સવારે અમે એમને ધામમાં લઈ જઇશું અને જે પ્રમાણે મહારાજે કહ્યું, તે જ પ્રમાણે થયું, બાપુજી બીજા દિવસે સવારે ધામમાં ગયાં.

આવી રીતે બાપુજીનાં અચાનક ધામમાં જવાથી મને ખૂબ દુઃખ થયું અને હું મહારાજ પાસે જઈ ખૂબ જ રડી પડ્યો. ત્યારે મહારાજે મને આશ્વાસન આપતાં કહ્યું કે, જન્મ-મરણ આ સંસારચક્રનો નિયમ છે. તમારા બાપુજીને અમે ધામમાં સેવામાં રાખ્યા છે માટે દુઃખ ના કરશો. તેમની પાછળ વિશેષ સેવા અને ભક્તિ કરજો. તમે વ્યવહારે સુખી છો અને અમારા આશિર્વાદ છે કે, હજી વિશેષ સુખી થશો. મહારાજનાં આવા આશ્વાસનથી મારામાં જાણે એક અલોકિક શક્તિનો સંચાર થયો હોય એવો મને સાક્ષાત્ અનુભવ થયો અને મારું દુઃખ દૂર થઈ ગયું.

એકવાર હું મંદિરે મહારાજનાં દર્શન કરવા ગયો ત્યારે મહારાજે મને સામેથી એક ગુલાબનું ફુલ આપી કહ્યું કે, આને ખિસ્સામાં રાખજો. તે દિવસે મારે વડોદરા બગકમાં મેનેજરની પોસ્ટના ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું. ઓલ ઇન્ડિયામાંથી માત્ર ૪૦ જ વ્યક્તિની પસંદગી કરવાની હતી. હું બરોડા ગયો ત્યાં મેં ઇન્ટરવ્યૂમાં મારા કરતાં પણ સારી સારી ડિગ્રીઓ અને અનુભવો ધરાવનારાં ઘણાં લોકોને જોયાં. થોડીવાર માટે તો મનમાં થયું કે, આમાં આપણું સિલેક્તશન થઈ શકશે નહીં પછી તો જેવી મહારાજની ઈચ્છા. ઇન્ટરવ્યૂમાં મારો વારો આવ્યો. સામે બેઠેલાં સાહેબોએ મને જે જે પ્રશ્નો પૂછ્યા તેના દરેકનાં સચોટ જવાબ મેં આપ્યાં. મારું ઇન્ટરવ્યૂ ખૂબ જ સારું ગયું પછી હું જૂનાગઢ આવ્યો. મહારાજને મેં વાત કરી. મહારાજે આશિર્વાદ આપ્યાં કે, હવે તો તું બગકનો મેનેજર થઈ જઇશ. આમ મહારાજનાં આશિર્વાદ અને પ્રસાદીના ગુલાબના પ્રભાવની મારું ઇન્ટરવ્યૂ પણ સારું ગયું અને બગકમાં મેનેજરની સારા પગારની સારી પોસ્ટ પણ મને મળી ગઈ. ત્યારબાદ મારો પગાર સારો હોવાથી હું મહારાજને દર મહિને રૂ.૧૦૦ સેવામાં આપતો હતો.

વડોદરા બગકમાં નોકરી મળતા હું છ મહિના સુધી જૂનાગઢ મહારાજના દર્શન કરવા ન જઈ શક્યો. પછી જ્યારે દર્શન કરવા ગયો ત્યારે મેં મહારાજને એક સાથે છ મહિનાની સેવા પેટે રૂ.૬૦૦ સાથે રૂ.ર૦૦ ઉમેરી રૂ.૮૦૦ આપ્યાં એટલે મહારાજે તરત પૂછ્યું, આટલી બધી સેવા શેની ? મેં કહ્યું, મહારાજ, છ મહિનાથી તમારાં દર્શને નથી આવી શક્યો પણ આજે આવ્યો છું તો મારા દર મહિનાનાં પગારમાંથી તમારી સેવાનો ભાગ કાઢી રૂ.૮૦૦

તમને આપ્યાં છે. તો મહારાજે કહ્યું કે, તારી દર મહિનાની સેવાના રૂ.૧૦૦ લેખે રૂ.૬૦૦ થાય છે આમાં રૂ.ર૦૦ વધુ છે એમ કહી મહારાજે રૂ.ર૦૦ મને પાછાં આપ્યાં.

આ રીતે ભગવાનપણાંનાં અનેક ગુણોથી પરિપૂર્ણ એવાં પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણનો મને સાક્ષાતકાર થયો છે અને મારા ધર્મપત્ની હર્ષદાના પણ લગ્ન થયાં પછી જ્યારે પહેલીવાર જૂનાગઢ મહારાજના દર્શન કરવા લઈ ગયાં ત્યારે મહારાજને બાલમુકુંદ ભવનમાં બહાર આવી એમને એવા અતિ તેજસ્વી સ્વરૂપે દર્શન આપ્યાં કે, પહેલી જ વારમાં તેમને મહારાજનું ભગવાનપણું હૃદયમાં દૃઢ થઈ ગયું. મહારાજનાં એ અતિ તેજસ્વી સ્વરૂપનાં દર્શન હર્ષદાને ક્યારેય પણ ભૂલાયા નથી. મહારાજનો તેના પર પણ અતિ રાજીપો અને આશિર્વાદ છે, એ પણ મોક્ષ ભાગી બની છે.

પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની પૂર્ણ કૃપાથી હું અને મારો પરિવાર ખૂબ સુખી, સમૃદ્ધ છીએ. અમે પવિત્રપણે ધર્મમય જીવન વ્યતીત કરી યથાશક્તિ તન-મન-ધનથી મહારાજના કાર્યોમાં સેવાનો વિશેષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરી રહ્યા છીએ. મહારાજે પોતાના જીવનમાં અનેક વર્ષો સુધી રાત-દિવસ ખૂબ જ મહેનત કરી ભવિષ્યના અનંત જીવોના કલ્યાણને ધ્યાનમાં રાખી સંસ્કૃત શાસ્ત્રોની રચના કરી છે. તેમાનું મુખ્ય શાસ્ત્ર એટલે શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા. જેને મહારાજે પોતાના સ્વરૂપની મૂર્તિની ઉપમા આપી છે. કારણ કે, આ શાસ્ત્રમાં મોક્ષના અનેક માર્ગો કથાની સાથે મહારાજે સમજાવ્યા છે. આ શાસ્ત્ર દ્વારા ભવિષ્યમાં અનંત જીવો મહારાજને ઓળખી અને મોક્ષભાગી અવશ્ય થશે. માટે મારા જીવનમાં મેં એવો સંકલ્પ કર્યો છે કે, આ શ્રી લક્ષ્મીનારાયણ શાસ્ત્રના ગુજરાતી અનુવાદ માટે શક્ય એટલી યથાશક્તિ સેવાનો લાભ લેવો અને મહારાજે મને જે સદ્લક્ષ્મી આપી છે તેનો મહારાજ માટે જ વિશેષ સદ્ઉપયોગ કરી મારા તેમજ મારા પરિવારનો મોક્ષમાર્ગ સુગમ કરવો. એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે જય અનાદિ શ્રીકૃષ્ણનારાયણ.