અનાદિ મુક્તરાજ વાલજીભગત માવજીભગત કથિરિયા
અમરાપર, હાલ- અમદાવાદ
તિર્થધામ કુંકાવાવમાં પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું પ્રાગટ્ય થયું જેથી કુંકાવાવ તેમજ આજુબાજુના અનેક ગામડાંઓના ભક્તો મહારાજના દર્શન-પૂજન અને સેવા કરતાં થયાં. વાલજીભગતનું ગામ એટલે કુંકાવાવની બાજુનું અમરાપર ગામ. જે ગામ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત એટલે મુક્તાનંદસ્વામીનું જન્મસ્થાન.
અમરાપરમાં રહેતા આ માવજીભગતના પરિવારમાં સૌ ખૂબ જ સારા સત્સંગી હતા. માવજીભગતનાં દરેક દીકરાઓ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હતા તેથી અવારનવાર જૂનાગઢ મંદિરે દર્શને જવાનું થતું. તેમના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ દુઃખ આવ્યું હોય કે કોઈ પણ કાર્ય થતું ન હોય તો તરત જ જૂનાગઢ મહારાજને મળી બધી વાત કરતાં એટલે મહારાજ તરત જ પોતાના આ ભક્ત પરિવારના તમામ દુઃખ દૂર કરી સુખિયા કરતાં.
એકવાર માવજીભગતના દીકરા વાલજીભગત એમને કામધંધામાં મોટી ખોટ આવી એટલે જૂનાગઢ જઈ મહારાજને વાત કરી તો મહારાજ કહે, વાલજી હવે ગામ છોડીને અમદાવાદ બાજુ ટાઇલ્સ વેચાણનો ધંધો કરવામાં લાગી જા. મારા આશિર્વાદ છે કે, ખૂબ સારો ધંધો ચાલશે અને બંગલાવાળા અને ગાડીઓવાળા તમે થશો. તમારા બાળ-બચ્ચાં પણ સુખી થશે, સત્સંગ રાખજો, સેવા-ભક્તિ કર્યા કરજો, અમને ક્યારેય ના ભૂલતાં એટલે અમે હંમેશા તમારી સાથે જ રહેશું.
વાલજીભગત આ રીતે મહારાજના આશિર્વાદ લઈ અમદાવાદ ગયા અને ખૂબ સુખી થયાં. સમય જતાં કોરોનાના એ વિપરીત કાળમાં મહારાજ તેમને ધામમાં તેડી ગયા. જેનું પરિવારમાં સૌને ખૂબ દુઃખ થયું, પરંતુ જ્ઞાનના બળે કરીને આજે તેમના બંને દીકરા પણ ખૂબ જ સારો સત્સંગ રાખી પ્રગટ ભગવાનની સેવા-ભક્તિ કરી રહ્યાં છે અને જ્યારે પણ મહારાજના કાર્યોમાં જરૂર પડે ત્યારે સેવાનો લાભ લઈને ધન્યતા અનુભવે છે.
આ રીતે મનુષ્ય જન્મ મળ્યા પછી ભગવાન ઓળખવા. આપણું જે કાંઈ પણ છે તે ભગવાને આપ્યું છે. તેને ભગવાન લેખે પણ વાપરતા શીખવું એ પણ સમજવા જેવું છે.