પરચા ૭૧

અનાદિ મુક્તરાજ ખીમજીભગત રવજીભગત સોલંકી

ચાવડા, હાલ- સૂરત

મારા નાના વાલજીભગત રાઠોડ સાથે હું જામગનગર ગયો ત્યારે મારી ઉંમર ૮ વર્ષની હતી ત્યારે મહારાજે અમને કંઠી બાંધીને સાકરનો ગાંગડો આપ્યો હતો. અમે બે ભાઈ એમાં હું બહું તોફાની હતો. મહારાજે કંઠી બાંધ્યા પછી ૧૭ વરસ ચાલ્યા ગયા અને હું દુબઈ ગયો ત્યાં મારા ગામનાં છગનભાઈ માવજીભાઈ રાઠોડ સાથે હતા અને સાથે રહેતા. તે એક વખત બોલ્યા કે, તારા ગુરુ બહુ જબરા છે. ભગવાન જેવા છે. તું એમની સેવા-ભક્તિ કરતો નથી. ત્યારે મેં કહ્યું, મામા હું ડુંગળી-લસણ ખાવાવાળો, હરવા-ફરવાવાળો માણસ એટલે મારાથી પૂજા-પાઠ થાય નહીં. મામા કહે, જેમ હોય તેમ પણ તું પૂજા-પાઠ ચાલુ કર. મેં ચોખ્ખી ના પાડી દીધી. મામાએ વિચાર કર્યો, આ નહિ માને. મામા કહે, દેશમાં મારું એક કામ છે કરીશ. મેં કહ્યું, હા. તો મને ચિઠ્ઠી-કવર આપીને કહ્યું કે, આ તારે હાથોહાથ મહારાજને પહાગચાડવાનું છે. જો ટપાલી કે કોઈની સાથે નહીં પણ તારે રૂબરૂ જ જઈને આપવાનું છે. મેં કહ્યું, ચાલો બહું સારું આપી આવીશ.

હું દેશમાં આવ્યો, રાજકોટ મારે રહેવાનું હતું માટે મારા દોસ્ત વિજયને મળ્યો અને કહ્યું તું નવરો હોય તો મારી સાથે જૂનાગઢ આવવાનું છે. પછી અમે રાજકોટથી જૂનાગઢ ૧ર વાગ્યે પહાગચ્યા ત્યાં રસ્તામાં ભજીયાની લારી હતી તે મેં એક પ્લેટ ડુંગરીના ભજીયાનો ઓર્ડર આપ્યો. ત્યારે મારો મિત્ર કહે, આપણે સ્વામિનારાયણ મંદિરે જવાનું અને સાધુને મળવાનું છે માટે આ ડુંગળીના ભજીયા હાલ અત્યારે નહીં વળતા ખાશું. તગ મેં મારા જીવનમાં આ પહેલીવાર ડુંગળીના ભજીયા ખાવાની ના પાડી.

અમે જૂનાગઢ મંદિરે આવ્યા. હેમંતભગત કહે, મહારાજ પોઢી ગયા છે અને હવે ચાર વાગ્યે જાગશે. તમે ઉપર આવો અહીં બેસો હું ચા બનાવી લાવું. હેમંતભગત ચા લઈને આવ્યા અને મહારાજે દરવાજો ખોલ્યો. હેમંતભગત બોલ્યા, ભક્તો આજ તમારા બહુ જબરા ભાગ્ય છે કે આ ટાણે બે વાગે મહારાજ તમારે માટે જાગ્યા છે. ત્યાં મહારાજ બોલ્યા, ક્યાંથી આવો છો. મેં કહ્યું, ચાવડાથી. એમ કહી મહારાજને પગે લાગ્યો અને મહારાજ બોલ્યા. ઓહો હો આ તો મારા ગામના. આવો આવો બેસો.પછી અમે મહારાજને હાર પહેરાવ્યો, સાકર પ્રસાદી ચરણે મૂકી. મામાએ આપેલ ચિઠ્ઠી-કવર આપ્યું. મહારાજે

ખબરઅંતર પૂછ્યા કે, સત્સંગી છો. મેં કહ્યું, હા મહારાજ. સત્સંગમાં જાઓ છો. મંે કહ્યું, હા. મહારાજ કહે સત્સંગમાં તો જાવું. આમ મહારાજે પૂછ્યું પણ મેં ખોટું અને હાજી હા કર્યાં રાખ્યું ત્યારે મહારાજ કહે, પાછા ક્યારે જવાના. મેં કહ્યું, મહારાજ ર૮ તારીખે જવાનું છે. મહારાજ કહે, ત્યાં જાઓ એટલે બધાને જય અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહેજો સત્સંગમાં જજો.

આમ અમે પરત નીકળવા ચાલતા થયા મારો મિત્ર રૂમની બહાર નીકળી ગયો અને મારો એક પગ ઉંબરા બહાર અને એક પગ અંદર ત્યાં મહારાજે કહ્યું, એ ભગત ઊભા રહો અહીં આવો મારે તમારું કામ છે. એટલે હું મહારાજની બાજુમાં બેઠો, મહારાજ બેઠાને સમાધી લગાવી. પાંચ મિનિટ આમ ચાલ્યું આંખ ઉઘાડી મારી સામે જોયું, ફરી સમાધી લગાવી ને વળી પાંચ મિનિટ થઈ ત્યાં મહારાજે પોતાના ગળામાંથી કંઠી કાઢીને મારા ગળામાં પહેરાવી અને બોલ્યા આ કંઠી તારી રક્ષા કરશે અને મહારાજ કહે, હવે જા. પછી અમે ઘરે આવ્યા. મારા બા કહે, મહારાજે શું કહ્યું ? મેં કહ્યું, મહારાજે પોતાના ગળાની કંઠી મને પહેરાવી કહ્યું આ કંઠી તારી રક્ષા કરશે. તે મેં કહ્યું, કાંઈ કંઠી થોડી રક્ષા કરે. આ તો પોતાનો કરવા સારું એમ કહ્યું હોય. મારો મિત્ર પણ કહે, આવું કાંઈ થોડું બને કંઠી કાંઈ થોડી રક્ષા કરે.

પછી હું ર૮ તારીખે દુબઈ ગયો ત્યાં ૧૦ માળની બિલ્ડિંગમાં કામ કરવાનું હતું. અમે ૪૦ ફૂટે જેક ભેગા કરવા ગોઠવતા હતા. ત્યાં કામ કરતાં કરતાં મારી કંઠી ગંજીયા શર્ટની બારે નીકળી ગઈ અને હું કંઠીને ગળાની અંદર શર્ટમાં રાખવા વ્યવસ્થિત કરવા સીધો થયો ને એક પગલું પાછું હટ્યો ત્યાં માથેથી ર૦ કિલોનો જેક પડ્યો. જો હું કંઠી સમી કરવા પાછો ન હટ્યો હોત તો જેક મારા ઉપર જ પડત અને મારું માથું ફાટી જાત. આમ મહારાજે કહ્યું હતું કે, આ કંઠી તારી રક્ષા કરશે અને ખરેખર કંઠીએ જ મારી રક્ષા કરી અને હું સ્તબ્ધ થઈ ગયો અને થોડીવાર પછી રોવા લાગ્યો. હે ભગવાન તમે મને નાનપણમાં દિક્ષા આપી પણ મેં તમારા પ્રત્યે ક્યારેય ભાવ ન જગાડ્યો છતાં તમે મને તમારી કંઠી પહેરાવીને મારી મહારક્ષા કરી છે. બસ ત્યારથી મને મહારાજ પ્રત્યે ભાવ ભક્તિ જાગીને હું ત્યારથી મહારાજની સેવા-પૂજા કરું છું.

એક વખત હું વિદેશમાં છૂટી કાપીને દેશમાં આવ્યો અને મહારાજ પાસે ગયો. મહારાજને વાત કરી કે,મહારાજ હું વિદેશથી આવ્યો છું હવે ક્યાં રહેવા જાઉં. સૂરત, રાજકોટ, જામનગર આપ કહો તેમ કરું એટલે મહારાજ કહે, સૂરતમાં પ્લોટ લીધો છે, તો સૂરત જ જાને. મેં કહ્યું, બહું સારું.

હું સૂરત રહેવા આવ્યો ત્યાં ભાઈલાલભાઈ અને કુંવરજીભગતને મળ્યો. પછી અમે વારંવાર મળવા લાગ્યા. આ રીતે મંડળમાં સારી એવી સભા થવા લાગી પછી મંદિર માટે જગ્યાનું વિચાર્યું ત્યારે ભક્તો કહે, તમારો આ પ્લોટ છે તે મંદિર માટે આપો. તેની કિંમત ધીમે ધીમે કરીને તમને ચૂકવી દેશું. મેં ભક્તોને કહ્યું, ના એ પ્લોટ મારે દેવાના છે અને સુથી પણ લેવાઈ ગઈ છે. હું ના-ના કરતો હતો ત્યારે શનિવારનો દિવસ અને રાત્રો ૧ર વાગ્યે મહારાજ ઘરે પધાર્યાં. પહેલાં આખા ઘરમાં ચક્કર મારી ગેલેરીમાં ઊભા રહીને બોલ્યા, આ તારા પ્લોટ મંદિરમાં આપી દે. આમ કહીને અદૃશ્ય થયા. તે રાત્રો નીંદર ન આવી પણ બીજા દિવસે મેં જેને પ્લોટ વેચવાના હતા અને રૂ.પ૦૦૦ સુથી લીધી હતી તે લઈને ગયો અને એ ભાઈને વાત કરી કે ભાઈ મેં તમને પ્લોટ આપ્યા પણ હવે એ પ્લોટ મારે આ અમારું શરણાગતિ મંડળ અને એ પ્લોટમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનનું મંદિર બનાવવું છે. જો તમે સમજો તો આપણો સોદો ફોક કરીએ. ત્યારે ભાઈ બોલ્યા જો એ પ્લોટમાં મંદિર થતું હોય તો એથી વિશેષ શું કહેવાય ! ભલે તો આ પ્લોટ મારે જોઈતો નથી. એમ વાત થઈને મંે સુથીના રૂપિયા પાછા આપ્યા અને એ પ્લોટ મંદિર માટે આપ્યો.

સૂરત રાંદેરમાં મંદિરનું નિર્માણ થયું પછી મહારાજના ફરી એકવાર દર્શન થયા. મહારાજ ઘરે યોગીનું રૂપ ધરી આવ્યા. દરવાજે બેઠા હતા અને હું ઘરે આવ્યો અને પલંગ ઉપર બેઠો. હું વિચાર કરું આ યોગી છે કે મહારાજ. છડી, ચાખડી તો મહારાજ જેવી જ છે. ત્યારે મારો વિચાર ફર્યો કે આવી લાકડીને મોજડી તો ઘણીયે હોય. તે બપોરનો ૧ર વાગ્યાનો સમય હતો એટલે મેં કહ્યું, યોગીરાજ તમે જમશો. એટલે યોગી કહે, હા જમશું. પછી મેં દાળ-ભાત-રોટલી-શાક-અથાણા એમને જમાડીને પ૧ રૂપિયા દક્ષિણા આપી. ત્યારે તેઓ કહે, ૧૦૧ રૂપિયા દક્ષિણા આપ. થોડીવાર થઈ ત્યાં કહે ના ૧પ૧ રૂપિયા દક્ષિણા આપ. આમ અમે હાના હાના કરતા હતા ત્યાં મેં કહ્યું, યોગીરાજ હવે તમારે આ પ૧ રૂપિયા લેવા હોય તો લ્યો નહીંતર હાલતા થાઓ. હું પ્રેમથી પ૧ રૂપિયા આપું છું ને. મહારાજ કહે, ભલે હાલ પ૧ રૂપિયા આપ એટલે મેં પ૧ રૂપિયા આપ્યા. એટલે તે યોગી રૂ.પ૧ લઈ મને કહે, અહીં આવ. તેમણે પાણીનો લોટો મંગાવ્યો. હાથમાં તુલસીપત્ર રાખ્યું અને પાણી રેડ્યું અને કહે, એ પાણી પીજા. એટલે અમે બંનેએ પાણી પીધું અને એ પાણી શું અમૃત જેવું અને મધુર પાણી હતું. પાણી પીને મનમાં થયું આ બાવો ચમત્કારી છે. આ પાણી પાઈને કશું કરી ન મેલે. એમ થયું અને બાવાના રૂપમાં મહારાજ તો ચાલ્યા ગયા અને અદૃશ્ય થયા અને પાછા

રાત્રો ૧ર વાગે મહારાજે એવા દિવ્ય દર્શન આપ્યા કે હું તો આભો જ થઈ ગયો અને કહ્યું, અરે મહારાજ આપ. ત્યાં મહારાજ બોલ્યા, અરે તે મને એક જ ધોતીયાના રૂપિયા આપ્યા. મેં કહ્યું, શું એ યોગીરાજ તમે હતા. તો તમારે મને ચેતવવો તો હતો. મહારાજ કહે, હું તને જણાવું તો તો તું બધાંને ભેગા કર પછી હું નીકળું કેમ. ત્યારે મેં કહ્યું, મહારાજ હવે મારે તમને જૂનાગઢ આવીને ધોતિયા પહેરાવીને રાજી કરવા છે.

પછી હું જૂનાગઢ ગયો ત્યારે મારે સંતોને ધોતિયાની સેવા કરવી હતી. તે સ્વયંપ્રકાશ સ્વામીને મેં કહ્યું, મારે સંતો અને મહારાજને ધોતિયા પહેરાવવા છે તો કેટલો ખર્ચ થાય. એટલે સ્વયંપ્રકાશ સ્વામી કહે, ૧૦પ૧ રૂ. ધોતિયાનો ખર્ચ થાય. એમ મેં એ ધોતિયાની સેવા કરી. સમયજતાં એક વખત મહારાજે ફરી દર્શન દીધા અને કહે, જો આ તારા ધોતિયાની સેવાના જ ધોતિયા પહેર્યાં છે.

એક વખત હું દુબઈથી આવ્યો હતો તે મારે શર્ટ પ્રસાદીના કરાવવા હતા અને અમે બે માણસ જૂનાગઢ ગયેલા. પછી મહારાજે મને કહ્યું, આ ભગવો શર્ટ તને આપુ છું પણ આ શર્ટમાં તું ડાઘ ન લાગવા દેતો. આ અનાદિશ્રીકૃષ્ણનારાયણની ચુંદડી છે. મેં કહ્યું, મહારાજ તમારો યોગ છે અને હવે આ શર્ટ સ્મશાન સુધી ભેગો આવશે. આ સાંભળીને મહારાજ ખુબ રાજી થયા, મને ઊભો કર્યો અને મને ભેટ્યા અને બોલ્યા કે, બસ મારે આટલું જ જોઈએ કે મારા ભક્તો આવા બળીયા હોય તો તેને શાબાશી છે. તારી સમજણ અને નિશ્ચય બરાબર છે. પછી મહારાજ બોલ્યા, હજું તને ચાર જણાં ભેગા થાશે અને કહેશે કે આ ભગવો શર્ટ ઉતારી નાખ ત્યારે તું શું કરીશ ? ત્યારે મહારાજ હું એમ કહીશ કે, આ માથું ઉતારી લ્યો પણ આ ભગવો શર્ટ સ્મશાન સુધી ભેગો હાલશે. આ સાંભળીને તો મહારાજ વિશેષ રાજી થયા. સમયજતાં મહારાજ બોલ્યા એમ જ થયું પરંતુ હું મહારાજના નિશ્ચયમાંથી ડગ્યો નથી.

આમ મહારાજે ઘણી ઘણી રક્ષા કરી છે. આ રીતે સુખીયા કર્યાં છે અને પ્રગટ ભગવાનનો આશરો અને ભક્તિ કરીએ છીએ અને કુટુંબ સુખી છે અને કાચના ટુકડામાંથી હીરો બનાવીને આપણી કિંમત અમૂલ્ય કરી દીધી છે. માયાના ખાબોચિયામાંથી કાઢીને ધામના સુખ આપ્યા છે. આવા દયાળુ, કૃપાળુ ભગવાન દયા અને કૃપા વાપરી ધામના માર્ગે ચાલતા કર્યાં છે, અને પોતાની ભક્તિ, યોગ, સમજણ આપી સુખીયા કર્યાં છે.