પરચા ૧૩૧

નર્મદાબેન મોહનભગત વેગડ

જાઈવા, હાલ- સૂરત

એક વખત અમે મારાભાઈ, મારા બાપા અને હું ને ભગત જૂનાગઢ ગયા હતા ત્યારે મારા બાપાને ભગત મહારાજની ચરણસેવા કરતા હતા ત્યારે મહારાજને ખૂબ પરસેવો વળ્યો હતો તે ભગતને કહે આ મારા વાસાનો પરસેવો લૂછીને ભીના ભીના હાથ ભક્તાણીને વાસામાં લૂછી આવો, તેથી તેનો વાસો મટી જશે અને મહારાજ બોલ્યા કે, તું ભગવો શર્ટ કેમ નથી પહેરતો ? ભગત કહે, મહારાજ હવેથી પહેરીશ. પછી તે ભગવા શર્ટનું કાપડ લીધું ને તેમાંથી ભગવું કપડું વધ્યું તે પૂંજાભાઈની દીકરીને બ્લાઉઝ શીવડાવી દીધું.

બીજા દિવસે અમારે રાજકોટ આવવું હતું. તે મેં ભાઈને કહ્યું,મહારાજને કહોને દર્શન આપે. તે સવારે બીજા દિવસે મહારાજ રૂમમાંથી બહાર નીકળ્યા ને હું મંદિરનાં પગથિયે બેઠી હતી. ત્યારે મહારાજ બે પગથીયા ઉતર્યા ને હું પગથીયે હતી ત્યારે મારીને મહારાજની ચાર આંખ એક થઈ. એટલે મારી આંખમાંથી આંસું આવ્યું ને મેં મહારાજને પગે લાગી માથે હાથ મુકાવ્યો. આમ મહારાજે દર્શન દીધા ભગવાનને દયા કરી.

ભગત કામ કરવા ભીલાડ ગયા હતા ત્યાં એમને ભૂત વળગ્યા જેવું થઈ આવ્યું ને પાછા આવ્યા તે સૂતા સૂતા બોલે મને પકડી જાય થ, મને પકડી જાય છે, મારા પગ કોઈ ખગચે છે. આમ બે દિવસ કર્યું ને જામવંથલી આવતા રહ્યા. મેં પૂછ્યું, કેમ આટલા વ્હેલા આવ્યા હજુ તો હમણાં થોડા દિવસો ગયા હતા. તે બોલ્યા આ દરવાજો બંધ કર, ઓલો દરવાજો બંધ કર, બારી બંધ કર ને સૂઈ ગયા તે રાતના કહે મને કોઈ પકડી જાય છે એમ ઢસડાતાં ઢસડાતાં પલંગ પરથી પડી ગયા.

બીજા દિવસે અદાની દીકરી મારી બેન આવી એ કહે, બનેવીને ભૂતડું વળગ્યું છે એ ભૂતડું એને ખગચી જાય છે. તે માંડ બચીને આવ્યા છે તો એને જામનગર મહારાજ છે ત્યાં લઈ જાઓ એટલે મારા બાપા ભગતને જામનગર લઈ ગયા. મહારાજ કહે, કેમ ભગત આવવાનું થયું ? મારા બાપા કહે, મહારાજ આ જમાઈ કમાવા ગયા હતા ને એને કાંઈક થઈ ગયું છે. મહારાજ કહે અહીંયા સૂવડાવો. મહારાજે છાતીમાં પગ મૂક્યા. સાથળે પગ મૂક્યા અને કહ્યું, જાઓ તમારા ઠેકાણે હાલ્યા જાઓ બસ ત્યારથી મહારાજના આશીર્વાદથી સારું થઈ ગયું.

અમે સાત વરસ જામવંથલીમાં રહ્યા તે મારા મોટા દિકરાની દવા લેવા જામનગર જાઉં ત્યારે મંદિરે દર્શન કરવા જાઉં એટલે સામે મહારાજના દર્શન થાય. મહારાજ કોઠારીને કહે, પૂંજાભાઈની દીકરી આવ્યા છે એને દૂધ આપજો છોકરાને પાય અને કહેજો જમીને પ્રસાદ લઈને જાય. આમ મહારાજે અમારી બહુ સંભાળ રાખી છે. મારા બાપાની પણ બહું સંભાળ રાખતા, મારા ભાઈ ભગવાનજી એક વખત સૂળ ગળી ગયા તે લોહીનું પાણી થઈ ગયું તેથી મહારાજે પ્રસાદીનું પાણી પાયું તે તેને સારું થઈ ગયું હતું.

એક વખત જામવંથલીમાં અમારી ફુલવાળી શેરીમાં સભા હતી ત્યારે બે જણ બોલ્યા કે, શાસ્ત્રીજી મહારાજની જય ના બોલવી. જય માત્ર ભગવાન સ્વામિનારાયણની બોલવી. ત્યારે મારા બાપા ઊભા થઈને રાપ ઉપાડીને બોલ્યા કોણ છે જે શાસ્ત્રીજી મહારાજની જય બોલવાની ના પાડે છે. એમ કહી શાસ્ત્રીજી મહારાજની જય બોલાવી ને કહે શાસ્ત્રીજી મહારાજ ભગવાન છે, એની જય તો બોલાશે જ એમ કહીને ત્યાંથી બહાર નીકળી ગયા.

એક વખત મારો નાનો દિકરો નટુ મને બહું સ્વપ્નમાં આવતો હતો ત્યારે અમે જામનગર મંદિરે દર્શન કરવા ગયા ત્યાં મહારાજનાં આમ ચાલતા ને તેમ ચાલતા અમને દર્શન થયા. ભગતે મહારાજને વાત કરી કે, મહારાજ ઘરનાને નાનો બાબો ચાર વર્ષનો ધામમાં ગયો તે રોજ સ્વપ્નમાં આવે છે. ત્યારે મહારાજે અઢી જાંબુ પ્રસાદીના મોકલ્યા ને કહ્યું, આ પૂંજાભાઈની દિકરીને કહેજો જમી જાય, હવે તે સ્વપ્નમાં નહીં આવે. બસ તે દિવસથી આજ સુધી ક્યારેય સ્વપ્નમાં આવ્યો નથી. આમ મહારાજ દુઃખ ટાળતા.

અમે જાયવા હતા ને મારો મોટો દિકરો નાનો હતો અને ભાદરવા માસ હતો ત્યારે થોડો થોડો વરસાદ ચાલુ હતો. તે મારા સસરાએ અમને કહી દીધું કે, તમે આ ઘરમાંથી નીકળી જાઓ ને કમાઈને ખાઓ. ત્યારે મેં જાવાની તૈયારી કરી તે મારા મોટા સસરાને ખબર પડી ત્યારે તેને ના પાડી. ક્યાંય જવું નથી ને અહીંયા જ રહો તે એમ કહીને મને ઓરડે સુવડાવી ભગત બહાર ફળીમાં સૂતા ને મારા સાસુ કહે, દીકરી તારો કાંઈ વાંક નથી તું ચિંતા ના કર બધું સારું થઈ જશે. ત્યારે બીજા દિવસે સવારે દરણું દળવા બેઠી. મને દળવા ન દીધું, પાણી ભરવા ગઈ તો પાણી ભરવાની ના પાડી ને ભગત કહે, હાલો આપણે હું એક ઓરડી ભાડે રાખી છે ને ઘણું પાણી ભર્યું હવે નથી ભરવું. એમ કહીને અમારો સામાન તે સમાનમાં એક પેટીને એક બેડું બસ આટલું જ લઈને અમે ડેલે આવ્યા તે ત્યાં ગમાણ હતી અને મોટા મોટા ખાડા તેમાં ઢોરના મૂતરાશ ભરેલા તે અમે સાફ કરીને રહ્યા. પછી ભગત બીજા દિવસે

મહારાજ પાસે જામનગર ગયાને વાત કરી મહારાજ મારા બાપાએ આમ કર્યું ને મહારાજ પાસે રડી પડ્યા. ત્યારે મહારાજે એક ધાબડો દીધો ને એક ડબરો લાડવાનો ભરી આપ્યો કે આ લઈ જાઓ. ભગત મહારાજને કહે મહારાજ હું કામે જાઉં ને આ વાસે એકલી તે કેમ કરું, હું કામે કેમ જાઉં ત્યારે મહારાજ બોલ્યા તું કાંઈ ચિંતા કરતો નહીં. તું કામ કરવા જજે અને ઘરની સંભાળ અમે રાખશું. આમ મહારાજે આશીર્વાદ આપ્યા તે એ ડેલામાં અમે વરસ'દિ રહ્યા ને પછી અમે મુંબઈ આવી ગયા. આમ મહારાજે અમારી બહું સંભાળ રાખી છે.

એક વખત હું આ મારા દીકરાને દૂધ પાતી હતી ને માળા કરતી હતી તે ઓચિંતા મારી નજર સામે ગઈ તો એક મોટો સાપ તે મારી સામે જીબથી લબકારો મારે. તે હું આ મારા દિકરાને લઈને ભાગી તે ઘરના કહે, આ વહુ આમ ઓચિંતા કેમ ભાગ્યા. તે મેં મારા સાસુને કહ્યું સામે સાપ છે. તે મારા સાસુ કહે, એ આપણા સૂરાપૂરા દાદા છે તે એનો ચડાવો ચડાવ્યો નહીને તે ખાઈ લીધો. એટલે તને દેખા દીધી છે. મેં કહ્યું, મને કંઈ ખબર નથી. તમે ક્યારેય વાત કરી નથી એટલે મેં કહ્યું, હશે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરજો. આમ મહારાજે ઘણી વખત અમારી રક્ષા કરી છે.

એક વખત મારી દીકરીના શ્રીમંત પ્રસંગ હતો ને ભગત મસ્કત હતા તે અમે ફોન કરીને વાત કરી. આજે આ પ્રસંગ છે તે ભગત કહે મહેમાનોની સરભરા સારી રીતે કરજે અને મહારાજને મસ્કતથી પત્ર લખ્યો કે,મહારાજ મારા ઘરે મને દીકરી આપો. મહારાજ કહે દીકરીમાં ખર્ચ ઘણું થાય. ભગત કહે ખર્ચ ભલે થાય પણ ઘરમાં તુલસી ક્યારો જોઈએ. હું દીકરીને રાજી રાખીશ. ત્યારે મહારાજે આશીર્વાદ દીધા કે હા તમારે ઘરે દીકરી આવશે તે નવ મહિના થયા. ઝબલા નાના મોટાં મસ્કતથી મોકલ્યા ને દીકરીનો જન્મ થયો. મહારાજે નામ આપ્યું, પ્રસાદી આપી, રક્ષા આપી. તે મારી મીના બહુ ડાહી છે. તે એના બાપને બહુ વ્હાલી હતી. પણ દીકરીને પરણાવ્યા પહેલા ધામમાં જતા રહ્યા તે અમે અમદાવાદ સપ્તાહ બેસાડી ત્યારે પિતૃ તરીકે આવ્યા હતા અને મને કહે હું તારો ઘરવાળો છું અને મીનાને મારે ચેન આપવી હતી તે અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ભગવાનની રજા લઈને આવ્યો છું અને મારે આ આટલી જ વાત કરવી હતી કે, મીનાની સંભાળ રાખજો.એમ ત્રણ-ચાર વખત બોલ્યા અને છોકરાઓ સૌને આશીર્વાદ આપ્યા. તે અમે મીનાને ચેન આપ્યો. છોકરાઓને પ૦૦-પ૦૦ રૂપિયા આપ્યા. આમ અમે આ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ભગવાનની દયાથી બહું સુખીયા છીએ.

મહારાજ એમ કહેતા મારા જાઈવામાં આ એક જ શૂરવીર ભગત છે. મોહન ભગતનો સ્વભાવ એવો કે કોઈ મહારાજ વિરુદ્ધ બોલે તો એની સામે ઝગડો કરી નાખતા. એક વખત નાનજીભગતને નાકા ઉપર મારી લીધું હતું. મેં પૂછ્યું તમે નાનજીભગતને શું કામ માર્યું. તો કહે, મહારાજ વિરૂદ્ધ આડુંઅવળું બોલે તે મારાથી સહન ન થાય. આમ મોહનભગત શુરવીર ભગત હતા અને મહારાજના વિશ્વાસુ હતા.

કાંદીવલીમાં એક વખત સૌ પ્રથમ અમારે ઘરે મહારાજની મૂર્તિમાં હાર વધ્યો હતો તે મેં વહુને કહ્યું કે જાતો મંદિરમાં દિવો ચાલુ છે ને ત્યાં વહુ કહે મા આ તો જુઓ મહારાજની મૂર્તિનો હાર વધે છે ત્યાં જોયું તો હાર વધતો જ જાય છે. આમ દસ દિવસ સુધી હાર વધ્યો અને રામનગર આખું આવીને દર્શન કરતા. અમે પલંગો બહાર કાઢી નાખ્યા હતા અને ધૂન-ભજન ચાલુ જ રાખ્યા હતા. તે એ હાર છેક નીચે આંબી ગયો હતો ત્યારે જે દર્શન કરવા આવતા તે સાકરનો પડો લાવે ને ર-પ રૂપિયા મહારાજના ચરણે ધરતા તે ૧૦૦૦ રૂપિયા થયા હતા અને એક તો ગાડી ભક્તોની ભરાઈને દર્શન કરવા આવી હતી. આમ મહારાજે બહુ મોટો પરચો પૂર્યો હતો અને આંબાભગતના કહેવાથી એ એક હજાર રૂપિયા મહારાજના મંદિરના ગલ્લામાં નાખ્યા હતા.

એક વખત ધૂન-ભજન કરતા હતા ત્યારે નારિયેળ આડું ફાટ્યું હતું અને ભક્તો ધૂન કરતા હતા તે એવી ધૂન મચાવી કે ભક્તોને પરસેવો વળી ગયો હતો ત્યારે શાંતિભગતને પણ પરસેવો વળ્યો હતો અને મહારાજની મૂર્તિમાં ઝાકળના બિંદુ જેમ પાણીના ટીપા બાજી ગયા હતા તે ભગવાને આ અમૃતની વર્ષા કરી હતી. આમ મહારાજે આ ત્રણ મોટા પરચા દીધા હતા. આમ મહારાજે અમારા ઘરને પાવન પવિત્ર કર્યું હતું.

ભગવાનને મારા બાપા પહેલાથી જ ઓળખતા હતા અને અમે નાના બાળક હતા ત્યારથી જ મહારાજને ભગવાન કહેતા હતા. આમ મહારાજે અમારી બહુ ઘણી ઘણી રક્ષા કરી છે. તેમ આજે પણ જ્યારે ચિંતા જેવું થાય ત્યારે મહારાજ દર્શન આપે છે. મહારાજના દર્શન, પરચા, ચમત્કાર ઘણાં ઘણાં થયા છે.