અનાદિ મુક્તરાજ વ્રજલાલભગત લાલજીભગત જાવીયા
જામવંથલી, હાલ - રાજકોટ
ઈ.સ. ૧૯૭૦માં બાપુજી મને સ્વામિનારાયણ મંદિરે કંઠી બંધાવવા મહારાજ પાસે લઈ ગયા ત્યારે મહારાજ જામવંથલી બિરાજતા હતા અને મહારાજે મને કંઠી બાંધી ત્યારે ત્યાં મનસુખ માવજી રાઠોડ એના મમ્મી દેવ થઈ ગયા એટલે મામાને ઘેર હતા ને મહારાજ પાસે કંઠી બંધાવવા આવ્યા હતા. એટલે મહારાજે અમને બંનેને એક સાથે વર્તમાન ધરાવ્યા અને કંઠી બાંધી. આમ તો અમારા પરિવારમાં મહારાજની ઓળખ હતી જ, પરંતુ ગુરૂપણાની ભગવાનપણાની નહીં ત્યારે બધાની પરિસ્થિતિ નબળી હતી. છગન માસ્તર કે ભગવાનજીભગત મહારાજ પાસે જતા એટલે મહારાજના સમાચાર મળી જતા.
ઈ.સ.૧૯૭૪માં ડૉક્ટર ખોલીયાસાહેબ તથા અમદાવાદવાળા એમના ભાઈ પરષોત્તમભાઈ તથા મનસુખભાઈ રાઠોડ અને હું એમ ચાર જણા જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા. હું જૂનાગઢ પહેલીવાર ગયો. અમે વહેલી સવારે પહાગચ્યા ત્યારે મહારાજે પૂજા-પાઠ કરી લીધા હતા, અમે દંડવત્-પ્રણામ દર્શન કર્યા અને બેઠા ત્યારે મહારાજે કહ્યું, હેમંતભગત છે તમે જાઓ ચા-પાણી, નાસ્તો કરી આવો પછી દિવસે મહારાજે બોલાવ્યા અને કોઠારી સ્વામીને કહ્યું આ છોકરાઓને લાડવા-ગાંઠીયા બાંધી આપો અને કહ્યું- જાઓ ઉપરકોટ ફરી આવો, આ નારિયેળ લેતા જાવ ત્યાં વધારીને ખાજો. અમે ઉપરકોટ ફર્યા બે કલાક જેવું થયું પછી મહારાજે નાસ્તો આપ્યો હતો એ જમ્યા અને નારિયેળ થોડું ખવાયું પછી અમે ફરીને મહારાજ પાસે ગયા એટલે મહારાજે અમને બધું કહ્યું. અમે અહીંથી જ્યાં જ્યાં ગયા તે બધી વાત કરી. જે જગ્યાએ અમે જમ્યા હતા એ પણ કહી દીધું પછી અમે બધા બેઠાં હતા અને મહારાજે એવી કૃપા કરી કે હથેળીના ચિન્હોના દર્શન કરાવ્યા. મહારાજે આ સ્વસ્તિક, શંખ, ગદા, ધનુષ્ય, ચક્ર એમ કહી ચિન્હોના દર્શન કરાવ્યા. પછી જેતપુર મોટાભાઈ રતિલાલભગત ચાવડા વાળા એમણે અમને કહ્યું, મહારાજે શું વાત કરી. અમે જે જે વાત બની હતી તે બધી વાત કરી ત્યાર પછી બીજી વખત રમણિક કરસન જાવીયા મહારાજના ચરણાર્વિદના કામ માટે આવ જા કરતા ત્યારે એની સાથે ગયો. મહારાજે બતાવ્યું આવી રીતે ચરણાર્વિદ બનાવવાના છે એટલે એ કામ રમણિકભગતે બહું સારું કામ કર્યું, મહારાજ બહુ રાજી થયાં.
જામવંથલીના ભક્તો ફુલવાડીએ ગુરુપૂર્ણિમાના ધૂન-ભજન કરતા ને ફાળો થતો કોઈ રૂપિયો, કોઈ બે રૂપિયા આપતા. સૌ ભક્તોના નામ લખી ફાળો જૂનાગઢ મહારાજને મોકલતા. એટલામાં પણ મહારાજ રાજી થઈ જતાં પછી મારે પૂના કામ શીખવા જવાનું થયું એટલે થયું ચાલો મહારાજના દર્શન કરી આવીએ, અમે જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા. મહારાજે કહ્યું, ભલે જાઓ પૂનામાં સત્સંગનું બળ બહું છે. ત્યાં ૩૬પ દિવસ સત્સંગ થતો. એમાં સત્સંગ થકી મહારાજનું ભજન-ભક્તિ, સેવા ઉપાસનાનું બળ વધ્યું. સંતોનો મહિમા સમજાયો અને સત્સંગ થકી જીવમાં આનંદ અને શાંતિ વર્તાવા લાગી. આમ સમય વિતતો ગયો મનમાં થયું વિદેશ જવું છે. મહારાજ કહે, કંઈ વાંધો નહીં જાઓ. વિદેશ એટલે દુબઈ જવાનું થયું. વિદેશમાં એલાન કહેવાય અબુધાબી સાઈડ ત્યાં હું અને મારા માસીનો દિકરો ત્યાં સાથે રસોઈ બનાવવાની એટલે મહારાજને થાળ ધરીને જમતા અને સમયસર ડ્યુટી પર જવાનું. એમાં ક્યારેય બીજું-ત્રીજું ખાવાનું ન આવતું હતું અને દુબઈ સભા થાય અહીંથી બે કલાકનો રસ્તો અને શુક્રવારે બપોરે બે વાગ્યા સુધી કામ કરીને દુબઈ કે અબુધાબીમાં સભાઓ થતી હતી, ત્યાં સભામાં જતા. અમે વિદેશમાં ક્યારેય સભા ચૂક્યા નથી.
એક વખત ચાવડાવાળા મનસુખભગતની સાઈડ બાજુમાં હતી એટલે એક દિવસ મનસુખભગત અમારી રૂમે વાળુ-પાણી કરીને આવ્યા એટલે મેં કહ્યું ચા-પાણી કરીએ. ચા બનાવી ચા પીધી પણ મહારાજને ચા ધરવાનું ભૂલી જવાયું. અહીં રૂમમાં મંદિરમાં મહારાજની પાઘવાળી મૂર્તિ પધરાવી હતી તે અમે મહારાજની કથા કરતાં કરતાં રાત્રો બારેક વાગ્યા એટલે એ એની રૂમે ગયા અને હું સૂઈ ગયો. ત્યારે રાત્રો બે અઢી વાગ્યે મહારાજ પ્રત્યક્ષ પધાર્યા અને મને જગાડ્યો, હું જાગ્યો અરે મહારાજ એમ કરી પગે લાગ્યો. મહારાજ કહે, મારે ચા પીવાનો બાકી છે એટલે તમારી ચા પીવા આવ્યો છું, એટલે મેં ચા બનાવી ને મહારાજને ચા પીવડાવી. આમ મહારાજે વિદેશમાં પણ ધ્યાન રાખી અનુસંધાન આપ્યું.
મહારાજનો રાજીપો એવો હતો કે મહારાજના અવારનવાર કાગળ આવતા. જ્યારે જૂનાગઢ વાસ્તુ હતું ત્યારે મહારાજના બે પત્ર આવ્યા. આમંત્રણના બીજા પત્રમાં લખ્યું હતું કે, વાસ્તામાં જરૂર પધારજો તન વડે ન આવી શકાય તો મન વડે પણ આવજો અને ભજન કરજો. જુઓ ભગવાને કેવું ધ્યાન રાખ્યું છે કે આપણે તો સાવ નાનામાં નાના. આપણે આપણાં પરિવારનુંય પૂરું ન કરી શકાય ત્યાં સત્સંગ-સેવા શું કરીએ, છતાં ભગવાનના ખોળામાં બેઠાં તો ભગવાન આપણું કેટલું ધ્યાન રાખે છે કે આપણને બે બે વાસ્તાના આમંત્રણ
પત્રો લખ્યા, આ ભગવાન હોય એ કરી શકે.
ત્યાં કાયમ સભામાં જતા તો ત્યાં મોટાં મોટાં ભક્તોનો યોગ થયો. રામજીભગત, વિશ્રામભગત, કાનજીબાપા, શાંતિલાલભગત બગીચાવાળા, ગોવિંદજી મહારાજ. આ ભક્તોના યોગથી જ્ઞાન સમજણ વધતી ગઈ. એમ કરતાં કરતાં છૂટી પર ઇન્ડિયા આવવાનું થયું. દેશમાં આવી મહારાજના દર્શન કરવા ગયા તો જે કંઈ આપણાં સંકલ્પ હતા તે મહારાજે પૂરા કર્યા. મહારાજે બે ત્રણ ઉદાહરણ આપ્યા. જેમ કુંતાજીએ દુર્વાસાની સેવા કરી તો રાજી થઈ સિદ્ધ મંત્રો આપ્યા. શ્રીકૃષ્ણ ભગવાનને ગોપીઓ જાણતી હતી છતાં સમજણમાં કચાસ હતી તો એ કચાસ ભગવાને દૂર કરી. એમ ઘણાં ઘણાં ઉદાહરણો આપી અને બધાય સંશય દૂર કર્યા અને પોતાની મૂર્તિમાં સમાવી લીધો. આવા ભગવાનના દર્શન એની કૃપા હોય તો થાય. બહુ કૃપા કરીને ન ગણત્રીનો આ જીવ એને ગણત્રીમાં લઈ લીધો.
બીજીવાર ઈ.સ.૧૯૮૪માં દેશમાં આવવાનું થયું. મારી સગાઈ તો વ્હેલા થઈ ગઈ હતી, પરંતુ હું આવ્યો ત્યારે કમુરતા હતા ને પ્રવીણભગતને બે ખર્ચ થાત. એટલે એ ખર્ચ ન થાય અને એક જ ખર્ચમાં પ્રસંગ થઈ જાય એવું વિચારતા હતા એટલે હું મહારાજને પૂછવા જૂનાગઢ ગયો. મહારાજને બધી વાત કરી તો મહારાજ કહે, કાંઈ વાંધો નહીં ભલે કમુરતા હોય, તમને નહીં નડે હું ભેગો છું. આમ મહારાજના રાજીપાથી લગ્નનું નક્કી કર્યું, કંકોત્રી છપાઈ ગઈ. હું મહારાજને કંકોત્રી આપવા જૂનાગઢ ગયો, મહારાજને દંડવત્ત-પ્રણામ કર્યા મહારાજની બાજુમાં બેસી કંકોત્રી આપી કહ્યું, મહારાજ લગ્નમાં પધારવા આમંત્રણ આપવા હું આવ્યો છું, એટલે મહારાજ કહે, હા આવશું. મેં કહ્યું, મહારાજ આપ પધારો તો આનંદ વધુ આવે. મહારાજ કહે, અમે કહ્યું એમાં બધુંય આવી ગયું. ત્યારે મેં કહ્યું, મહારાજ હેમંતભગતને મોકલો તો. મહારાજ કહે, લગ્ન તમારે ત્યાં છે તો આમંત્રણ તમારે જ આપવું પડે ને. મેં કહ્યું, મહારાજ તમારી આજ્ઞા આપો તો જાઉં. મહારાજ કહે, તો તમે જાઓ.
હેમંતભગત મારા લગ્નમાં દસ દિવસ અગાઉ આવ્યા હતા જેવી ત્યાં સાંજે જમીને કથા-વાર્તા થાય. ભગવાનના ગુણ-ગાન ગવાય. બધાં બહું રાજી થયા, બહું આનંદ આવ્યો. જ્યારે લગ્નનું ફુલેકું નીકળ્યું ત્યારે ઘોડા પર બેસતા પહેલાં મહારાજને યાદ કર્યા. મહારાજ પધારો. ત્યાં મહારાજ છડી લઈને દિવ્યરૂપે આગળ આગળ ને અમે પાછળ એમ મંદિરે, ફુલવાડીએ ગામમાં ફુલેકું ફેરવ્યું. છેક સાંજ સુધી મહારાજ ભેળા જ હતા. આમ મહારાજ બોલ્યા હતા અમે આવીશું તે મહારાજ આવ્યા. આ ભગવાનની કેટલી કૃપા. આથી વિશેષ
આપણે શું જોઇએ કે ભગવાન આપણાં લગ્નમાં ભેળાને ભેળા. ભગવાને આપણી બહું સંભાળ રાખી છે.
જ્યારે હું જૂનાગઢ મહારાજને આમંત્રણ આપવા ગયો ત્યારે મહારાજે મને બે સુખડના હાર આપી કહ્યું બેય એક એક પહેરજો. એ હાર પહેરીને મારા લગ્ન થયા એ હાર હજી મેં સાચવી રાખ્યા છે, એની સુગંધ એવી ને એવી જ છે. પછી અમે બંને જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા. ત્યાં ઉતારો લીધો, મહારાજના દર્શન કર્યા. બપોર પછી ફુલહાર લાવી મહારાજને પહેરાવી આરતી ઉતારી, ચરણસેવા કરી. ફુલહારની થેલી મહારાજના રૂમે ખીંટીએ ટીંગાડી એ ત્યાં જ રહી ગઈ ને હું ઉતારે ગયો ત્યારે અમે બંનેએ નક્કી કર્યું કે આપણે સવારે નીકળવું એમ કરી બીજા દિવસે હું કહેતો ગયો તમે સૂટકેસમાં કપડાં ભરી લેજો. પછી હું મહારાજના દર્શન કરવા ગયો.
મહારાજને દંડવત્ કરી બાજુમાં બેઠો વાત કરી, મહારાજ રજા આપો તો અમે નીકળીએ. મહારાજ કહે, આજ રોકાઈ જાવને મેં કહ્યું જેવી મહારાજ આપની આજ્ઞા, એમ કરી અમે રોકાઈ ગયા અને ઉતારે હું કહેવા ગયો કે આજ નથી જવું, મહારાજે રોકાવાનું કહ્યું છે એટલે હું ઉતારે આવ્યો અને એ ભગવી સાડી સંકેલતા હતા તો એમાંથી સાકરને અને તાજી ગુલાબની પાંખડી નીકળી એટલે હું મહારાજને બતાવવા ગયો તો મહારાજ કહે ગુલાબ પાંખડી બતાવવા આવ્યો ને ! મહારાજ કહે, અમે ત્યાં જઈને આપી આવ્યા હતા. મારે ને મહારાજને સહહૃદયપણું, સખાભાવ હતો એટલે ભગવાનની લીલામાં ક્યાંય સંશય ન થયો. મહારાજ તમે પહેલા વચન આપ્યું હતું તે આજ પૂર્ણ કર્યું. તો આજ હું રાજી થયો. પછી મહારાજે એક કાગળ લીધો ને એમાં આશીર્વાદ લખ્યા. વ્રજલાલ ભગતના હૃદયમાં ભગવાન અખંડ રહ્યા છે. આમ આશીર્વાદ લખી નીચે લખ્યું ‘‘લી. ભગવાન''.
આમ મહારાજ બહું રાજી થયાને આજે પણ એવા જ રાજી છે કે, અવારનવાર દર્શન આપે છે. એ દિવસે અમે મહારાજની આજ્ઞાથી રોકાયા તો મહારાજે આ પ્રસાદીના શબ્દો આપ્યા. બીજા દિવસે રજા લીધી. ત્યાર બાદ મહારાજ બે મહિના પછી સ્વધામ સિધાવ્યા. આ અમારો મેળાપ પાછો થવાનો નહીં હોય એટલે મહારાજે એક દિવસ રોક્યા અને બધાં સંશય દૂર કર્યા, પ્રસાદીપત્ર આપી, અભય વરદાન આપ્યું તેમજ અત્યારે પણ મહારાજના દર્શન થાય છે, રક્ષા થાય છે.
હું ફરી દુબઈ ગયો ત્યારે અમારી સાઈટ પર હું બપોરે એક દસ-બાર ફૂટનો ખાડો હતો તેના પર એક ૧પ ફૂટ લાંબો ને બે ફૂટ પહોળો બીમ હતો ત્યાં હું બેઠો હતો ત્યારે આ બીમ નીચે રેતી સરકતી હતી ત્યારે મનમાં ઝબકારો થયો હું ઊભો થયો ત્યાંથી દૂર ગયો ત્યાં એ ખાડામાં બીમ પડ્યો એટલે આમ ભગવાને મારી રક્ષા કરી. ત્યાર પછી હું રૂમમાં રાત્રો સૂતો હતો ને રાતના બે અઢી વાગ્યા હશે ને હું સેટી પર સૂતો હતો માથે પંખો ફરતો હતો તે મારી પર પડ્યો ને હું ઝબકીને જાગ્યો જોયું તો પંખો મારી પર હતો પણ મને ક્યાંય વાગ્યું નહીં ને હું બહાર નીકળ્યો એટલે ગિરીશભગત દોડીને આવ્યા. શું થયું ભગત ! મેં વાત કરી આમ થયું. મહારાજે રક્ષા કરી કહેવાય. જે પંખો મારી પર પડ્યો એ મહારાજે ઝીલીને મારી પર હળવેથી મૂક્યો હશે ને મને લાગ્યું નહીં.
એક વખત ફુલવાડીમાં એક પાંચ હોર્સપાવરની મોટર બંધ હાલતમાં હતી. તે મારા બાપુજીને કાકા ભગવાનજી ભગતે એ મોટર લીધી એમને ચાલુ કરીને અમારા કૂવામાં બેસાડી ત્યારે આ મોટરને લાઈટ જોઇએ. હું અને ધીરુ નાના હતા. આ લાઈટ શું છે ? એ કાંઈ ખબર નહીં. અમે વાડીએ લીંબડાના ઝાડ પર ચડ્યા ને મેઈન લાઇન પાવર જતો હતો ને મેં એ જાડો વાયર પકડી હીંચકા ખવાય એમ પકડ્યો અને ધીરુએ અર્થિંગ વાયર પકડ્યો ને શોર્ટ લાગ્યો અને બેય વાયરમાં ચાગટી ગયા. એ દિવસે પણ મહારાજે રક્ષા કરી હતી અને અમારા હાથ લીલાછમ થઈ ગયા અને મહારાજે એ વાયર છોડાવ્યા નહીં તો તે દિવસે જ આપણું પૂર્ણવિરામ થઈ ગયું હોત. આમ ભગવાને બંને ભાઈઓ પર બહુ કૃપા કરી રક્ષા કરી છે.
એકવાર હું રાજકોટ સહકાર સોસાયટીમાં રહેતો હતો. મંદિરમાં ચિન્હવાળી મૂર્તિ હતી, મેં આરતી પ્રગટાવીને આરતી ચાલુ કરી ને મહારાજના ચિન્હવાળા હાથમાં પાણી મોતી જેવા બિંદુ આમ નીકળતા જાય અને કોણી સુધી દેખાયા જે મહારાજ સ્નાન કરીને આવતા ત્યારે શરીર લૂછતા નહીં ત્યારે જે લૂછ્યા વિનાના શરીરમાં જેવા પાણીના ટીપાં દેખાય તેવા દર્શન આ તે દિવસે થયા હતા અને આજુબાજુના ઘણાં લોકોએ એ દર્શન કર્યા હતા. મૂર્તિમાંથી સુગંધ પણ એવી આવતી હતી. આમ મહારાજે ખૂબ ખૂબ કૃપા કરી છે, ખૂબ દર્શન આપ્યા છે, ખૂબ રક્ષા કરી છે, ખૂબ આશીર્વાદ આપ્યા છે અને રાજી પણ એવા જ થયા છે.