પરચા ૧૭

અનાદિ મુક્તરાજ અમરશીભગત હંસરાજભગત રાઠોડ

ચાવડા, હાલ- રાજકોટ

એક વખત મહારાજ ચાવડા પધાર્યા હતા ત્યારે સવારે વહેલા મહારાજને દિશાએ જવાનું થયું ત્યારે બરાબર શ્રાવણ મહિનો હતો ને અમે ગુણીમાં ઘઉંના ગાડા ભરીને લાવ્યા હતા. અમારા ઘરના ફળિયામાં ઘઉં રાખ્યાં હતાં ત્યારે મહારાજ આવ્યા અને નીચા નમી ઘઉંમાં હાથ ફેરવ્યો ન ઘઉંની મુઠ્ઠી ભરીને બોલ્યા કે, જાઓ તમારો આ ઘઉંનો ભંડાર અખૂટ રહેશે.

એકવાર મહારાજના આશીર્વાદથી અમે પૂના ગયા ને પૂનાથી ઈ.સ.૧૯૭૬માં એક કંપનીવાળા મને દુબઈ લઈ ગયા. ત્યાં મહારાજની દયાથી બહું સારું હતું. એક વખત અમે મહારાજના દર્શન કરવા ગયા અમે ચાર-પાંચ ભક્તો કાયમ મહારાજનાં દર્શન કરવા ભેગા જ જતા તેમ આ વખતે પણ અમે ભેગા જ દર્શન કરવા ગયા હતા. ત્યારે મહારાજ પાસે બેઠા હતા હું રામજીભગત, મોટાભાઈ રતિલાલભગત અને રતિલાલ જાવિયા અમે પાંચેય બેઠા હતા. મહારાજે પહેલાં પ્રસાદી રામજીભગતને આપીને બોલ્યા આ રામને પછી બીજી પ્રસાદી મોટાભાઈને આપી ને બોલ્યા આ મારા કૃષ્ણને અને પછી રતિલાલભગત જાવિયાને આપી બોલ્યા આ મારા શુરવીરને છેલ્લે મને પ્રસાદી આપી બોલ્યા આ મારા લક્ષ્મણને. આમ મહારાજ બોલ્યા હતા. એ મહારાજ મર્મ જાણે. આમ ઘણી વખત મહારાજ આવી લીલાઓ કરતા.

એક વખત અમે મહારાજને ગાડામાં બેસાડી વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં એક કેયડાનું ઝાડ હતું ને અમે જ્યારે વાડીએ જઈએ કે આવીયે ત્યારે અમારો એક બળદ આ કેયડાના ભોથા આગળ આવે ને ભડકે ત્યારે મહારાજ ગાડામાં બેઠા હતા ને કેયડાના ભોથા પાસે આવ્યા પણ બળદ ભડક્યો નહીં એટલે અમે મહારાજને વાત કરી કે મહારાજ આ કેયડાના ભોથા પાસે ગાડું આવે ને બળદ ભડકે છે ત્યારે મહારાજ બોલ્યા હવે એ ભોથું ખોદી નાખજો. એમાં જે પ્રેતાત્મા હતો તેનો અમારા દર્શન માત્રથી મોક્ષ થઈ ગયો છે. એ અમે આ ભોથું ખોદી નાખ્યું. આમ મહારાજના આશીર્વાદથી તે પછી ક્યારેય બળદ ભડક્યો નથી. આમ મહારાજ અમારા ચાવડામાં ઘરે ઘરે, વાડીએ, ખેતરે બધે ફર્યા છે, ચાવડાની ભૂમિ પાવન કરી છે અને ઘણાં લાડ લડાવ્યા છે, ઘણાં સુખ આપ્યા છે.