જયંતિલાલભગત દેવશીભગત બાંભણિયા
અંજાર-કચ્છ
પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણના જામવંથલી, કુંકાવાવ, ચાવડા, રાજકોટ, મુંબઈ-પૂના, જામનગર આદિ સ્થળોએ વસતા ભક્તો પ્રગટ ભગવાનની આજ્ઞાથી કુંકાવાવ-પાદર સ્મૃતિ મંદિરે, કુંકાવાવ જન્મઘરે મૂર્તિ-પ્રતિષ્ઠાઓ મંદિર કરીને જૂનાગઢ જઈ પ્રગટ ભગવાનના દર્શન કરતાં હતાં ત્યારે મહારાજે સંકલ્પ કર્યો છે કે, મારા ભક્તોને વધુને વધુ રૂપિયાવાળા કરવા છે. પ્રભુએ અરબસ્તાન દેશ ખોળી કાઢ્યો અને સર્વે ભક્તો મહારાજના દર્શન કરી, આજ્ઞાઓ લઈ દુબઈ, અબુધાબી, ઈરાક, દાસાલેન્ડ, મસ્કત, રુહી, સાઉદીયા, કુવૈત, કતાર આદિક સ્થળોએ કમાવાને માટે અને પ્રગટ ભગવાનને સેવા આપીને રાજી કરવા માટે કામકાજે લાગ્યા છે. દુબઈમાં ભક્તોનો પ્રવાહ જબરો રહેલો છે અને પ્રગટ ભગવાને ફુલવાડી મંદિર, કુંકાવાવ મંદિરો માટેના સંકલ્પોને લઈ મહારાજે તે તે સમયમાં ભક્તોને ખૂબ ખૂબ નાણું અઢળક આપ્યું છે અને ભક્તોએ સેવા કરી છે. કેશવજી હરિભગત, નથુભગત, પ્રાગજીભગત, દેવરાજભગત વગેરે ભક્તો દુબઈમાં ભાટિયા કંપનીમાં ૧૯૭૬ની સાલમાં આવ્યા છે. જયંતિભગત સંસ્કારી અને ધાર્મિક પ્રકૃતિના છે. કુટુંબ પરિવાર પણ ધાર્મિક વૃત્તિના પરમેશ્વરને વિશે વિશ્વાસુ રહેલા છે. મા, બેન, ભાઈ, પરિવાર આદિ ભક્ત-જીવ રહ્યા છે.
જયંતિભગત નાનપણથી જ ધાર્મિક વૃત્તિના અને શાસ્ત્રના જાણકાર, શ્રીમદ્ ભાગવદ્, રામાયણ, વચનામૃત, શિક્ષાપત્રી આદિકના જ્ઞાતા અભ્યાસુ રહ્યા છે. જ્ઞાન જબરું છે. દરરોજ પૂજા પાઠ કરીને સ્વામિનારાયણ ભગવાનને દંડવત્ નમસ્કાર કરતા તે દેવરાજભગત બગીચાએ કૃપાદૃષ્ટિથી જોયું કે છોકરો સારો છે, સત્સંગી છે. તેઓ પણ પૂજા કરતા તેથી જય સ્વામિનારાયણ કહેવાનો નાતો શરૂ થયો. પછી ભગતજી રોજ પૂજામાં આવે અને દર્શન કરે. પછી સાંજે ભેગા મળીને દેવરાજભગત મહારાજની વાતો કરે તેથી જયંતિભગતને આનંદ થતો, આ રીતે દરરોજ ભગવાનની કથા-વાર્તાઓ ચાલુ જ રહેતી. પછી ભેગા જમે, સત્સંગ કરે એમ કરતાં કરતાં ગુણભાવ વધ્યો. દેવરાજભગત સ્વામિનારાયણ ભગવાનની વાતો કરતા કે જેમ સ્વામિનારાયણ ભગવાન તેમના ચિન્હ, ચરિત્રો, ચેષ્ટાઓથી ઓળખાય છે. તેમ જૂનાગઢમાં જે આ મૂર્તિ છે તે પ્રત્યક્ષ ભગવાન છે. જેમ સ્વામિનારાયણ ભગવાનને ચિન્હો હતા
તેમ આપણાં ગુરુ કહો, ભગવાન કહો, તે આ જ છે. તેમને ચિન્હો છે. તેમના ચમત્કારો છે. તેમના દર્શનથી જીવાત્માઓ મોક્ષને પામે છે. તેવા તેમના ઐશ્વર્ય પ્રતાપ છે. તેઓ જૂનાગઢમાં પ્રત્યક્ષ બિરાજે છે. તેમનામાં ભાવ પ્રેમ હોવાથી તેમનામાં સાક્ષાત્ પ્રભુના દર્શન થાય છે. તેમ કહીને ભગતજીએ મહારાજની ચિન્હ ચરણાર્વિદ વાળી મૂર્તિ આપી. પછી તો રોજ મહારાજના પરચાઓની વાત કરતા. તેમ કરતાં કરતાં કવિ સ્વામી-જયંતિભગત ગુણભાવનાવાળા તેમણે જૂનાગઢ મહારાજને પત્ર લખ્યો. પત્ર લખાણો, કિર્તન બનાવ્યા, મોકલ્યા.
મહારાજ રાજી થયા. આશીર્વાદ આપ્યા કે, કિર્તન સારા કરતા આવડે છે, કિર્તનનું ફળ સારું મળો. પછી તો જેમ હૈયે, હોઠે કિર્તનો આવે તેમ કાગળમાં લખી મહારાજને મોકલતા. મહારાજ ખૂબ ખૂબ રાજી થતા. પછી તો આશીર્વાદના બળે પ્રાર્થના ગીત, સ્તુતિ, નિત્યનિયમ લખી મોકલતા. પ્રગટ ભગવાન પોતાના શાસ્ત્રોમાં તે બધું જ લખાણ, કિર્તનો છાપતા. ભક્તો આગળ જયંતિભગતને વખાણતા. પછી તો લખવાની ફાવટ કહો કે, મહારાજના આશીર્વાદ કહો તે બધું જ તેની કૃપા વડે થયું છે.
મહારાજે કવિ સ્વામિને પત્રમાં આજ્ઞા કરી કે પ્રગટના પરચા, પ્રગટ પિયુષ લખતા રહેજો. 'જેમ જેમ કલમ ચલાવશો તેમ તેમ બુદ્ધિ પ્રતિભા આગળ આગળ કામ કરશે.' આવા ખૂબ જ રાજીપાના ફળ સ્વરૂપે આજ્ઞા થઈ. પછી તો ભગવાનના ચરિત્રરૂપી પિયુષની કથાને વાસ્તે જ્યારે ભગવાનને ધારીને કલમ ઉપાડતા ત્યારે ત્યારે સરસ્વતી, શારદા તેમની પાસે શબ્દરૂપે ગોઠવાઈ જતી અને પ્રગટનો મહિમા શ્લોકો, ચોપાઈ સ્વરૂપે લખાણ થતું જતું તે થોડું લખીને મોકલતા પછી મહારાજ સ્વયં દરેકે દરેક અધ્યાયો પોતે શ્લોકો, દોહા- ચોપાઈ વધારીને અધ્યાયો પૂર્ણ કરતા અને ગ્રંથમાં છપાવા માટે પ્રેસમાં મોકલી આપતા. પછી એક પત્રમાં લખ્યું કે તમારા પ્રગટ પિયુષ અધ્યાયો ૧, ર, ૪, ૧૦, ૧ર જેમ જેમ આવતા જાય તેમ તેમ અમારી રીતે તેને પૂર્ણ કરીને છપાઈ કામમાં અપાતા જાય છે. વિદ્યાદાનમાં ભાગ કાઢવો ભગવાન ભેળા છે ભેળા રહેશે. શાશ્વત કિર્તન ભગવાનને આધારે છે.
આમ પ્રગટ ભકિત પિયુષના શાસ્ત્રમાં ભગવાને જયંતિભગતને નિમિત્ત બનાવી કાર્યને પૂર્ણ કરી તેમનો યશ, રાજીપો આપ્યો છે. પછી તો દુબઈ, અબુધાબીમાં પ્રગટ ભગવાનના પ્રત્યક્ષ દર્શન સેવાનો લાભ મળ્યા છે. દેશમાં આવ્યા પહેલા ભક્તોના યોગે અને દેવરાજભગત બગીચાના સમાગમે પ્રગટ પ્રભુજીની ઓળખાણ, રાજીપો અને સેવાઓ મળી છે. જયંતિભગતે મહારાજના પ્રત્યક્ષ દર્શન પહેલાં જ દુબઈમાં નાની મોટી સેવાઓ
કરી છે. ફુલવાડી, કુંકાવાવ, જન્મઘર મંદિર માટેની જગ્યા, પાદરમાં રાષ્ટ્રીય સ્મૃતિ ભવન માટેના મંદિરના જીર્ણોદ્ધાર અર્થે સેવાઓ કરી છે.
દુબઈથી દેવરાજભગત, જયંતિભગત રજામાં દેશમાં ગયા છે. મહારાજના દર્શન કરવાને બંને ભક્તો સાથે ગયા છે. ઉપરના રૂમે જઈ જોયું કે, મહારાજ ઢાળિયા ઉપર નેત્રકમળને નીચા રાખી શાસ્ત્રો લખતા હતા. તે જયંતિભગતે જોયું અને દુબઈમાં જે દર્શન થયા તે તાજા થયા. મહારાજ શાસ્ત્રો લખે છે, જયંતિભગત દંડવત્ કરે છે. ભગવાન અંતર્યામી છે. સર્વની રહેણીકરણી બધું જ જુએ છે. છતાં પણ ભક્તોને લાડ લડાવવા અને મૂર્તિનું ધ્યાન, વચનો, રાજીપો યાદ રહે તેથી ભક્તોની પૃચ્છા કરે છે. મહારાજ ભક્તો પર રાજી થઈ કહે, નામ ? માધાપર કચ્છ-અંજારના જયંતિભગત. કહેતા જ મહારાજે કલમ ઉભી રાખી દઈ બંને ચરણ માથા પર રાખીને આશીર્વાદ આપ્યા કે, ‘આવ્યો મારો નિષ્કુળાનંદ' હું તારી વાટ જ જોતો હતો. હવે મારું કામ થશે. એમ કહીને જયંતિભગત દંડવત્ કરતા હતા તેમની પીઠ ઉપર બંને ચરણો રાખીને મહારાજ ઊભા રહ્યા. પછી મહારાજે તેમને ભેટીને ખુબ જ વ્હાલ કર્યું. પછી બાથમાં લઈને તેમની રૂમેથી ઓસરીએ અને ઓસરીએથી રૂમમાં આમ બે ત્રણ વખત આંટા માર્યા. આમ ભગવાનના રાજીપાને જોઈને જયંતિભગતના આંખોમાંથી હરખના આંસુઓ વહ્યે જતા. તેમને દુબઈમાં થયેલ દર્શનની પ્રત્યક્ષ અનુભૂતિ થઈ છે.
પછી મહારાજની ખૂબ સેવાઓ કરી છે. અંગ સેવા, દ્રવ્યસેવા, મહારાજને જોઈતી ચીજવસ્તુઓની સેવા અર્પણ કરી છે. બપોરથી સાયંકાળ આરતી સમયથી સંધ્યાવંદન ચેષ્ટાઓમાં ભગવાનના ભેળાને ભેળા રહેતા જયંતિભગતને મહારાજ ગુણાતિત સભાહોલમાં પ્રથમ પીલરે આસને બિરાજતા ત્યાં બંને ચરણોમાં સોળે સોળ ચિન્હોથી યુક્ત ભગવાનનાં દર્શન થયા છે. સાંજે બાલમુકુંદ ભવનમાં જ પ્રસાદ લઈ મહારાજની સેવા કરતા હેમંતભગતને કહે, હેમંત આજે તું સુઈ જા આ ભગત આવ્યા છે તે મારી સેવા કરશે. પછી તો મહારાજની મધ્યરાત્રી સુધી સેવા કરતો હતો, એટલે મહારાજે પુછયું, આવી દિવ્ય સેવાની સમજણ કોણે આપી ? જયંતિભગત કહે, મહારાજ દુબઈમાં દેવરાજભગત બગીચા તેમની કૃપાથી, તેમના સમાગમે આ વાત સમજાણી છે. આ વાત સાંભળતા જ મહારાજ રાજી થઈ કહે કે, ‘બગીચા કંુટુંબ અમારું અનાદિ'નું છે. તેમણે આપેલ સમજણ, તેમાં કોઈ કસર રહેતી નથી. દેવરાજ એ મારો દિવ્ય મુક્ત ભક્ત છે.
પ્રાતઃકાળે મહારાજ જયંતિભગતને કહે, મુંબઈથી દેવરાજભગત આવવાની
તૈયારીમાં છે. પછી જયંતિભગતે મહારાજને સ્નાન કરાવ્યું. પૂજામાં બેઠા. પછી દેવરાજભગત મુંબઈથી જૂનાગઢ મહારાજ પાસે આવ્યા, દંડવત્ કર્યા, રાજી થઈને કુશળ સમાચાર પૂછ્યા પછી દેવરાજભગત ન્હાઈને મહારાજ પાસે આવીને જયંતિભગત-દેવરાજભગતે આરતી ઉતારી છે. પ્રભુજીને માટે બજારમાંથી જોઈતી ચીજો, હાર લાવી ફળ વગેરે ધર્યા છે. પ્રભુજી જમ્યા છે.
પછી મહારાજે જયંતિભગતને લાલજીની મુર્તિ આપીને કહ્યું કે, આ લાલજીની સેવા કરજો. ભાવના પ્રમાણે ભગવાન તમારા થાળ જમશે. સેવા સ્વીકારશે. 'ઘેર બેઠા અમારા દર્શન થશે.' પછી મૂર્તિમાં નિજ પ્રતાપ-ઐશ્વર્ય અર્પી મૂર્તિને અતિ વહાલ કરતા. મહારાજ કહે, આ ભગતજીને ઘેર રોકાજો, થાળ જમજો, સેવા સ્વીકારજો. પછી કહ્યું, બંને જણાએ એક એક ભગવું પહેરવું. પાંચ મિનિટ કાંઈ પણ બોલ્યા વિના ભગવાનનું ધ્યાન કરતા મૂર્તિને જોવી. આ રીતે મહારાજે જયંતિભગતને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે. પ્રસાદીપત્રમાં જયંતિભગત અંજાર-કચ્છ (કવિ) લખીને શ્રીહરિ શરણાગતિ મંડળમાં કવિનું સ્થાન આપ્યું છે.
જયંતિભગતે ફુલવાડી મંદિરમાં યથાશક્તિ દ્રવ્યસેવા, અંગ સેવા, કુંકાવાવ મંદિરની સેવા, જૂનાગઢ નિજ ભવનની સેવા, વાસ્તુ પ્રસંગો, ઉત્સવો, જન્મજયંતીઓ, આરતીના ચડાવા સેવાના લાભ લીધા છે. શ્રીહરિ શરણાગતિ મંડળના ઘણા મુકતભક્તો જયંતિભગતને ઘેર થાળ જમી રાજી થયા છે અને જૂનાગઢથી મહારાજ પણ પ્રત્યક્ષ રૂપે દર્શન આપતા વિચરણ કરતા જયંતિભગતને ઘેર આવી તેમના ધર્મપત્ની શારદાબેનના હાથે થાળ જમ્યા છે.
જેન્તિભગત વિદેશ હતાં, પરંતુ કવિના ઘેર શારદાબેન મહારાજની મૂર્તિ જે કથા વાંચતા અને હાથમાં શાસ્ત્રના પાનાવાળી જે મૂર્તિ તે પૂજામાં મંદિરમાં રાખતા. ત્યારે શારદાબેન મહારાજને સાંજે જમવામાં થાળમાં ખીચડી ધરાવી ત્યારે મહારાજ અર્ધો થાળ જમી ગયાના દર્શન થયા હતાં ત્યારે શારદાબેન રાજી રાજી થઈ ગયા હતા.
એક વખત બાળકો દક્ષા નાની હતી. ભગત વિદેશ હતા. ભચા ગાંધી સોસાયટીમાં વસતી ઓછી હતી. ત્યારે રાત્રો લાલજી મહારાજને સંભાળી સેવા કરતા કરતાં સૂતા ત્યારે સહેજે મનમાં વિચાર આવ્યો કે, આપણે ઘરમાં એકલા ને કોઈ ચોર આવે તો ત્યાં જ વિચાર આવ્યો કે આપણાં ભગવાન ભેગા છે, કોઈ કંઈ ન કરે. ત્યાં જ દરવાજો ખખડ્યો પૂછ્યું કોણ છો. મહારાજે જવાબ આપ્યો. અમે મહારાજ તમારી રક્ષા કરવા આવ્યા છીએ.
પછી મહારાજના ચરણ સ્પર્શ કર્યા, મહારાજ અંદર આવ્યા- જળ પાયું, મહારાજ કહે બીવાનું નહીં અમે અહીં જ છીએ. એમ કહી મહારાજ લાલજી મહારાજની મૂર્તિમાં અદૃશ્ય થઈ ગયા.
એક વખત ભચા ગાંધી સોસાયટીમાં જેન્તિભગતની સામેની લાઈનમાં દિવ્યાબેન રહે. તે દિવ્યાબેન માયાળું, માનવતાવાદી હતા. ઘણી વખત શારદાબેનનું જીવન કામકાજ સાથે કિર્તન બોલતાં બોલતાં કામ કરતા. એટલે શારદાબેનનો ભક્તિવાળો ભાવ જાણી દિવ્યાબેન માયાળું વ્યવહાર રાખતા દૂર દૂરથી ભક્તો કચ્છની યાત્રાએ આવતા એટલે જેન્તિભગતના ઘરે બધાં ભક્તો આવતા. તેથી ભગવાનનો સત્સંગ થાય અને પ્રસાદી શેરીમાં વેચાય, મહારાજ ભગવાન છે તેવી વાતો થાય. મહારાજના પરચાની વાતો થાય, આ વાતો દિવ્યાબેન પણ સાંભળતા મળતી. જેથી મહારાજના પરચાની વાતો તે તેના સસરા પાસે કરી હશે અને દિવ્યાબેનનાં સસરા વાત માનતા નહીં હોય ત્યારે એક વખત મહારાજ ચરણ લાંબા કરી માળા ફેરવતા તે મૂર્તિ સામે જ દિવાલમાં હતી એ સ્વરૂપે મહારાજે દિવ્યાબેનના સસરાને દર્શન વ્હેલી સવારે આપ્યા. મહારાજે છડીને એક હાથમાં માળા લઈ દિવ્યાબેનના સસરાને જગાડ્યા. જાગ જાગ હવે તો જાગ. આટલું કહી અંતરર્ધ્યાન થઈ ગયા. બીજા દિવસે દિવ્યાબેનના સસરા સવારે વ્હેલા ઊઠી ઘરે આવ્યા અને સામે મહારાજના ચરણ લાંબા હાથમાં માળા આ તમારા ભગવાને મારે ઘરે આવી મને ઉઠાડ્યો આ જ રૂપે હતા. તેમને દર્શન થયા એટલે શેરીમાં પ્રસાદી વહગચી ને તેના ઘરનાં સૌ રાજી થયા.
એક વખત મહારાજ શેષનારાયણ રૂપે આવી ઘરમાં બધે આંટો મારીને લાલજીમહારાજની મૂર્તિમાં અંતરધ્યાન થઈ ગયા. એક વખત જયંતિભગતની દીકરી દક્ષા નાની ત્રણ ચાર વર્ષની ઉંમર ત્યારે દક્ષાને દર્શન દીધા અને આ લાલજીમહારાજની સેવા કરવા કહ્યું હતું. દક્ષા નાની હતી અને કિર્તન બોલતી ત્યારે લાલજીમહારાજની સામે કિર્તન બોલતી કિર્તનમાં એવી ગુલતાન થઈ જાય કે તેને આજુબાજુંનું કોઈ ભાન રહે નહીં એવી મગ્ન થઈ કિર્તન-ભક્તિ કરતી.
આમ પ્રગટ ભગવાનનાં લાડીલા અનાદિ મુક્તરાજ જયંતિભગતે (કવિ સ્વામી) મહારાજના સંકલ્પ-આજ્ઞા પ્રમાણે તન-મન-ધનથી શ્રીહરિ શરણાગતિ મંડળમાં ઘણી સેવાનો લાભ લીધો છે. તેમજ કથાવાર્તા દ્વારા પણ ઘણાં ભક્તોને મહારાજની આજ્ઞા અને ઉપાસનાનું અનુસંધાન આપી સૌને ખૂબ રાજી કર્યાં છે.
એકવાર મુકત ભકતોએ મહારાજને પ્રાર્થના કરી હતી કે, હે ભગવાન કચ્છમાં પણ આપના ભક્તો શરણાગત થાય અને આપનો રાજીપો થાય અને કચ્છ પણ પાવન થાય. પ્રગટ ભગવાનના સંતોના ચરણ પગલાંથી આ ભૂમિ પાવન થાય અને સૌ ભક્તિ કરી આપને રાજી કરે એ જ વિનંતિ- પ્રાર્થનાના ફળ સ્વરૂપે આજે અંજારને આંગણે પ્રગટ ભગવાનનું મંદિર અને શરણાગત ભક્તો ફૂલ્યા ફાલ્યા છે, સુખિયા થયા છે, સેવા કરનારા થયા છે, ભક્તિ કરે છે. બીજા જીવોને ભગવાનની ઓળખાણ કરાવે છે. નગારા વાગે છે, બ્રહ્માંડોમાં પ્રગટ ભગવાનનો જય જયકાર થાય છે, સૌ ધન્ય ધન્ય થયા છે.
ભગવાન જ્યારે આ પૃથ્વીને વિશે પ્રગટ થાય છે. ત્યારે આવા પૂર્વના યોગી આત્માઓને સાથે લાવે છે અને આ જગતમાં સંસારમાં રહી જેમ કાદવમાં કમળ ખીલે છે અને કમળને કાદવનો સ્પર્શ થતો નથી તેમ આવા મુક્તો સંસારમાં રહ્યા થકા સંસારથી વિરક્ત રહે છે અને ભક્તિ-સેવા ઉપાસના વડે ભગવાન ભેળા ગવાય છે, અનેકના કલ્યાણ કરનારા થાય છે.