અનાદિ મુક્તરાજ જેઠાભગત અજાભગત મકવાણા
જામવંથલી
પ્રગટ ભગવાનની દયાનો કોઈ પાર નથી. જે જીવે શરણે જાય તેના દુઃખ દૂર કરે અને દુઃખ હરે તે હરિ. એવા પ્રગટ પ્રભુજી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે ખૂબ દયા કરી છે. આ જીવ અનેક કુકર્મ ભૂલો કરી હોય માટે શરણાગત્ થાય તો પ્રગટ પ્રભુ ગુન્હા માફ કરી ઉગારી લે છે. મહારાજે ઘણાં ઘણાં ભક્તોના દુખડા દૂર કર્યા છે અને પરચા પૂર્યા છે. ભગવાનપણું પોતાનું છલકતું મૂક્યું છે.
જામવંથલીમાં રહેતા જેઠાબાપા અજાબાપા મકવાણા. તેમને પેટમાં બહુ દુખતું હતું. કેટલાય ઉપાય, ઉપચાર કર્યા પણ સારું થતું ન હતું. પ્રગટ ભગવાન જામવંથલી પધાર્યા તે વખતે જેઠાબાપાએ મહારાજને કહ્યું, મહારાજ પેટમાં દુખાવો ઘણા સમયથી બહું થાય છે. કોઈ હિસાબે મટતો નથી. તમે મહારાજ દયા કરો અને દુઃખ દૂર કરો. ત્યારે પ્રગટ ભગવાન અનાદિ નારાયણે, બાપાને સૂઈ જવા કહ્યું, અને પ્રગટ મહારાજે પોતાના ચરણાર્વિંદ તેમના પેટ પર મૂક્યા અને તુરત જ દુઃખતું બંધ થયું. એક જ સેકન્ડમાં દુઃખાવો બંધ. આજની ઘડીને કાલનો દિવસ, મહારાજે કૃપા કરી દુઃખ દુર કર્યું. એ વખતે પ્રગટ પ્રભુજીએ કરૂણા કરીને જેઠાબાપાને સાથળમાં લક્ષ્મીજી અને ખાપાના દર્શન કરાવ્યા હતા. પોતાનો ભગવાનપણાનો નિશ્ચય કરાવ્યો હતો.
જ્યારે મંદિરમાં પ્રગટ ભગવાનના કિર્તન ગવાતા હોય ત્યારે જેઠાબાપા બહુ રાજી થતા અને શાંતિભગત બગીચાવાળાને ચાર આના વાપરવા આપતા અને કહેતા કે, આવા પ્રગટ ભગવાનના કિર્તન ગાઈએ તો મહારાજ રાજી થાય. તેઓ જ્યારે પરમધામ પધાર્યા ત્યારે મહારાજની જય બોલાવી હતી અને મહારાજ જૂનાગઢથી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી શાસ્ત્રીજી મહારાજ પ્રગટ ભગવાન મને વિમાન લઈને ધામમાં તેડવા આવ્યા છે જુઓ. આમ કહી બધા ભક્તોને જય અનાદિ શ્રીકૃષ્ણનારાયણ કહી દેહ મૂક્યો હતો. આમ પરમ ભાગવત મુક્ત ભક્તોની વાત જ ન્યારી છે.