પરચા ૧૧૭

અનાદિ મુક્તરાજ ચંદુભગત છોટાલાલભગત પરમાર

જાંબુડી, હાલ- સૂરત

અમારા પરિવારમાં અમારા ફૂઈ લલિતાબેન એ જૂનાગઢ મંદિર પાસે રહેતા. તેમને નિત્ય સવાર-સાંજ મંદિરમાં મહારાજના દર્શનનો લાભ મળતો અને ઘણીવાર પોતે બનાવેલા હાર મહારાજને બીજા દ્વારા ધરાવતા. લલિતાબેને ઘણાં જીવોને સંત સ્વરૂપમાં રહેલા શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ સાક્ષાત્ પરમધામાધિપતિ પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ જ છે માટે એમની શરણાગતિ લઈ એમની સેવા-ભક્તિ કરી આપણા જીવાત્માનો મોક્ષ કરી લેવો જોઈએ, આવી સમજણ આપતા.

અમે મંદિરે દર્શન કરવા જતા ત્યારે ધોરાજીથી હેમંતભગતના બેન જૂનાગઢ કડિયાવાડમાં રહેવા આવ્યા. એમના સત્સંગથી મહારાજ ભગવાન છે એમ ઓળખાણ થઈ એટલે એ લલિતાફૂઈએ મારા બાપુજીને મહારાજ ભગવાન છે એમ ઓળખ આપી કહ્યું, તમે એકવાર મહારાજને મળો. એટલે મારા બાપુજીએ સંકલ્પ કર્યો કે, હું જાઉં ત્યારે મહારાજનો રૂમ આખો ભક્તોથી ભરેલો હોય અને મને બહાર જગ્યા મળે અને હું મહારાજને પગે લાગવા જાઉં ત્યારે મહારાજ મને એમનું લખેલું પુસ્તક આપે તો માનું એ ભગવાન છે ત્યારે મારા બાપુજી અગિયારસના દિવસે જૂનાગઢ ગયા ત્યારે મહારાજ પાસે જામવંથલીના ઘણાં ભક્તો આવ્યા હતા એ મહારાજના રૂમમાં બેઠા હતા અને મારા બાપુજી ત્યાં પહાગચ્યા અંદર જગ્યા ન હતી એટલે એ બહાર બેઠાં ત્યાં બપોરે જમવાનો સમય થયો એટલે હેમંતભગત આવી બધાને જમવા લઈ ગયા. બધા મહારાજને પગે લાગી એક પછી એક બધા જમવા ગયા છેલ્લે મારા બાપુજી મહારાજને પગે લાગી જમવા જવા લાગ્યા ત્યારે મહારાજે એમનું બાવડું પકડીને એના ગળામાં હાર પહેરાવ્યો અને બેસાડ્યા અને કહે, ભગત તમારે એક પુસ્તકનો સંકલ્પ છે ને ? આ એક નહીં બે પુસ્તકો. હવે કાંઈ ઘટે છે એટલે મારા બાપુજી મહારાજના પગમાં પડી ગયા ને કહ્યું, મહારાજ તમે ભગવાન છો મને કંઠી બાંધો એટલે મહારાજે કંઠી બાંધી અને બાપુજી ઘરે આવ્યા ને ઘરમાં વાત કરી કે, હવે સાક્ષાત્ ભગવાન આપણને મળી ગયા છે. પછી અમારે એક નિયમ થઈ ગયો કે અગિયારસ કે આઠમ આવે એટલે અમારે જૂનાગઢ જવાનું. અમારું ગામ જૂનાગઢથી પ૦ કિ.મી. જેટલું થાય. એટલે આ દિવસોમાં જૂનાગઢ આવતા ત્યારે હેમંતભગતનો રાજીપો અમારી ઉપર ઘણો એટલે

મહારાજને મળવાનો, મહારાજની સેવા કરવાનો યોગ કરાવી આપે.

એકવાર મારા બાપુજીને હૃદય પર ગાંઠ થઈ ત્યારે મારા બાપુજી મહારાજને મળવા ગયા. ત્યારે હું ભેગો હતો. મહારાજ પાસે બેઠા, પગે લાગ્યા ને વાત કરી મહારાજ આ ગાંઠ થઈ છે એમ કહી મહારાજને ગાંઠ બતાવતા હતા અને કહેતા હતા કે આનું ઓપરેશન કરવાનું છે તો અહીંયા ક્યાંય મેળ નથી પડતો. અમદાવાદ સિવિલમાં જવું પડશે. આ ઈ.સ.૧૯૭પ આસપાસનો સમય હતો. એટલે બહુ સગવડો અહીં નહોતી. એમ કહી મહારાજને વાત કરતાં હતાં ત્યારે મહારાજ કહે, મટી જશે. તો મેં કહ્યું, બાપા કેમ મટે ? ત્યારે મહારાજ કહે, આ ઘડી મટી જાય એમ કરી મહારાજે જ્યાં ગુમડું હતું ત્યાં આંગળી દબાવી કહ્યું આમ મટે. એટલે ગાંઠ હતી ત્યાંથી પરુની પીચકારી ઉડીને મહારાજ પર પડી. ત્યારે મહારાજ કહે, આ ગાંઠ ગઈ પણ હવે મારે નહાવું પડશે. એટલે અમે મહારાજે નવડાવ્યા ત્યાર પછી એ ગાંઠની જગ્યાએ ક્યારેય દુખ્યું નથી.

મારા બાપુજી ભક્તિ બહુ કરતા ને હું એમના ભેગો મહારાજ પાસે જતો. એટલે મહારાજની કૃપાને બાપુજીનો રાજીપો મને મળ્યો, મને સહેજે ભગવાન મળી ગયા એટલે હું ઘણીવાર મહારાજ પાસે જતો ત્યારે મહારાજને કાંઈને કાંઈ પ્રવૃત્તિમાં હોય એટલે મને કહે, સામો બેસી ભજન કર. ત્યારે હું મહારાજની સામે બેસી આંખો મિંચીને ભજન કરું ત્યારે મહારાજ કહે, તું આંખ મિંચીને શું કરશ ? મેં કહ્યું. તમારું રટણ કરું છું ત્યારે મહારાજ કહે, હું તારી સામે બેઠો છું ને તું આંખો મિંચીને ધ્યાન કરે છે, તું મને સામે જોતા જોતા ભજન કર. મહારાજે મને ચિન્હોનાં દર્શન કરાવ્યા છે. મેં ઘણીવાર મહારાજને આખે આખા શરીરને દાબ્યું છે. મહારાજ ઘણીવાર સાકર ખાઈને અડધો ગાંગડો મારા મોઢામાં મૂકતા.

એક વખત મેં સૂરતમાં ફ્લેટ લીધો ત્યારે મેં એક દિવસ મહારાજને પ્રાર્થના કરી કે, મહારાજ મેં ફ્લેટ સૂરતમાં લીધો, પરંતુ કામધંધો સૂરતમાં ગોઠવી આપો અથવા ફ્લેટ વેચાવી આપો. ત્યારે મારા કાકાના દીકરા આવ્યા અને મને કહ્યું એક જગ્યા છે ત્યાં ધંધો કરોને સૂરત આવતા રહો. કાંઈ તમારે ખર્ચ નથી જેમ થાય તેમ રૂપિયાની વ્યવસ્થા કરતાં જજો જગ્યા સારી છે. આમ મહારાજે સૂરતમાં ધંધાનું ગોઠવી આપ્યું. એકવાર એ દુકાનમાં રાત્રો શોર્ટસર્કિટ થયું. મેં સવારે દુકાન ખોલી તો આખી દુકાન કાળીમેશ થઈ ગઈ હતી એ દુકાનમાં સ્ટેશનરીનો સામાન હતો અને સ્ટેશનરીને કાંઈ નુકસાન થયું નહોતું અને મહારાજની પાઘવાળી મૂર્તિને કાંઈ થયું ન હતું. એકદમ ચોખ્ખી મૂર્તિ હતી. ત્યારે મેં કુંવરજીભગતને

બોલાવ્યા એમણે આ મહારાજનો બહું મોટો ચમત્કાર જોયો હતો.

એક વખત હું રોડ પર ચાલતો જતો હતો. ત્યારે એક કાચિંડો મોટરના વ્હીલ નીચે પીલાયો. આ મેં જોયું. કાચિંડો તરફડીયા મારતો હતો એ મારાથી ન જોવાયું એટલે બાજુની દુકાનેથી પાણી લઈ આ કાચિંડા પર મહારાજનો મંત્ર બોલી છાંટ્યું તે કાચિંડાએ દેહ છોડી દીધો ત્યારે મને મનમાં થયું કે આપણે બોલેલા મંત્ર અને પાણીની અંજલીથી એક જીવનો ઉદ્ધાર થઈ ગયો. આ આપણાં મહારાજની ભક્તિમાં મંત્રમાં કેટલી તાકાત છે. પછી મેં ભક્તિ વધારી દીધી.

ત્યાર પછી એકવાર મારા સસરા બહું બીમાર હતા એટલે ઘરના અને એના બેન મુંબઈવાળાએ નક્કી કર્યું કે બાપા પાસે આંટો મારી આવીએ ત્યારે મારાથી બોલાઈ જવાયું તારા બાપાને ધામમાં જવું છે. તો કહે, હા મૂકી દો ને. એટલે મેં કહ્યું, આ મહારાજની મૂર્તિ લઇ જા અને તારા બાપા સૂતા છે એની સામે મૂકી દીવો કરજે. હું મહારાજને પ્રાર્થના કરીશ ને તું બાપાને કાનમાં કહેજે, આ મૂર્તિ સામે જોયા કરે ને કહે જે આ મહારાજ તમને ધામમાં તેડવા આવશે એટલે એમ કરાવ્યું ને મેં મહારાજને કહ્યું, મહારાજ આ જીવ સંસારની રીતે મારા સસરા થાય એ જીવ દુઃખી થાય છે એને તમે ધામમાં તેડી જાવ. બીજા દિવસે અગિયારસની સવારે સાડા પાંચ વાગ્યે મહારાજ ધામમાં તેડી ગયા. આમ મહારાજે મારી ઘણીવાર લાજ રાખી છે.

એકવાર હું ભજન સેવા, મહારાજનું ધ્યાન કરતો હતો. ધ્યાન કરતા મને વિચાર આવ્યો કે, આપણો આત્મા છે એ કેવો હશે ? મહારાજને પ્રાર્થના કરી તો મહારાજની કૃપાથી મારા હૃદયમાંથી એક જ્યોત બહાર નીકળી ને મારી સામે આવીને રંગ-બેરંગી અનેક રંગોવાળી એ જ્યોત દેખાઈ એટલે મનમાં થયું આ મારા આત્મામાં કોણ બિરાજમાન હશે ? ત્યારે એ જ્યોતની વચ્ચે મહારાજ ખડખડાટ હસતા હોય તેવા દર્શન થયા ને થોડીવાર પછી એ જ્યોત મારા હૃદયમાં હું જોઉં તેમ સમાઈ ગઈ. આ જોઇને હવે હું ભજન કરું એટલે આનંદ આનંદ થયા કરે ને જે દિવસ ભજન ન થાય કે મોડું થાય તો મને ચેન ન પડે, બીજું ગમે જ નહીં. ભક્તો આવે તો સત્સંગ થાય, આનંદ આવે. હવે મારું જીવન જ એવું થયું કે કામકાજમાં સૂતા, બેસતા, ઉઠતા, ચાલતા મનમાં મહારાજનું જ રટણ ચાલુ જ હોય.

એકવાર હું મારી દુકાનની છાજલી તૂટી ગઈ એ છાજલીને રિપેરીંગ કરવા ટુલ પર

ચડ્યો ને છાજલીને પકડી ત્યાં મને કરંટ લાગ્યો ને હું છાજલીમાં ચાગટી ગયો ને મારા મુખમાંથી શબ્દો નીકળ્યા હે બાપા બાપા એટલે હું મહારાજને બાપા કહીને જ બોલાવતો. એટલે ત્યાં મહારાજે મને એ કરંટથી મુકાવીને મને પાછળથી પકડી નીચે મૂકી દીધો. મારો હાથ કાળો થઈ ગયો હતો. મેં કોઇને કહ્યું નહીંં પણ ચાર-પાંચ દિવસ પછી હું ન્હાવા જતો હતો ત્યારે ઘરના એ જોઈ ગયા ને પૂછ્યું, કે આ શું થયું ? ત્યારે મેં આખી વાત કરી જેમ દ્રૌપદીના ચીર પૂરીને ભગવાને રક્ષા કરી એમ મહારાજે મને પાછળથી પકડીને નીચે ઉતારી દીધો. હે મહારાજ, એટલું બોલ્યો ત્યાં પાછળથી પકડીને મારી રક્ષા કરી. આ રીતે મહારાજ સદા ભક્તોની ભેળા જ છે.

એકવાર અમે જૂનાગઢ ગયા ત્યારે હું એક સંકલ્પ લઈ મહારાજ પાસે ગયો હતો. ત્યારે જલઝીલણી એકાદશી હતી. એટલે બધાં સંતો ઠાકોરજીને જલમાં ઝીલાવવા વિહાર કરવા નારાયણધરે લઈ જતા હતા. ઢોલ-નગારા, વાજા સાથે કિર્તનો બોલતા બોલતા જતા હતા અને હું મહારાજ પાસે પહાગચ્યો. ત્યાં મહારાજ રવેશમાં ઊભા રહી આ રવાડીને જોતા હતા ને હું મહારાજ પાસે ઊભો હું જોતો હતો ત્યારે હેમંતભગત આવ્યા ને કહે, ભગત આ રવાડી નારાયણધરે જાય છે તમેય જાઓને એમ કહી પાછા અંદર જતા રહ્યા. થોડીવાર પછી પાછા આવ્યા ને કહે, ભગત જાઓ ત્યાં આપણાં ઘણાં ભક્તો છે. રવાડી ગેટની બહાર નીકળી એટલે હું ત્યાં જ ઊભો રહ્યો વળી હેમંતભગત અંદર ગયા થોડીવાર પછી આવ્યા ને કહે, ભગત તમારે જવું નથી. રવાડી ગેટની બહાર નીકળી ગઈ એટલે મેં મહારાજ સામે જોયું તો મહારાજ કહે, એ આ ભગવાનને નવડાવવા આવ્યો છે તો હેમંતભગત કહે, તમે એકલા આ લાભ થોડો લેશો મારે પણ આજે જલઝીલણી એકાદશીના ભગવાનને જળમાં ઝીલાવવા વિહાર કરવાનો લાભ લેવો છે. પછી અમે મહારાજને અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું નામ લેતા લેતા નવડાવ્યા. એટલે અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ભગવાન બહુ રાજી થાય.

એકવાર અમે જૂનાગઢ ગયા ત્યારે બાલમુકુંદ ભવન બનતું હતું. તે મહારાજ અંદર એક ગલીમાં રૂમમાં રહેતા હતા તેમાં એક ટમટમીયું બલ્બ બળતો હતો, પંખો બંધ હતો ને મહારાજ સૂતા હતા ને કહે, લે હવે સેવા કરવા મંડ. હું સેવા કરવા લાગ્યો ને પંખો બંધ. ઉનાળાનો દિવસ બારીઓ પણ બંધ. અડધી કલાક થઈ, કલાક થઈ, સવા કલાક, દોઢ કલાક, બે કલાક થઈ હશે ને હું પરસેવે રેબઝેબ થઈ ગયો. હવે મહારાજ ન કહે ત્યાં સુધી મારાથી કેમ સેવા બંધ કરાય. ત્યાં તો મહારાજે આંખ ખોલીને મારી સામું જોયું ને બોલ્યા લે

હજી મંડ્યો છે ? મેં કહ્યું, મહારાજ તમે હલતા નહોતા, તમે ક્યાં હાલ્યા ગયા મને મૂકીને. મહારાજ કહે, ભક્તો સંભારતા હોય ત્યાં જાવું તો પડે ને ! પણ તું અહીં છો એ હું ભૂલી ગયો. આમ કહી જે મારી સામે જોયું ત્યાં મને જાણે એ.સી.માં બેઠા હોઇએ એવી ઠંડી લહેર દોડીગઈ ને મારું પરસેવાવાળું શરીર ઠંડુ પડી ગયું. આ મારો પ્રત્યક્ષ અનુભવ ને મહારાજ કહે, બેસ હમણાં ચા આવશે ત્યાં હેમંતભગત ચા લઇને આવ્યા. મહારાજ ચા તાસડીમાં પીતા એટલે અડધી ચા પીધીને બાકીની ચા મને આપી કે આ પીજા. ત્યારે મહારાજ કહે, હું તારા પર બહુ રાજી છું તું મને જ્યારે જ્યારે યાદ કર ત્યારે હું ભેગો જ છું. આમ મહારાજે બોલીને આશીર્વાદ આપ્યા હતા.

એકવાર હું મહારાજ પાસે બેઠો હતો એટલે મેં મહારાજને કહ્યું, મહારાજ મારે ગિરનાર ચઢવા જવું છે. ત્યારે મહારાજ કહે, આ ગિરનારમાં જેટલા બેઠા છે એ કેટલાંય વર્ષોથી તપ કરે છે, ઉંધે માથે વરસોથી છે એ મને મેળવવા તપે છે તોય એને હું મળ્યો નથી માટે તું બેસ તારે ક્યાંય નથી જવું. લે મારી પ્રદક્ષિણા કરી દંડવત્ કરી છે એમાં બધુંય આવી ગયું.

મહારાજ મારા માથે હાથ મૂકી કહેતા કે, તારે દાસભાવે ભજન કરવાનું. મહારાજ ધામમાં ગયા તે રાત્રો અઢી વાગ્યે મને છડી અડાડી ઉઠાડ્યો ત્યારે હું અને મારા બાપુજી બાજુ બાજુમાં ખાટલા ઢાળી સૂતા હતા. ત્યારે મેં કહ્યું, મને સૂવા દો ને. મહારાજ કહે, તો મોડું થઈ જશે. ત્યારે હું બેઠો થયો હજુ હું નિંદરમાં જ હતો. તું ભજન કરી લેજે ભજનમાં ચૂક ન આવે આટલું બોલીને મહારાજ અંતર્ધ્યાન થયા, મને થયું કે નિંદરમાં છું કે જાગું છું. મેં મને ચૂંટલો ભર્યો ના ના હું જાગું છું. ત્યાં મારા બાપુજી જાગી ગયા. મને કહે, કેમ બેઠો થઈ ગયો. મેં કહ્યું મહારાજ આવ્યા હતા અને આમ કહી ગયા ત્યારે બાપુજી કહે, તો ગજબ થયો. મહારાજે લીલા સંકેલી લીધી. બીજા દિવસે સમાચાર મળ્યા કે, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ધામમાં ગયા છે. જેથી સૌને ખૂબ દુઃખ થયું, પરંતુ અંતર્યામીરૂપે મહારાજ સૌ ભક્તોને પ્રેરણા કરતા કે હું ભલે ધામમાં ગયો છું પણ છતાંય ભક્તો માટે પ્રગટ જ છું.