પ.પુ. શ્રીકૃષ્ણમાચાર્યજી મહારાજ - ડૉ. પ્રવિણમહારાજ
જામવંથલી
પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની કૃપાથી મારો જન્મ જામવંથલીની પવિત્ર ભૂમિ પર થયો. તેમજ મારા પૂર્વ જન્મના અનેક પૂન્યનો ઉદય થયો હશે જેથી મને પ્રગટ ભગવાનની પરિપૂર્ણ ઓળખ થઈ. મહારાજે મને ઘણીવાર દર્શન સેવાનો લાભ આપ્યો છે તેમજ પરચા પણ અનેક આપ્યા છે. જેથી હું ધન્યતા અનુભવું છું.
મારા સાળા બીમાર હતા તેથી તે અમદાવાદથી જામવંથલી આવ્યા. તેને મહારાજના દર્શન કરાવવા લઈ જવાના હતા. એટલે મેં હિરાબાપાને કહ્યું, તમે જૂનાગઢ હાલો મારા સાળાની તબિયત બરાબર નથી એટલે વંથલીથી રાજકોટ અને રાજકોટથી ગાડી બાંધી જૂનાગઢ પહાગચી મહારાજ પાસે ગયા. મહારાજ કહે, હું કેટલા દિવસથી તારી રાહ જોઉં છું એટલે આ નિમીત્ત થયું ને તું આવ્યો. મહારાજે ત્યારે મને મંત્રદીક્ષા આપી જનોઈ પહેરાવી, તિલક કરી આચાર્ય તરીકે મારી નિમણુંક કરી અને શ્રીકૃષ્ણમાચાર્યજી મહારાજ નામ આપીને જામવંથલીના આચાર્યપદે મારું સ્થાપન કર્યું. ત્યારે હિરાબાપા તથા મારા સાળા સાથે હતા. હેમંતભગત કોઠારી સ્વામી સૌ હાજર હતા. મહારાજે પત્ર દ્વારા આ વાતની વિદેશમાં ભક્તોને જાણ કરી હતી.
એક વખત મહારાજની તબિયતમાં ફેરફાર થયો અને કફ બહું થયો. ત્યારે કોઠારી સ્વામીએ મને જણાવ્યું કે, મહારાજની તબિયત બરાબર નથી અને દવા લેવાનું કહ્યું પણ માનતા નથી માટે તમે આવો એટલે મેં જવાનું નક્કી કર્યું અને કંદોઈ પાસે એલચી, કેસર, બદામ મારા ઘેરથી લઈ કંદોઈને આપ્યા અને તેના ઓછી ખાંડવાળા પગડા બનાવ્યા તે લઇ જૂનાગઢ ગયો.
સવારે વ્હેલા દર્શન કરવા ગયો ત્યારે મહારાજ ઉલ ઉતારતા હતા. ત્યારે જીભમાંથી લોહી વહેતું તે મારા જોવામાં આવ્યું એટલે તરત ગામમાં સોની પાસેથી ધાર બૂઠી કરેલું ચાંદીનું સરસ ઉલ્યું લીધું. પછી આ પગડા અને ચાંદીનું ઉલ્યું લઈ મહારાજને આપ્યું. તેમજ કસ્તુરબેને મહારાજ માટે દૂધના થેપલા બનાવી આપ્યા હતા તે પણ અર્પણ કર્યા. તેથી મહારાજ ખૂબ રાજી થયા. ત્યારે મહારાજ બોલ્યા તમારા ભગવાનને ઉલ ઉતારતા લોહી આવે એમાં તમને ઉપાધી થાય. આ સારું કહેવાય. પછી કાતરથી પગડાનું પેકેટ ખોલ્યું
ઠાકોરજીને ધરાવી એક પગડો મને આપ્યો એક પગડો પોતે જમ્યા અને કહે, લે આ તો બહુ સરસ છે. બીજો પગડો ખાધો, ત્રીજો ખાધો- ચોથો પગડો લીધો ને કહે, આ કફ ને ઉધરસ ઠીક થાય એ માટે આ પગડા સારા બન્યા છે. એમ કહી અડધો પોતે ખાધોને અડધો મને આપ્યો ને બેલ મારી હેમંતભગતને બોલાવ્યા અને કહે, બપોરે ઠાકોરજીને આ થેપલા ધરાવજો કસ્તુરે કેવા સરસ બનાવીને મોકલ્યા છે. પછી હું આમ તેમ ચક્કર મારી મહારાજ પાસે આવ્યો ત્યાં મહારાજ કહે, ઠાકોરજી જમાડ્યા. હું સમજ્યો નહીં. એટલે મહારાજ કહે, જમ્યા કે નહીં ? એટલે મેં કહ્યું, ના. ત્યારે હેમંતને બોલાવીને કહે આ ડૉ.સાહેબને જમાડી દેજો. પછી મેં કહ્યું, મહારાજ આપણે ડૉક્ટરને બતાવીએ અને કોઠારી સ્વામીના ભાણેજ એમ.ડી. છે. તેને અહીં તેડાવીયે. મહારાજ કહે, વિઝીટના નાણાં કોણ ચૂકવશે ? મેં કહ્યું, મહારાજ હું ચૂકવું. ત્યાં મહારાજ એક કફ સિરપ બતાવી કહે, જો આ સવારના નાસ્તા પહેલાં બપોરે જમ્યા પહેલા લઉં છું તે બરાબર છે. ત્યારે મેં મહારાજને અમુક દવાની વાત કરી. એ દવા લેજો. ત્યારે મહારાજ કહે, એવું કાંઈ નથી. આ થોડીક લીલા કરવી પડે. બાકી આ દેહમાં કાંઈ થવાનું નથી.
ત્યારે ત્યાં રામજીભગતના સાળા ત્યાં બેઠા હતા. તેમણે મહારાજ પાસે ગંજીયું મૂક્યું અને રૂ.પ૦ મૂક્યા. એટલે મહારાજ બોલ્યા, ક્યાં મુંબઈથી આવો છો. એટલે તે કહે, ના મહારાજ હું વિદેશ હતો અને આપના ઘણાં પત્રો મને આવ્યા છે અને હું રામજીભગતનો સાળો છું. મહારાજ કહે, બહુ સારું. એમ કહી મહારાજે તેના છોકરાઓને ડબરો ઉતારી કાજુની મૂઠ્ઠી ભરી આપ્યા ત્યારે ભગતના સાળા કહે, થોડા દેજો. ત્યારે મહારાજ બોલ્યા, દેવાવાળો દે છે તો લેતા નથી આવડતું.
અમે રાત્રો મહારાજની સેવા કરતા હતા અને રાત્રો ૧૦-૩૦ વાગ્યા ત્યારે મહારાજ હિરાબાપાને કહે, તમે હવે સૂઈ જાઓ. એટલે હિરાબાપા થોડા કચવાયા એટલે દેવસ્વામી કહે, આપણાંથી કાંઈ ન કહેવાય. પછી મહારાજે મને કહ્યું, જો આ મારો હાથ હવે તાવ તને દેખાય છે. ત્યાં મહારાજ એકદમ સ્વસ્થ હતા અને મહારાજ બોલ્યા, તારે લક્ષ્મીનારાયણ સંહિતા વાંચવાનું તું ભણેલો છું એટલે મારી પાસે એક વધારાનો સેટ છે તે હું તને આપીશ.
એ દિવસે ૧૦-૩૦ વાગ્યે હિરાબાપાને રજા આપી ને હું મહારાજની ચરણસેવા કરતો હતો અને મહારાજ લક્ષ્મીનારાયણ સંહિતા ની વાતો કરતા હતા ને હંું ચરણસેવા કરતો રહ્યો. ત્યારે મહારાજ પોઢી ગયા ને સવારે ચાર વાગ્યે જાગ્યા અને કહે, આચાર્ય હજુ
તમે ચરણચંપી કરો છો ? હવે તમે પોઢો. એટલે હું ઉતારે ગયો.
આમ મહારાજનો મારી પર ખૂબ જ રાજીપો હતો. મારા જીવનમાં મને યથાશક્તિ મહારાજની હયાતીમાં મહારાજની સેવાનો તેમજ ફુલવાડી મંદિરમાં પણ સેવાનો જે લાભ મળ્યો છે. તેનો મને અપાર આનંદ છે. હાલમાં હું જામવંથલીમાં જ રહીને મારા દવાખાનામાં ડૉક્ટર તરીકે ફરજ બજાવીને સમય પ્રમાણે મહારાજનું ભજન કરું છું. કોઈ ભક્તો દવાખાને મને મળવા આવે ત્યારે મહારાજની કથા-વાર્તા થાય જેથી વિશેષ આનંદ થયા કરે. હવે તો બસ પ્રગટ ભગવાનના ભજન સ્મરણ સાથે અંતકાળે મહારાજ તેડવા આવે અને પરમધામમાં પોતાની ચરણસેવામાં રાખે એ જ પ્રાર્થના સાથે સૌ ભક્તોને મારા જય અનાદિ શ્રીકૃષ્ણનારાયણ.