પરચા ૪૮

અનાદિ મુક્તરાજ પ્રાગજીભગત રણછોડભગત મનાણી

જામવંથલી, હાલ રાજકોટ

મહારાજ જામનગર પધાર્યાં ત્યારે કાનાબાપા અને મારા બાપુજી રણછોડબાપા બંને મિત્ર અને સુરાબાપા ભેગા કુરાભાઈ પણ હોય. તે સમયમાં ધનાબાપાને કુરાભાઈ જામનગરમાં રહે અને કામ કરવા જાય એટલે મંદિરે દર્શન કરીને જાય. તે ખાટલા રીપેર કરવા કે નાના મોટા ઘરના સુતારી કામ કરે. ત્યારે એકવખત મારા બાપુજી જામનગર ગયા હતા અને મંદિરમાં આ સુરાભાઈ સાથે મુલાકાત થઈ. ત્યાં સુરાભાઈએ મહારાજને પૂછ્યું, કેટલી મજૂરી મળે છે ? તો મહારાજ કહે, આ ખટારો બાવળના લાકડાનો છે. એ તમે ફાડી નાખો અમે સાત રૂપિયા આપીશું. આમ મહારાજ પ્રેમથી કામ આપતા અને મહેનતાણું પણ બરાબર આપતા.

એક વખત આ કુરાભાઈ સાથે મહારાજે ખટારો લાકડા ફાડવાનો કરાર કર્યો ત્યારે ભગવાને એવી લીલા કરી કે, કુરાને કહે, એલા કુરા તું તો બહુ બળિયો છો તો મને ઊંચો કરને. ત્યારે કુરાભાઈ મહારાજને ઊંચા કરવા બળ કર્યું, પરસેવો વળી ગયો પણ મહારાજ ડગ્યા નહીં. કુરાભાઈ કહે, આ તો તમે ડગતા પણ નથી. કાંઈક ચમત્કાર છે. મહારાજ કહે, કુરાભાઈ એમ કરો એકવાર હજુ અખતરો કરો. ફરી કુરાભાઈ એ મહારાજને ઉપાડ્યા તો જાણે ફુલ હાથમાં પકડ્યું હોય એમ મહારાજને ઉપાડી લીધા. આ ચમત્કાર જોઈ કુરાભાઈ રાજી રાજી થઈ ગયા. આ સ્વામી મોટા છે. આમ જાણી સાંજની ગાડીમાં જામવંથલી આવ્યા અને રણછોડભાઈને મળ્યા અને પૂરી વાત કરી અને કહ્યું કે, રણછોડભાઈ આપણે મહારાજ પાસે કંઠી બંધાવીયે. તે ગુરુ કરવા જેવા છે. એમ કહી બીજા દિવસે મહારાજ પાસે ગયા અને મહારાજે કંઠી બાંધી. આમ જામવંથલીમાં મહારાજના આ સેવક ભકતો બન્યા. કંઠી બાંધ્યા પછી તો એકાન્તિક ભક્તના જેવી તેમની સ્થિતિ થઈ ગઈ. પછી મારી ઉંમર ૧૦ વર્ષની હતી ત્યારે મારા બાપુજીએ મને મહારાજ પાસે લઇ જઇ કંઠી બંધાવી હતી.

આ કુરાભાઈ જેમ કમાણી ભેગી થાય તેમ ૬૦ રૂપિયાનું તોલું સોનું તેની ચેન-માળા કરાવે અને મહારાજ પાસે પ્રસાદીની કરાવે. ત્યારે ભેગી કરતા ૧૪ ગીનીનું પોટલું બંધાયું હતું અને જ્યારે ખોલ્યું તો ર૮ ગીની થઈ ગઈ. આમ મહારાજ પરચા દઈને ભક્તોને વિશેષ સુખી કરતા.

રણછોડબાપા એક વખત મંદિરે કડબનો ભાર ખાલી કરી ગામવાળાનો સામાન ભરી આવતા હતા ત્યાં રાત્રો ૮-૯ વાગ્યા હશે ત્યારે લાખાણી પાસે મોટા વોકળામાં ગાડું ફસાયું અને પૈડા ધરા સુધી રેતીમાં ખૂંતી ગયા તેથી બળદથી ઘણું બળ કરાવ્યું પણ બળદ બીચારા બેવડા વળી જતા ગાડું નીકળ્યું નહીં ત્યાં સામેથી ભરવાડને આવતો જોયો તેણે રામ રામ કર્યાં, અને પુછ્યું, ક્યું ગામ, કેના દિકરા. મેં કહ્યું, જામવંથલી અને રાજાભાઈના દિકરા. તો તેમણે કહ્યું, અરે રાજાભાઈ તો મારા ભાઈબંધ થાય. આ ગાડું ધરા સુધી ખૂંતી ગયું છે માટે એક કામ કર. તું રાસ લઈને આગળ ચાલ અને હું પાછળથી ધક્કો લગાવું. તે એક ધક્કે ગાડું બહાર નીકળી ગયું ને મેં ગાડા ઉપર બેસીને જોયું તો કોઈ ના મળે. આ મહારાજ આવીને ગાડું કઢાવી ગયા. ચાર-પાંચ દિવસ પછી હું જામનગર ગયો મહારાજ પાસે બેઠો. મહારાજ કહે, શું થયું હતું ભગત ? બાપા કહે , ગાડું ખૂપ્યું હતું ને તમે આવ્યાને ગાડું કાઢ્યું, તમારા વિના બીજું કોણ હોય. મહારાજ કહે, તો તો તમે અમને ઓળખી ગયાં.

એક વખત અમે કૂવામાંથી ગાર કાઢતા હતા. ત્યારે મારા ઘરના આણે આવ્યા જ હતા તે નાના હતા અને રણછોડબાપા કૂવામાં ગાર ભરીને કોહમાં નાખતા ત્યારે કોહ ખગચતા ઉપર આવ્યો ને ગરેડી નીચે પડી તે બાપાને વાંસામાં આડી વાગી, જો ઊભી વાગી હોત તો બચવું મુશ્કેલ. એ ગરેડીને પાછી ચડાવી કોહ ખગચ્યો તો બીજી વાર પડીને વાંસામાં વાગી. તેથી તે કોહમાં ખગચી લઇને ગરેડી કાઢી પછી બાપાને ખગચ્યા ને ગયા જામનગર. ત્યાં વૈદ્ય પાસે પાટો બંધાવ્યો પછી ૧પ દિવસ આરામ કર્યો પણ આટલે ઊંચેથી ગરેડી પડીને વાગી તો પણ ફ્રેકચર નહોતું થયું. પછી અમે ૧પ દિવસ પછી મહારાજ પાસે ગયા, તો મહારાજ કહે, શું થયું હતંુ ? તો મેં કહ્યું, મહારાજ કૂવાની ગરેડી માથે પડી આ તો તમે રક્ષા કરી તેથી બાપા બચ્યાં. ત્યારે મહારાજ કહે કે, બાપાનું આયુષ્ય પુરુ થયું હતું પણ મારી કૃપાથી તે હવે જીવશે.

એક વખત અમે મારા બાપુજી અને કુટુંબ જામનગર મહારાજના દર્શન કરવા ગયા, ત્યાં ઉતારો લીધો. પછી અમે સાંજની ગાડીમાં જામવંથલી આવ્યા ને ઘરે પહાગચ્યા. ત્યાં તાવ આવ્યો અને તાવ કેવો કે જે અડે તેનો હાથ બળી જાય. ત્યારે મારી બા કહે, આ પ્રાગજીને અત્યારે જ જામનગર લઈ જાઓ નહીંતર સવાર સુધીમાં તો આ નહીં બચે. તેથી રાત્રો ૧ર વાગ્યાની ગાડીમાં અમે જામનગર આવ્યા. બે વાગ્યે મંદિરે પહાગચ્યા, દરવાજો ખટખટાવ્યો. દરવાન બાપુ હતા તે મારા બાપાને ઓળખતા. તે કહે અરે ભગત હમણાં સાંજે તો ગયા હતા ને અત્યારે પાછા આવ્યા. પછી સવારે મહારાજ પાસે ગયા ને મારા બાપુજીએ કહ્યું, મહારાજ

આ પ્રાગજીને આમ થયું છે. તમે રક્ષા કરો. પછી મહારાજે પ્રસાદીનું પાણી કળશિયામાં આપ્યું અને કહ્યું, આ પાણી પ્રાગજી પરથી ઉતારીને બહાર લીંમડો છે એમાં રેડી દેજો. બાપુજીએ એ પ્રમાણે કરી લીંમડામાં પાણી રેડ્યું તો તેની એક ડાળ આખી સુકાઈ ગઈ ને પાંદડા બધા નીચે ખરી પડ્યા અને મને સારું થઈ ગયું. આમ મહારાજે મારી રક્ષા કરી.

આમ જામનગર મહારાજ બિરાજતા ત્યારે અમારા કડિયાના ર૪ ગામ જે હતા તેમાં જે લોકોને આવું કંઈ પણ દુઃખ આવે એટલે પહેલા બધા મહારાજ પાસે આવે અને મહારાજ પોતાના પ્રસાદીના પાણીએ સૌના દુઃખ મટાડતા.

એક વખત સાંજના સમયે મહારાજ બહાર હવામાં ખુરશી ઉપર બેઠા હતા અને માળા ફેરવતા હતાં. ત્યાં એક ગાંડો બાવો મહારાજ પાસે આવ્યો અને મહારાજને પગે લાગ્યો અને બોલ્યો, યે તો ભગવાન હૈ. ત્યારે મહારાજે પોતે ઓઢેલી શાલ તે બાવાને આપી દીધી ને બાવો ત્યાંથી ચાલ્યો ગયો. ભગવાનને ભગવાન કહેવાવાળા તો દેવકોટીથી ઉપલી હરોળના હોય અને તે મહારાજના દર્શન કરવા આવી લીલા કરતા હોય. ભગવાન જાણતા હોય તે ભગત કોણ છે ? મારા માતાજી નાનુબેન પણ પરમ એકાન્તિક ભક્ત હતા અને મારા નાનાભાઈ બાબુભાઈ તે મહારાજના આશીર્વાદથી તેનો જન્મ થયો અને મહારાજ કહેતા, આ બાબુભાઈ તો તમારી ૭૧ પેઢીનો તારનારો છે.

જામવંથલીમાં અમારો પ્લોટ હતો અને મહારાજ જામવંથલી પધાર્યા હતા ત્યારે એ પ્લોટમાં પાણી છંટાવ્યું અને મહારાજને પગલા કરવા લઈ આવ્યા ત્યારે મહારાજ પ્લોટમાં ઊભા રહી કહે, અહીંયા તો મેડીયું થાશે. ત્યારપછી મહારાજના આશીર્વાદથી ત્યાં અમે મકાન બનાવ્યા.

એક વખત મારા નાના ભાઈનો જન્મ થયો. ત્યારે મારી બાની છાતીમાં દૂધ સાથે પરૂ આવતું, રસી આવતી. મારી બાએ મારા બાપુને કહ્યું, પણ મારા બાપુએ મહારાજને કીધું જ નહીં. તેથી મારા બાએ કુરાભાઈને કહ્યું, મહારાજને કહેજે મને આમ તકલીફ છે. એટલે કુરાભાઈએ મહારાજને વાત કરી કે, આ રણછોડભાઈના ઘરનાને દૂધ સાથે રસી નીકળે છે, કાંઈક આશીર્વાદ આપો. પછી મહારાજની કૃપાથી બાને સારું થઇ ગયું.

આજ રીતે મારા ઘરનાને પણ જ્યારે ધાવણ બંધ થઈ ગયું ત્યારે મહારાજ જૂનાગઢથી રાજકોટ હરિલીલા કલ્પતરુની કથા વાંચવા આવ્યા હતા. ત્યારે મહારાજ પાસે જઈ મેં વાત

કરી કે, મહારાજ મારા બાએ કહેવરાવ્યું છે. મારા ઘરનાને દૂધ નથી આવતું, કોઇ દવા બતાવો. એટલે મહારાજ કહે, જા બજારમાંથી બદામ લઈ આવ. હું બદામ લઈ આવ્યો. મહારાજે બદામના પડીકાને ખોલીને ત્રણ-ચાર ફૂંક મારી અને પડીકું બાંધીને કહ્યું, આ પ્રસાદિની બદામ તારા ઘરનાને ખવડાવજે એટલે તેને ફરીથી દુધ ચાલું થઇ જશે. પણ આ તું ખાતો નહીં નહીં તો તને દુધ ચાલુ થઈ જશે. આમ મહારાજે બદામ આપી તે ખાવાથી મારા ઘરનાંને સાવ સારું થઈ ગયું.

એક વખત મારી બાને માસિકધર્મમાં મોટા કટકાના રૂપમાં ખૂન વધારે પડતું. તેથી અમે તેમને જામનગર દવાખાને લઈ ગયા. ત્યારે બાપાને મેં પૂછ્યું કે, આપણું ઘર એકાન્તિક છે તો આટલી મોટી તકલીફ આપણા બાને કેમ આવે. ત્યારે મારા બાપુજી કહે, આ ડૉક્ટર, નર્સ જેવા માણસોને પણ સેવાનો લાભ મળે તેમજ તેનો મોક્ષ કરવા માટે ભગવાન આપણને સુખ-દુઃખ આપે છે. જેથી ભકતો દ્વારા પણ બીજા જીવના કલ્યાણ થાય.

એક વખત અમે મહારાજના પગ દાબતા હતા. ત્યારે રણછોડબાપા બોલ્યા, મહારાજ અમારો પરિવાર ભાગ્યશાળી છે કે તમને ઓળખી ગયા. ત્યારે મહારાજ કહે, હું જયારે જયારે અવતાર લઇને આ પૃથ્વી પર આવ્યો છું ત્યારે ત્યારે તમારો આ પરિવાર ધામમાંથી મારી સેવા માટે ભેગો ને ભેગો જ આવે છે. આમ કહીને ફરી બોલ્યાં કે, રણછોડ આ પ્રાગજી તારી સેવા કરશે.

એક વખત મારે સાઉદીયા જવું હતું એટલે મહારાજના દર્શન કરવા ગયો. ત્યાં બીજા છોકરા હતા ને હું મહારાજની ચરણસેવા કરતો હતો. બીજા સ્વામી કહે, છોકરા જાઓ ભોજન શાળામાં જમવાનું ચાલું છે. તે છોકરાઓ ગયા ને હું તો મહારાજના પગ દાબતો હતો. થોડીવારે મહારાજ જાગ્યા અને કહે, અરે પ્રાગજી હજી પગ દાબશ જમવા નથી જવું. મેં કહ્યું, મને તો જેની ભૂખ છે તે હું જમું છું. ત્યારે ભોજનશાળા બંધ થઈ ગઈ હોય એટલે મહારાજ કહે, હાલ તને હું પાણી પીવરાવું, તે બાજુમાં કુંજો હતો તે મહારાજે લીધો ને ગ્લાસ ભરીને આપ્યો, હું ગ્લાસ પી ગયો. એક પછી એક એમ સાત ગ્લાસ પાણી પીધું ત્યારે ઉનાળો હતો. પછી મહારાજ પોતાને આસને બિરાજ્યા ને હું ફરી મહારાજના પગ દાબવા લાગ્યો. ત્યારે મેં મહારાજને કહ્યું, મહારાજ મારે સાઉદીયા જાવું છે માટે તમારા દર્શન કરવા આવ્યો છું. ત્યારે મહારાજ કહે, જાઓ જય સ્વામિનારાયણ. હવે આપણે ભેગા નહીં થઈએ. એટલે મેં જાણ્યું કે, હું વિદેશ જાઉં છું એટલે મહારાજ કહેતા હશે કે આપણે ભેગા નહીં થાઈએ.સમય

જતાં સાઉદીયા કાગળ આવ્યો કે, મહારાજ ધામમાં ગયા છે. ત્યારે મને એ મર્મ સમજાયો.

એક વખત મને સાઉદીયામાં સ્વપ્ન રાત્રો દર્શન થયા હતા કે બાલમુકુંદ ભવનનું વાસ્તુ છે, તે ભક્તોના સમૂહના દર્શન થયા અને મહારાજ વ્યાસાસને બિરાજેલા દર્શન થયા હતા. મારી બેનના લગ્નનું મુહૂર્ત મહારાજે જોઈ આપ્યું હતું અને મારા મકાન વાસ્તાનું મુહૂર્ત પણ મહારાજે જોઈ આપ્યું હતું.

એક વખત અમે મહારાજના દર્શન કરવા ગયા ત્યારે જયંતિલાલ મારા બનેવી સાથે હતા ત્યારે મહારાજે બે ફુલના હાર પહેર્યાં હતાં. તે એક હાર મહારાજે જયંતિલાલને મંત્રદિક્ષા આપી પહેરાવ્યો અને મહારાજ બોલ્યા કે, આના ભાગ્ય બહું ઊંચા છે. કારણ કે તારી ઘરવાળી એ લક્ષ્મી સ્વરૂપ છે માટે એને દુઃખી ન કરતો. ને લે આ બીજો હાર મારા વતી તારા ઘરનાને તું પહેરાવી દેજે. આમ મહારાજના અંતરનાં આશીર્વાદ મારા બેન- બનેવી ને મળ્યા હતા.

આમ રણછોડભગત મનાણીનું કુટુંબ એકાન્તિક ભક્તો અને પ્રગટ ભગવાનના વિશેષ રાજીપાવાળું કુટુંબ તથા કુટુંબમાં પણ પિતા-પુત્રી, માતા, પુત્ર સૌ પ્રગટ ભગવાનના અનન્ય ભક્ત છે માટે ભગવાનના વચનને ઝીલી પોતાનું ભગવાન લેખે કરનારા આ કુટુંબ છે.