અનાદિ મુક્તરાજ ભગવાનજીભગત ટપુભગત પોરિયા
જામવંથલી, હાલ- રાજકોટ
મહારાજ જામવંથલીમાં બે વર્ષ રોકાયા ત્યારે મારી ઉંમર નાની એટલે અમે પધરામણીમાં ભેગા જતા અને મહારાજ કહે એટલું કામ કરી આવતા એ અમને પ્રસાદી આપતા. આમ તો અમારો પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાયનો એટલે સાધુનો મહિમા ખરો એટલે નાની ઉંમરમાં સેવાઓ કરી હતી એટલે વિદેશમાં ગયા ત્યાં આપણાં ભક્તોના સમાગમ સત્સંગથી મહારાજ ભગવાન છે એવી ઓળખાણ થઈ.
દુબઈ ૮ વર્ષ એક સાથે રહીને દેશમાં આવ્યો હતો. ત્યારે જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા હતા અને પાછો દુબઈ ગયો ત્યાં તો મહારાજ ધામમાં સિધાવ્યા હતા, પરંતુ દુબઈના સત્સંગથી મહારાજની સેવા, મહારાજની આજ્ઞા, આ ભક્તોના સમાગમે લાભ મળતો. એમ તો ત્યાં કામ રાખતા એટલે મહારાજની કૃપાથી યથાશક્તિ સેવાઓ થઈ શકી. આ અમે ત્રણે ભાઈઓ મોટાભાઈ બાબુભગત હું અને જગદીશભગત અમને બધાને બચપણથી જ મહારાજની ઓળખાણ હતી એટલે જામવંથલીમાં મહારાજ વાડીએ જતા ઘરે ઘરે પધરામણીઓ કરતા ત્યારે અમે આ બધાં જે છોકરાઓ મંદિરમાં સૂતા અને રમણિકભગત વાઢેર એ બધા ભેગા જ હતા. આમ બધા લાભ મળતા ત્યારે ઉંમર નાની બારેક વર્ષની હશે. આમ અમે મહારાજના ખોળામાં રમ્યા છીએ. મારા બાપુજી જામનગર હતા ત્યારે મને ગોઠણમાં ગંભીર વા હતો એમાં પગ લાંબો, ટૂંકો ન થાય. એકદમ જકડાઈ ગયેલો. આવી તકલીફ મને હતી ત્યારે મારી ઉંમર નવ-દસ વર્ષની હશે. ત્યારે ઘણાં ડૉક્ટરોને બતાવ્યું હતું.
જામનગરના ડૉ.વી.એમ. શાહ વખણાતા એનેય બતાવ્યું પણ ક્યાંય ફરક પડ્યો નહોતો. એક વખત હું અને મારા બાપુજી જામનગર મંદિરે ગયા અને મહારાજને પગે લાગી બેઠા ત્યારે મારા બાપુજીએ મહારાજને વાત કરી. આ ભગવાનજીને પગ લાંબો ટૂંકો નથી થતો.
મહારાજ કહે, ડૉક્ટરને બતાવ્યું. બાપુજી કહે, બધે બતાવ્યું પણ ફરક નથી પડતો ત્યારે મહારાજ કહે, ડૉક્ટરને શું ખબર પડે ! આ જો ઘનશ્યામ મહારાજ પાસે કેરીનંું ફળ છે એ ખાઈ જા એટલે મટી જશે. ને હું એ કેરી ખાઈ ગયો. આજ વર્ષો થયા કોઈ દિવસ પગ માટે મેં દવા ખાધી નથી.
મહારાજ વંથલીમાં હતા ત્યારે એક સુતાર હતા એ લાકડાનો ગલો બનાવતા હતા ત્યારે હું કલાક અર્ધી કલાક આ સુતાર પાસે બેસું. ગલો તૈયાર થઈ ગયો એટલે મને કહ્યું ગલો તૈયાર થઈ ગયો છે એટલે મેં કહ્યું મહારાજ નાહીને આવે એટલે પ્રસાદીનો કરાવી લઇએ. મહારાજ આવ્યા એટલે સુતાર બનેવીએ મહારાજને કહ્યુ, સ્વામી ગલો તૈયાર થઈ ગયો છે. મહારાજે આવીને ગલા પર હાથ માર્યોને બોલ્યા આ કાયમ અખૂટ ભર્યો રહે. એમ કહી મહારાજે હાથ ઉપાડ્યો ત્યાં ગલો આખો પાણીથી ભરેલો હતો. આ લાકડાના ગલામાં થોડીવાર પછી કાંઈ ન દેખાયું, આવા દર્શન થયા.
મને દુબઇમાં એકવાર મહારાજે દર્શન દીધા. મને ધામમાં લઈ ગયા ત્યાં આપણી નજર ન પહાગચે એટલી મોટી સભા હતી. મહારાજ એ બધાની વચ્ચે બેઠા હતા. કોઈ દર્શન કરતાં, કોઈ સત્સંગ સાંભળતા. એમાં બધા બેઠા હતા ને હું થોડે દૂર હતો. એટલે મેં હાથ ઊંચો કરી પ્રગટ ભગવાનની જય બોલાવી. ત્યાં તો રૂમમાં પંદરેક ભક્તો સૂતા હતા એ જાગી ગયા. ત્યારે રાતના બે વાગ્યાનો સમય હશે એટલે બધાએ પૂછ્યું, શું થયું ? ત્યારે હું ન બોલ્યો પણ બે દિવસ પછી ભક્તોને દર્શનની વાત કરી. મને મહારાજે કહ્યું હતું કે તું તારા બાપુજીની ચિંતા કર નહીં એ મારા ધામમાં જ છે. અમે ત્રણ ભાઈઓ એમાં મોટાભાઈ બાબુભાઈ એમને ત્યારે મહારાજનો નિશ્ચય મહારાજ મોટા સંત છે, ચમત્કારી છે પણ ભગવાન પણાની ઓળખ નહીં, પણ ગુરુ ખરા. આમ અમે એમને કહ્યું તમે હવે નિવૃત્તિ જીવન ગાળો, અમે કામ સંભાળશું તો મોટાભાઈ કહે તો હું વંથલી જાઉં ને ખેતી સંભાળું એટલે એ વંથલી આવ્યા. ત્યારે ફુલવાડીમાં પ્રસાદીના મકાનનું કામ ચાલું હતું. એટલે અમે કહ્યું મહારાજનું કામ ચાલુ છે. તમે આના પર ધ્યાન રાખજો. એટલે એ ફુલવાડીમાં અને વાડીએ પણ ધ્યાન રાખતા.
એક દિવસ એ વાડીએ સૂતા હતા ત્યારે આકાશમાં ખેતર પરથી મહારાજને આકાશમાં જતાં જોયા એટલે થોડા દિવસ પછી અમને વાત કરી ત્યારે અમે કહ્યું તમે ભાગ્યશાળી તમને આવા દર્શન થયા. આ દર્શન થયા પછી એમણે એ પ્રસાદીના મકાનમાં બની રહ્યું ત્યાં સુધી શક્ય એટલી યથાશક્તિ સેવા આપી અને વાડીમાં ચણા વખતે ચણા, મગફળી વખતે મગફળી, ઘઉં વખતે ઘઉંનો પોક જ્યારે જ્યારે વાડીમાં જે પાકે તેનો છકડો ભરી ફુલવાડીમાં ભગવાનને, ભક્તોને જમાડતા. ભક્તોને ભાવથી આદર કરી બોલાવતા. એમ છેલ્લે છેલ્લે એમના બે વર્ષ પૂરી સેવા, અધિક સેવા કરી લીધી ને ધામમાં ગયા. આખા મંડળના નાના-
મોટા ભક્તોને રાજી કર્યા. સ્વભાવે પણ ધીરગંભીર અને સૌને આદર સન્માન આપનારા. એવું જીવન છેલ્લે છેલ્લે સુધી જીવ્યા.
મહારાજની કૃપાથી આજ આ પરિવાર સુખી છે. પરિવારના સૌ ભક્તો મહારાજની સેવામાં ફુલવાડીમાં, કુંકાવાવમાં, સત્સંગમાં તત્પરતાથી મળીને સેવા, ભક્તિ, ઉપાસના, શરણાગતિમાં વર્તે છે.જયંતિલાલ રાઘવ પોરિયા, ભગવાન ટપુ પોરિયા, જગદીશ ટપુ પોરિયા
રાઘવભગત પોરિયા તેમના ભાઈઓ પુત્ર, પરિવાર પ્રગટ ભગવાનના પરમ એકાંતિક ભોળા ભક્તો હતા, પરંતુ પ્રગટને રાજી કરવાનું ખૂબ જ તાન અને પ્રગટ શ્રીહરિ જ્યારે જ્યારે જામનગર-ફુલવાડી, રાજકોટ પધારતા, રહેતા ત્યારે રાઘવબાપાના તેમના ભાઈઓ પુત્ર પરિવાર સાથે મહારાજના દર્શન-સેવા કરતા અને તેમના પરિવારમાં જયંતિભગત, ભરતભગત સાથે પિતરાઈ ભાઈઓ ટપુભગતના પરિવાર ભગવાનજી, જગદીશભગત આદિક, ભાઈઓ પ્રગટ ભગવાનના દીક્ષિત થઈ પ્રભુનું ભજન કરતા. મહારાજની ઘરે પધરામણીઓ કરાવતા. ફુલવાડીમાં મંદિરના ભૂમિપૂજન વખતે જયંતિભગત પોરિયા વિદેશ હતા તેથી પ્રગટ ભગવાને રાઘવભગતના બીજા દીકરા ભરત પોરિયાના હસ્તે ભૂમિપૂજન કરાવ્યું અને બીજા ઘણા ભક્તોએ યજમાનપદે ભૂમિપૂજન કરી પાયાનું ખાતમુહૂર્ત કર્યું. ત્યારે નારાયણની પૂજા-અર્ચન વખતે સાક્ષાત્ શેષનારાયણે આવીને દર્શન કર્યા. ફોટા પાડ્યા પણ આવ્યા નહીં. ત્યારે મહારાજ કહે, ફોટા ન આવે નહીંતર કહે છે કે ભગવાન એરુ થયા હતા.
રાઘવબાપાની કરૂણા દૃષ્ટિ, કોઈ બીજાનું દુઃખ જોઈ ન શકે. મહારાજને દર્દ મટાડી દેવાની વાત કરે, પ્રાર્થના કરે. ભગવાન પણ ભક્તોને આધીન થઈ ભક્તના કહેવાથી અન્ય જીવોનું દુઃખ પણ મટાડી દેતા, કલ્યાણ કરતા. તેમના પુત્રો આ જયંતિભગત, ભગવાનજીભગત, જગદીશભગત આદિક ખૂબ જ નાની વયે પણ ફુલવાડીમાં જામવંથલીમાં રહેતા ભક્તોની આજ્ઞાથી સેવા કાર્યો કરતા. યુવાનવયે કામકાજ શીખ્યા પછી મહારાજની આજ્ઞા લઈ અરબસ્તાનમાં કામકાજ કરતાં કરતાં પોતે આ ભાઈઓ મોટા કોન્ટ્રાકટર થઈને ભક્તોને પણ કામ અપાવતા. ભક્તોની મદદ કરતા સાથે સાથે મહારાજની સેવા, ફુલવાડીની સેવા અને કુંકાવાવની સેવા પણ યથાશક્તિ કરી મહારાજને રાજી કર્યાં છે.