અનાદિ મુક્તરાજ અમરશીભગત ટપુભગત પરમાર
જામવંથલી, હાલ- પૂના
મારા બેનનું સગપણ જામવંથલીમાં થયેલું તેથી બેન મહારાજને ઓળખતા હતા કે શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ સાક્ષાત્ ભગવાન છે. તેથી મારી બેનને સંકલ્પ થયો કે, મારા ત્રણે ભાઈઓ મહારાજ પાસે કંઠી બંધાવે તો મારા ભાઈઓ પણ સુખી થાય. આમ બેનના સંકલ્પ વડે મહારાજ સાથે અમારો સંબંધ થયો.
એક વખત મારા બનેવી પૂનાથી અહીં જામનગર આવ્યા અને કહે, તમને ત્રણે ભાઈઓને કંઠી મહારાજ પાસે બંધાવવી છે. ત્યારે નાનો ભાઈ દેશમાં હતો. જ્યારે ત્રણે ભાઈઓ અમે જામનગરમાં ભેગા થયા ત્યારે અમે ત્રણે ભાઈને બનેવી જામનગર મંદિરે ગયા. મહારાજે પહેલા મોટાભાઈને પછી નાનાભાઈને કંઠી બાંધી પછી અમરશી ભગતને બાજુમાં બોલાવી કહે, તું મને રાખીશને તો તને કંઠી બાંધુ. મેં હા પાડીને મહારાજે કંઠી બાંધી.
મહારાજ કહે, તું ક્યાં રહે છે ? મેં કહ્યું, હું કડિયાવાડમાં રહું છું. તો મહારાજ કહે, તું દરરોજ જમીને અહીં સુવા આવજે અને મારા પગ દાબજે. પછી હું દરરોજ જામનગર મંદિરે સૂવા જતો અને મહારાજની ચરણસેવા કરતો અને સભામંડપમાં સૂઈ જતો.
એક વખત સંધ્યાકાળે મારા માસીની દીકરી બેનનો છોકરો રમતાં રમતાં પડી ગયો અને બેહોશ થઈ ગયો ત્યારે બેન કહે, તું શાસ્ત્રીજી મહારાજ પાસે જાય છે તો મહારાજને કહેજે. ત્યારે મહારાજ પાસે મેં વાત કરી એટલે મહારાજે ફુલનો હાર પહેર્યો હતો તે હાર આપી કહ્યું, આ હાર છોકરાને પહેરાવજે. હું હાર લઈને ઘરે ગયો અને છોકરો ઘોડિયામાં સૂતો હતો તેના ઘોડિયાની દાંડી પર હારને રાખ્યો ત્યાં છોકરાએ આંખ ઉઘાડી પછી તેને પાણી પાયું, દૂધ પાયું. આમ છોકરો રમતો થયો. તેથી મારા બેને મહારાજની ત્યારે રૂ.૧૦૦ની સેવા કરી. તેથી મહારાજ બહુ રાજી થયા.
હું દરરોજ જામનગર મંદિરે જતો અને મહારાજની ચરણસેવા કરતો. એક વખત મહારાજ કહે, સુખી થાવું હોય તો પૂના જાઓ. એટલે મેં બનેવીને કાગળ લખ્યો. બનેવીએ જવાબ લખ્યો કે, સાઈકલ આવડે તો તમે આવજો. ત્યારે મહારાજને વાત કરી. મહારાજ કહે, બધા સીખીને કોઈ આવતા નથી. જાઓ સાઈકલ આવડી જશે, પૂના જાઓ. પછી મહારાજે અમારી પરિસ્થિતિ જાણીને પ૦ રૂપિયા આપ્યા અને અમે પૂના ગયા ત્યાં આપણાં
સત્સંગીભાઈઓ હતા તેથી દરરોજ સત્સંગ થતો અને સેવા ભક્તિમાં સૌ મજબૂત થતા.
અમે ત્યારે મહારાજને પત્ર લખતા અને આઠ દિવસે મહારાજનો પત્ર આવતો, સૌ ભક્તો રાજી થતા. એક દિવસ અમે અમારા માતુશ્રીને પૂના બોલાવ્યા અને ઘરે બેઠા હતા ત્યાં અમરશીના શરીરમાં બાપુજી આવ્યા અને બાપુજીને પિતૃએ બાંધી રાખ્યા હતા. ત્યારે અમે મહારાજને પત્ર લખ્યો મારા પિતાજી ર૦ વર્ષ પહેલાં અવસાન પામેલા છે અને તેને કોઈકે મેલી વિદ્યા દ્વારા બાંધી રાખ્યા છે, મહારાજ દયા કરો. પછી વળતો જવાબ મહારાજનો આવ્યો અને લખ્યું ભાદરવા વદ-૧૩ ના તેનું પિતૃકાર્ય કરજો. તો મેં બ્રાહ્મણોને વાત કરી. તે બધા કહે, હવે આ અત્યારે કામ ન થાય કારતકમાં કરશું. ત્યારે મેં મારા વિદ્યાગુરૂને મહારાજનો કાગળ બતાવ્યો એટલે તેમણે અમારું કાર્ય હાથમાં લીધું.
પહેલાના વડીલો કહેતા કે, પિતૃ કાર્ય કરવા વાછડીના પૂંછડે પાણી રેડીયે અને એ પાણી ગામની બહાર જાય ત્યારે પિતૃ કાર્ય પૂરું થાય પણ મહારાજની કૃપાથી પાણી ઘરના દરવાજે પહાગચ્યુંને મારા બાપુજી પિતૃ તરીકે આવ્યા અને મારા બાને રાજી થઈ કહે, તે મારા છોકરા સાચવ્યા છે જેથી હું રાજી છું, જાવ સુખી થાઓ. આમ મહારાજે કૃપાથી મારા બાપુજીને ધામમાં તેડી ગયા.
જૂનાગઢ હું એક વખત મહારાજ પાસે ગયો અને મહારાજ કહે, હવેથી તું મારી લાલજીની મૂર્તિ રાખજે. એ લાલજીની મૂર્તિની મહારાજે આરતી કરીને અમને આપ્યા. ત્યારથી અમે લાલજી મહારાજને રાખ્યા છે અને એ પ્રસાદીના લાલજી છે. પછી તો મહારાજ બે માસ પછી ધામમાં ગયા. ત્યારે હું જુનાગઢ પહાગચ્યો અને મહારાજના અગ્નિસંસ્કાર થયા હતા ત્યારે મહારાજનાં ચરણ થોડા બહાર હતા અને હું ચરણને જોઈ દંડવત્ કર્યા અને રોવા લાગ્યો ત્યારે મહારાજના ચરણમાં ચિન્હનાં દર્શન થયા. પછી વિદેશના ભક્તો સૌ ભેળાં મળ્યા અને મહારાજની સ્મૃતિમાં સાત દિવસની પારાયણ કરી. એને એ ખર્ચ શ્રીહરિ શરણાગતિ મંડળે ઉપાડ્યો હતો.
એક વખત મહારાજે દેવસ્વામીને શાસ્ત્રી બનાવ્યા ત્યારે મહારાજનો પૂના પત્ર આવ્યો કે, ૧ ધાબળી ઓઢાડવા મોકલાવજો. ત્યારે ભક્તો ભેળા થઈને મને કહ્યું, અમરશીભગત તમે જૂનાગઢ જાઓ અને આ ધાબળી લઈ જાઓ. એટલે હું જૂનાગઢ આવ્યો, મહારાજને પગે લાગ્યો અને દેવસ્વામીનું પૂજન કર્યું. મહારાજે કંકુ ચાંદલો કર્યો અને મેં ધાબળી ઓઢાડી. ત્યારે એક ભગત બોલ્યા, આ ભગત પૂનાથી આવ્યા છે. ત્યારે બધા સાધુઓની
આંખો પહોળી થઈ ગઈ. કે શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીના શિષ્યો ઠેઠ પૂના સુધી થયા છે. આ બીજાઓને સભાન કરવા ભગવાને લીલા કરી.
એક વખત પૂનાથી જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા ત્યારે દરરોજ સેવા નિમિત્તે ભકતો રપ પૈસા એક ડબ્બામાં નાખતા જાય. એમ કરતાં ડબ્બો પૈસાથી ભરાઈ ગયો ત્યારે અમે જૂનાગઢ આવ્યાને મહારાજની સામે ડબ્બો મૂક્યો ત્યાં મહારાજ કહે, આ શું છે ? અમે કહ્યું, મહારાજ આ તમારી સેવા દરરોજ થોડી થોડી ભેગી કરી છે એ સ્વીકારો. મહારાજે ડબ્બો ઢાળ્યો તો ચિલરનો ઢગલો થયો અને ગણતરી કરી ૪૬ રૂપિયા થયા. મહારાજ બહું જ રાજી થયા. આ તો ઘણાં રૂપિયા છે. એમ કહી રાજી થઈ સાકરનો ગાંગડો આપ્યો અને કહ્યું, જા આ દયાને દે ખાઈ જાય.
એક વખત ભલુભાઈ મારી સાથે હતા અને મહારાજ બોલ્યા કે, તું આ ઢોલક વગાડવામાં રહી ન જાતો. એટલે ભલુભાઈ કહે, મહારાજ હાલો ઉપર અગાસીએ રાસ રમવો છે. મહારાજે કાજુ, બદામની પ્રસાદી આપી. ભટુભાઈ કહે, આ ખાવું અને રમવું બે ભેગું ન થાય. પહેલાં રાસ રમીએ પછી નિરાંતે ખાઈશું, ત્યાં ઉપર ગયા અને આમ ગીરનાર તરફથી એક વાદળી આવી ને વરસાદ થયો ન રાસ રમ્યા ને ન પ્રસાદ જમ્યા. એમ મોટા સંતો કહે ત્યાં આપણું ધાર્યું ન કરાય, સંતો કહે તેમ કરી લ્યે તો રાજીપો મળી જાય.
એકવાર હું પૂના સાઈકલ લઈને કામે જતો હતો. ત્યાં એક ખીજડાનું વૃક્ષ આવ્યું. ત્યાં પૂર્વે સાત બાઈઓ દબાઈને મરી ગઈ હતી, તે ભૂતડિયું થઇ અને તે હું જ્યારે ત્યાં પહાગચ્યો ત્યારે એને મારામાં પ્રવેશ કર્યો અને હું ઘેર પહાગચ્યો ત્યારે દરરોજ સાંજે ચાર વાગે ત્યારે પેશાબ ચાલુ થઈ જાય. આમ સાત દિવસ થયા. એટલે મોટાભાઈ હું ને વેલજીભગત ત્રણે સૂરત આવ્યા ત્યારે સૂરતમાં કરફયુ હતો. ત્યારે મહારાજ સૂરત રામપુરા મંદિરે હતા. ત્યારે મહારાજ બાળ સ્વરૂપ લઈ અમને સ્વામિનારાયણ મંદિરના દરવાજે મૂકી ગયા. મહારાજ આવ્યા અને કહ્યું, કેમ આવવાનું થયું ? વેલજીભગતે માંડીને વાત કરી કે અમરશીની તબિયત સારી નથી. ત્યારે મહારાજે એક રૂમમાં મને લઈ સૂવાડ્યો ઉપર પગ મૂક્યો. સવળો સુવાડ્યો ને છાતી ઉપર ચરણાર્વિદ મૂક્યા ને પેલી ભૂતડીયો પ્રકાશના લિસોટાની જેમ નીકળી એટલે મહારાજ કહે, જો હવે ગઈને. મેં કહ્યું, હા મહારાજ ગઈ. એટલે મહારાજ કહે પાંચ વાગ્યા છે. અત્યારે સ્ટેશન જાઓ ત્યાં જ કાંઈક જમી લેજો અને પૂના વયા જાઓ. આમ ભગવાને મારી રક્ષા કરીને મને નવું જીવન આપ્યું.
એક વખત વિદેશથી દેશમાં આવવાનું નક્કી કર્યું ત્યારે ધીરૂભગતને હું બજારમાં ખરીદી કરી આવ્યા હવે હું જે પલંગ ઉપર ત્રણ વર્ષ સૂતો તે જ પલંગ ઉપર હું સૂતો હતો, પરંતુ રાત્રો ખબર નહીં હું કેમ પડી ગયો અને માથામાં હેમરેજ થઈ ગયું. એટલે કંપનીવાળાએ હોસ્પિટલમાં દાખલ કર્યો, મારું ઓપરેશન થયું અને પલંગમાં સૂવાડ્યો હતો. ત્યારે મહારાજ પાઘધારી ભગવા વસ્ત્રો પહેરી હાથમાં માળા ધરીને આવ્યા. મારા શરીરે હાથ ફેરવ્યો અને નર્સને દર્શન દીધા અને નર્સને પ્રસાદી આપી. પછી નર્સે મને વાત કરી કે, તમારા ગુરૂની કૃપાથી તમે બચ્યા છો. પછી હું દેશમાં આવ્યો મહારાજના દર્શને ગયો. મહારાજે અંગૂઠાનું જળ પીવડાવીને કહ્યું કે, જાઓ તમારા જાણ્યે-અજાણ્યે થયેલા પાપ માફ, હવે ચિંતા ન કરવી, ઘરે પહાગચી જાવ ને બસ ભજન કરો, સેવા કરો, અફસોસ ન કરવો.
એક વખત કુંકાવાવમાં બ્રહ્મપેલેસનું ખાતમુહૂર્ત હતું અને દુબઈથી હું આવ્યો એટલે રૂ.પ૦,૦૦૦/- સેવા લખાવી ત્યારે મહારાજ દર્શન દઈ કહે, તારે બે લાખ સેવા કરવાની છે અને આ સેવાના પ્રતાપથી હું તને સુખિયો કરી દઉં. પછી એક વખત મહારાજે દર્શન દઈને કીધું કે, હવે તારી પાસે જે ઘરબાર નાણું છે તેમાં જીવનનિર્વાહ માટે કાંઈ ઓછપ નથી ને ? આમ મહારાજે મને અનુસંધાન આપ્યું કે, તે મારી આજ્ઞા પ્રમાણે બે લાખની સેવા કરી તેના પ્રતાપે બેઠાં બેઠાં સુખેથી જીવન પસાર થાય એવું મહારાજે ગોઠવી દીધું ને સુખિયા કરી દીધા. આમ મને મહારાજની પ્રાગટ્યભૂમિ કુંકાવાવ બ્રહ્મપેલેસ મંદિરમાં સેવાનો લાભ મળ્યો તેમજ વર્ષો સુધી ફુલવાડી પરમધામ મંદિરમાં પણ મને અને મારા ધર્મપત્ની દયાબેનને જે મહારાજની સેવાનો દર્શનનો લાભ મળ્યો છે તેથી અમે ધન્યતા અનુભવીએ છીએ.
આમ મહારાજ પોતાના ભક્તોની સંભાળ રાખે છે. જીવ ભલે ગમે એવો અવળો હોય પણ ભગવાનની નજરમાં આવી જાય તો ભગવાન કહે અમે એમને મૂકતા નથી. કદાચ માયાને લઈ જીવ અમને ભૂલી જાય પણ અમે ભૂલતા નથી. તેમ જે જીવ ભગવાનનો શરણાગત થાય અને સમયે સમયે ભગવાનનાં સંકલ્પ અને સંતની સેવા કરે તો ભગવાન જીવની અવળાઈ સામું જોતા નથી અને સુખ આપીને દર્શન આપીને ચમત્કાર વાપરે તેમ છતાંય જીવ ન સમજે તો દુઃખ આપીને પણ ભગવાન કહે છે અમે અમારા ભક્તને તારી લઈએ છીએ.