અનાદિ મુક્તરાજ કાન્તિલાલભગત ધનજીભાઈ ગોહેલ
ધોરાજી
મહારાજ જૂનાગઢ બિરાજતા હતા ત્યારે હું ધોરાજીથી મહારાજના દર્શન કરવા ગયો. ત્યારે મને પેટમાં બહું દુઃખાવો થતો તો મહારાજ કહે સૂઈ જા અને મહારાજે પેટ પર પગ મૂક્યો ને કહે જા હવે ક્યારેય નહીં દુઃખે.
એક વખત અમે જૂનાગઢ ગયા ત્યારે મહારાજના દર્શન કર્યા. મહારાજ કહે, આપણે નારાયણધરે જવાનું છે. મેં કહ્યું, હાલો મહારાજ એટલે હું ને મહારાજ ચાલતા નારાયણધરે ગયા. મહારાજે ગોપીયુંને પહેલાં ત્યાં મોકલાવી હતી ને અમે નારાયણધરે ક્યારે પહાગચી ગયા ખબરેય ન પડી. ત્યાં સૌ ગોપીયું એ મહારાજને નવડાવ્યા અને હું દર્શન કરતો હતો. આમ મહારાજે સ્નાન કરી લીધું એટલે મહારાજ ગોપીયુંને કહે, હવે તમેય જાઓ ને અમેય જઈએ. આ ભીના વસ્ત્ર રસ્તામાં સૂકાઈ જશે. અમે વળતા થયા ત્યાં અશોકનો શીલાલેખ આવ્યો ત્યારે મહારાજે થોડું થોડું વાંચ્યું તેમ ત્યાંથી આગળ ચાલતા થયા ત્યાં એક મોટું જાડું ઝાડ બતાવી મહારાજે કહ્યું, આ પ્રસાદીનું ઝાડ છે.
મહારાજ ધોરાજી આવ્યાં ત્યારે અમે મહારાજની ચરણસેવા કરતા હતા. ત્યારે મહારાજ રાજી થઇ બોલ્યા, ભગત માંગો માંગો તમને મોટર, બંગલા આપું કે સોનાનાં હિંડોળે ઝુલાવું કે ગામનો નગરશેઠ બનાવું, બોલો ભગત શું જોઈએ ? મેં મહારાજને કહ્યું, મહારાજ તમારા ચરણની રજ-સેવા અને ભક્તિ આપો.
એક વખત હું જૂનાગઢમાં મહારાજની ચરણસેવા કરતો હતો ત્યારે મહારાજ બોલ્યા, હું ફૂલવાડી જઈ આવું એક ભગત પડી ગયા છે તેને ઊભો કરી આવું. આમ મહારાજ દિવ્ય સ્વરૂપે ભક્તોની રક્ષા કરતા હતા.
એક વખત મારા ઘરનાં ને પેરાલિસીસ થઈ ગયું ત્યારે મહારાજને પ્રાર્થના કરી અને મહારાજનો મંત્ર બોલતા બોલતા તેના પડખાં પર હાથ ફેરવતાં ફેરવતાં રાત પૂરી નીકળી ગઈ ને સવારે જોયું તો એમને પેરાલિસીસ મટી ગયું હતું. આમ મહારાજે અમારી રક્ષા કરી હતી. હું અવારનવાર ધોરાજીથી ફૂલનો હાર બનાવી જૂનાગઢ મહારાજના દર્શને જતો પહેરાવતો અને રસોઇ પણ આપી મહારાજને રાજી કરતો.
આમ કાંતિલાલભગતનો સ્વભાવ નિર્મળ, ભોળા અને ભક્તોને જોઈ રાજી રાજી થાય. તેમ મહારાજના વિશ્વાસુ એકાન્તિક સંત છે. મંજુબેન પૂર્વના ભગવાનના યોગની ઈચ્છાવાળા તે અવતારી પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રીકૃષ્ણનાાયણ ભગવાને કૃપા કરી તેમના સર્વ સંકલ્પ પૂર્ણ કર્યાં છે. તેમના પુત્ર પરિવાર તે ભગવાનના ધામના મુક્તો પધાર્યા છે. આમ ભગવાનનો રાજીપો લેવાવાળું દિવ્ય કુટુંબ છે. તેમજ મહારાજનું સદા આઠે પહોર ભજન કરાવવાળા જેથી ભગવાન તેના ભેળા જ છે અને હેમંતભગત, ભગવાનજીભગત, પાર્વતીબેન, પ્રભાબેન, લીલાબેન (લંડનવાળા), મંજુબેન એમ ધોરાજી મંડળ તે મહારાજના અંગત ભક્તો-મુક્તો હોય એવી સમજણયુક્ત ભગવાનની સેવા ભક્તિ કરે છે. જે દેહ મૂકીને ધામમાં ભગવાનને પામવા હતા તે આ છતે દેહે ભગવાન પામ્યા છે અને ઘરને પરમધામ બનાવ્યું છે. પોતે ભગવાનને રાજી કર્યાં છે અને બીજાને ભગવાનનો રાજીપો અપાવી રહ્યા છે. એવા પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના સંતો સદા જય પામો.
મંજુબેન કાન્તિલાલભગત ગોહેલ, ગામ ઃ ધોરાજી
મારી ઉંમર ૧૦ વર્ષની હતી ત્યારે અહીં ધોરાજીમાં હેમંતભગતના બેન પાર્વતીબેન, પ્રભાબેનનો સત્સંગ થવાથી મને પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની ઓળખાણ થઈ.
મહારાજ ઘણી વખત ધોરાજી આવતા ત્યારે આ પ્રભાબેન, પાર્વતીબેન થકી મહારાજનાં દર્શન તેમજ ચરણસ્પર્શ થતા. ત્યારે આ પાર્વતીબેન, પ્રભાબેન થકી પ્રગટ ભગવાનને પરનારાયણરૂપે ઓળખ્યા. આમ ભગવાન પણ અમને વ્હાલથી બોલાવતા, પ્રસાદીઓ આપતા અને લટકા એવા કરતા કે આપણું મન સદા મહારાજને જ દેખે. આમ મહારાજમાં અતિ હેત થતું અને અમે મહારાજને બહુ સંભારતા.
એક વખત અમે જૂનાગઢ મહારાજના દર્શન કરવા પાર્વતીબેન, પ્રભાબેન, મંજુબેન સાથે ગયા હતા ત્યારે જૂનાગઢ રાત રોકાયા હતા. ત્યારે મહારાજે કહેવરાવ્યું કે હનુમાન, ગણપતિજી પાસે મોડેથી બેસજો. એટલે અમે મોડેથી ત્યાં બેઠા. અમારો બનાવેલો હાર મહારાજ પહેરીને લટાર મારતા મારતા માળા ફેરવતા અમારી બાજુ આવ્યા ત્યારે અમો એ ચરણસ્પર્શ કર્યાં. મહારાજ બીજી પ્રદક્ષિણા ફરતા ફરતા આવ્યા ત્યારે મહારાજે પહેરેલો હાર
અમને આપ્યો અને ત્રીજી પ્રદક્ષિણા વખતે મહારાજ બોલ્યા હવે ઉતારે જાઓ. આમ દર્શન દેવા મહારાજ કોઈને કોઈ નિમિત્ત બનાવી ભક્તોને દર્શન આપતા.
એક વખત ધોરાજી લીલાબેનના ઘરે મહારાજ પધાર્યાં હતા. ત્યારે પ્રભાબેન, પાર્વતીબેન, મોટા મંજુબેન, લીલાબેન તેના ઘરનાં સૌ અમે ૮-૯ જણાં હતા. ત્યારે મહારાજને બાજોઠ ઉપર બેસાડ્યા હતા અને અમે ફરતા બેઠા હતા. ત્યારે મહારાજ કહે, માંગો માંગો શું જોઈએ છે ? ત્યારે અમે ભણતા એટલે કહ્યું, મહારાજ અમને પાસ કરી દેજો. પછી મહારાજના કર ચરણોમાં ચિન્હોનાં દર્શન કર્યાં.
એક વખત મહારાજ લીલાબેનના ઘરે આવ્યા અને અમે પણ ત્યાં બધાં ભેગાં થઈ ગયા. ત્યારે પાર્વતીબેન ભજીયા બનાવી મહારાજને જમાડતા ત્યારે મહારાજ કહેતા ભજીયા મોટી બેનના બનાવેલા છે. પછી અમે મહારાજ સાથે સત્સંગ-સેવા કરતા હતા. અમારા ભગત જ્યારે જ્યારે જૂનાગઢ જતા ત્યારે મહારાજ ધોરાજી મંડળ માટે પ્રસાદી મોકલાવતા.
ધોરાજીમાં હેમંતભગતના ઘરનાં ફળિયામાં ચંપાનું ઝાડ હતું તે ચંપાના ફુલનો હાર બનાવી પાર્વતીબેન દરરોજ ઘરે મહારાજને હાર બનાવી ધરાવતા. સમય જતા ભગવાનજી ભગતને જૂનાગઢ રહેવા જતા રહ્યા અને આ મકાન રેવા શંકરભાઈને વેચી દીધું એટલે આ ચંપો જગ્યા રોકતો હતો તેથી રેવા શંકરભાઈએ ચંપો કાપવાનું નક્કી કર્યું ત્યારે ચંપો કાપવા ગયા તો ચંપામાંથી અવાજ આવતો હે શ્વેતાયન... હે શ્વેતાયન... એમ આ ચંપો પણ ભગવાનનો ભક્ત હતો.
એક વખત અમારે ત્રણે સાસુ-વહુ ને જૂનાગઢ નારાયણધરે દર્શન કરવા જવું હતું ને વળી એમ થયું કે,આપણે એકલા ક્યાં નારાયણધરે જવું હાલો દામોદર કુંડ જઈએ. ત્યાં વરસાદ ચાલુ થયો તે હું બંને વહુની ચિંતા કર્યા વગર નારાયણધરે હાલતી થઈ અને નારાયણધરાનાં દર્શન કરી ચરણામૃત લીધું ત્યાં એક સફેદ કપડાં પહેરેલા વ્યક્તિ બેઠા હતા. તો મને મનમાં થયું મહારાજ બેઠા હશે કે શું ને બીજે દિવસે મહારાજે સ્વપનમાં દર્શન દઇને કહ્યું કે, તું એકલી ત્યાં નારાયણધરે ગઈ હતી. મને ચિંતા થઈ એટલે મેં હનુમાનજીને મોકલ્યા હતા.
ઘણી વખત હેમંતભગત ધોરાજી પધારતા ત્યારે ભગવાનની કથાઓ કરતા અને હેમંતભગતના મુખારવિંદ સામું જોઈએ તો તેજનાં ચક્રનાં તેની ચારેબાજુ દર્શન થતા.
એક વખત અમારા આ દિકરાઓને લઈ તેના પપ્પા મહારાજ પાસે દર્શન કરાવવા તેડી ગયા. ત્યાં રસ્તામાં રમકડાવાળો બેઠો હતો. છોકરાઓએ કજિયો કર્યો. એક કહે દુરબીન લેવું છે, બીજો કહે ચશ્મા લેવા છે. ત્યારે મેં કહ્યું, મહારાજના દર્શન કરીને પછી લઈ આપીશ. મહારાજ પાસે દર્શન કરવા ગયા ત્યાં બંનેને સામેથી મહારાજે ચશ્મા અને દુરબીન આપ્યા જે પ્રસાદી આજેય છે.
મહારાજે કૃપા કરી પ્રસાદીની વસ્તુઓ ઘણી આપી છે. મહારાજે ભગતને બોલાવીને લાલજી મહારાજ પણ આપ્યા છે. આ લાલજી મહારાજને બ્રાહ્મણો પાસે મંત્રો બોલાવીને ઘરે અમે પધામણી કરી છે.
આમ મહારાજે મને મારી નાની ઉંમરમાં જ ઓળખાણ કરાવી કે પોતે ભગવાન છે. એવા દર્શનો આપ્યા અને મારા બા-બાપુજી અને ઘરનાં સૌને મહારાજની ઓળખાણ થઈ અને મારા બાપુજી ધામમાં ગયા તે મારા મોટાબેનને રાજકોટમાં દર્શન થયા કે, મહારાજ સાથે બાપુજી આકાશમાર્ગે જાય છે.
અમે જૂનાગઢ ગુરૂપૂર્ણિમા જન્મજયંતિના દિવસે ખાસ જતાં ત્યારે મહારાજનાં મુખારવિંદનું તેજ બહુ જ દેખાતું અને તે દિવસે બહું જ આનંદ થતો.